અગાઉ થયેલ બોલાચાલીની અદાવતે 12 શખસોએ બોલાવી બાકાઝીક: છને ઇજા
ભાવનગર, તા. 03 નવેમ્બર 2019, રવિવાર
ગારિયાધાર તાલુકાના ભંડારીયા ગામના યુવાન સાથે અગાઉ થયેલ બોલાચાલીની અદાવત રાખી અખતરીયા ચોકડી પાસે સમઢીયાળા ગામના 12 શખસોએ સશસ્ત્ર હુમલો કરી પાઇપ-ધારિયા જેવા હથિયારો સાથે બાકાઝીંક બોલાવતા છ વ્યક્તિને ઇજા પહોંચતા ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. જે બનાવ અનુસંધાને પોલીસે ગુનો દાખલ કર્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગારિયાધાર તાલુકાના ભંડારીયા ગામે રહેતા સોમાભાઇ મેરાભાઇ ખટાણા (ઉ.વ.37)એ ગારિયાધાર પોલીસ મથકમાં સમઢીયાળા ગામના રાજુ જીવરાજભાઇ ચાવડા, હિંમત જાદવભાઇ ચાવડા, જયસુખ જીવરાજભાઇ ચાવડા, નાનજી જીવરાજભાઇ ચાવડા, અશોક વિનુભાઇ ચાવડા, કાળુ ઝાલા, રમેશ જાદવભાઇ ચાવડા, વિનુ જાદવભાઇ ચાવડા, ચંદુ વિનુભાઇ ચાવડા, હરેશ હિંમતભાઇ ચાવડા, ઘનશ્યામ જીવરાજભાઇ ચાવડા, ગણેશ જીવરાજભાઇ ચાવડા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ સાહેદ જગદિશભાઇ જીકાભાઇ રબારીને હિંમત ચાવડાના દિકરા સાથે અગાઉ બોલાચાલી થયેલી જેની દાઝ રાખી ગઇકાલે બપોરે 3 કલાકના અરસા દરમિયાન અખતરીયા ગામની ચોકડી પાસે ઉક્ત શખસોએ હથિયારો ધારણ કરી ભાલુ, તલવાર, પાઇપ, ધારિયા વડે હુમલો કરી જગદિશભાઇ રબારી, ભાવેશભાઇ ખટાણા, કનુભાઇ નારણભાઇ રબારી, કલ્પેશભાઇ ખટાણા, જીકાભાઇ રબારી અને તેઓને ઇજા પહોંચાડી હતી. દરમિયાન તેઓના અન્ય કુટુંબીજનો આવતા શખસો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતાં. બનાવ અનુસંધાને ગારિયાધાર પોલીસે તમામ શખસો સામે IPC 323, 324, 325, 506(2), 114 તેમજ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.