ધંધુકા, તા.10 ઓગસ્ટ 2019, શનિવાર
ધંધુકા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ ઈંચ વરસાદ પડયો છે. સીઝનનો કુલ ૨૮ ઈંચ વરસાદ ખાબકયો છે.છેલ્લા ૨૪ કલાકના વરસાદે વહિવટી તંત્રને દોડતુ કરી દીધુ છે. ધંધુકા તાલુકામાં ભારે પવન સાથેના વરસાદથી છેલ્લા ૨૪ કલાકમાં દોડધામ શરુ થઈ હતી. વહિવટી તંત્રનો કન્ટ્રોલ રુમ ધમધમતો થઈ ગયો હતો. પંથકના પરબડીગામ બહારના વિસ્તારના ૨૭ કુટુંબના ૧૦૨ જેટલી વ્યકિતઓ અસલામત હોવાના મળેલા સમાચારથી મામલતદાર ઈશ્વરભાઈ પરમારઅને તાલુકા વિકાસ અધિકારી યોગેશ મહેતા દ્વારા રેસ્કયુ ટીમ બોલાવી પરબડીના તમામ માણસોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ઉપરાંત યાત્રાધામ તગડી મહાપ્રભુજીની બેઠક ગામના નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૬ કુટુંબના ૫૬ માણસોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. પંથકના આકરુ ગામનું તળાવ બે જગ્યાએ ડેમેજ થતા સરપંચ દ્વારા તેની મરામત યુધ્ધના ધોરણે કરાવાઈ હતી. તળાવ ડેમેજ થતા તેનુ પાણી ગામની પાછળના ભાગમાંથી નિકાલ કરાયો હોવાનું વહિવટી તંત્ર દ્વારા જણાવાયુ હતુ. ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે આ પંથકના ૪૪ ગામોના તળાવો નવા નીરથી ભરાઈ ગયા હોવાના આધારભૂત અહેવાલો મળ્યા છે.
આ પંથકના સાલાસર, બાજરડા, નાના ત્રાડીયા સહિતના ગામોમાં જવાના રસ્તાઓ ઉપર અને ચારે બાજુ પાણી રોડ પરથી વહેતા થયા છે. જેના કારણે અનેક ગામો વિખુટા પડી ગયા છે. કોઈ જાનહાનીના સમાચાર નથી. ઘણા ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. જેમાં વાસણા, ગુંથર, કોટડા, રંગપુર,પરબડી અને છારોડીયા સહિતના ગામોમાં ગઈ કાલથી વીજપુરવઠો મળ્યો નથી.અડવાળથી બાજરડા ગામ સુધીમાં ૮ થી ૧૦ વીજપોલ પાણીના પ્રવાહથી પડી ગયા હોવાના સમાચાર છે. ઝાંઝરકા ગામ ફરતું પાણી ફરી વળ્યુ છે. જેથી ગામ ઉપર જવાતુ નથી.
ધંધુકા શહેરમાં ૩૦ ઝુપડા પાણીમાં ગરકાવ, ૨૦૦ માણસોને અસર છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ ઈંચ વરસાદના કારણે ધંધુકા શહેરના ઘણા બધા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હતા. અને ૩૦ ઝુપડાઓ પાણીમાં ગરકાવ થઈ જતા ૨૦૦ લોકો કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા. શહેરના પુનિતનગર ઉપરાંત ઘણી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા.
જયારે પટેલવાડી, રાણપુર રોડ, બજરંગ સોસાયટી, કોલેજ રોડ, ગૌરવ પથ અને એસ.ટી. રોડ સહિતઅનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. રાણપુર રોડ પરથી પાણી પુરવઠા કચેરીની બાજુમાં આવેલા ૩૦ ઝુપડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેના કારણે આ ઝુપડપટ્ટીનો માલસામાન પાણીમાં તણાઈ જવા પામેલ. મોટા ભાગનો સામાન પલળી જતા આ ઝુપડપટ્ટીના રહિશોને વ્યાપક પ્રમાણમાં નુકશાની થવા પામી હતી.
જયારે પટેલવાડી વિસ્તારના ૮ હજાર માણસોને પાણી ભરાવાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. આજે પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને શહેરની પ્રજા દુર્ગંધયુકત પાણી મિશ્રિત કીચડ ખૂંદીને મહામુશ્કેલીથી અવરજવર કરી રહ્યા છે. ગૌરવ પથ પરના રોડમાં ઠેરઠેર ખાડાઓ પડી ગયા છે. સુધરાઈના સત્તાવાળાઓ ખાડા પુરાવી ગૌરવ પથમાં ભરાયેલા પાણીનો નિકાલ કરાવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામેલ છે.
ગડી નજીક નાળામાં ભંગાણ પડતા ટ્રાફીક વ્યવહાર ખોરવાયો
ધંધુકા ભાવનગર ધોરી માર્ગ પર આવેલ તગડી (મહાપ્રભુજીની બેઠક) પાસે વરસાદી પાણીનો ભરાવો થતાં ભાવનગર ધોરી માર્ગ પરના નાળા નજીક મોટુ ભંગાણ પડયું હતું. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર અને જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓ અને મામલતદાર દોડી ગયા હતા અને ભંગાણને યુધ્ધના ધોરણે મરામત કરી રીપેર કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જો આ નાળાની બાજુના ભંગાણની મરામત સમયસર ન થવા પામી હોત તો ભાવનગર અમદાવાદ વલભીપુરનો ટ્રાફીક ખોરવાઈ જવા પામ્યો હોત. જ્યારે ધંધુકાથી લીમડી માર્ગ પર આવેલ વનાળા ગામ નજીક વધુ પાણી રહેતુ હોવાના કારણે ટ્રાફીક બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમજ ધંધુકા રાણપુર રોડ પર આજે બપોર બાદ ટ્રાફીક બંધ કરવાની ફરજ પડી હતી. ધંધુકા પાસેના રાણપુર રોડ પર બ્રોડગેજ રેલવે ટ્રેક પર માટીમાં એક ટ્રક ફસાઈ જતા રોડનો ટ્રાફીક વ્યવહાર ખોરવાયો હતો. જેને લઈ રેલવે તંત્ર દ્વારા ટ્રકને હટાવવાની કામગીરી શરૂ કરી હતી.


