- જર્મનીના આપખુદ શાસક હિટલરે પહેલી સપ્ટેમ્બર ૧૯૩૯ની સવારે
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-2
- ટાઈફસના જીવલેણ રોગચાળામાં યહૂદી વસાહતમાં રોજના 5000ના મોત..
- પોલેન્ડના પાટનગર વોર્સોમાં સાઈરનો ગાજી ઊઠી, બજારો સૂમસામ થઈ ગયા..
આ કાફેમાં મને સારી કમાણી થતી હોવાથી, મારા માતા-પિતા, હું અને મારો ભાઈ તથા બે બહેનો મળી પરિવારના છ સભ્યોની જરૂરિયાતો હું પુરી કરી શકતો હતો., જોકે આમાં ક્યારેક તકલીફ પણ પડતી હતી.
વર્ષ ૧૯૪૧'૪૨ માં વસાહતમાં ટાઈફસનો રોગચાળો ફાટી નીકળ્યો હતો, (માથામાં પડતી) જૂ અને આવા અન્ય જીવજંતુઓથી ટાઈફસ નામનો રોગ ફેલાય છે. વસાહતમાં દર મહિને ટાઈફસથી ૫૦૦૦ યહૂદીઓ મોતના મુખમાં ધકેલાઈ જતા હતા.
એ સમયગાળામાં ડો. વેઈગલે ટાઈફસ રોગની રસી શોધી કાઢી હતી. તજજ્ઞા બેકટેરિઓલોજીસ્ટ ડો. વેઈગલ એ જમાનામાં હિટલર પછીના સૌથી ખ્યાતનામ વ્યક્તિ હતા-અત્યંત અનિષ્ટ સામે અતિ સજ્જન...!
લોકોમાં વાત ચાલી હતી કે લેમ્બર્ગ ટાઉનમાં જર્મનોએ આ ડોકટરની ધરપકડ કરી હતી પણ પાડ માનો ભગવાનનો કે જર્મનોએ તે ડોકટરની હત્યા ન કરી નાંખી, આથી ઊલ્ટું ડો. વેઈગલને માનદ જર્મન હોવાની માન્યતા આપી દીધી.
પણ તેમને ગેસ્ટાપો પોલીસની ''નજરકેદ'' હેઠળ એટલા માટે રખાયા કે તેઓ ક્યાંક ભાગી ન જાય કારણ જર્મન લશ્કરના રોગચાળાગ્રસ્ત સૈનિકો માટે વધારે સંખ્યામાં રસી બનાવવા માટે જર્મનોને આ ડોકટરની ખૂબ ગરજ હતી.
મારે એકલાને જ રસી મુકાવા જેટલા પૈસા મારી પાસે હતા, પણ મારા મા-બાપ કે ભાઈ-બહેનોને રસી મુકાવાના પૈસા નહીં હોવાથી મેં પોતે પણ રસી મુકાવાનું માંડી વાળ્યું હતું.
વસાહતમાં ટાઈફસથી એટલી મોટી સંખ્યામાં રોજ માણસો મરતા હતા કે તેમને દફનાવવાની કોઈ વ્યવસ્થા થઈ શકે તેમ નહોતી. મૃતદેહોને ઘરમાં તો રાખી મુકી ન શકાય. વચલો રસ્તો એ શોધાયો કે મૃતદેહ પરના વસ્ત્રો ઊતારીને (કારણ કે વસ્ત્રોની પણ એટલી અછત હતી કે ડેડ બોડી પરના વસ્ત્રો પણ બીજા લોકોને પહેરવા કામ લાગતા હતા) નગ્ન મૃતદેહ પર કાગળ કે જૂના અખબાર વીંટાળીને ઘર આંગણે કે રસ્તા પર મુકી દેવાતા. નગરપાલિકાનું વાહન બે કે ત્રણ દિવસે આવીને સામૂહિક દફન માટે ખુલ્લામાં પડેલા આ મૃતદેહોને કબ્રસ્તાનમાં લઈ જતું હતું.
