For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્કૂલના કેમ્પમાં ઇલોનને સાથી વિદ્યાર્થીએ થપ્પડ મારી

Updated: Feb 28th, 2024

Article Content Image

- સાઉથ આફ્રિકામાં શાળા જીવન દરમિયાન ઇલોન મસ્કને થયેલા કડવા અનુભવ...

- સારાંશ

- વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-6

- બદનક્ષીના કેસમાં મસ્ક અને એબરહાર્ડ વચ્ચે કોર્ટ બહાર સમાધાન થઇ ગયું

- બાળપણમાં ઇલોનને તેના અતિ વ્હાલા ડોગે બચકું ભરતા એ લોહીલુહાણ થઇ ગયો...

એબરહાર્ડ કહે છે, 'મેં જે કંપનીની (ટેસ્લા) સ્થાપના કરી હતી તે કંપનીમાંથી જ મસ્કે મને હાંકી કાઢયો, પરિણામ એ આવ્યું કે કંપનીએ જે સૌથી પહેલી ઈલેકટ્રિક કાર બનાવી, (રોડસ્ટર) તેનો પુરેપુરો જશ પોતે ખાટી ગયા.

મસ્કે, પોતે ટેસ્લા કંપનીના ફાઉન્ડર હોવાની ખોટેખોટી વાત ફેલાવી હોવાનો પણ કોર્ટ કેસમાં એબરહાર્ડે આક્ષેપ કર્યો હતો.

મસ્કે પોતાની સાથે Breach of Contract કર્યો હોવાનો પણ અદાલતી કેસમાં ખાસ ઉલ્લેખ કરાયો હતો.

એબરહાર્ડે, ઈલોન મસ્ક સામે કરેલા બદનક્ષીના આ કેસમાં થોડા જ મહિનાની અદાલતી કાર્યવાહી બાદ બન્ને વચ્ચે કોર્ટ બહાર સમાધાન કરાયું હતું.

બન્ને પક્ષમાંથી એક પણ પક્ષે સમાધાન કઈ રીતે અને કઈ શરતોએ થયું તેની કોઈ ઝાઝી માહિતી બહાર પાડી નહોતી, જેનો અંત સારો એનું સૌ સારૃં, એ ઉક્તિ પ્રમાણે કોર્ટના લાંબા કાનૂની ખટલાને બદલે ટૂંકા સમયગાળામાં જ આ બે મહાશયો વચ્ચેના વિવાદનો અણધાર્યો સુખદ અંત આવી ગયો.

એબરહાર્ડ અને મસ્ક વચ્ચે દરેક બોર્ડ મિટિંગમાં ચકમક ઝરતી રહેતી હતી અને આ બધાથી ત્રાસી ગયેલા એબરહાર્ડે વર્ષ ૨૦૦૭માં ટેસ્લા કંપની છોડી હતી, એબરહાર્ડે કંપની તો છોડી, પરંતુ કંપની છોડતી વેળાએ પણ છેલ્લે છેલ્લે મસ્ક સાથેના મનદુઃખ અને વિવાદે પીછો નહોતો છોડયો.

વાત એમ બની કે કંપની છોડતી વખતે એવી સમજૂતી થઈ હતી કે કંપની તરફથી એબરહાર્ડને લાખ્ખો ડોલરની "Founder's Series"  ની પહેલી "Roadsters"  બહાર પાડી હતી. જે કાર બહુ મોંઘામાંની હતી. આ કાર એબરહાર્ડને કંપની છોડતી વેળા ભેટમાં આપવાનું નક્કી થયું હતું પણ એબરહાર્ડના કહેવા મુજબ તેમને ફાઉન્ડર સિરિઝની ખાસ મોડલની કાર આપવાના બદલે "Regular Model" ની કાર અપાઈ હતી, એટલુંજ નહીં. પણ એ Damaged car  હતી, એ કાર  ગોબાવાળી હતી...!

ઇલોન મસ્કનું બાળપણ સાઉથ આફ્રિકામાં વીત્યું હતું. શિશુવયથી જ મસ્કને પીડા, વ્યથા શું ચીજ છે, તે મહેસૂસ થઇ ગયું હતું અને પીડાદાયક સંજોગો વચ્ચે જીવવાનું મસ્ક બાળપણથી જ શીખી ગયા છે.

અહીં આપણે ત્યાં શાળામાંથી નાના બાળકોને નદી કિનારે કે પર્વતીય પ્રદેશમાં કેમ્પમાં લઇ જાય છે તેમ સાઉથ આફ્રિકાની શાળામાંથી બાળકોને u ''wilderness survival camp'' માં લઇ જવાતા હતા.

મસ્ક જ્યારે ૧૨ વર્ષના હતા ત્યારે શાળામાંથી બાળકોને આવા પ્રકારના એક કેમ્પમાં લઇ જવાયા હતા. નિર્જન અને વેરાન પ્રદેશમાં અગવડો વચ્ચે કઇરીતે અસ્તિત્વ ટકાવી રાખવુ તેનું પ્રેકિટકલ શિક્ષણ આ પ્રકારના કેમ્પમાં બાળકોને સ્વાનુભવથી જ મળી જાય છે. લગભગ પેરામિલિટ્રિ જેવી તાલીમ બાળકોને આપવાનો આ કેમ્પનો આશય હતો. 

