ભાવનગરની 7 વિધાનસભા બેઠક પર 2,431 ઇવીએમનુ પ્રીપરેશન કરાશે
- વિધાનસભા બેઠક પર ઈવીએમ પ્રીપરેશનની કામગીરીનો પ્રારંભ
ભાવનગર : ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા બેઠક પર ચૂંટણી વિભાગ દ્વારા કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજે સોમવારે ઈવીએમ પ્રીપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈવીએમ પર મતપત્રો લગાડવા સહિતની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન બેલ કંપનીના એન્જીનીયર હાજર રહેશે તેમજ રાજકીય પક્ષના સભ્યો હાજર રહેશે.
આશરે 3 દિવસે પ્રીપરેશન કામગીરી ચાલશે, બેલના 14 એન્જીનીયર અને રાજકીય પક્ષના સભ્યોની હાજરીમાં 150 થી વધુ કર્મચારી કામગીરી કરશે
વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા. ૧ ડિસેમ્બરે યોજાનાર છે. આ ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ રહ્યા છે તેથી ચૂંટણી વિભાગે ઈવીએમ તૈયાર કરવા સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે. ચૂંટણી માટે ૭૦,૯૬૦ મતપત્ર છપાવવામાં આવ્યા છે, જેમાંથી ર૪૩૧ બેલેટ યુનીટ અને ર૪૩૧ કન્ટ્રોલ યુનીટ પર મતપત્રો લગાડવામાં આવશે. આશરે ત્રણ દિવસ સુધી ઈવીએમ પ્રીપરેશનની કામગીરી શરૂ રહેશે. સાતેય વિધાનસભા બેઠક પર ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે, જેમાં ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, પાલિતાણા, મહુવા અને ગારિયાધાર વગેરે બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠક પર ર૪૩૧ ઈવીએમના પ્રીપરેશનની કામગીરી કરાશે.
આ કામગીરી દરમિયાન બેલના ૧૪ એન્જીનીયર અને રાજકીય પક્ષના સભ્યો હાજર રહેશે. આશરે ૧પ૦થી વધુ કર્મચારી પ્રીપરેશન કામગીરી કરશે. આ કામગીરી દરમિયાન હાજર રહેનાર દરેક વ્યકિત પાસે આઈકાર્ડ હોવુ ફરજીયાત છે તેમજ મોબાઈલ લાવી શકશે નહી તેમ ચૂંટણી શાખાના સુત્રોએ જણાવેલ છે. વિધાનસભાની ચૂંટણીના પગલે ચૂંટણી વિભાગ દ્વારા તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવી છે.
બોટાદ અને ગઢડા બેઠક પર પણ ઇવીએમ પ્રીપરેશનની કામગીરી કરાશે
બોટાદ અને ગઢડા વિધાનસભા બેઠક પર પણ ઇવીએમ પ્રીપરેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. બેલ કંપનીના એન્જીનીયરો અને રાજકીય પક્ષના સભ્યોની હાજરીમાં ઇવીએમ પ્રીપરેશનની કામગીરી કરવામાં આવતી હોય છે. આ કામગીરી આશરે ત્રણ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ચૂંટણીના પગલે અધિકારી-કર્મચારીઓની દોડધામ વધી ગઈ છે.