કાફે મેનેજર દિવસભરનો હિસાબ-કિતાબ પુરો કરી મારૃં રોજિન્દુમહેનતાણું ચૂકવી દે, પછી છેલ્લે અમે બન્ને કાફેથી ઘેર જતા હતા, ત્યાં સુધીમાં રસ્તાઓ સૂમસામ અને અંધકારમય બની જતા હતા. હું મારી પાસેની ટોર્ચ ચાલુ કરતો હતો, કે જેથી રસ્તાની કોરેે મુકેલા મૃતદેહો પર ભૂલથી પડી ન જવાય. આમ કાફેથી ઘેર જતા સુધીની મારી સફર અતિ ભયજનક બનતી હતી.
જાન્યુઆરીના ઠંડા પવનોના સપાટાથી મૃતદેહો પર વીંટાળેલા કાગળો ઉડી જતા અને ટોર્ચના પ્રકાશમાં એ નગ્ન ખુલ્લા મૃતદેહો નજરે પડતા જ શરીરમાં ઠંડી સાથે સાથે ભયનું લખલખું પસાર થઈ જતું. જુગુપ્સા અને કમકમાટીથી હું મારી ચાલવાની ઝડપ બેવડી વધારી દેતો. રસ્તા પર પડેલા આવા સંખ્યાબંધ મૃતદેહો પર નજર પડતા જ હું રીતસર દોટ મુકતો.
વોર્સો શહેરમાં લગભગ દરેક જણને ૩૧ ઓગસ્ટ ૧૯૩૯ સુધીમાં ખ્યાલ આવી ગયો'તો કે જર્મની સાથેનું યુધ્ધ અનિવાર્ય છે. ગમે ત્યારે જંગ છેડાવાના ભણકારા બધાને સંભળાતા હતા.
શહેરમાં રાત્રે અંધારપટનો અમલ શરૂ કરી દેવાયો હતો. જોકે આ સમયે વોર્સોમાં હજી અલગ યહૂદી વસાહત ઊભી કરાઈ નહોતી. હું મારા માતા-પિતા, બે બહેનો, અને એક ભાઈ સાથે સ્લિસ્કા સ્ટ્રીટમાં રહેતો હતો અને તે સમયગાળામાં પોલેન્ડ રેડિઓ સ્ટેશનમાં પિયાનોવાદક તરીકે નોકરી કરતો હતો.
તા. ૩૧ ઓગસ્ટે હું નોકરી પરથી રાત્રે મોડો ઘેર પહોંચ્યો હતો. ખૂબ થાકી ગયો હોવાથી હું સીધો મારા ખાટલામાં જઈને સુઈ ગયો. અમારો ફલેટ ત્રીજા માળે હતો. ખાટલામાં પડતાની સાથે જ મને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.
અચાનક બોમ્બ ધડાકાઓના અવાજોથી હું ઝબકીને જાગી ગયો. બારીમાંથી જોયું તો થોડું અજવાળું થઈ ગયું'તું. ઘડિયાળમાં જોયું તો સવારના છ વાગ્યા હતા.
બોમ્બ ધડાકાના અવાજો એટલા મોટા નહોતા, એટલે મે અનુમાન લગાવ્યું કે જે કાંઈ થઈ રહ્યું છે, તે શહેરથી દૂરના વિસ્તારમાં થઈ રહ્યું હશે.
લગભગ આઠના સુમારે મારા બેડરુમનો દરવાજો ખોલી મારી મા રૂમમાં ધસી આવી. તેના ચહેરા પર ગભરાટના ભાવ હતા. ધુ્રજતા સ્વરે એ બોલી, જલ્દી ઊભો થા. યુધ્ધ ફાટી નીકળ્યું છે.
