સાચું કહું તો, સાઈકોથેરાપિએ જ મારૂં જીવન બચાવ્યું
- ફોરેન્સિક સાઈકોથેરાપિસ્ટ ડો. થીઓ ફેબરનું બાળપણ પિતાના ગુસ્સાના ગભરાટમાં વીત્યું હતું..
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-4
- મેન્ટલ હોસ્પિટલમાં ડો. થીઓ ફેેબરે એલિસિઆની સાઈકો થેરાપિ શરૂ કરી
- એલિસિઆએ પતિનું મર્ડર કેમ કર્યૂં, તેનું કારણ જાણવા માટે ડો.થીઓની મથામણ
સાચું કહું તો સાઇકોથેરાપિએ જ મારૂં જીવન બચાવ્યું. ડિગ્રી મેળવ્યા પછી મેં લંડનમાં સાઇકોથેરાપિસ્ટ તરીકેની ટ્રેનિંગ લીધી. રૂથ તે વખતે મને સલાહ આપતી હતી કે, થીઓ ફેબર, આ ક્ષેત્ર કાંઇ પાર્કમાં વોક લેવા જેવું સરળ નથી. રૂથ ખરેખર સાચી હતી.
જો કે હું ઝડપથી સાઇકિએટ્રિક યુનિટ સાથે એડજેસ્ટ થઇ ગયો. આ યુનિટમાં તમે બહુ ઝડપથી 'મેડનેસ' સાથે પણ એડજસ્ટ થઇ જાઓ છો - માત્ર બીજાની મેડનેસ નહીં, કિંતું તમારી પણ. હું માનું છું કે આપણે બધા જ એક યા બીજી રીતે ક્રેઝી છીએ.
આથી જ મને એલિસિઆ બેરેન્સનના કેસમાં રસ પડયો હતો. હું નશીબદાર હતો કે વેળાસર મને સાઇકોથેરાપિસ્ટની સારવાર મળતા હું મનોરોગના અંધારિયા કિનારેથી પાછો આવી શક્યો; નહીં તો હું પણ એલિસિઆની જેમ કોઇ સાઇકિએટ્રિક હોસ્પિટલના ખાટલે પડયો હોત.
'ધ ગ્રોવમાં' નોકરીના પહેલા દદિવસે હું ક્લિનિકલ ડાયરેકટર ડો. લાઝારસ ડિઓમિડિસને મળ્યો. હોસ્પિટલમાં હેડ સાઇકિએટ્રિક નર્સ યુરી સાથે મારો પરિચય થયો. એટલામાં ત્યાં 'ધ ગ્રોવ' હોસ્પિટલની મેનેજર સ્ટેફેનિ કલાર્ક પણ આવી પહોંચી.
બ્રોડમુર હોસ્પિટલમાં મારી સાથે અગાઉ કામ કરનાર સાઇકિએટ્રિસ્ટ ક્રિશ્ચિયન પણ હવે અહીં નોકરી કરતો હોવાથી એ પણ મને મળ્યો.
ઇન્દિરા શર્મા આ હોસ્પિટલમાં કન્સલટન્ટ સાઇકિએટ્રિસ્ટ હતા.
ડો. ડિઓમિડિસ સાથેની વાતચીત દરમિયાન મેં તેમને કહ્યું, હું એલિસિઆ વિષે થોડું જાણવા માંગું છું.
'હું પોતે જ તેની ટ્રીટમેન્ટ કરતો હતો.'
પછી શું થયું?
એલિસિઆએ પહેલા જ દિવસે મારી ઓફિસમાં આવવાની ચોખ્ખી ના પાડી દીધી એટલે હું પોતે તેના રૂમમાં ગયો. બેડમાં તે બેઠી બેઠી બારી બહાર જોતી હતી. મારા કોઇપણ સવાલનો તે જવાબ આપતી નહોતી, એટલું જ નહીં મારી સામું જોતી પણ નહોતી.
ડો. ડિઓમિડિસે પોતાના બે હાથ ઊંચા કરતાં વધુમાં કહ્યું, મને લાગ્યું કે આ તો મારો સમય બગાડવાની વાત છે. થીઓ, તને લાગે છે કે તું તેની સારવાર કરી શકીશ? તું એને ફરી બોલતી કરીશ?
મેં કહ્યું, 'હું પ્રયત્ન ચોક્કસ કરીશ.'
ડો. ડિઓમિડિસે કહ્યું, ઓ.કે. તો હેડ નર્સ યુરીને કહું છું એ તને એલિસિઆ પાસે લઇ જશે.
હું હોસ્પિટલના થેરાપિ રૂમમાં ગયો. નાનકડી લંબચોરસ રૂમમાં એક બારી હતી. હું એલિસિઆની રાહ જોતો એ રૂમમાં બેઠો. હેડ નર્સ યુરી એલિસિઆને વોર્ડમાંથી થેરાપિ રૂમમાં બોલાવી લાવ્યો.
નીચું જોઇને ઊભેલી એલિસિઆને યુરીએ કહ્યું, ત્યાં પેલી ખુરશી પર બેસ. તે ચૂપચાપ ખુરશી પર બેઠી. તેના બન્ને હાથ ધુ્રજતા હતા.
યુરી ગયા પછી મેં થેરાપિ રૂમના બારણા બંધ કર્યા. એલિસિઆની સામેની ખુરશીમાં હું બેઠો. છતાં તેણે નજર ઊંચી ન કરી. તેનો ચહેરો ભાવશૂન્ય હતો. કોઇપણ પ્રકારની લાગણી વિનાનો.
