For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્ટીવ જોબ્સ અને નારાયણમૂર્તિના દીક્ષાંત પ્રવચનોની સામ્યતા

Updated: Dec 28th, 2022

Article Content Image

- જીવનમાં બનતી ઘટનાઓમાંથી જેઓ યોગ્ય બોધપાઠ શીખી લે છે, તેમની પ્રગતિનો માર્ગ સરળ બને છે

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- નિષ્ફળતા કરતાં સફળતામાંથી બોઠપાઠ શીખવાનું વધારે અઘરૂં છે..

- ઈન્ફોસિસને 10 લાખ ડોલરમાં વેચવાની ઓફર નારાયણ મૂર્તિએ ફગાવી દીધી

છેલ્લે ગાર્ડે મને જે શબ્દો કહ્યા તે હજી આજેય મારા કાનમાં ગૂંજ્યા કરે છે- તું મિત્ર દેશ ભારતનો હોવાથી અમે તને સહીસલામત જવા દઇએ છીએ.

ઇસ્તંબુલ પહોંચતા સુધીના ૨૦ કલાક મારે એકલાએ ભૂખ્યા પેટે વીતાવવાના હતા. શનિવાર રાતનું મેં કશું ખાધું નહોતું.

અત્યાર સુધી હું સામ્યવાદમાં માનતો હતો. પરંતુ સ્લિપિંગ બેગ વગર કડકડતી ઠંડીમાં ૨૦ કલાકના લાંબા અને સાવ જ એકલવાયા પ્રવાસ દરમિયાન સામ્યવાદ તરફી મારી વિચારધારા વિશે પુનઃ વિચાર કરવાની મને તક મળી.

૧૦૮ કલાક ભૂખ્યા રહ્યા પછી ગુરૂવારની વહેલી સવારે મારા મનમાંથી ડાબેરી વિચારસરણીનું ભૂત પુરેપૂરૂં  બહાર નીકળી ગયું. સમાજમાંથી ગરીબી નાબૂદ કરવાનો સચોટ અને સારો ઉપાય તો મોટા પાયે નોકરીઓ ઊભી કરે તેવા ઔદ્યોગિક સાહસ કરવાનો જ છે, તેવું મારા મનમાં ઠસી ગયું.

મારા હૃદયમાં ઊંડે ઊંડે તો હું પેલા બલ્ગેરિયન ગાર્ડનો આભાર માનું છું કે જેમના કારણે હું એક સંદિગ્ધ સામ્યવાદીમાંથી મક્કમ નિર્ધારવાળો પણ કરૂણામય મૂડીવાદી બની ગયો.

વિશ્વવિખ્યાત 'એપલ' કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સે પણ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના દીક્ષાંત પ્રવચનમાં આ રીતે જ તેમના જીવનની ત્રણ-ચાર ઘટનાઓ વિદ્યાર્થીઓ સમક્ષ કહી હતી અને આ ઘટનાઓ તેમના જીવનમાં કેવા સારા વળાંક લાવી અને આ ઘટનાઓ જીવનમાં કઇ રીતે ઉપયોગી થઇ પડી તેની સમજણ યુવા વિદ્યાર્થીઓને આપી હતી. ‘‘Connecting the dots''ટાઇટલ હેઠળની સ્ટીવ જોબ્સની સ્પીચ વિદ્યાર્થીઓએ ખાસ વાંચવા જેવી છે.

ન્યૂયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસના દીક્ષાંત પ્રવચનમાં નારાયણ મુર્તિએ તેમના જીવનની ઉપરોક્ત બે ઘટનાઓ વિશે વાત કર્યા પછી ઉમેર્યૂં કે મારા જીવનની એ બે ઘટનાઓ તો અણધારી જ બની ગઇ પણ હવે પછીની જે બે ઘટના વિશે હું તમને વાત કરવા જઇ રહ્યો છું, એ બે ઘટનાઓ ઇન્ફોસિંસ સ્થાપના પછીની છે, મારા જીવનની આ બે ઘટનાઓ પૂર્વ આયોજીત હતી અને મારી કારકિર્દી પર તેની અત્યંત પ્રભાવક અસર પડી હતી.

વાત છે વર્ષ ૧૯૯૦ની. શિયાળાના એક શનિવારની ઠંડી સવારે ઇન્ફોસિસના સાત પૈકીના પાંચ સ્થાપકો અમે બેંગ્લોરના પરામાં આવેલી અમારી એક નાનકડી ઓફિસમાં ભેગા મળ્યા હતા.

ઇન્ફોસિંસને ૧૦ લાખ (૧ મિલિયન) ડોલરમાં ખરીદી લેવાની એક લલચાવનારી ઓફર અમને આવી હતી અને અમે આ ઓફર સ્વીકારવી કે નહીં, તે વિશે નિર્ણય લેવા માટે એકઠા થયા હતા.

તે વખતે ભારતમાં ઉદ્યોગ ચલાવવા માટે સારૂં વાતાવરણ નહોતું. છેલ્લા ૯ વર્ષથી અમે ઇન્ફોસિંસને આગળ વધારવા ખૂબ મહેનત કરી રહ્યા હતા તેવા સંજોગો વચ્ચે અમારી સમક્ષ આ ઓફર આવી હોવાથી અમે સૌ ખુશ હતા.

