Get The App

જૂન સુધી 1થી 5 ટકા, જૂલાઈમાં ટેસ્ટના 15થી 30 ટકા પોઝીટીવ!

- મહામારીના મુદ્દે મહાનગર મુકાઈ રહ્યું છે રામભરોસે

- હોસ્પિટલો ભરાવા લાગી,હવે જેટલા નવા દાખલ થાય તેના અર્ધા જ ડિસ્ચાર્જ

Updated: Jul 22nd, 2020

GS TEAM

Google News
Google News
જૂન સુધી 1થી 5 ટકા, જૂલાઈમાં  ટેસ્ટના 15થી 30 ટકા પોઝીટીવ! 1 - image


વારાફરતી ૩  સચિવો આવ્યા, ફર્ક ન પડયો 

રાજકોટ, તા. 22 જુલાઈ, 2020, બુધવાર

રાજકોટમાં તા.૧૮ માર્ચે કોરોનાનો પ્રથમ કેસ વિદેશથી આવેલ વ્યક્તિનો નોંધાયો તેના સાડાત્રણ માસમાં, ૩૦ જૂન સુધીમાં શહેરમાં કૂલ ૧૭૩ કેસ નોંધાયા હતા અને આજે જૂલાઈના માત્ર ત્રણ સપ્તાહમાં  કેસની સંખ્યા ૭૪૧ ઉપર પહોંચી છે અને ગંભીર વાત એ છે કે જો સરકાર છેલ્લા ચાર-પાંચ દિવસના આંકડા પર જ નજર કરે તો એપ્રિલ-મેમાં જે ટેસ્ટ થતા તેના એક-બે ટકા, જૂનમાં પાંચ ટકા કેસો પોઝીટીવ આવતા અને હવે ૧૫થી ૩૦ ટકા કેસો પોઝીટીવ આવે છે અને છતાં તંત્રની ઘોર ઉપેક્ષા  તો એ છે કે ટેસ્ટની સંખ્યા વધારાતી નથી., વારાફરતી ૩  સચિવો આવ્યા, ફર્ક ન પડયો 

કોરોનાનું સંક્રમણ રોકવા ટેસ્ટની સંખ્યા મહત્તમ વધારવી તે પાયાની વસ્તુ છે તે વાત ચાર મહિના પહેલાથી સર્વવિદિત છે. આમ છતાં ટેસ્ટ ઘટાડવાની માનસિકતા રહી છે. ઘરે ઘરે સર્વે કરીને શરદી-ઉધરસ, તાવ, નબળાઈ, શ્વાસમાં તકલીફ વગેરે લક્ષણો હોય ,કમસેકમ તેમનો તુરંત ટેસ્ટ કરાવવાનો મનપાન ોપ્લાન નથી કે એક્શન નથી. જો ટેસ્ટ થાય તો સમયસર કોરોના હોવાની જાણ થાય તો મોતનું પ્રમાણ ઘટાડવા સમયસર સારવાર આપી શકાય, બીજા લોકોમાં ચેપ ફેલાતો અટકાવી શકાય. 

 રાજકોટની હોસ્પિટલોમાં હજુ નજીકના ભૂતકાળમાં જેટલા કેસ પણ નોંધાતા ન્હોતા એટલા રોજના પાંચ-છ મૃત્યુ નોંધાય છે જેમાં મોટાભાગના બહારગામના હોય છે.  શહેરનું ફાયરબ્રિગેડ રોજ પાંચ-છ શબવાહિની કોરોના કે શંકાસ્પદ કોરોનાથી મૃત્યુ પામેલાની અંતિમક્રિયા માટે મોકલે છે. 

શહેરની કૂલ વસ્તી આશરે ૧૮ લાખની છે, ઈ.સ.૨૦૧૧ની સ્થિતિએ તે ૧૩ લાખની હતી. આ વસ્તીનો પૂરો અર્ધો ટકો ટેસ્ટ પણ કરાયા નથી. તાત્કાલિક તંત્ર ન બધાના ટેસ્ટ ન કરી શકે પણ ચાર  માસ જેવા લાંબા સમયમાં માત્ર ૭ હજાર ટેસ્ટ થયા છે. મનપાની ઘોર બેદરકારી તો એ પણ છે કે છેલ્લા ઘણા મહિનાથી મનપાના આરોગ્ય કેન્દ્રોમાં શરદી,ઉધરસ,તાવ (કોરોના જેવા સિમ્પટમ્સ)ના દર્દીઓ નોંધાય છે તેની વિગતો જાહેર કરવાનું બંધ કરી દીધું છે. 

