Get The App

પહેલા વિશ્વ યુદ્ધના ભણકારા વચ્ચે સાહસયાત્રા શરૂ થઈ

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
પહેલા વિશ્વ યુદ્ધના ભણકારા વચ્ચે સાહસયાત્રા શરૂ થઈ 1 - image

- યુ.કે.ના વડાપ્રધાન ચર્ચિલે, સાઉથ પોલની સાહસયાત્રાનો પ્લાન યથાવત રાખવા શેકલટનને સૂચન કરતા

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-3

- શેકલટને તો નૌકાદળના વડાને ઓફર મોકલી કે અમે મહાયુદ્ધમાં સેવા આપવા તૈયાર છીએ

- યુ.કે.ના રાજવી પંચમ જ્યોર્જે શેકલટનને રાષ્ટ્રધ્વજ આપ્યો તે મધરાતે વિશ્વયુદ્ધ શરૂ થયું

શેકલટનની સાહસયાત્રા શરૂ થતાં પહેલાં જ સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી. ભંડોળની ખાતરી મળ્યા પછી જ જાન્યુઆરી મહિનામાં સાહસયાત્રાની જાહેર જનતાને જાણ કરનાર શેકલટનને માર્ચ મહિનો આવ્યો છતાં જ્યાંથી મદદની ખાતરી અપાઈ હતી, ત્યાંથી પાઉન્ડ-સ્ટર્લિંગ નહીં આવતા તેઓ નિરાશા અને ચિંતામાં ઘેરાઈ ગયા. 'એન્ડયુરન્સ' જહાજના પૈસા આપવાનો સમય પાકી ગયો હતો, પણ પૈસાનો બંદોબસ્ત તો હજી સુધી થઈ શક્યો નહોતો. સાહસયાત્રા માટે ખરીદેલી ખાદ્ય  સામગ્રી અને અન્ય સામાનના પૈસા ચુકવવાના હતા. જહાજના સ્ટાફને પણ એડવાન્સમાં થોડા પૈસા ચુકવવાના હતા.

ના છૂટકે શેકલટને મદદ માટેની અપીલ કરવી પડી. સદ્ભાગ્યે અપીલનો તેમને ચોમેરથી સારો પ્રતિસાદ સાંપડયો, છેક ચીન, જાપાન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી તેમને સહાય મળવાની શરૂ થઈ...

સ્કોટલેન્ડના ડન્ડી નામના શહેરના એક મોટા ઉદ્યોગપતિ સર જેમ્સ કેર્ડે સૌથી વધારે ૨૪,૦૦૦ પાઉન્ડની મદદ શેકલટનને કરી હતી. બ્રિટનની સરકારે પણ આ અતિ જોખમી સાહસયાત્રા માટે ૧૦,૦૦૦ પાઉન્ડની સહાય મોકલી હતી.

ઉદ્યોગપતિ સર જેમ્સ કેર્ડની સહાયનું ઋણ અદા કરવાના શુભાશયથી શેકલટને તેમની 'એન્ડયુરન્સ' જહાજમાંની ત્રણ બચાવ બોટ પૈકીની એક બોટનું નામ જેમ્સ કેર્ડ આપ્યું હતું.

આ બચાવ બોટે જ ખરા ટાણે શેકલટનનો જીવ બચાવ્યો હતો. દક્ષિણ ધુ્રવના વેડેલ સમુદ્રના બરફના જાડા થર અચાનક તુટતા શેકલટનનું 'એન્ડયુરન્સ' જહાજ તેમાં ફસાઈને તૂટી જતા જહાજમાંની બચાવ  નૌકાઓના સહારે જ શેકલટન અને તેમની ટીમનો બચાવ થયો હતો.

