For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોઈપણ કામની 'ક્રેડિટ' લેવામાં મસ્ક ખૂબ સેન્સિટિવ છે

Updated: Jan 31st, 2024

Article Content Image

- ટેસ્લાના સહસ્થાપક ઈઆન રાઈટને મસ્કે કંપનીમાંથી પાણીચું આપી દીધું..

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- એબરહાર્ડે ટેસ્લાના સ્થાપકોની યાદીમાં મસ્કનું નામ નહીં લખતા મસ્ક ધૂંઆપૂંઆ થયા

- મસ્કના સુધારાથી ટેસ્લા આકર્ષક તો બની, પણ કંપની ખર્ચના ખાડામાં ઊતરી ગઈ

આ મામલે સલાહ-મસલત માટે મસ્કે સ્ટ્રોબેલને બોલાવ્યા..: 'આ બેમાંથી કોને રાખવા જોઇએ ? તમારી શું સલાહ છે?'

(ઉલ્લેખનીય છે કે ટેસ્લા કારના પાંચ સહ-સ્થાપકો છે: માર્ટિન એબરહાર્ડ, ટારપેનિંગ, ઈઆન રાઈટ, મસ્ક અને સ્ટ્રોબેલ)

પહેલા તો સ્ટ્રોબેલે ગોળગોળ જવાબ આપી પ્રશ્નને ટાળવાનો પ્રયાસ કર્યો, 'બન્નેમાંથી એકેય, કાંઇ એટલા બધા સારા નથી.' પણ મસ્કે સ્પષ્ટ જવાબ આપવા માટે દબાણ કરતા સ્ટ્રોબેલે કહ્યું, ''બન્ને અનિષ્ટમાંથી માર્ટિન એબરહાર્ડ ઓછા અનિષ્ટ છે.''

સ્ટ્રોબેલની સલાહ માની મસ્કે ઇઆન રાઇટને કંપનીમાંથી પાણીચું તો આપી દીધું, પણ એ પછી એબરહાર્ડ પરની મસ્કની શંકા-કુશંકાઓ વધતી જ ગઇ; જેથી મસ્કે ટેસ્લા કંપનીના મેનેજમેન્ટમાં વધારે ને વધારે ધ્યાન રાખવા માંડયું અને ટેસ્લામાં મસ્કે તેમની ખુદની સક્રિયતા વધારી દીધી. 

ટેસ્લાની મીટિંગોમાં હાજરી આપવા મસ્કે અવાર-નવાર લોસ એન્જેલસથી આવવાનું શરૂ કરી દઇને ટેસ્લા કારની ડિઝાઇન તેમજ એન્જિનિયરિંગ વિષયક નિર્ણયોમાં વધુ રસ લેવા માંડયો.

પણ ઇલોન મસ્ક જેનું નામ, એ કાંઇ માત્ર સૂચનો કરીને બેસી રહે એવા નથી, એમના આઇડિયા કે સૂચનોનો અમલ ન થાય તો એ ધૂંઆપૂંઆ થઇ જતા, ભયંકર ગુસ્સામાં એ ઊંચા અવાજે બધાને ખખડાવી નાંખતા હતા.

એબરહાર્ડના મતે મસ્કના બધા સૂચનોનો એ પોતે અમલ કરવા જાય તો ટેસ્લાની કિંમતમાં ઘણો વધારો થઇ જાય અને ટેસ્લાને બજારમાં મુકવાની સમયમર્યાદા પણ વધી જાય તેમ હતું.

એટલે  એબરહાર્ડ અને ટારપેનિંગ મસ્કને આ વાત સમજાવવાની કોશિશ કરતા પણ મસ્ક પોતાના સૂચનમાં ટસના મસ થતા નહોતા.

એક વખત તો રિવ્યૂ મીટિંગમાં ગુસ્સાથી મસ્કનો ચહેરો રાતોપીળો થઇ ગયો, તેમના અમુક સૂચનોનો અમલ નહીં થવાથી તેઓ એબરહાર્ડ અને અન્ય ડિરેકટરો સામે કાતિલ ઠંડી નજરે તાકી રહ્યા...