નવી નવી હોવિડ હોસ્પિટલો થતી જાય છે અને તે ઝડપથી ભરાતી જાય છે. હવે ટ્રેન્ડ એવો ચિંતાજનક છે કે જેટલા ડિસ્ચાર્જ થાય છે તેના કરતા બમણાં નવા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે. રોજના  ૪૦-૫૦ નવા દર્દીઓ ઉમેરાતા જાય છે. આ સ્થિતિનો ખાનગી હોસ્પિટલો કે જેઓ ચાલતી ન્હોતી તેમને તો લાભ મળી રહ્યો છે પણ દર્દીઓ બન્ને બાજુએ આર્થિક અને શારીરિક રીતે પીડાય છે. 

અમદાવાદ, સુરતના પગલે રાજકોટમાં મહામારી ફેલાતા  રાજ્ય સરકારે પહેલા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેને, પછી આરોગ્ય સચિવ  જયંતિ રવિને મોકલ્યા અને ગઈકાલે ખાસ અધિકારી સચિવ પંકજકુમાર પણ રાજકોટ આવી ગયા. કમિશનર, કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠકો થઈ, ઘણીબધી વાતો થઈ. 

પરંતુ, આ મીટીંગો પછીય સચિવોએ તો કામગીરીના વખાણ કર્યા, સંતોષ વ્યક્ત કર્યો પણ નથી તો ટેસ્ટમાં મોટો વધારો થયો, નથી ધન્વંતરી રથો ઘરે ઘરે પહોંચે તેવી કોઈ વ્યવસ્થા થઈ, નથી લોકોને કોરોનાની દવા-ઈન્જેક્શનો ત્વરિત નિયત દરે પુરતા મળી જશે તેવી કોઈ ખાત્રી કે વિશ્વાસ અપાયા, નથી ચેકપોસ્ટ શરુ કરીને બહારથી આવનારાનું સ્ક્રીનીંગ શરુ કરાયું કે નથી સરકારી હોસ્પિટલોની પર્યાપ્ત સુવિધા કરાઈ કે જેથી લોકોને ચેપ લાગે તો કમસેકમ સારવાર વિનામૂલ્યે મળી શકે. ખુદ મનપા કચેરીએ જ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થાય તેવી અવ્યવસ્થા સર્જાઈ છે. 

 હા, સચિવો આવ્યા પછી એક કામ થયું અને તે મીટીંગનું અને બીજું કામ એ થયું કે મૃત્યુના કૂલ આંકડા જાહેર કરવાનું બંધ કરી દેવાયું! ૅજિલ્લા આરોગ્ય તંત્ર તો પહેલેથી જ દર્દીઓની વિગતો જ જારી કરતું નથી. રોગચાળા માટે લોકોની દ્રષ્ટિએ સાદો નિયમ છે, તેને છુપાવો તેમ તે વધે. બાજુમાં પડોશી કે સહકર્મીને કોરોના થયો કે મૃત્યુ થયું તે વાત લોકો જાણે તો ભયથી પણ માસ્ક,સોશ્યલ ડિસ્ટન્સ પ્રતિ પ્રીત થાય પણ કશુ ન થયું હોય તો માસ્ક વગેરેમાં લાપરવાહીની ભીતિ રહે છે. 

શહેરમાં હવે આ સ્થિતિમાં લોકડાઉન માટે માંગણી કેટલાક લોકો કરી રહ્યા છે, તો સામે ધંધા બંધ થાય તો ઘર કેમ ચલાવવું તેવું નાના વેપારીઓ, ધંધાર્થીઓ સણસણતો સવાલ પણ કરે છે. 

Tags :