Get The App

બુરખાવાળી સ્ત્રીઓ અને ભાગોળે વૃદ્ધો નજરે પડતા હતા..

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
બુરખાવાળી સ્ત્રીઓ અને ભાગોળે વૃદ્ધો નજરે પડતા હતા.. 1 - image


- માર્ગમાં આવતા છૂટાછવાયા નાના-નાના ગામોના રસ્તા પર

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-6

- ક્યાંક વળી ગંદા-ગોબરા છોકરાઓ સીમમાં ઘેટા-બકરા ને ગાયો ચરાવતા દેખાતા હતા

- મને લાગ્યું કે હું વેકેશન માણવાની લ્હાયમાં અહીં આવી જ નહોત તો સારૂં

મોકબાના ગામ જવા માટે કાંતો જીપ, લેન્ડ રોવર્સ કે રેન્જ રોવર્સમાં જવું પડે છે. ચઢાવ-ઢોળાવવાળા સર્પાકાર વાંકા-ચૂંકા અને ખાબડ-ખૂબડ માર્ગો પર આ જ ગાડીઓ ચાલી શકે તેમ હોવાથી લોકો તેમાં જ પ્રવાસ ખેડે છે.

અહીં બસ ગણો કે ટેક્સી, ગ્રામજનો  મહ્દઅંશે જીપ કે લેન્ડ રોવર્સમાં જ મુસાફરી કરતા રહે છે.

લંચ પછી અમે રેન્જ રોવર્સમાં બેઠા ત્યાં સુધીમાં તો સૂરજ બરોબર તપી ગયો હતો. અબ્દુલ ખાડાની ભત્રીજીનો વર ગાડી ચલાવતો હતો. અહીં અમે જે કોઇને મળીએ તે કોઇને કોઇ પ્રકારે અબ્દુલ ખાડાને ઓળખતા જ હતા.

હું, અબ્દુલ ખાડા અને તેમના દીકરા મોહમ્મદ ઉપરાંત રેન્જ રોવર્સમાં બીજા નવ જણ મળીને અમે કુલ ૧૨ મુસાફરો હતા. આગલી સીટ પર કાળા બુરખા પહેરીને બે સ્ત્રીઓ પણ બેઠી હતી.

લગભગ દર વીસેક માઇલે રોડ બ્લોક્સ અને ચેક પોઇન્ટસ આવતા હતા. જ્યાં સશસ્ત્ર પોલીસો અને સૈનિકો ચેકિંગ કરતા હતા. તેઓ અમારા બધાના આઇડેન્ટિટી ડોક્યુમેન્ટસ પણ તપાસતા હતા. પોલીસો  સતત મોઢામાં ચિંગમની જેમ સ્થાનિક બનાવટની ''ડ્રગ'' ચાવ્યા કરતા નજરે પડતા હતા.

યેમેનમાં પ્રવાસ માટે પરમિટ હોવી જરૂરી છે. સ્થાનિક લોકોએ પણ મુસાફરી માટેની પરમિટ કઢાવવી પડે છે.

પાછળથી મને ખબર પડી કે જુદા જુદા આદિવાસી જૂથો વચ્ચે લડાઇ-ઝઘડા અને હત્યાઓનો સિલસિલો ચાલુ રહેતો હોવાથી અલગ અલગ આદિવાસી વિસ્તારોની સરહદો પર ચેક પોઇન્ટસ ઊભા કરાયા છે.

એકાદ કલાકના પ્રવાસ પછી અમારી રેન્જ રોવર મુખ્ય માર્ગ પરથી ટર્ન લઇને બીજા રસ્તે ગઇ, જે રસ્તો આગળ જતા ઢોળાવ પર થઇને પર્વતીય વિસ્તારમાં જતો હતો. ગાડીમાં બેઠેલા બીજા પુરૂષો પણ અબ્દુલ ખાડા અને તેમના દીકરાના ઓળખીતા હતા. એ બધા અંદરો અંદર અરેબિકમાં વાતો કરી હસી-મજાક કરતા સમય પસાર કરતા હતા. મેં વિચાર્યૂં ગ્રામ્ય વિસ્તારોના અલગ અલગ નાના ગામડાના બધા લોકો પરસ્પર એકમેકને સારી રીતે જાણતા જ હોવા જોઇએ.

રસ્તામાં આજુબાજુ કોઇ કુદરતી સૌંદર્ય કે બીજું કશું જોવા લાયક નહીં હોવાથી હું બોર થઇ ગઇ. ઇગ્લેન્ડ પાછા જતી વેળા ડેડ-મોમ માટે શું શું ગીફટ્સ લઇ જવી તેનો હું મનોમન વિચાર કરતી રહી. વચ્ચે ભૂખ લાગતા મેં એકાદ-બે ફ્રૂટ કાઢીને ખાધા અને સાથે લીધેલો ઓરેન્જ જ્યૂસ પણ પીધો.

માર્ગમાંના ગામડા બહુ નાના હતા અને ત્યાં બહુ ઓછા લોકો રહેતા હોવાનું લાગતું હતું. કેટલાક ગંદા-ગોબરા છોકરાઓ થોડા ઘેટા અને ગાયો ચરાવતા નજરે પડતા હતા. શરીર પર માખી-મચ્છર બણબણતા થોડા કૂતરા આમતેમ ભટકતા પણ નજરે પડતા હતા.

ખોબલા જેવા નાનકડા ગામમાંથી પસાર થઇએ ત્યારે ફળિયાના  ધૂળિયા રસ્તા પર બૂરખા પહેરેલી ગામઠી સ્ત્રીઓ અને ગામના ચોરે કે ભાગોળે થોડા વૃધ્ધો ટોળામાં બેઠા બેઠા ગામ ગપાટા હાંકી રહેલા દેખાતા હતા.