મેં સૌ પહેલા તો મારા સાથીદારોને તેમના અભિપ્રાય વ્યક્ત કરવા કહ્યું. ઇન્ફોસિસની સ્થાપનાની શરૂઆતથી આજ સુધીના ૯ વર્ષ દરમિયાન અમારે બધાએ કરવા પડેલા સંઘર્ષ વિશે સાથીદારોએ વાત કર્યા પછી ભવિષ્યમા પણ હજી અમારે કેવા પડકારોનો સામનો કરવો પડશે, એ સઘળી ચર્ચા લગભગ ચારેક કલાક ચાલી; ત્યાં સુધી હું એકેય શબ્દ બોલ્યો નહોતો.

છેવટે બોલવાનો મારો વારો આવ્યો.મુંબઇના નાનકડા ફલેટમાં ૧૯૮૧માં ઇન્ફોસિસની સ્થાપના કરાઇ ત્યારથી અમારે કેવા કેવા પડકારોનો સામનો કરવો પડયો તે વિશે વાત કર્યા પછી મેં આશાવાદી સ્વરે સાથીદારોને કહ્યું સવાર પડતા પહેલાના ગાઢ અંધકારના તબક્કે અત્યારે આપણે આવી ઊભા હોવાનું હું માનું છું.

આટલું કહ્યા પછી મારો એક હિંમતભર્યો સાહસિક નિર્ણય મેં સાથીદારોને કહ્યો ઃ જો તમે બધા કંપનીને વેચવાની તરફેણમાં હો તો તમારો બધાનો શેર હું ખરીદી લેવા તૈયાર છું. વાસ્તવિકતા એ હતી કે મેં આ હિંમતભર્યો નિર્ણય સાથીદારોને જણાવ્યો, એ વખતે મારા ખિસ્સામાં ફૂટી કોડીય નહોતી...!

મારી આ ઓફર સાંભળીને અમારી નાનકડી ઓફિસમાં સન્નાટો છવાઇ ગયો. મારા આવા ''અવિચારી જોખમી'' નિર્ણય સામે સાથીદારોએ સ્પષ્ટરીતે આશ્ચર્ય વ્યક્ત કર્યૂં. પણ તેમના પ્રત્યાઘાત પછી હું શાંત જ રહ્યો.

પણ મેં સાથીદારો સાથે અગાઉ જે દલીલો કરી હતી તેના એકાદ કલાક પછી મારા સાથીદારોએ તેમનો નિર્ણય બદલ્યો અને મારા નિર્ણય સાથે સંમત થઇ ગયા.

મેં તેમને બધાને અપીલ કરતાં કહ્યું કે આપણે જો ઇન્ફોસિસને એક મહાન કંપની બનાવવા ઇચ્છતા હોઇએ તો આપણે આશાવાદી અને આત્મવિશ્વાસુ બનવું પડશે.

એ દિવસે જે નિર્ણય લેવાયો તેને સૌ સાથીદારો ચૂસ્તરીતે વળગી રહ્યા.

એ દિવસ પછીના ૧૭ વર્ષમાં ઇન્ફોસિસની રેવન્યૂ ૩ બિલિયન ડોલરથી ય ઘણી વધી ગઇ. કંપનીની ચોખ્ખી આવક ૮૦૦ મિલિયન ડોલર થઇ અને કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ૨૮ બિલિયન કરતાંય વધુ થઇ ગયું. એ દિવસે અમને ૧ મિલિયન ડોલરની ઓફર કરાઇ હતી તેની સરખામણીમાં અમારી કંપની ૨૮૦૦૦ ઘણી સમૃધ્ધ થઇ ગઇ...!

નારાયણ મૂર્તિએ ન્યૂયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસના દીક્ષાંત પ્રવચનમાં તેમના જીવનની કેટલીક ઘટનાઓ કહ્યા પછી આ ઘટનાઓમાંથી તેઓ જે પાઠ શીખ્યા તે વિશે વિદ્યાર્થીઓને શીખામણ આપી હતી.

''પહેલી વાત તો અનુભવમાંથી શીખવા યોગ્ય પાઠ શીખવાનું જે મહત્વ છે તે અંગે હું તમને કહેવા માગું છું કે તમે કયાંથી શરૂઆત કરો છો એ મહત્વનું નથી. અગત્યની વાત એ છે કે તમે શું શીખો છો અને કેવી રીતે શીખો છો. શીખવાની ગુણવત્તા જો ઊંચી હોય તો તમે જિન્દગીમાં નવા નવા શિખર સર કરી શકો છો. અગાઉ તમે જે શિખર સર કરવાનું અશક્ય સમજતા હો, એવા શિખર પણ તમે સર કરી શકો છો. અમારી કંપની ઇન્ફોસિસ એનું જીવતું જાગતું ઉદાહરણ છે.

અનુભવમાંથી શીખવા યોગ્ય પાઠ શીખવાની પ્રક્રિયા જો કે જટિલ છે, અટપટી છે. નિષ્ફળતા કરતા સફળતામાંથી પાઠ શીખવાનું જરા વધારે મુશ્કેલ છે. જો આપણે નિષ્ફળ ગયા હોઇએ તો તેના ચોક્કસ કારણ વિશે આપણે કાળજીપૂર્વક વિચારીએ છીએ પણ આપણે સફળ થયા હોય એટલે ભૂતકાળમાં આપણે લીધેલા બધા જ પગલા યોગ્ય હતા એવું આપણે મક્કમરીતે માનતા થઇ જઇએ છીએ.

(ક્રમશઃ)

Gujarat