એક સબમરિન 20 બેલિસ્ટિક મિસાઈલો છોડી શકે છે..
- અણુઊર્જાથી ચાલતી અણુશસ્ત્ર સજ્જ સબમરિન એક ખતરનાક અણુશસ્ત્ર છે
- સારાંશ
- વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-12
- કોઈ દુશ્મન દેશનો સર્વનાશ કરવા માટે એક અણુશસ્ત્ર સજ્જ સબમરિન કાફી છે
- કોઈ આપખુદ કે પછી ધર્મ ઝનૂની શાસક પાસે અણુશસ્ત્ર આવી જાય તો વિનાશ નિશ્ચિત છે
ICBMની એક ખાસ લાક્ષણિકતા એ છે કે કોઈ દેશ એક વખત ICBM છોડે, પછી એને નથી તો રોકી શકાતી કે ન તો એને પાછી વાળી શકાતી. કહેવાનો મતલબ કે એક વખત તીર છૂટયું એટલે તે કોઈને વીંધ્યા વગર રહેવાનું નથી. તીર પાછું બોલાવી નથી શકાતું.
અણુશક્તિથી ચાલતી અણુશસ્ત્ર સજ્જ સબમરિન તો વળી એક ઓર ખતરનાક અણુશસ્ત્ર છે. તે એટલી તો વિનાશક છે કે તે 'Vessels of Death' તરીકે પણ ઓળખાય છે. દુશ્મન દેશની કોઈપણ રડાર કે અન્ય કોઈ સિસ્ટમ, સબમરિન દરિયામાં કયા સ્થળે છે, તેની નિશ્ચિત માહિતી મેળવી નથી શકતી. અમેરિકાના શસ્ત્ર ભંડારમાં અણુશસ્ત્ર સજ્જ ૧૪ સબમરિનો તો એવી છે કે જે માત્ર દોઢ જ મિનિટમાં ૮૦ જેટલા અણુશસ્ત્રો દુશ્મન દેશ પર ઝીંકીને આંખના પલકારામાં અદ્રશ્ય થઈ જાય છે. રશિયા પાસે પણ આટલી જ ક્ષમતાવાળી સબમરિનો છે.
આ ખતરનાક સબમરિનો એન્જિનિયરીંગ ક્ષેત્રની ખરેખરની કમાલ છે. એક સબમરિન લગભગ ૨૦ જેટલી બેલિસ્ટિક મિસાઈલો છોડી શકે છે. ૪૪ ફૂટ લાંબી અને ૮૩ ઈંચ વ્યાસવાળી આ દરેક મિસાઈલનું વજન ૧,૩૦,૦૦૦ પાઉન્ડ જેટલું હોય છે. તેના આગળના ભાગમાં સંખ્યાબંધ અણુશસ્ત્રો હોય છે.
કોઈ દુશ્મન દેશને ખતમ કરી નાંખવા માટે અમેરિકાની આવી એક જ સબમરિન કાફી છે.
ઇતિહાસ સાબિત કરે છે કે બધા પ્રતિસ્પર્ધી દેશોના શાસકો કાંઇ શાણા અને પરિપકવ અભિગમના નથી હોતા.
થર્મોન્યૂક્લિઅર શસ્ત્રોના ડિઝાઇનર રિચાર્ડ ગાર્વિને ચેતવણીના સ્વરમાં કહ્યું છે કે, કેટલાક શાસકો નેપોલિયન જેવા પણ હોય છે. આ સંદર્ભમાં રિચાર્ડે ફ્રાન્સના રાજા લુઇસ ૧૫માની (૧૭૧૦-૧૭૭૪) એક ઇતિહાસ પ્રસિધ્ધ ઉક્તિ ટાંકી છે. રાજા લૂઇસની એ ઉક્તિ મૂળે ફ્રેન્ચ ભાષામાં છે. પરંતુ તેનું અંગ્રેજી ભાષાંતર આ મુજબ છે : ''After me the deluge'', જેનો ગુજરાતી અનુવાદ ઃ મારા પછી પ્રલય.
ફ્રાન્સના રાજા લૂઇસ ૧૫માની એ પ્રસિધ્ધ થઇ ચૂકેલી ઉક્તિ બોલનારનું સ્વાર્થી માનસ અભિવ્યક્ત કરે છે ઃ મારા પછી પ્રલય, એટલે હું મરૃં પછી પ્રલય થાય તોય શું? આવા માણસો ભવિષ્યના કોઇપણ નૂકશાનકારક, જોખમી કે વિનાશક પરિણામો વિચાર્યા વગર કે એવા પરિણામોની સ્હેજેય ચિંતા કર્યા વગર, આડેધડ નિર્ણય કે આગળનું પગલું લઇ લેતા હોય છે. ફ્રાન્સના રાજા લૂઇસ ૧૫મા આવી વિચાર ધારાવાળા હતા અને એટલે જ તેમણે કહેલું કે ''મારા પછી પ્રલય.''
આજના કોઇ આપખુદ કે ધર્મઝનૂની અથવા તો અત્યંત સંકુચિત વિચાર ધારાવાળો શાસક, ફ્રાન્સના રાજા લૂઇસ ૧૫માની જેમ વિચારે કે મારૃં જે થવાનું હોય તે ભલે થાય, પણ એક વખત મારા દુશ્મન દેશનો તો હું સર્વનાશ કરી દઇશ.
