Get The App

ભાવનગરમાં ભાજપના 13 વોર્ડ પ્રમુખ, મહામંત્રીના નામ જાહેર

Updated: Nov 13th, 2019

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં ભાજપના 13 વોર્ડ પ્રમુખ, મહામંત્રીના નામ જાહેર 1 - image

ભાવનગર, તા. 13 નવેમ્બર 2019, બુધવાર

ભાવનગર શહેર ભાજપ સંગઠને આજે બુધવારે 13 વોર્ડના પ્રમુખ અને મહામંત્રીના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. અનેક કાર્યકરો વોર્ડ પ્રમુખ અને મહામંત્રી બનાવ તલપાપડ હતા અને લાંબા સમયથી ભલામણનો દૌર શરૂ હતો પરંતુ આજે વોર્ડ પ્રમુખ, મહામંત્રીના સત્તાવાર નામ જાહેર કરવામાં આવતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો.

ભાજપનુ સંગઠન પર્વ હાલ ચાલી રહ્યુ છે, જેના ભાગરૂપે ભાવનગર શહેરના 13 વોર્ડમાં એક-એક વોર્ડ પ્રમુખ અને બે મહામંત્રી બનાવવાના હતાં. વોર્ડ પ્રમુખ અને મહામંત્રી બનવા અનેક કાર્યકર ઉત્સાહીત હતા તેથી ભલામણનો દૌર પણ ચાલી રહ્યો હતો પરંતુ સ્થાનીક સંગઠને કેટલાક નામની યાદી પ્રદેશ ભાજપને મોકલી હતી. આજે બુધવારે પ્રદેશ ભાજપમાંથી વોર્ડ પ્રમુખ અને મહામંત્રીના નામની યાદી આવતા સ્થાનીક શહેર સંગઠને નામની જાહેરાત કરી હતી. ભાવનગર શહેર સંગઠનના હોદ્દેદારો બોરતળાવ, વડવા, કાળીયાબીડ, સરદારનગર, પીરછલ્લા સહિતના 13 વોર્ડમાં ગયા હતા અને દરેક વોર્ડમાં જઈ વોર્ડ પ્રમુખ તેમજ બે મહામંત્રીના નામ કાર્યકરોની ઉપસ્થિતમાં જાહેર કર્યા હતાં.

વોર્ડ પ્રમુખ અને મહામંત્રીના નામ જાહેર થતા કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા પરંતુ કેટલાક કાર્યકરના નામ વોર્ડ પ્રમુખ કે મહામંત્રી તરીકે જાહેર નહી થતા તેઓમાં નિરાશા ફેલાય ગઈ હતી અને કચવાટ કરતા નજરે પડયા હતાં. આ કામગીરી મોડીરાત્રી સુધી ચાલી હતી. વોર્ડ પ્રમુખ અને મહામંત્રી બાદ હવે શહેર સંગઠન માટે કવાયત હાથ ધરવામાં આવશે. ભાવનગર શહેર સંગઠનમાં પ્રમુખ, મહામંત્રી વગેરેના નામ આગામી દિવસોમાં પ્રદેશ સંગઠનમાંથી જાહેર કરવામાં આવશે. હાલ હોદ્દા મેળવવા ભાજપ અગ્રણીઓ દોડધામ કરી રહ્યા છે ત્યારે કોને મહત્વના હોદ્દા મળે છે ? તેની રાહ જોવી જ રહી.
Tags :