For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટિકિટ ચેકીંગ ઝુંબેશમાં 184 યાત્રિકો પાસેથી 1.63 લાખની દંડ વસૂલાત

Updated: Sep 17th, 2022


- ટિકિટ વિના-અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા લોકો પર તવાઈ

- અલગ-અલગ સેક્શનમાં ટિકિટ નિરિક્ષકોની ટીમે ઝુંબેશ ચલાવી, આગામી દિવસોમાં ઝુંબેશને સઘન બનાવાશે

ભાવનગર : ભાવનગર રેલવે દ્વારા ટ્રેનોમાં ટિકિટ વિના કે અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા લોકો પર તવાઈ બોલાવવા ખાસ ટિકિટ ઝુંબેશ યોજવામાં આવી છે. જે અંતર્ગત રેલવેની ટિકિટ નિરિક્ષકોની ટીમે એક જ દિવસમાં ૧૮૪ મુસાફરો પાસેથી રૂા.૧.૬૩ લાખથી વધુનો દંડ વસૂલ્યો હતો. હજુ આગામી દિવસોમાં પણ આ ઝુંબેશને સઘન બનાવવામાં આવશે.

ભાવનગર રેલવેની વાણિજ્ય વિભાગની ટીમે ટ્રેનોમાં ટિકિટ વિના કે અનિયમિત ટિકિટ પર ટ્રેનની મુસાફરી કરતા લોકોને પકડી પાડવા માટે તા.૧૬-૯ને શુક્રવારે અલગ-અલગ ટીમો બનાવી ખાસ ટિકિટ ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજરની આગેવાનીમાં ભાવનગર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ સેક્શનમાં ટિકિટ ચેકીંગ સ્ટાફે રેલવે પ્રોટેક્શન ફોર્સની ટીમને સાથે રાખી ચેકીંગ કાર્યવાહી કરી હતી. તેમજ સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરની આગેવાનીમાં સુરક્ષા દળ સાથે સ્ટાફે ટિકિટ ચેકીંગ કર્યું હતું. આ ઉપરાંત અન્ય સેક્શનોમાં ટિકિટ નિરિક્ષકોની ટીમોએ ઝુંબેશ હાથ ધરી વિવિધ ટ્રેનો, સ્ટેશનો પરથી કુલ ૧૮૪ લોકોને અનધિકૃત ટિકિટો અથવા બુક વગરના સામાન સાથે મુસાફરી કરતા પકડી પાડી તેમની પાસેથી રૂા.૧,૬૩,૯૪૫નો દંડ વસૂલ્યો હતો. વધુમાં રેલવેના રાજસ્વમાં નુકશાની કરતા આવા મુસાફરો સામે આગામી દિવસોમાં પણ કડક ઝુંબેશ હાથ ધરી દંડનિય કાર્યવાહી કરવામાં આવશે તેમ ભાવનગર રેલવેના સિનિયર ડીસીએમએ જણાવ્યું છે.

Gujarat