જેવી અમારી રેન્જ રોવર તેમની નજીક આવે કે તુરત એ બધા વાતો કરવાનું બંધ કરી ઊભા થઇને અમારી સામે ધારી ધારીને જોવા માંડતા હતા.

મોટાભાગના ખાસ કરીને મારી તરફ તાકી રહેતા હતા, એના બે કારણ હતા એક તો મેં પશ્ચિમી પોશાક પરિધાન કર્યો હતો અને મોઢા પર બુરખો નહોતો પહેર્યો.

રસ્તામાં કોઇ ગામમાં ગાડીમાંથી એકાદ-બે મુસાફરોને ઊતારવા કે કોઇક ગામમાંથી નવા લોકોને લેવા માટે રેન્જ રોવર ઊભી રખાતી હતી.

ગામડામાં ઘણી સ્ત્રીઓ કૂવેથી પાણી ભરી માથે બેડાં લઇને જતી નજરે પડતી હતી. તેમની પાછળ પાછળ ફાટલા-ગંદા કપડાં પહેરેલા અને બૂટ કે ચંપલ વગર ખુલ્લા પગે ટાબરિયા ચાલતા હતા. માથે નાના બેડાં કે બળતણના લાકડાની નાની ભારી મુકેલી છોકરીઓ શરમાતી શરમાતી મારી સામે જોઇ હસતી હતી.

ચાર વર્ષના અંતરાલ બાદ અબ્દુલ ખાડા વતનમાં પાછા આવ્યા હોવાથી ઘણાં ગામના લોકો હાથ ઊંચા કરી ભલે પધાર્યા, અબ્દુલભાઇ, આવો, આવો કહી તેમને આવકાર આપતા હતા.

તેમાંના કેટલાક તો મારા વિશે વાત કરતા હોય તેમ ચોક્કસપણે ખ્યાલ આવી ગયો, પણ એ લોકો અરેબિકમાં વાત કરતા હોવાથી મને તેમની વાતચીતમાં સમજ નહોતી પડતી.

સપાટ ધાબાવાળા મકાનો સો-બસ્સો વર્ષ જૂના હોય એવા લાગતા હતા. રણ પ્રદેશમાં પથ્થરના ઢગલા જેવા એ મકાનો દેખાતા હતા. મકાનોમાં બારીઓ પણ સાવ નાની-નાની હતી. હજાર વર્ષથી એક જ ટાઇપના મકાનો અહીં બની રહ્યા હોવાથી, જૂના કયા અને નવા મકાન કયા? એ ભેદ પારખવો મુશ્કેલ હતો. બધા મકાનો લગભગ એક સરખા બીબાઢાળ હોય એવા લાગતા હતા. બે ગામોની વચ્ચે અંતર પણ ઘણું હતું. ઘણી વખત તો એક ગામ પસાર કરીએ પછી અડધો કલાકે બીજુ ગામ આવતું હતું. વચ્ચેના રસ્તે એકેય મકાન કે કોઇ એકાદ માણસ પણ જોવા મળતો નહોતો. આમ યેમેનના ગામો તો બધા નાના-નાના જ હતા, પણ તેય પાછા છૂટાછવાયા.

રાઇસીન નામના એક ગામમાં અમે થોડીવાર રોકાયા. આ ગામમાંથી એક નાનકડી નદી પસાર થતી હતી. રણપ્રદેશમાં અમે જાણે રણદ્વીપમાં આવી ગયા હોય તેમ મહેસૂસ થતું હતું. નદીના પાણીના કારણે આસપાસના ખેતરો હરિયાળા બની ગયા હતા. ઘણા ખેતરોમાં  ફળોના વૃક્ષો ફળોથી લચી પડયા હતા. ઘણાં ખેડૂતો તેમના ખેતરોમાં હળ ચલાવી રહ્યા હતા.

કેટલાક ખેતરોમાં બટાકા, ગાજર, ડુંગળી, કોબીજ જેવા શાકભાજી ઉગાડેલા હતા; તો અમુક ખેતરમાં ગરમ મસાલાના છોડ હતા પણ મને તેના વિશે કોઇ જાણકારી નહોતી. નજીકમાં બે-ચાર દ્રાક્ષના બગીચા પણ હતા. યેમેનમાં જો કે વાઇન પર પ્રતિબંધ છે, પણ આ વિસ્તારમાં દ્રાક્ષ વધારે લોકપ્રિય છે. ક્યાંક વળી બદામ, અખરોટ, જરદાળુ, લીમ્બુ, દાડમના વૃક્ષ પણ જોવા મળ્યા.

રાઇસીન ગામમાં બધા ગ્રામજનો બ્લેક  આરબો હતા. મારે તેમની સાથે વાતો કરી ઘણાં સવાલો પુછવા હતા પણ હું તેમની સાથે વાત કરવાની હિંમત ના કરી શકી. વળી મને ખ્યાલ પણ નહોતો કે એ લોકો મારૂં અંગ્રેજી સમજી શકશે કે નહીં.

પાછળથી મને માહિતી મળી કે યેમેન દેશ, ઇથિઓપીઆ અને સોમાલિઆ જેવા બ્લેક આફ્રિકન દેશોની નજીક છે. વચ્ચે માત્ર નાની દરિયાઇ પટ્ટી જ છે.

અમે રેન્જ રોવરમાં પાછા બેસી ગયા. ગાડી સ્ટાર્ટ થઇ એટલે અબ્દુલ ખાડાએ મને કહ્યું, તને મારૂં ગામ બહુ ગમશે. અમારા ગામમાં સફરજન અને મોસંબીના ઘણાં બગીચા, વાડીઓ છે.

(ક્રમશઃ)

Tags :