Get The App

1 થર્મોન્યુક્લિઅર બોમ્બમાં 1000 અણુ બોમ્બની વિનાશક તાકાત

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
1 થર્મોન્યુક્લિઅર બોમ્બમાં 1000 અણુ બોમ્બની વિનાશક તાકાત 1 - image


- આ સુપર બોમ્બ દુનિયાનું મહા ભયંકર અનિષ્ટ છે : એનરિકો ફર્મી

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-7

- નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાનિક  ફર્મીએ થર્મોન્યુક્લિઅર બોમ્બનો સખ્ત વિરોધ કરેલો

- મહા અનિષ્ટ એવા હાઈડ્રોજન બોમ્બની વિનાશક તાકાતની કોઈ સીમા જ નથી

બીજી બાજુ નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિકોના એક જૂથના રિપોર્ટ મુજબ સૌથી વધુ વિનાશક અને અમાનવીય શસ્ત્રોની શોધ કરાઇ છે. આ નામાંકિત વૈજ્ઞાનિકોએ નવા શસ્ત્રને ''The Super'' નામ આપ્યું છે.

સુપર કક્ષાના આ શસ્ત્રોનો યુધ્ધ દરમિયાન જ્યાં ઉપયોગ થાય, એ સમગ્ર વિસ્તારના હવામાનમાં પલ્ટો લાવી દે છે, ક્યાંક વળી દુષ્કાળ પાડી દે છે અને કેટલાક વિસ્તારોમાં તો ત્યાંની આખી સંસ્કૃતિને નામ:શેષ કરી દે છે. અમુક શસ્ત્ર તો એ વિસ્તારની સમગ્ર પ્રજાના Genome- જિનોમમાં એટલે કે વંશસૂત્રમાં બદલાવ લાવી દે તેવા ભયંકર હોય છે. ટૂંકમાં નવા પ્રકારના ઘાતક પરમાણુ શસ્ત્રોના ઉપયોગથી એ વિસ્તારના લોકો પર કિરણોત્સર્ગની (Radiation) જે ગંભીર વિપરીત અસર પડે, તેનાથી કેન્સર અને તેમાંય ખાસ કરીને લ્યુકેમિઆ અર્થાત લોહીનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે. જિનોમમાં કિરણોત્સર્ગથી જે ફેરફાર થાય છે, તેના કારણે ખોડખાંપણવાળા બાળકના જન્મની શક્યતા પણ વધી જાય છે.

આ નવા શસ્ત્રના ડિઝાઇનર ગણો કે પ્રણેતા એવા રિચાર્ડ ગાર્વિને કહ્યું કે, આ શસ્ત્ર સુપર છે.

આ સુપર શસ્ત્ર નાની સાઇઝને બદલે મોટી સાઇઝમાં બનાવીએ તો એ વધારે સચોટ કામ કરે છે; કહેવાનો મતલબ કે મોટી સાઇઝના પરમાણુ બોમ્બ દુશ્મન દેશના વધારે લોકોનો સંહાર કરી શકે છે અને દુશ્મનના પ્રદેશોમાં વ્યાપક પ્રમાણમાં વિનાશ વેરે છે.

આ પુસ્તકના વાચકોને રિચાર્ડ ગાર્વિન એ વાતની પુષ્ટિ કરે છે કે, હા, આ સુપર શસ્ત્ર  એટલે કે થર્મોન્યુક્લિઅર બોમ્બનો સૌ પ્રથમ પ્લાન અને ડિઝાઇન તૈયાર કરનાર હું છું.

જ્યારે વિશ્વમાં અન્ય કોઇ વૈજ્ઞાનિકને થર્મોન્યુક્લિઅર અર્થાત હાઇડ્રોજન બોમ્બ બનાવવાની રીતની ખબર સુધ્ધા નહોતી તેવા સમયે એડવર્ડ ટેલર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન બોમ્બ બનાવવાનું વિચાર્યૂં અને રિચાર્ડ ગાર્વિને બોમ્બનો પ્લાન તેમજ ડિઝાઇન તૈયાર કરી હતી.

