Get The App

એને અહીં આ રૂમમાં મારી સાથે નહીં સુવા દઉં

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
એને અહીં આ રૂમમાં મારી સાથે નહીં સુવા દઉં 1 - image


- અબ્દુલ ખાડાને ઘાંટો પાડી, મેં ભારે ગુસ્સામાં સંભળાવી દીધું..

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-10

- અબ્દુલ ખાડાએ તેમના પુત્ર અબ્દુલાહને ધક્કો મારીને મારા પલંગ તરફ જોરથી હડસેલ્યો

- તેની સાથે નહીં સુવાનો મારો નિર્ધાર મક્કમ હતો, આખી રાત હું જાગતી પડી રહી..

મને લાગ્યું કે અબ્દુલ ખાડા જોક કરી રહ્યા છે. તેમના આ જોક માટે હસવું કે નહીં તેમ મનમાં વિચારતી તેમની સામે જોઈ સવાલ કર્યો, શું, કહ્યું, તમે ?'

અબ્દુલ્લાએ જરા ભારપૂર્વક દોહરાવ્યુ, 'આ અબ્દુલ્લાહ તારો પતિ છે.' બે ઘડી તો મને જાણે તમ્મર આવી ગયા. અબ્દુલ ખાડાના શબ્દો પર મને વિશ્વાસ જ ન બેઠો. મને લાગ્યું કે તેમના શબ્દો સાંભળવામાં મારી કોઈ ગેરસમજ તો નથી થઈને...! મારા હૃદયના ધબકારા અચાનક ખૂબ વધી ગયા. ભયના માર્યા મને ગભરામણ થવા માંડી.

મેં જરા ઊંચા સ્વરે કહ્યું, 'એ મારો હસબન્ડ હોઈ જ ન શકે.'' મારૃં મગજ બહેર મારી ગયું, મને સમજ જ નહોતી પડતી કે અત્યારે અહીં શું થઈ રહ્યું છે.

બહાર ઊભો ઊભો મોહમ્મદ અમારી વાતો કદાચ સાંભળતો જ હશે, એટલે તો એણે રૂમના બારણા નજીક આવીને અંદર ડોકિયું કર્યૂં, મેં તેની તરફ નજર નાંખતા સવાલ કર્યો, મોહમ્મદ, આ તારા ડેડી શું બોલી રહ્યા છે ?

જવાબમાં મોહમ્મદે કહ્યું, 'અબ્દુલ્લાહ તારો હસબન્ડ છે, ઝાના.' હવે મને અહેસાસ થવા લાગ્યો કે આ લોકો જોકમાં નહીં, પણ ગંભીરતાથી જ વાત કરી રહ્યા છે. એથી મેં મનોમન તેમની વાતનો તાળો  બેસાડવા માંડયો. પણ મને કશી સમજ જ નહોતી પડતી. હું માત્ર તેમને ફરી એકનો એક સવાલ પૂછતી રહી'', એ મારો હસબન્ડ કઈ રીતે થઈ શકે ? આ ? બધું શું ચાલી રહ્યું છે ?

વારંવારના મારા સવાલ પછી વાતની વિગતે સમજ પાડતા અબ્દુલ ખાડાએ મને કહ્યું, ''ઈંગ્લેન્ડમાં જ તારા ફાધરે મારી સાથે વાતચીત કરીને આ લગ્નની ગોઠવણ કરી નાંખી હતી. તારી નાની બહેન નાદીઆનું પણ લગન નક્કી કરી દેવાયું છે. એનું લગ્ન ગોવાડના છોકરા સાથે ગોઠવી દેવાયું છે. અમારી પાસે મેરેજ રજિસ્ટ્રેશનના સર્ટિફિકેટ્સ છે. એટલે આ વાત કોઈ જોક કે કાલ્પનિક નથી, પણ હકીકત છે. તારૃં લગ્ન થઈ ચૂક્યું છે અને આ અબ્દુલ્લાહ તારો વર છે.

હું બારી પાસે ગુમસૂમ હાલતમાં બેસી રહી. પર્વતીય વિસ્તારમાંથી ફૂંકાતો પવન બારી વાટે અંદર રૂમમાં આવતો હતો. મારૃં આખું શરીર જાણે સંવેદનશૂન્ય બની ગયું'તું. હું વારંવાર એક જ વાતનું રટણ કર્યા કરતી હતી, ''આ શક્ય જ નથી. આવું બની જ ના શકે.''

મારા મગજમાં વિચારોના વમળો ઘુમરાતા હતા. રૂમમાં જાણે મારૃં અસ્તિત્વ જ ન હોય તેમ અબ્દુલ ખાડા અને તેમનો મોટો દીકરો મોહમ્મદ અંદરોઅંદર અરેબિકમાં કશીક વાતચીત કરતા હતા. થોડીવાર પછી મને રૂમમાં એકલી રડતી મુકીને બન્ને જણ બહાર જતા રહ્યા. જમવાનો સમય થયો હોવાથી બન્ને જણ બહાર ઓસરીમાં જમવા ગયા હોવાનું મેં અનુમાન લગાવ્યું પણ મને એ લોકો શું કરવા બહાર ગયા, એ જાણવાની જરાયે દરકાર નહોતી, મને એની સ્હેજેય પડી નહોતી. હું તો હવે વહેલી તકે મારી મોમ પાસે ઈંગ્લેન્ડ પહોંચી જવા ઈચ્છતી હતી. કોઈ આવીને મારી કફોડી સ્થિતિ સુધારી આપે, મને આ વાહિયાત ગૂંચવાડામાંથી બહાર કાઢે, એવી અપેક્ષા રાખતી હું સૂધબૂધ ગુમાવેલી હાલતમાં બેસી રહી, કારણ આ પરિસ્થિતિ કેવી રીતે હલ કરવી, તે દિશામાં વિચારી શકવાની ક્ષમતા જ જાણે હું ખોઈ બેઠી હતી.

