રાજકોટમાં 10.68 લાખ મતદારો, મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ, ચૂંટણીનો ધમધમાટ
રાજકોટ, તા. 5 જાન્યુઆરી 2021, મંગળવાર
ગુજરાતમાં રાજકોટ, જામનગર, ભાવનગર તથા વડોદરા, અમદાવાદ, સુરત મહાનગરપાલિકાઓની ચૂંટણીની તડામાર તૈયારીઓ એક તરફ વહીવટી તંત્ર દ્વારા તો બીજી તરફ રાજકારણીઓ દ્વારા કરવામાં આવી રહી છે. અન્વયે આજે રાજકોટ મહાપાલિકા દ્વારા 10.68 લાખ મતદારોને નામ અને ફોટાવાળી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ મતદાર યાદી સંપૂર્ણપણે રાજકોટ ઢેબર રોડ પર આવેલ મહાપાલિકા કચેરી ખાતે તેમજ 18 વોર્ડ વાઈઝ જે તે વોર્ડ ઓફિસે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં નાગરિકો પોતાના નામ ચકાસી શકશે. રાજકોટમાં 5 વર્ષમાં આશરે પોણા બે લાખ મતદારોનો ઉમેરો થયો છે. જ્યારે મતદાર યાદીમા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલી આદિ કરતા આશરે 4000 નામો નવા ઉમેરાયા છે.
મહાપાલિકાની ચૂંટણી નજીકના ભવિષ્યમાં જાહેર થાય તેવી સંભાવના છે. જે અન્વયે મહાપાલિકા દ્વારા મતદાન મથકો મતદાર યાદી ઈવીએમ મશીનો ઉપરાંત કોરોના કાળને ધ્યાનમાં લઇ માસ્ક સહિત જરૂરી સાધનસામગ્રી પણ તૈયારી હાથ ધરવામાં આવી છે.