Get The App

કુદરતે જાપાનના કોકુરા શહેરને બચાવી લીધું..

Updated: May 29th, 2024


Google NewsGoogle News
કુદરતે જાપાનના કોકુરા શહેરને બચાવી લીધું.. 1 - image


- બીજા વિશ્વયુદ્ધમાં પહેલો એટમબોમ્બ હિરોસીમા પર નંખાયો, પણ બીજા અણુબોમ્બની મરણતોલ ઘાતમાંથી

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-1

- અમેરિકી લશ્કરના પ્રાઈમરિ હિટલિસ્ટમાં કોકુરા શહેરનું નામ પહેલા નંબરે હતું

- કોકુરાના શહેરીજનો બચી ગયા, નાગાસાકી તબાહ થઈ ગયું : પ્રારબ્ધ કે બીજું કાંઈ ?

જાપાનના નાગાસાકી શહેર પર ૯મી ઓગષ્ટ ૧૯૪૫ની સવારે એટમબોમ્બ ફેંકાયો; તેના આગલા જ દિવસે એટલે કે ૮મી ઓગષ્ટેે અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના સેનેટર રિચાર્ડ બી. રસેલે અમેરિકાના તત્કાલીન પ્રમુખ હેરિ ટ્રુમેનને જાપાન વિરૂધ્ધ અત્યંત આક્રમક બનવા માટે આકરા શબ્દોમાં પત્ર પાઠવ્યો હતો, જેમાં સેનેટર રિચાર્ડે લખ્યું હતું કે....

''જાપાન સામે એટલું જોરદાર યુધ્ધ ચલાવો કે  બિનશરતી શરણાગતિ માટેની તેની વિનંતીને આપણે સ્વીકારીએ તે માટે જાપાનઆપણી પાસે કરગરતું - ભીખ માંગતુ આવે. આ કામ તાકીદે પુરૂ કરવા માટે આપણી પાસે પુરતી સંખ્યામાં એટમબોમ્બ ન  હોય તો, જ્યાં સુધી જરૂરી સંખ્યામાં જોઇએ તેટલા એટમબોમ્બ બનાવી દઇએ ત્યાં સુધી જાપાન સામેનું યુધ્ધ TNT અને ફાયરબોમ્બથી આગળ ચલાવીએ. જાપાનીઓ ઊંધા મોંઢે ઘૂંટણિયે પડીને આપણી પાસે ન આવે ત્યાં સુધી આપણે જાપાન પર આક્રમણ ચાલુ રાખવું જોઇએ...''

ઉલ્લેખનીય છે કે ૬ઠ્ઠી ઓગષ્ટ ૧૯૪૫ની સવારે દુનિયાનો પહેલો એટમબોમ્બ અમેરિકાએ જાપાનના હિરોસીમા શહેર પર ઝીંક્યો. ભારે વિનાશક આ બોમ્બની અતિ પ્રચંડ ગરમી અને રેડિએશનના કારણે હિરોશીમાના ૭૫૦૦૦ રહીશો ગણત્રીની સેકન્ડોમાં હતા ન હતા થઇ ગયા, અને બોમ્બની પશ્ચાદવર્તી અસરથી બીજા હજારો માણસો મૃત્યુના મુખમાં ધકેલાયા અને રેડિએશનની ખરાબ અસરથી વિકલાંગ બની ગયા હતા..

જાપાન પર પહેલો એટમબોમ્બ ફેંકાયો, તેના ત્રીજા જ દિવસે કે ૯મી ઓગષ્ટ ૧૯૪૫ની વહેલી સવારે ૩.૪૭ વાગે (સ્થાનિક સમય) ટિનિઅન ટાપુ પરથી અમેરિકન હવાઇ દળના B-29 નામના બોમ્બર વિમાને બીજો એટમબોમ્બ સાથે લઇને ઉડાન ભરી.

અત્રે ટિનિઅન આઇલેન્ડનો જૂનો ઇતિહાસ જાણવાની જરૂર છે. બીજા વિશ્વયુધ્ધ અગાઉના સમયગાળામાં આ નાનકડા ટાપુ પર જાપાનનો કબ્જો હતો, જ્યાં જાપાનીઓ દ્વારા મોટાપાયે શેરડીનું વાવેતર કરી શેરડીમાંથી ખાંડ ઉત્પાદનના એકમો ઊભા કરાયા હતા. પરંતુ બીજા વિશ્વયુધ્ધ દરમિયાન અમેરિકન લશ્કરની રાહબરી હેઠળના સાથી રાષ્ટ્રોના સંયુક્ત લશ્કરે ઓગષ્ટ ૧૯૪૪માં આ ટાપુ પર હુમલો કરી જીત મેળવી હતી, જે બાદ અમેરિકાએ ત્યાં પોતાના હવાઇ દળનું થાણું બનાવ્યું હતું.

જાપાનના શહેરો પર બોમ્બમારો કરવા માટેના ''લોન્ચિગ પોઇન્ટ'' તરીકે અમેરિકા આ ટિનિઅન ટાપુનો ઉપયોગ કરતું હતું. ટિનિઅન ટાપુનો વિસ્તાર માંડ ૪૦ થી ૫૦ ચોરસ માઇલનો છે અને તે જાપાનના પાટનગર ટોકિયોથી દક્ષિણે ૧૫૦૦ માઇલની દૂરી પર પ્રશાંત મહાસાગરમાં આવેલો ટાપુ છે.

જાપાનના બે શહેરો-હિરોસીમા અને નાગાસાકી પર અમેરિકાના જે બે બોમ્બર વિમાનોએ એટમબોમ્બ ફેંક્યા, તે બોમ્બર વિમાનોએ આ ટિનિઅન ટાપુ પરથી ઉડાન ભરી હતી.