આ સાહસયાત્રામાં શેકલટનને ઘણી Destroyer ની જરૂર પડવાની હતી. સાઉથ પોલના બરફાળ પ્રદેશમાં ઘણી વખત સ્લેજ ગાડીઓમાં બેસીને આગળ વધવું પડે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાડા જેમ બળદોથી ચાલે છે તેમ બરફમાં સ્લેજ ગાડીઓ ચલાવવા ખાસ પ્રકારના કૂતરાઓની (Dogs) જરૂર પડે છે. 

ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડની ઘણી બધી પબ્લિક સ્કૂલોએ શેકલટનને આ સ્લેજ ગાડીઓ માટેની 'Dogs Teams'' ખરીદવાનું ભંડોળ પુરૂ પાડયું હતું.

જુલાઈના અંત સુધીમાં લગભગ બધી જ તૈયારીઓ થઈ ચુકી ત્યારે, અચાનક એક નવી ઉપાધિ એ ઊભી થઈ કે યુરોપ પર મહાયુધ્ધના કાળા ડિબાંગ વાદળો ઘેરાવા માંડયા.

આ વિશે શેકલટને લખ્યું છે કે, સોમવારે પંચમ જ્યોર્જ અમારૂ 'Endurance' જહાજ જોવા આવવાના હતા પરંતુ એના બે દિવસ અગાઉ શુક્રવારે જ કિંગની ઓફિસમાંથી અમને મેસેજ મળ્યો કે યુરોપમાં મહાયુધ્ધના ભણકારા વાગતા હોવાથી આવી પરિસ્થિતિમાં રાજા સાહેબ પોર્ટ પર તમારા જહાજના નિરીક્ષણ માટે આવી શકશે નહીં. હું અને મારા સાથીદારો નિરાશ તો થયા જ પરંતુ વિશ્વયુધ્ધ ફાટી નીકળે તો વિશ્વશાંતિ કેટલી હદે ડહોળાઇ જશે તેનો અમે વિચાર કરવા માંડયા.

અમે પહેલી ઓગસ્ટ, ૧૯૧૪ને શુક્રવારે લંડનથી અમારી સફર શરૂ કરી અને શનિવારે અમારૂ 'એન્ડયુરન્સ' જહાજ આખો દિવસ સાઉથએન્ડ પોર્ટ પર લાંગરેલું રાખ્યું. રવિવારે બપોરે અમે માર્ગેટ પહોંચ્યા, એ દરમિયાન મહાયુધ્ધ ફાટી નીકળવાના વધારેને વધારે ભણકારા સંભળાતા હતા.

સોમવારે સવારે જહાજમાંથી ઊતરી હું માર્ગેટ ટાઉનમાં ગયો. ત્યાં અખબાર વાચતા જાણવા મળ્યું કે યુ.કે. સહિત યુરોપના દેશોમાં લશ્કરી તૈયારીઓ શરૂ કરી દેવાના હુકમો છૂટી ગયા છે.

હું તુરત પાછો જહાજ પર ગયો અને મારા બધા સાથીઓને ભેગા કરી મારા મનનો વિચાર સૌ સમક્ષ જાહેર કર્યો : જો તમે બધા સંમત થાવ તો હું આપણા નૌકાદળના વડાને ટેલિગ્રામ કરી આપણું જહાજ અને બચાવ નૌકાઓ, અને જહાજમાંની બધી  સામગ્રી દેશસેવામાં આપી દેવા માગું છું. તે ઉપરાંત આપણે બધા પણ નૌકાદળની સેવામાં જોડાઇ જઇએ.

મારી વાત સાથે તત્કાળ બધાએ પોતાની સંમતિ દર્શાવતા મેં એડમિરલને તાર કરી અમારૂ જહાજ, બચાવ નૌકાઓ તેમજ અમે બધા નૌકાદળની સેવામાં જોડાઇ જવા તૈયાર હોવાની વાત લખી. જો મહાયુધ્ધ ફાટી નીકળે તો અમે બધા નૌકાદળમાં સેવા આપવા તૈયાર છે પણ શરત માત્ર એટલી જ છે કે અમારી સાહસયાત્રાના બધા સભ્યોને એક જ યુનિટમાં સાથે રાખવા.