રૂમમાં હવે અંધારૃં છવાઈ રહ્યું'તું. શૂન્યમનસ્કે હું બેઠી હતી, એટલામાં ધીમી ચાલે અબ્દુલ્લાહ રૂમમાં આવ્યો. રાત ઢળવા આવી હતી એટલે એનો ઈરાદો મારી સાથે રૂમમાં સુઈ જવાનો હોવાનો મને અણસાર આવી ગયો. તેની સાથે અબ્દુલ ખાડા પણ રૂમમાં આવી ગયો.

''એને અહીં આ રૂમમાં મારી સાથે નહીં સુવા દઉં. હું એકલી જ રહેવા માંગું છું''

પણ અબ્દુલ ખાડા તેમના નિર્ણયમાં મક્કમ હોય તેમ દ્રઢતાથી બોલ્યા, એ તારો ધણી છે. તારે એની સાથે જ સુવું પડશે.

અબ્દુલ ખાડાએ તેમના પુત્ર અબ્દુલ્લાહને ધક્કો મારી મારા પલંગ તરફ હડસેલ્યો અને પછી જોરથી બારણું અડકાવી પગ પછાડતા રૂમની બહાર નીકળી ગયા.જતા જતા તેઓ બારણાને બહારથી આગળો મારતા ગયા હોવાનો મને અવાજ પરથી અંદાજ આવી ગયો.

મેં અબ્દુલ્લાહ તરફ જોયું સુધ્ધા નહીં, અને તે પણ મારી સાથે કાંઈ ના બોલ્યો. ''હવે શું કરવું ? એની તેને પણ ખબર પડતી ન હોય તેમ મને લાગ્યું. સાથોસાથ મનેય કશો જ ખ્યાલ નહોતો આવતો કે હવે મારે કરવું શું ?''

એ બેડ પર જઈને બેઠો એટલે હું બારી નજીકની બેન્ચ પર બ્લેન્કેટ પાથરીને આડી પડી. બેડ પર તેની સાથે નહીં સુવાનો મારો નિર્ધાર મક્કમ હતો.

એ આખી રાત હું સુઈ જ ન શકી. મારી સાથે જે કાંઈ થઈ રહ્યું છે, તેના વિચારોએ મારા મનનો પુરેપુરો કબ્જો લઈ લીધો'તો. અચાનક આ બધું કઈ રીતે થઈ ગયું ? કોણે શું ભૂમિકા ભજવી ? એમ દરેક પાસાનો વિચાર કરતા કરતા હું મનોમન થાકી ગઈ. મારી ઊંઘ હરામ થઈ ગઈ.

મકાન આસપાસના પર્વતીય જંગલ વિસ્તારમાંથી ખાસ કરીને વરૂ અને ઝરખના અવાજો મારા કાને અથડાતા હતા. બારીમાંથી આવતા ચંદ્ર પ્રકાશના અજવાળામાં હું છત પર ફરાફર કરતી બે ગરોળીઓને નિરખી રહી. સમય જાણે બહુ જ મંદ ગતિએ સરકી રહ્યો'તો.

'રાતે હું એની સાથે પલંગમાં નહોતી સુતી'એ વાત ચોક્કસપણે અબ્દુલ્લાહે બીજા દિવસે એના પિતાને કરી જ હશે. દીકરાની વાતથી ખૂબ ગુસ્સે ભરાયેલા અબ્દુલ ખાડા બૂમો પાડતા રૂમમાં ધસી આવ્યા, ''કાલે રાતે મારા દીકરા સાથે તું કેમ સુતી નહોતી ?''

''એ નહીં જ બને, હું એની સાથે સુવા નથી  માંગતી''. આટલું તો મેં જવાબમાં કહ્યુ, પરંતુ મનમાં તો હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. ગુસ્સો અને ભયના માર્યા મારૃં આખું શરીર ધુ્રજતું હતું.

આખો દિવસ હું રડતી રહી અને અબ્દુલ ખાડાની પાછળ પાછળ ફરી તેમને આજીજી કરતી રહી કે મારૃં હવે શું થશે ? મેં તેમને વારંવાર કાકલૂદી કરી કે મારે હવે વહેલી તકે મારા ઘેર ઈંગ્લેન્ડ પાછા જવું છે.

અબ્દુલ ખાડાએ જવાબમાં કહ્યું, ''હાલના તબક્કે તું ઈંગ્લેન્ડ નહીં જઈ શકે. મને તેમના જવાબમાં થોડું આશાનું કિરણ દેખાયું કે હું તેમને વિનંતી કર્યા કરીશ તો હમણાં નહીં તો થોડા દિવસ પછી હું મારા વતન બર્મિંગહામ પાછી જઈ શકીશ. એટલે મેં ફરી તેમને આજીજી કરતા પૂછયું, હું ક્યારે મારા ઘરે પાછી જઈ શકીશ ? પણ અબ્દુલ ખાડાએ મારા આ પ્રશ્નનો કોઈ ચોક્કસ પ્રત્યુત્તર જ ન આપ્યો.

(ક્રમશઃ)

Tags :