પહેલો એટમબોમ્બ હિરોશીમા પર ઝીંકાયો. બીજો એટમબોમ્બ ફેંકવા માટે અમેરિકાના જે B-29 બોમ્બર પ્લેને ટિનિઅન ટાપુ પરથી ઉડાન ભરી, તે બોમ્બર પ્લેનને એટમબોમ્બ જાપાનના કોકુરા શહેર પર ફેંકવાનો મૂળ ઓર્ડર કરાયો હતો.

કોકુરા શહેર પર વિનાશક બોમ્બ ફેંકવાનો પ્લાન લઇને બોમ્બર પ્લેન ટિનિઅન ટાપુ પરથી રવાના તો થયું, પણ એ અણુબોમ્બ કોકુરા શહેર પર નહીં, પરંતુ નાગાસાકી શહેર પર નંખાયો..બીજા વિશ્વયુધ્ધની આ હકીકત છે, પણ બોમ્બર પ્લેનનો કુશળ પાઇલોટ કોકુરા શહેર પરથી પ્લેન નાગાસાકી તરફ કેમ લઇ ગયો...? અણુબોમ્બ કોકુરાને બદલે નાગાસાકી પર ફેંકવાનો છેલ્લી ઘડીએ નિર્ણય કેમ બદલવો પડયો ? 

અમેરિકાના પ્રાઇમરિ ટાર્ગેટ લિસ્ટમાં કોકુરા હતું, નાગાસાકી નહીં, તો છેલ્લી ઘડીએ કોકુરા શહેર બચી કઇરીતે ગયું..?

આ લેખનો મુખ્ય આશય તો ઓસ્ટ્રેલિયન લેખક, ઇતિહાસકાર અને પત્રકાર પોલ હામ લિખિત પુસ્તક 'હિરોસીમા, નાગાસાકી' નો સારાંશ આપવાનો છે. પણ બીજો એટમબોમ્બ જે વાસ્તવમાં નાંખવાનો હતો કોકુરા શહેર પર, પરંતુ છેલ્લી ઘડીએ બોમ્બર પ્લેન B-29 ના પાયલોટ મેજર ચાર્લ્સ સ્વીનીને સંજોગોએ ફરજ પાડી કોકુરાના બદલે નાગાસાકી શહેર પર બોમ્બ ફેંકવો પડયો.....

બીજો એટમબોમ્બ લઇને B-29 બોમ્બર પ્લેનનો પાયલોટ મેજર ચાર્લ્સ સ્વીની ટિનિઅન ટાપુ પરથી વહેલી સવારે ૩.૪૭ કલાકે રવાના થયો તેના બે કલાક અગાઉથી પ્લેનમાં બળતણ ભરીને તૈયારીઓ શરૂ કરાઇ હતી ત્યારથી માંડીને સવારે ૧૧.૦૧ વાગે બોમ્બ ઝીંકાયો તે દરમિયાનના અંદાજીત સાડા નવથી દશ કલાક દરમ્યાન સંજોગોમાં જે પરિવર્તનો આવતા રહ્યા, તેના કારણે કોકુરાના શહેરીજનો બચી ગયા, પણ તેના બદલે નાગાસાકીના હજારો રહીશોનો ભોગ લેવાઇ ગયો. આને શું કહેવું : Destiny કે પ્રારબ્ધ ? કે પછી કોકુરા માટે સારા સંયોગ અને નાગાસાકી માટે ખરાબ સંજોગ કહેવાય ?

સૌથી ચોંકાવનારી હકીકત તો એ છે નવમી ઓગસ્ટે મળસ્કે બીજો એટમબોમ્બ લઇને બોમ્બર પ્લેને ઉડાન ભરી તે માટે અમેરિકન પ્રમુખની કોઇ મૌખિક કે લેખિત  સંમતિ લેવાઇ જ નહોતી. જોકે આનો મતલબ એ નથી કે અમેરિકી પ્રમુખ કદાચ વાંધો ઉઠાવે તો શું થાય ? એ આશંકાથી સંમતિ નહોતી  લેવાઇ. પ્રમુખની તો આમેય સંમતિ હતી જ, પણ કહેવાનો મતલબ કે કોઇએ વિધિવત પ્રમુખની મંજૂરી માંગી જ નહોતી....!

તો ચાલો, હવે પશ્વાદભૂમિકાની વધુ વિગતોમાં વધારે ઊંડા ઉતરવાને બદલે, સીધા ટિનિઅન ટાપુ પર પહોંચીએ, જ્યાં ૮મી ઓગસ્ટની સાંજથી જ કોકુરા શહેર પર બોમ્બર ઝીંકવા માટેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવાઇ હતી....

આની પાછળનું મજબૂત કારણ એ હતું કે અમેરિકન કમાન્ડર-ઇન-ચીફની મંજૂરી હોવાની તો બધાને ખબર હતી જ. બીજું કે એટમબોમ્બ ફેંકવાના ''પ્રોજેક્ટ આલ્બર્ટા''ના ઇન્ચાર્જ એન્જિનિયર કેપ્ટન ડિક પાર્સન્સ અને તેમના ટેકનિકલ આસિસ્ટન્ટની ફિઝિસિસ્ટ (ભૌતિક શાસ્ત્રી) નોર્મન રામસે બીજો અણુબોમ્બ  શક્ય તેટલી વહેલી તકે જાપાન પર ફેંકવા માટે આતુર હતા. આ બન્નેના મતે જાપાનને શરણે આવી જવાની ફરજ પાડવા માટે એકાદ-બે બોમ્બ ઝડપથી નાંખવા અત્યંત જરૂરી હતા !

(ક્રમશ:)

Saransh

Google NewsGoogle News