Get The App

જર્મન પોલીસેઓએ કરફ્યુ ભંગ બદલ અમને અટકાવ્યા

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
જર્મન પોલીસેઓએ કરફ્યુ ભંગ બદલ અમને અટકાવ્યા 1 - image

- સબંધીને મળીને ઘેર પાછા જતી  વખતે થોડું મોડું થઈ જતા માર્ગમાં

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

-ભાગ- 6

- થોડી જ ક્ષણોમાં જર્મન બંદૂકની ગોળીનો ભોગ બની જવાની ઘડીઓ ગણાતી હતી..

- જર્મન પોલીસે બોર્ડર ક્રોસ કરવા ભાગતા યહૂદીઓને પકડી પકડીને ફટકારતા હતા

રશિયન લશ્કર આવીને બચાવી લે, તેની રાહ જોયા વગર ઘણાં યહૂદીઓ તેમની પાસેની બધી સમ્પત્તિ, કીંમતી ચીજ-વસ્તુઓ વેચી સાટીને જર્મનોથી બચવા માટે પૂર્વ તરફ પ્રયાણ કરી ગયા.

મારા લગભગ બધા જ સંગીતકાર સાથીઓ આ રીતે જતા રહ્યા અને જતા જતા મને પણ તેમની સાથે શહેર છોડી જવા આગ્રહ કરતા રહ્યા, પણ યુધ્ધના માહોલ વચ્ચે પણ મારા પરિવારે અહીં જ રહેવાનું નક્કી કરી લીધું.....

બે દિવસ પછી મારો એક સાથી કર્મચારી આખા શરીરે ઉઝરડા સાથે પાછો આવ્યો. તે બહુ જ ગુસ્સામાં હતો. તેની પાસે તેનો બેગ-બિસ્તરો કે પૈસા કશું જ નહોતું. વાત એમ બની કે તેઓ શહેર છોડી પૂર્વમાં જતા હતા એ વખતે, રસ્તામાં તેમણે જોયું તો સરહદ નજીક પાંચ અર્ધનગ્ન યહૂદીઓને વૃક્ષો પર લટકાવી જર્મનો ફટકારતા હતા, મારથી અધમૂઆ થયેલા એક યહૂદીને આખરી શ્વાસ લેતો જોઈ બાકીના બધા ગભરાઈ ગયા. 

બીજા એક યહૂદીને જર્મન સૈનિકે સવાલ કર્યો, ક્યાં જાય છે ? જવાબમાં તેણે કહ્યું મારે નદીની પેલે પાર જવું છે... સૈનિકે તેની સામે પિસ્તોલ ધરીને હુકમ કર્યો, જા નદીમાં જા, પેલો યહૂદી ગભરાતો ગભરાતો નદીમાં ઊતર્યો...

થોડે સુધી નદીમાં ગયા પછી એ ઊભો રહ્યો, તો જર્મને મોટેથી ઘાંટો પાડી કહ્યું. હજી આગળ વધ, નહીં તો અહીંથી ગોળી ચલાવી દઈશ... ગોળીના ડરનો માર્યો યહૂદી થોડો આગળ વધ્યો કે તુરત નદીના ઊંડા જળમાં તણાઈ ગયો...

મારો સાથી કર્મચારી જે પાછો આવ્યો. તેની પાસેના પૈસા અને કિંમતી ચીજો જર્મને ખૂંચવી લીધા પછી તેને ખૂબ માર્યો અને વોર્સો શહેરમાં પાછા જતા રહેવા હુકમ કર્યો. જોકે મોટાભાગના યહૂદીઓને જર્મન સૈનિકોએે લૂંટી લીધા, પણ તેઓ નદી પાર કરીને સલામત રીતે રશિયા   પહોંચી ગયા.....

આ બધી વાતો સાંભળ્યા પછી અમને લાગ્યું કે વોર્સોમાં જ રહેવાનો અમારો નિર્ણય સારો છે. ભલે અમારા આ નિર્ણય પાછળ કોઈ નક્કર તર્ક નહોતો, પણ પૂર્વમાં વિસ્ટુલા નદી નજીક યહૂદીઓ પર ગુજારાતા અત્યાચારની વાતો સાંભળી અમને અમારા નિર્ણય પર મનોમન ગર્વ અને રાહતની લાગણી થઈ.

 જર્મનોએ વોર્સો શહેર પર કબજો જમાવ્યો, તેના લગભગ બે મહિનામાં જ, પાનખર ઋતુના પાછલા અઠવાડિયાઓમાં અચાનક અણધારી રીતે વોર્સો શહેરનું જનજીવન ફરી પાછું રાબેતા મુજબનું થઈ ગયું.

હું જરૂર ન હોય તો, બને ત્યાં સુધી સમી સાંજ પછી જ ઘર બહાર નીકળતો હતો, એ પાછળનું કારણ કાંઈક અલગ જ હતું. યહૂદીઓ પર કેટલાક વાહિયાત અને મનમાં કઠે તેવા નિયમો ઠોકી બેસાડાયા હતા તે પૈકીનો એક વણલખ્યો નિયમ એ હતો કે યહૂદીએ રસ્તા પરના દરેક જર્મન સૈનિકને ઝુકીને સલામ કર્યા પછી જ આગળ જવાનું .........! આવા મૂર્ખામીભર્યા અને અપમાનજનક નિયમથી હું અને મારો ભાઈ હેનરિક બહુ ગુસ્સામાં હતા. એટલે અમે જે રસ્તા પર જર્મન સૈનિકો ન હોય એવો રસ્તો જ પકડતા હતા, પછી ભલે એના માટે અમારે લાંબુ ચક્કર લગાવવું પડે. આવો કોઈ રસ્તો ન મળે તો અમે જાણે રોડ સાઈડે ઊભેલા જર્મન સિપાઈને જોયો જ ન હોવાનો ડોળ કરીને આગળ નીકળી જતા હતા, જોકે આમાં ક્યારેક અમને ફટકા પડવાની તો દહેશત રહેતી જ હતી.