દરેક બાળકને થોડી થોડી ખાવાની ચીજો અને મર્યાદિત પ્રમાણમાં પીવાનું પાણી અપાયું. પછી ભૂખ લાગે અને વધારે ખાવાનું જોઇએ તો અંદરોઅંદર ઝઘડવાની બાળકોને છૂટ અપાઇ હતી. કહો કે બાળકોને પરસ્પર મારામારી માટે પરોક્ષ કે આડકતરૃં પ્રોત્સાહન અપાતું હતું.

બાળપણમાં શાળાના આ કેમ્પની યાદ તાજી કરતા મસ્કના નાનાભાઇ કિમ્બલ કહે છે, આવા કેમ્પમાં દાદાગીરી એ ગુણવિશેષ ગણાતો હતો. (Bullying was considered a virtue)

મોટા બાળકો નાના બાળકોને ગાલ પર બે-ચાર તમાચા મારી, તેમની પાસેથી ખાવાની વસ્તુઓ આંચકી લેવાનું ઝડપથી શીખી લેતા હતા...!

ઇલોન મસ્ક નાની ઉંમરના હતા અને મોટા બે બાળકોએ તેને બે થપ્પડ મારીને તેની પાસેથી બધું ખાવાનું ઝૂંટવી લીધું હતું. કેમ્પમાં બાળકોનો માર ખાવાથી મસ્ક એટલો બધો ગભરાઇ ગયો કે ઘેર ગયા પછીના થોડા દિવસોમાં તેનું ૧૦ કિલો વજન ઘટી ગયું હતું.

કેમ્પમાં પાંચ-છ દિવસ પછી બાળકોને બે ગુ્રપમાં વહેંચી દેવાયા અને એક ગુ્રપને બીજા ગુ્રપના છોકરાઓ પર હુમલો કરવાનું, તેમની સાથે મારામારી, ઝઘડો કરવાની સૂચના અપાઇ હતી.

કેમ્પના જૂના દિવસો યાદ કરતા ઇલોન મસ્ક કહે છે, એ બધું સાવ જ ગાંડા જેવું, અને મગજ ચકરાવે ચઢાવી દે તેવું હતું.

છોકરાઓના બે ગુ્રપો સામ સામે એટલું બધું ઝઘડતા અને મારામારી કરતા કે દર થોડા વર્ષે એકાદ બાળકનું તેમાં મૃત્યુ નિપજતું હતું. આટલું ઓછું હોય તેમ શાળાના શિક્ષકો આવી ઘટનાઓની વાત દોહરાવી બાળકોને ચેતવતા હતા કે જોજો, ગયા વર્ષે પેલો મરી ગયો તેના જેવા સ્ટુપિડ ના બની રહેતા. કમજોર ના રહેજો, દાદાગીરી કરવાનું શીખી જજો.

શાળામાંથી બાળકોને બીજી વખત wilderness કેમ્પમાં લઇ ગયા તે વખતે મસ્કની ઉંમર ૧૬ વર્ષની હતી. શરીરે પણ થોડો તગડો થઇ ગયો હતો. છ ફૂટની ઊંચાઇવાળા મસ્કે જૂડોની તાલીમ પણ લીધી હતી. એટલે આ વખતના કેમ્પમાં અગાઉના કેમ્પ જેવો ખરાબ અનુભવ મસ્કને ન થયો. 

બીજા કેમ્પની જૂની યાદ તાજી કરતા મસ્ક કહે છે, પહેલા કેમ્પના અનુભવ પછી મને એટલું તો સમજાઇ ગયું હતું કે જો કોઇ છોકરો મારા પર હુમલો કરે અથવા દાદાગીરી કરવા જશે, તો હું સીધો તેના નાક પર જ જોરથી એવો મુક્કો મારી દઇશ, કે જેથી ફરી કોઇવાર મારા પર દાદાગીરી કરવા આવવાની હિંમત જ નહીં કરે.

સાઉથ આફ્રિકામાં મસ્ક ફેમિલિએ ઘરની ચોકી માટે, રક્ષણ માટે જર્મન શેફર્ડ ડોગ્સ રાખ્યા હતા. મસ્ક ફેમિલિના ઘર નજીકમાં કોઇ દોડતું આવ-જા કરે તો તેના પર આક્રમણ કરવા માટે જર્મન શેફર્ડને તાલીમ અપાઇ હતી. ૧૯૮૦ના દાયકામાં સાઉથ આફ્રિકામાં રંગભેદની નીતિના કારણે ઘણી હિંસાખોરી ચાલતી હતી. મશીન-ગનથી હુમલા અને ચાકુથી હત્યાનો સિલસિલો એ સમયગાળામાં સામાન્ય બની ગયો હતો.

ઇલોન મસ્ક જ્યારે છ વર્ષનો હતો ત્યારે એક દિવસ દોડતો દોડતો ઘર નજીક આવી જતા તેના જ એક જર્મન શેફર્ડે મસ્કને જોરથી બચકું ભરી લીધું. મસ્કના શરીરમાંથી માંસનો લોચો બહાર આવી ગયો અને તે લોહીલુહાણ થઇ ઢળી પડયો.

કરૂણતા એ હતી કે જે જર્મન શેફર્ડે મસ્કને લોહીલુહાણ કરી નાંખ્યો, એ ડોગ મસ્કને અતિ વ્હાલો હતો.

(ક્રમશઃ)

Gujarat