Updated: May 26th, 2023
એસઆરપી અને પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકેલી વીજતંત્રની ૩૭ ટીમે ૩૬૭ જોડાણ ચેક કર્યા
ભાવનગર: ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ તંત્ર દ્વારા એસઆરપી અને પોલીસના બંદોબસ્તને સાથે રાખી સતત ત્રીજા દિવસે સામૂહિક વીજચેકીંગ ડ્રાઈવ ગોઠવી ૨૯.૭૫ લાખની વીજચોરી કરતા ૧૦૧ ગ્રાહને પકડી પાડયા હતા.
પીજીવીસીએલ તંત્ર દ્વારા ઇન્સ્ટોલેશન ચેકીંગ ડ્રાઈવના અનુસંધાને ગઈકાલે મહુવા વિભાગીય કચેરી હેઠળની મહુવા શહેર, મહુવા ગ્રામ્ય-૧, ૨ અને જેસર પેટાવિભાગીય કચેરી હેઠળના વિવિધ વિસ્તારોમાં એસઆરપી અને પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત સાથે પાવર ચોરી કરતા લોકો ઉપર તવાઈ બોલાવી હતી. વીજ તંત્રના ઈજનેરોની ૩૭ જેટલી ટીમે રહેણાંક, વાણિજ્યક અને ખેતીવાડી મળી ૩૬૭ કનેક્શન ચેકી કરતા ૧૦૧ વીજ જોડાણમાં જુદા-જુદા પ્રકારની ગેરરીતિ મળી આવતા રૂા.૨૯.૭૫ લાખની દંડનિય આકારણીના બીલ ફટકારવામાં આવ્યા હતા. જેમાં મહુવા શહેર પેટા વિભાગીય કચેરી હેઠળના ગ્રાહક ખાલીદ એ. ભંડારીને રૂા.૨.૬૫ લાખ, જેસર પેટા વિભાગીય કચેરી હેઠળના ગ્રાહક ભરત સોંડાભાઈ પઢીયારને રૂા.૧.૪૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, ભાવનગર વર્તુળ કચેરી હેઠળ જ્યોતિગ્રામ ફીડરો ઉપર નો લોસ ૪૧.૧૦ ટકા અને ખેતીવાડી ફીડરો ઉપર નો લોસ ૧૯.૬૮ ટકા હોય, જેથી ચેકીંગ ઝુંબેશને આગામી દિવસોમાં વધુ વ્યાપક બનાવવામાં આવશે તેમ વીજ તંત્રના સત્તાવાર સાઘનોએ જણાવ્યું છે.