અણુયુધ્ધ વિશેની ચર્ચા દરમિયાન રિચાર્ડ ગાર્વિન અને અમેરિકાના પૂર્વ સંરક્ષણ સચિવ પેરીએ એક સરખો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું 'તું કે, કોઇ નિહિલિસ્ટિક મેડમેન (Nihilistic madman) તેના શસ્ત્ર ભંડારમાંથી એકાદ અણુશસ્ત્ર છોડે એટલી જ વાર છે. આ સંદર્ભમાં તેમણે નોર્થ કોરિયાના શાસકનો ઉલ્લેખ કર્યો છે. નોર્થ કોરિયાનો સુપ્રીમ લીડર, આપખુદ શાસક કિમ જોન્ગ-ઉન વર્ષ ૨૦૧૧થી એટલે કે છેલ્લા ૧૪ વર્ષથી ત્યાં એકચક્રી શાસન ચલાવે છે. ૧૯૪૮માં નોર્થ કોરિયાનો ઉદ્ભવ થયો ત્યારથી ત્યાં કિમ રાજવંશનું આપખુદી શાસન ચાલી રહ્યું છે. હાલના શાસક કિમ જોન્ગ-ઉનના દાદા, પછી તેમનો પુત્ર અને હવે તેમનો પૌત્ર કિમ જોન્ગ-ઉન શાસન ચલાવે છે.
નોર્થ કોરિયામાં સુપ્રીમ નેતાની વિરૂધ્ધ વિરોધનો એક નાનો સરખો હરફ પણ ઉચ્ચારી શકાતો નથી. કિમ જોન્ગ-ઉન વિશે જરા જેટલું ય ઘસાતું બોલનાર કે લખનારની ધરપકડ કરી તેના પર ભયંકર અત્યાચાર ગુજારાય છે. તેને જેલમાં ધકેલી દેવાય છે.
દરેક કોરિયનના ઘરમાં કિમ જોન્ગ-ઉન અને તેમના પિતા તથા દાદાના ફોટા ટીંગાડવાનું ફરજીયાત છે. જે દીવાલ પર આ આપખુદના ફોટા હોય એ દીવાલ પર બીજા કોઇ ફોટા ટીંગાડી શકાતા નથી.
વધુ ચોંકાવનારી વાત તો એ છે કે કિમના ફોટાને રોજ ખાસ રૂમાલથી સાફ કરવા પડે છે. આ ફોટા પર જરા જેટલી ધૂળ દેખાય તો પોલીસ ઘર માલિકને પકડીને જેલમાં પુરી દે છે.
નોર્થ કોરિયામાં ટાઇટ જીન્સ પહેરવાની પણ મનાઇ છે. સામાન્ય નાગરિકને તો કોરિયાથી બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે, તેની ખબર સુધ્ધા નથી હોતી, કારણ દેશના ટીવી પર માત્ર શાસક કિમની સરકાર કહે એવા જ કાર્યક્રમો અને ન્યૂઝ પ્રસારિત કરાય છે.
આવા આપખુદ શાસકે કદાચ અણુયુધ્ધ ફાટી નીકળે તો પોતાના અને પરિવારના રક્ષણ માટે ખાસ બન્કરો બનાવ્યા છે.
૧૯૯૦ના દશકામાં નોર્થ કોરિયાએ અણુશસ્ત્રોનું સંશોધન અને ઉત્પાદનની પ્રક્રિયા શરૂ કરી હતી. વર્ષ ૧૯૯૪માં અમેરિકાની જાસૂસી સંસ્થા CIA ના વડાએ અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટનને માહિતી આપી હતી કે નોર્થ કોરિયાએ એક કે બે જેટલા અણુશસ્ત્રો બનાવી દીધા છે.
વર્ષ ૨૦૦૬માં કોરિયાએ અણુબોમ્બનું પરીક્ષણ કર્યૂં અને ૨૦૦૯માં સફળતાપૂર્વક બીજો ટેસ્ટ ધડાકો પણ કર્યો હતો. વર્ષ ૨૦૧૬માં નોર્થ કોરિયાએ થર્મોન્યૂક્લિઅર બોમ્બ પણ બનાવી દીધો અને ૨૦૧૭માં તો વિશ્વના કોઇપણ ખૂણે પહોંચી શકે તેવી ICBM મિસાઇલ પણ કોરિયાએ બનાવી દીધી છે.
કોરિયા પાસે એવી સબમરિન પણ છે, જેમાંથી તે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છોડી શકે છે.
અને કોઇ ગાંડા શાસક પાસે આવી માત્ર એક જ સબમરિન હોય તો તે એક જ સબમરિન કોઈ વિરોધી કે દુશ્મન દેશના વિનાશ માટે પર્યાપ્ત છે.
નોર્થ કોરિયાના સરમુખત્યાર શાસક કિમ જોન્ગ-ઉને KN-23 નામની એક શોર્ટ -રેન્જ બેલિસ્ટિક મિસાઈલ ડેવલપ કરાવી છે. ટૂંકા અંતરના લક્ષ્ય સુધી પહોંચી, તેના પર અણુશસ્ત્ર ઝીંકી શકવાની ક્ષમતાવાળી આ મિસાઈલ, અવાજ (સાઉન્ડ) ની ઝડપ કરતા છ ગણી વધારે ઝડપે આગળ વધે છે. KN-23 મિસાઈલની લંબાઈ લગભગ ૨૫ ફૂટની છે. આ મિસાઈલ ફક્ત ૨૮૦ થી ૪૩૦ માઈલ સુધીના ટાર્ગેટ પર ત્રાટકી શકે છે.
દુશ્મન દેશના દરિયાકાંઠા નજીકના કોઈ મહત્વના પોર્ટ કે મેટ્રોસિટિ પર સબમરિનમાંથી આ શોર્ટ-રેન્જ બેલિસ્ટિક મિસાઈલ છોડી શત્રુ રાષ્ટ્રની આયાત-નિકાસ માટે અગત્યના પોર્ટનો ક્ષણવારમાં સર્વનાશ કરી શકાય છે.
(ક્રમશઃ)