 અમારા ભવિષ્ય માટે અમને સતત તાણમાં રાખવાની જર્મનોની આ એક પ્રકારની ચાલ હતી. દર થોડા થોડા દિવસે જર્મન સત્તાધિશો યહૂદીઓ વિરૂધ્ધના કોઈને કોઈ નવા નવા ફતવા બહાર પાડતા રહેતા હતા.

અમને ટ્રેનમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મુકી  દેવાયો, અને આટલું ઓછું હોય તેમ ટ્રામના પ્રવાસ દરમિયાન અન્ય લોકોની સરખામણીએ અમારી પાસે એટલે કે યહૂદીઓ પાસેથી  ચાર ઘણું ભાડું વસૂલાતું હતું. 

એક ઢળતી સાંજે હું, મારા પિતા અને ભાઇ હેનરિક એક સંબંધીને મળવા ગયા હતાં. અચાનક મારી નજર કાંડા ઘડિયાળ પર પડતા જ હું ચોંક્યો - કરફ્યુનો ટાઇમ થઇ ગયો 'તો. અમારે હવે ઝડપથી ઘેર પાછા ફરવું પડે તેમ હતું પરંતુ અમે ગમે તેટલી ઝડપે ચાલીએ તો પણ કરફ્યુ શરૂ થતા પહેલા ઘેર પહોંચવાનું અશક્ય હતું. પણ પંદરેક મિનિટ મોડા ઘેર પહોંચાય તો કરફ્યુ ભંગનો ગુનો આમ જોવા જઇએ તો કાંઇ મોટો ગુનો ન ગણાય, અમને હતું કે અમને કાંઇ થવાનો ડર રાખવાની  જરૂર નથી.

અમે સંબંધીના ઘેરથી ઉતાવળે ઊભા થઇ ઘેર પાછા જવા નીકળ્યા. રસ્તામાં અંધારૃં છવાઇ ગયું 'તું અને રસ્તો સુમસામ થઇ ગયો હતો. એટલામાં વરસાદ શરૂ થયો અને સુસવાટાભેર ફુંકાતા પવનથી ઠંડીનું જોર વધી ગયું. અમે રસ્તા પરના મકાનોની ધારે ધારે લપાતા છુપાતા શક્ય તેટલી વધુ ઝડપે આગળ વધવા માંડયા.

અમે ઝીલ્ના રોડ પર અડધે સુધી આવી ગયા અને અમને લાગ્યું કે અમે સલામતરીતે ઘેર પહોંચી જઇશું તેવામાં અચાનક પોલીસ પેટ્રોલિંગ વાન નજરે પડી. અમને પીછેહઠ કરવાનો કે નજીકમાં ક્યાંક જ સંતાઇ જવાનો મોકો ન મળ્યો...

જર્મન પોલિસોની આંખો આંજી નાંખતી ટોર્ચ લાઇટના પ્રકાશ સામે અમે પૂતળાની જેમ ઊભા રહી ગયા, અમે દરેક જણ મનોમન કોઇ યોગ્ય બહાનું વિચારતા હતા. એકાએક છૂપી પોલીસનો એક જવાન મારી નજીક આવ્યો અને ટોર્ચ સીધી મારા ચહેરા પર ધરી દીધી...!

ટોર્ચના પ્રકાશથી મારી આંખો અંજાઈ ગઈ. તમે યહૂદી છો...? એવો સવાલ પૂછીને પછી અમારા એકેયના જવાબની રાહ જોયા વગર જ બીજા પોલીસો અમારી સામે બંદૂક ધરીને ઊભા રહી ગયા.

અમને ત્રણેને થયું કે બસ, હવે અમારૃં આવી બનવાનું છે. જર્મનો, યહૂદીઓને કઇ રીતે મારી નાંખે છે, તેની ઘણી વાતો અમે સાંભળી હતી, આજે હવે જાણે અમારો વારો આવી જવાનો હતો. થોડી ક્ષણોમાં જ જર્મન બંદૂકની ગોળીનો ભોગ બની જવાની ઘડીઓ ગણાતી હતી.

બીજા દિવસની સવાર સુધી અમારા મૃતદેહો રસ્તા પર પડી રહેત, અને મારી મા તેમજ બહેનો અમને શોધવા નીકળત ત્યારે અમારી શી હાલત થઇ છે તેની દુ:ખદ વાત તેમને ખબર પડત.

જે સગાને ત્યાં અમે વધારે વખત બેસી રહ્યા હતા, તેમને પછી પસ્તાવો થાત કે મેં ખોટા, આ લોકોને મારા ઘેર આગ્રહ કરીને બેસાડી રાખ્યા, મારા ઘેરથી વહેલા તેમને રવાના કરી દીધા હોત, તો તેઓ ત્રણેય સહી સલામત ઘેર પહોંચી ગયા હોત. સગાને હવે પસ્તાવો થવાનો હતો.