રાજકોટમાં વધુ 2ના મોત, એક સપ્તાહમાં કોરોનાની સદી! ચા - પાન દુકાનો માટે કમિશનર નું જાહેરનામું
રાજકોટ, તા. 07 જુલાઈ 2020 મંગળવાર
રાજકોટમાં જુલાઇના પ્રથમ સપ્તાહમાં જ કોરોનાના કેસ એકસોને પાર થઈ ગયા છે અને રાજકોટની હોસ્પિટલમાં 24 કલાકમાં ચાર મૃત્યુ થયા. તેમાં રાજકોટ શહેરના બે મૃત્યુનો સમાવેશ થાય છે.
રાજકોટમાં કુલ મૃત્યુઆંક 12 ઉપર પહોંચ્યો છે. રાજકોટ ફાયરબ્રિગેડના સૂત્રો અનુસાર કોરોના થી મૃત્યુ થવાના કેસમાં ખાસ શબવાહિની માં મૃતદેહને અંતિમ ક્રિયા માટે માત્ર ફાયરમેન કે જે ચુસ્ત સુરક્ષા સાધનો સાથે સજ્જ હોય છે તેમના દ્વારા લઈ જવાય છે.
મહામારી ફેલાતા આજે મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ દ્વારા આજે બપોરે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં શહેરમાં આવેલી તમામ પાન માવા ની દુકાનો તેમજ ચા નાસ્તાની દુકાનો માટે ટેક અવે સિસ્ટમ ફરજિયાત બનાવાઇ છે. લોકો પાન માવા કે ખાણીપીણીની વસ્તુઓ ખરીદીને પાર્સલમાં સાથે લઈ જઈ શકશે પરંતુ દુકાને ઉભા રહીને પાન ખાઈ શકશે નહીં કે વધુ સમય ટોળા થાય તેમ દુકાને રહી શકશે નહીં.
તેમજ દુકાનદારોને કડક તાકીદ કરવામાં આવી છે કે તેઓએ ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને વસ્તુ લઈને ગ્રાહકો તુરંત ત્યાંથી નીકળી જાય દરેક માસ્ક પહેરે તે ફરજિયાત જોવાનું રહેશે અન્યથા આજે જારી કરાયેલા જાહેરનામા અન્વયે કડક પગલા લેવામાં આવશે. કમિશ્નરનું જાહેરનામું હવે રાજકોટની તમામ ચા નાસ્તાની લારીઓને પણ લાગુ પડશે તેમ જણાવાયું છે.