૧૯૫૨માં હાઇડ્રોજન બોમ્બની શોધ થઇ - બે તબક્કાનું આ મહા શસ્ત્ર છે; જેમાં અણુબોમ્બમાં બીજો એક અણુબોમ્બ હોય છે.

હિરોસીમા અને નાગાસાકી શહેરો પર જે એટમબોમ્બ ફેંકાયા, તેમાં હજારો-હજારો લોકો માર્યા ગયા, પણ આ થર્મોન્યુક્લિઅર બોમ્બ એટલે કે હાઇડ્રોજન બોમ્બ, ધારો કે ન્યૂયોર્ક અથવા સિઓલ (દક્ષિણ કોરિયા) નામના શહેરો પર ફેંકાય તો બે-ચાર ક્ષણમાં જ લાખ્ખો લોકોને યમસદન પહોંચાડી દેવાની રાક્ષસી વિનાશક તાકાત તે ધરાવે છે.

વર્ષ ૧૯૫૨માં રિચાર્ડ ગાર્વિને પ્રોટોટાઇપ (અર્થાત આદિરૂપ, ઉદાહરણરૂપ કે નમૂનારૂપ) વેપનની જે ડિઝાઇન તૈયાર કરી, તેની વિસ્ફોટક તાકાત ૧૦.૪ મેગાટનની (Megatons) હતી. ૧૦.૪ મેગાટન એટલે કેટલી વિનાશક ક્ષમતા? તેની સાદી સમજ માટે કહી શકાય કે જાપાનના હિરોસીમાં  પર વર્ષ ૧૯૪૫માં અમેરિકાએ જે એટમબોમ્બ ફેંક્યો હતો, તેની સાથે સરખામણી કરીએ તો એના જેવા લગભગ ૧૦૦૦ એટમબોમ્બ એક સાથે ફૂટે એટલી રાક્ષસી તાકાત માત્ર એક જ થર્મોન્યુક્લિઅર બોમ્બમાં રહેલી છે. આટલું બધું  મહા ભયંકર વિનાશક છે આ સુપર શસ્ત્ર.

અમેરિકાએ બનાવેલા પહેલા અણુબોમ્બની ટીમના એક વૈજ્ઞાનિક કે જેઓ મહા વિનાશક હાઇડ્રોજન બોમ્બની ડિઝાઇનના પ્રણેતા રિચાર્ડ ગાર્વિનના મેન્ટર પણ હતા, તે એનરિકો ફર્મીનો આત્મા તો અત્યંત વિનાશક બોમ્બ બનાવવાની તૈયારીઓ ચાલતી હોવાના વિચાર માત્રથી ખળભળી ઊઠયો હતો.

એનરિકો ફર્મી વીસમી સદીના સૌથી પ્રભાવશાળી ભૌતિકશાસ્ત્રી હતા. તેઓ ''અણુ યુગના પિતા'' તરીકે ઓળખાવાના બે કારણ છે.- એક તો તેમણે વિશ્વનું સૌ પ્રથમ અણુ મથક (Nuclear Reactor) તૈયાર કર્યૂં હતું અને બીજું દુનિયાનો પહેલો અણુ બોમ્બ બનાવવામાં તેમનું બહુ મોટું યોગદાન હતું. ૧૯૩૮માં ફર્મીને ફિઝિક્સમાં અદ્વિતીય સંશોધન બદલ નોબલ પ્રાઈઝ એનાયત કરાયું હતું. 

લેબોરેટરીમાં શસ્ત્ર બનાવવાની અતિ સંવેદનશીલ વૈજ્ઞાનિક કાર્યવાહીમાં ટીમના બીજા સાથી વૈજ્ઞાનિકોથી અલગ થઇ વૈજ્ઞાનિક એનરિકો ફર્મી અને આઇ.આઇ. રાબીએ અમેરિકાના તત્કાલીન પ્રમુખ ટ્રુમેનને પાઠવેલા પત્રમાં આ ''Super'' બોમ્બને ''મહા અનિષ્ટ'' બોમ્બ લેખાવ્યો હતો.