મસ્કનું સૂચન હતું કે ટેસ્લાનું બોડી ફાઇબરગ્લાસ કમ્પોઝિટ મટિરિયલનું નહીં પણ મજબૂત કાર્બન ફાઇબરનું હોવું જોઇએ. તેનાથી ટેસ્લાની કિંમતમાં ઓર વધારો થઇ જવાની ભીતિથી અન્ય ડિરેકટરો તેનો વિરોધ કરતા હતા, પરંતુ મસ્ક આ મુદ્દે પણ અડગ જ રહ્યા. 

મસ્કે જે કાંઇ સૂચનો કરીને પોતાના આક્રમક પ્રભાવથી એ તમામ સૂચનોનો અમલ કરાવડાવ્યો, તેનાથી ટેસ્લા કાર વધુ આકર્ષક તો થઇ જ ગઇ, પણ તેનાથી કંપનીને બહુ ખર્ચ ભોગવવો પડયો, કંપનીની 'કેશ' બહુ વપરાઇ ગઇ. કંપની લગભગ નાદારીના આરે જતી રહી. આવા કપરા સંજોગોમાં પણ મસ્ક ટેસ્લા કારને વધુ સ્ટર્ડી (Sturdy) અને બ્યુટિફૂલ (Beautiful) બનાવવા માટે સૂચનો કરતા રહેતા હતા એટલું જ નહીં, કિંતું પોતાના બધા સૂચનોનો અમલ કરાવ્યા પછી પણ ટેસ્લા કાર બજારમાં મુકવામાં વિલંબ ન થાય તે માટે મસ્કે કંપનીમાં વધારે સ્ટાફની ભરતી કરવા માટે એબરહાર્ડ પર દબાણ ચાલુ કર્યૂં.

ટેસ્લા હજી તો બજારમાં મુકાઇ પણ નહોતી, તે સંજોગોમાં મે.૨૦૦૬માં ટેસ્લામાં ૭૦ કર્મચારીઓ કામ કરતા હતા. આ તબક્કે ટેસ્લાને ઇન્વેસ્ટરો તરફથી વધારે ફાઇનાન્સની આવશ્યકતા ઊભી થઇ હતી.

આ પુસ્તકના લેખક વોલ્ટર આઇસેકસન અમેરિકાની પ્રતિષ્ઠિત ટુલેન યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને તેમણે સ્ટીવ જોબ્સ, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, હેનરી  કિસિંન્જર અને બેન્જામિન ફ્રેન્કલિન જેવા મહાનુભાવોની બાયોગ્રાફી લખી છે.

ઇલોન મસ્કના સ્વભાવની કેટલીક જરા હટકે જેવી અલગ પ્રકારની લાક્ષણિકતા પાછળનું લેખક વોલ્ટરે આછું એવું મનોવૈજ્ઞાાનિક વિશ્લેષણ આ પુસ્તકમાં કરેલું છે. મસ્કના બાળપણના કેટલાક પ્રસંગો ટાંકીને વોલ્ટરે તેની મસ્કના જીવન પર કેવી અસર પડી તે વિશે પણ લંબાણથી છણાવટ કરી છે.

ટેસ્લા કંપની પાસે ડોલર ખૂટી જતા મસ્કે નવા ફાઇનાન્સર શોધવાની કવાયત શરૂ કરી. અલાન સાલ્ઝમેનની ''વાનટેજપોઇન્ટ કેપિટલ'' નામની ફાઇનાન્સ કંપની પાસેથી મસ્કે ૪૦૦ લાખ ડોલરનું ફાઇનાન્સ મે, ૨૦૦૬ના વર્ષમાં લીધું.