હું તુરત ઊભો થયો અને ઉતાવળે તૈયાર થઈ રેડિઓ સ્ટેશન જવા ભાગ્યો, ત્યાં મને યુધ્ધના તાજા સમાચાર મળવાના હોવાથી શક્ય એટલી ઝડપે હું ત્યાં પહોંચ્યો.
દીવાલો પર ઠેર ઠેર સફેદ રંગના પોસ્ટરો ચોંટાડેલા જોવા મળ્યા. જર્મનોએ હુમલો કર્યાની વોર્સોના નગરજનોને જાણ કરતો પ્રેસિડન્ટનો સંદેશો પોસ્ટરોમાં છપાયેલો હતો. ફેરિયાઓ અખબારોના ''વધારા'' વેચવા માટે દોડાદોડ કરતા હતા.
રસ્તાઓ પર કે બજારોમાં હજી વધુ પડતો ગભરાટ નહોતો ફેલાયો; પરંતુ શહેરીજનો, હવે આગળ શું થશે? એવો પ્રશ્ન એકમેકને પૂછ્યા કરતા હતા. એક શહેરીજને શહેરના ચાર રસ્તે મોટો ઘાંટો પાડી ઘોષણા કરતો હોય તેમ કહ્યું, ''જર્મનોએ આપણી પર આક્રમણ કર્યૂં છે,...કોઇ પ્રકારની વોર્નિંગ વગર જ..''!
પ્રેસિડન્ટનું પોસ્ટર વાંચતા વાંચતા તેણે જોરથી પોતાનું ડોકું હલાવી, નારાજગી વ્યક્ત કરતા કહ્યું, આવું કદાપી ન ચાલે.
હું બ્રોડકાસ્ટિંગ સ્ટેશનની નજીક જ રહેતો હતો, પણ આજે ત્યાં સુધી પહોંચવાનું સરળ નહોતું. રોજ કરતા આજે મને રેડિઓ સ્ટેશન પહોંચતા ડબલ સમય લાગ્યો.
હું માંડ હજી અડધે પહોંચ્યો, ત્યાં તો સાઇરનોનો ચેતવણીસૂચક કર્કશ અવાજ ગાજી ઊઠયો. તે બાદ તુરત જ રેડિઓ એનાઉન્સરની સૂચના સંભળાઇ ઃ વોર્સોના શહેરીજનો માટે આ એલાર્મ વોર્નિંગ છે...સાવચેત રહેજો.. દુશ્મનો આવી રહ્યા છે...
સાઇરનો ગાજી ઊઠતાની સાથે જ લોકો ટપોટપ ઘર, દુકાન કે અન્ય સલામત સ્થળે ભાગવા માંડયા.. રસ્તાઓ અને બજારો જોતજોતામાં સૂમસામ થઇ ગયા. તેવામાં જ દૂર દૂર બીજા વધારે ધડાકા સંભળાયા.
હું રેડિઓ સ્ટેશને પહોંચ્યો, તો ત્યાં ભારે અરાજકતા વ્યાપેલી હતી.. રેડિઓ સમયપત્રક પુરેપુરૃં ખોરવાઇ ગયું હતું. કાર્યક્રમોની ગોઠવણી માંડ માંડ થાય એટલામાં તો સરકાર તરફથી કે યુધ્ધ મોરચેથી કોઇ નવી એનાઉન્સમેન્ટ આવે એટલે બીજા ચાલુ પ્રોગ્રામ બંધ કરાવી દઇ, નવી એનાઉન્સમેન્ટ કરવી પડતી હતી. બીજા ગમે તે પ્રોગ્રામ બંધ કરી યુધ્ધને લગતા ન્યૂઝ શક્ય તેટલી વહેલી તકે એનાઉન્સ કરવાની અમને સૂચના અપાઇ હતી. વચ્ચે વચ્ચે લશ્કરી કવાયતો અને દેશભક્તિના ગીતો અમારે રેડિઓ પર રેલાવતા રહેવું પડતું હતું.
(ક્રમશઃ)