વૈજ્ઞાનિકોએ અમેરિકાના પ્રમુખ ટ્રુમેનને પત્રમાં વધુમાં લખ્યું'તું કે, આ નવા શસ્ત્રની વિનાશક તાકાતની કોઈ સીમા જ નથી. આ મહા ભયંકર હકીકત થર્મોન્યુક્લિઅર બોમ્બના અસ્તિત્વને સમગ્ર માનવજાત માટે જોખમરૂપ બનાવી દે છે. વળી આ બોમ્બ બનાવવાની વૈજ્ઞાનિક પધ્ધતિ અને તેની જાણકારી પણ મૂળભૂત રીતે આપી દુનિયાના અસ્તિત્વ માટે સૌથી મોટા જોખમરૂપ છે.

આમ કોઈપણ પાસાથી વિચારીએ કે પછી ગમે તે દ્રષ્ટિએ વિચારીએ તો આ બોમ્બ માનવ સંસ્કૃતિ માટે મહા જંગી અનિષ્ટ સમાન છે.

 પણ અમેરિકી પ્રમુખે આ સુપર શસ્ત્ર બનાવવાનું બંધ કરવા માટે વૈજ્ઞાનિકોએ કરેલી વિનંતીની સદંતર ઉપેક્ષા કરી અને રિચાર્ડ ગાર્વિનને થર્મોન્યુક્લિઅર બોમ્બની ડિઝાઈનના પ્લાન બનાવવાનું કામ આગળ વધારવા માટેની મંજૂરી આપી દીધી.

પ્રમુખની મંજૂરી પછી રિચાર્ડ ગાર્વિને હાઈડ્રોજન બોમ્બ બનાવવાની કામગીરી વેગીલી ગતિએ આગળ વધારી. આ મહાવિનાશક હાઈડ્રોજન બોમ્બ બનાવવાના પ્રોજેક્ટનું સાંકેતિક નામ (Code Name)    આઈવી માઈક ટેસ્ટ (Ivy Mike Test) અપાયું હતું. ટૂંકમાં અમેરિકા વહેલી તકે હાઈડ્રોજન બોમ્બનો પ્રાયોગિક ધોરણે વિસ્ફોટ કરવા માંગતું હતું. 

નવેમ્બર તા. ૧, ૧૯૫૨ ના દિવસે માર્શલ આઈલેન્ડસ સમૂહના એક ટાપુ પર બોમ્બનો પરીક્ષણરૂપ વિસ્ફોટ કરાયો હતો. આ આઈવી માઈક પ્રોટોટાઈપ બોમ્બનું વજન લગભગ ૮૦ ટન (૧,૬૦,૦૦૦ પાઉન્ડ) જેટલું હતું. જંગી વજનના આ બોમ્બને ૮૮ ફૂટ લાંબા અને ૪૬ ફૂટ પહોળા કોરૂગેટેડ-એલ્યુમિનિયમ બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યો હતો.

આ બોમ્બના પ્રચંડ વિસ્ફોટની તાકાત કેટલી કદાવર હતી તેનું અમેરિકાના એક વર્ગીકૃત રિપોર્ટમાં (Classified Report) વર્ણન કરતા લખાયું છે કે અમેરિકાના સંરક્ષણ ખાતાના વડા મથક પેન્ટાગોનની સાઈઝના ૧૪ બિલ્ડિંગો સમાઈ જાય તેટલો વિશાળ ખાડો તેનાથી સર્જાયો હતો...! આ ખાડાનો વ્યાસ (ડાયામીટર) બે માઈલનો અને ઊંડાઈ ૧૮૦ ફૂટ જેટલી હતી.

આ સુપર શસ્ત્રની શોધ એવી છે કે એ લાંબી પહોળી જમીનનો નાશ કરી ત્યાં વિશાળ કદના ઊંડા ખાડા પાડી દેવાની ક્ષમતા ધરાવે છે.

(ક્રમશ:)

Tags :