મેં કહ્યું, 'તું થેરાપિ રૂમમાં આવી તેનો મને આનંદ છે.'
તેના જવાબની રાહ જોતો હું ચૂપ બેઠો. મને ખ્યાલ હતો કે મોટાભાગે તે કોઇ જવાબ નહીં આપે; એટલે મેં વાત થોડી આગળ ચલાવી. હું તારા પેન્ટિગનો ચાહક છું. તું બહું સારા ચિત્રો દોરે છે.
મને થયું કે તે કદાચ આંખો ઊંચી કરી મારી સામે જોશે, કદાચ હકારમાં માથું હલાવશે, પણ ન તો તેણે મારી સામે જોયું કે ન તો તેના ચહેરા પર કોઇ હાવભાવ આવ્યા.
તે શું વિચારતી હશે? તે અંગે મેં અનુમાન લગાવ્યું.
અમે બન્ને સાઇલન્ટ બેસી રહ્યા..
બીજા દિવસે ડો. ડિઓમિડિસે, મને એલિસિઆ કેસની તેમની ફાઇલ મોકલાવી. ફાઇલ બહુ જાડી અને જૂની હતી. કેસના કાગળો કોર્નરમાંથી વળી ગયા હતા અને થોડા ફાટી પણ ગયા હતા.
ડો. ડિઓમિડિસની આ જૂની સ્ટાઇલની ફાઇલને બાજુએ મુકી મેં એલિસિઆની રોજેરોજની વર્તણૂક વિશે નર્સોએ કરેલી નોંધ વાંચવા લીધી. એલિસિઆ વિશેના ફેકટસ, ફિગર્સ અને અન્ય તલસ્પર્શી વિગતોમાં મને રસ હતો.
પણ મને ફાઇલ અને નર્સની નોંધોમાંથી ખાસ કાંઇ મહત્વની વિગત ના મળી. જ્યારે તેને આ હોસ્પિટલમાં દાખલ કરી ત્યારે શરૂઆતના દિવસોમાં બે વખત બ્લેડ કે અન્ય જે કોઇ તિક્ષ્ણ પદાર્થ મળ્યો તેનાથી કાંડાની નસ પર ચીરો મુકી નસ કાપી નાંખવાની એલિસિઆએ કોશિશ કરી હતી.
પહેલા છ મહિના બે નર્સ સતત તેના પર ધ્યાન રાખવા મુકાઇ હતી. પછી તેના પરની દેખરેખ થોડી હળવી કરીને એક નર્સ પાછી ખેંચી લેવાઇ હતી.
એલિસિઆએ બીજા દર્દીઓ સાથે કે હોસ્પિટલના સ્ટાફ સાથે વાત કરવાનો ક્યારેય પ્રયાસ કર્યો નહોતો. તે હંમેશા બધાથી અલગ, માત્ર પોતાનામાં જ ખોવાયેલી રહેતી હતી.
માત્ર એક બનાવમાં તે હિંસક બની ગઇ હતી. હોસ્પિટલમાં દાખલ થયાના થોડા જ અઠવાડિયામાં કેન્ટિનમાં એ ઘટના બની હતી. ૪૦ વર્ષની વયની એલિફ નામની તુર્કિશ મહિલા દર્દીએ ઝઘડો કર્યો હતો. તેનો આક્ષેપ એવો હતો કે એલિસિઆ મારી જગ્યાએ બેસી ગઇ છે.
સાચું કારણ ગમે તે હશે, પણ બન્ને વચ્ચે ઘર્ષણ વધી ગયું. એલિસિઆ એકાએક હિંસક બની ગઇ. ટેબલ પર મુકેલી નાસ્તાની કાચની પ્લેટ તેણે તોડી નાંખી અને તેના એક ધારદાર ટૂકડાથી એલિફનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો.
એલિસિઆને પકડી ઘેનની દવા આપી થોડા દિવસ અલગ રૂમમાં એકલી રખાઇ હતી.
મારે એલિસિઆના મૌન પાછળનું રહસ્ય જાણવું હતું. તેણે પતિનું ખૂન કેમ કર્યૂં, તેનું કારણ જાણવું હતું. તે પતિને પ્રેમ કરતી હતી? કે ધિક્કારતી હતી? પતિ ગેબ્રિઅલના મર્ડર વિશે તે કેમ કાંઇ બોલતી જ નથી?
મેં આ કેસમાં મહત્વના લાગતા કેટલાક મુદ્દા કાગળ પર ટપકાવ્યા.
(૧) પહેલો મુદ્દો મર્ડર પછી એલિસિઆએ પોતાનું નગ્ન Self - Portait બનાવ્યું અને તેની નીચે લખ્યું : ALCESTIS મારે હજી આ પેન્ટિગ પાછળનું કારણ જાણવાનું બાકી છે.
(૨) બીજો મુદ્દો CHILDHOOD છે. ગેબ્રિઅલની હત્યાનું કારણ જાણવા માટે એ રાતે પતિ-પત્ની વચ્ચે શું બન્યું તે જાણવા-સમજવા ઉપરાંત એલિસિઆના ભૂતકાળની, બાળપણની ઘટનાઓ પણ જાણવાની જરૂર છે. કદાચ એમ પણ બને કે જે રાતે તેણે પતિની હત્યા કરી તે ઘટનાના બીજ વર્ષો પહેલા બાળપણમાં તેના અચેતન (Sub-conscious) મનમાં રોપાયા હોય.
(ક્રમશઃ)