ટેસ્લા કંપનીને ફાઇનાન્સ માટેનું આ ડીલ સુપેરે પતી ગયું, ત્યાં સુધી કોઇ સમસ્યા ન સર્જાઇ, પણ  ફાઇનાન્સની આ ડીલ અંગેની જે અખબારી યાદી અખબારોમાં પ્રસિધ્ધ કરવા માટે મોકલાઇ, તે પછી અંદરોઅંદર વિવાદનો મોટો ભડકો થયો. ટેસ્લા કંપનીના પી.આર. ડિપાર્ટમેન્ટમાંથી જે પ્રેસનોટ અખબારોમાં છપાવવા માટે તૈયાર કરાઇ હતી, તે પ્રેસનોટ અખબારોમાં મોકલાઇ તે પહેલાં મસ્કે વાંચી નહોતી. અખબારોમાં પ્રસિધ્ધ કરવા માટે જે પ્રેસનોટ મોકલી તેમાં ટેસ્લા કંપનીના ફાઉન્ડરો (સ્થાપકો)ના નામની યાદીમાં મસ્કના નામનો ઉલ્લેખ સુધ્ધા કરાયો નહોતો. તેમાં એવું લખ્યું હતું કે ટેસ્લા મોટર્સની સ્થાપના માર્ટિન એબરહાર્ડ અને માર્ક ટારપેનિંગે જૂન ૨૦૦૩માં કરી હતી.

આ પ્રેસનોટમાં એબરહાર્ડે ટેસ્લા કંપનીમાં મસ્ક ઇન્વેસ્ટર થયા, એ બદલ વિવેકપૂર્વક તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

''ટેસ્લા મોટર્સમાં મસ્ક સતત વિશ્વાસ મુકતા રહ્યા છે, તેનું અમને ગૌરવ છે. કંપનીમાં ફાઇનાન્સિંગના દરેક રાઉન્ડમાં તેઓ સહભાગી બનતા રહ્યા છે અને કંપનીના ડિરેકટર બોર્ડમાં પણ તેઓ  નેતૃત્વ પુરૂં પાડતા રહ્યા છે.''

વર્ષ ૨૦૦૬ના મે મહિનામાં ફાઇનાન્સ ડીલ પતી ગયા પછી આ પ્રકારે અખબારોમાં ન્યૂઝ પ્રસિધ્ધ થતાં જ મસ્ક ધૂંઆપૂંઆ થઇ ગયા. અખબારી સમાચારમાં તેમનો ઉલ્લેખ ટેસ્લા મોટર્સના માત્ર એક મોટા ઇન્વેસ્ટર તરીકે કરાતા મસ્ક અત્યંત નારાજ થઇ ગયા હતા. મસ્કને પબ્લિસિટિનો જબરો ક્રેઝ છે.

કોઇપણ કામની ક્રેડિટ લેવામાં મસ્ક ખૂબ 'સેન્સિટિવ' હતા. કોઇ તેમને કહે કે વારસામાં મળેલી સમ્પતિના કારણે મસ્ક સફળ થયા છે, ત્યારે મસ્કનું મગજ ઊકળી જાય  છે. વળી કોઇ કંપની સ્થાપવામાં તેઓ સહાયરૂપ બન્યા હોય છતાં કોઇ એમ કહે કે મસ્ક આ કંપનીના સ્થાપક કહેવાને લાયક નથી ત્યારે પણ મસ્કનો પિત્તો ઉછળી જાય છે.

વર્ષ ૨૦૦૬માં એબરહાર્ડ સેલેબ્રિટિ બની ગયા. આ સમયગાળા દરમિયાન ટીવી ઇન્ટરવ્યૂમાં અને કોન્ફરન્સોમાં તેમનો પરિચય ટેસ્લાના સ્થાપક તરીકે અપાતો હતો. એક એડવર્ટાઇઝમેન્ટમાં એમ કહેવાયું'તું કે ''ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર બનાવનાર એબરહાર્ડ છે.''

(ક્રમશઃ)

Gujarat