નૌકાદળની ''Destroyer'' શિપને યુધ્ધના દરિયાઇ મોરચે આગળ ધપાવવા માટે તાલીમ પામેલા અને અનુભવી સાથીદારો અમારી સાહસયાત્રામાં સામેલ હતા એટલે એ બધાની સેવા એડમિરલ લઇ શકે.

કેવળ એક જ કલાકમાં મને એડમિરલ તરફથી ટૂંકો ને ટચ જવાબ મળી ગયો : ''આગળ વધો''. પણ બે કલાકમાં બીજો તાર અમને મળ્યો, એડમિરલ તરફથી નહીં, પણ અમારા તત્કાલીન વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ તરફથી. અમે એડમિરલને જે ઓફર મોકલી હતી તે બદલ ચર્ચિલે પહેલા તો અમારો આભાર માન્યો અને પછી વધુમાં લખ્યું કે સાયન્ટિફિક અને જિઓલોજિકલ સંસ્થાઓનો તમને લોકોને પુરો સહકાર મળેલો છે એટલે સત્તાધિશોની ઇચ્છા છે કે તમે સાઉથ પોલની તમારી સાહસયાત્રાનો પ્લાન આગળ ધપાવો.

દેશના ખુદ વડાપ્રધાન તરફથી આવો સંદેશો મળતા જ અમે સાહસયાત્રા ચાલુ રાખવાનું નક્કી કરી લીધું.

અમારૂ જહાજ 'એન્ડયુરન્સ' માર્ગેટ બંદરેથી આગળ વધી પ્લેમથ પોર્ટ પર પહોંચ્યું, જ્યાં પંચમ જ્યોર્જે મને મળવા માટે કહેણ મોકલતા હું કિંગને મળવા ગયો, જ્યાં તેમણે મને અમારા દેશનો રાષ્ટ્રધ્વજ આપી સાહસયાત્રામાં સાથે લઇ જવા સૂચન કર્યૂં. એ જ મધરાતે મહાયુધ્ધ ફાટી નીકળ્યું.

એ પછીના શનિવારે, તારીખ આઠમી ઓગસ્ટે, નૌકાદળના એડમિરલનો હુકમ અનુસરી અમારૂ જહાજ પ્લેમથ પોર્ટ પરથી આગળ વધ્યું.

શેકલટને સાહસયાત્રાના તેમના સંસ્મરણોમાં આ ઘટનાનો ખાસ ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે વિશ્વયુધ્ધના અત્યંત કટોકટીભર્યા સમયે શેકલટન સાહસયાત્રાએ નીકળી પડયા તેની દેશમાં ક્યાંક ક્યાંક ટીકા થઇ હતી. પરંતુ આ સંદર્ભમાં મારે એટલું જ કહેવાનું કે છેલ્લા એક વર્ષથી અમે આ સાહસયાત્રાની તૈયારીઓ કરતા હતા અને તે પાછળ અમારે બહુ મોટો ખર્ચ પણ થઇ ચૂક્યો હતો. દક્ષિણ ધુ્રવની જોખમી સાહસયાત્રા માટે અમને જે દાતાઓએ આર્થિક સહાય પુરી પાડી હતી, તેમને પૂછ્યા વગર જ અમે આ સાહસયાત્રા પડતી મુકી નૌકાદળમાં જોડાઇ જવાની એડમિરલને ઓફર કરી દીધી હતી, તે વખતે અમને ખ્યાલ સુધ્ધા નહોતો કે આ મહાયુધ્ધ વર્ષો સુધી ચાલુ રહેવાનું છે, અને દુનિયાના ઘણા દેશોમાં આ મહાયુધ્ધ વિસ્તરી જવાનું છે.

(ક્રમશ:)