Get The App

એક દિવસ અમારૂં જહાજ બરફની વચ્ચે ફસાઈ ગયું..

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
એક દિવસ અમારૂં જહાજ બરફની વચ્ચે ફસાઈ ગયું.. 1 - image

- આગળના ભાગમાં બરફના નાના-મોટા ચોસલાએ જળમાર્ગ અવરોધી દીધો..

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-7

- દિવસ દરમિયાન અમે બરફની લગભગ 200 જેટલી હિમ શિલાઓ પસાર કરી

- કુદરત અમને જાણે દક્ષિણ ધુ્રવ જવાના બદલે પાછા વળવાનો નિર્દેશ કરતી હતી..

રવિવાર તા. ૨૭ મી ડિસેમ્બરે દક્ષિણ દિશાના ભારે પવન બરફની નાની-મોટી કરચો ઉછાળતા સૂસવાટાભેર ફૂંકાતા હતા. તાપમાન ઘણું નીચું ઊતરી ગયું'તું. બીજે દિવસે વંટોળની ગતિમાં ઘટાડો જરૂર થયો, પણ બરફની કરચો તો ચોતરફ ઊડતી જ રહી, જેથી સવારે ૧૧ વાગ્યા સુધી મેં જહાજ આગળ હંકારવાનો હુકમ ના કર્યો.

 આગળના જળમાર્ગ પર બરફના ચોસલા છવાયેલા હતા, જો કે એ બરફ થોડો નરમ હતો અને જહાજ આ પ્રકારના પોચા બરફને વિંધીને આગળ વધી શકે તેમ હતું. 

છેલ્લા સાડા ચાર દિવસ દરમિયાન ફૂંકાતા ભારે પવનની ગતિ તા. ૨૯મી ડિસેમ્બરની સાંજ સુધીમાં તો ખાસ્સી ધીમી પડી ગઈ હતી. બીજા દિવસે તા. ૩૦મીએ અમે ઘણા આગળ વધી શક્યા. સારા હવામાનના લીધે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન અમારૂં જહાજ દક્ષિણ પૂર્વના લાંબા ખુલ્લા જળમાર્ગમાં આગળ વધતું રહ્યું અને રાતના ૧૧ વાગે અમે એન્ટાર્કટિક સર્કલ વળોટી દીધું. 

 આગળના જળમાર્ગ પર નજર કરી તો વર્તુળાકારે પથરાયેલા બરફના જાડા ચોસલાઓમાં વચ્ચે થોડો જળ માર્ગ ખુલ્લો દેખાતો હતો, જો કે ક્યાંક ક્યાંક વળી વચ્ચે  બરફના જુદા જુદા કદના નાના-મોટા પહાડ જળમાર્ગ અવરોધતા નજરે પડતા હતા. 

કોઈ દિશામાં એકદમ ખુલ્લો જળ માર્ગ જોવા મેં મારી દ્રષ્ટિ ચોતરફ ફેરવી પણ ક્યાંય સાવ જ 'ઓપન' જળ માર્ગ નજરે ના પડયો. એ રાતે સૂરજ આથમ્યો જ નહોતો, પણ વાદળો નીચે ઢંકાયેલો હોવાથી વચ્ચે વચ્ચે દક્ષિણ તરફ તેના પ્રકાશની સોનેરી કોર ચમકતી દેખાતી હતી.

 તા. ૩૧મી ડિસેમ્બરે અમારૂં જહાજ બરફની વચ્ચે બરાબરનું ફસાઈ ગયું હતું. પહેલાં તો ''ઈહગેચિહબી'' ની ચોતરફ બરફની જાડી ચાદર પથરાઈ ગઈ, જેથી જહાજ માટે આગળ વધવાનું મુશ્કેલ બની ગયું. બપોરે પૂર્વ અને ઉત્તર પૂર્વ દિશા, એમ બન્ને તરફથી બરફના બહુ ઘટ્ટ જંગી ચોસલાઓ વચ્ચે જહાજ થોડો સમય સુધી તો રીતસર જામ થઈ ગયું.

તે પછી આગળનો જળમાર્ગ થોડો સરળ રહ્યો. ઘણી જગ્યાએ તો બરફની ચાદર બહુ જૂના જામી ગયેલા નહીં પણ લગભગ તાજા કહી શકાય તેવા બરફની હોવાથી અમારૂં જહાજ તેને વિંધીને ઝડપભેર આગળ વધતું હતું. એકધારૂં એકાદ-બે માઈલ તો જહાજ આરામથી પસાર કરી દેતું હતું.

નૂતન વર્ષનો પહેલો દિવસ (જાન્યુઆરી૧,૧૯૧૫) થોડો વાદળછાયો રહ્યો. 

ઉત્તરીય પવનો હળવેથી વાતા હતા, જોકે વચ્ચે વચ્ચે ક્યારેક બરફ વર્ષા પણ થઈ જતી હતી. સાંજ ઢળતા સુધીમાં જળમાર્ગ પર બરફના પોચા ચોસલા હોવાથી રાત્રે આઠ વાગ્યા પછી જહાજની ગતિ વધી ગઈ, કારણ પોચો, અને નરમ બરફ હોવાથી જહાજ તેને કાપતું ઝડપભેર આગળ વધી શકતું હતું.

થોડા કલાક આ રીતે આગળ વધ્યા પછી પૂર્વ દિશામાંથી હળવો વંટોળ ફૂંકાવો શરૂ થયો, આ દરમિયાન સતત બરફ વર્ષા થતી રહેતી'તી.

બીજી જાન્યુઆરીના મળસ્કે ચાર વાગે આગળના જળમાર્ગ પર જૂના જામી ગયેલા બરફના કઠણ જાડા ચોસલાના કારણે જહાજ પરનું દબાણ ખૂબ વધી ગયું.

બપોર બાદ તો મોટા હિમખંડોએ અમારો દક્ષિણ તરફનો જળ માર્ગ જાણે લગભગ રોકી દીધો. આવા મોટા અને જાડા બરફના ચોસલા વિંધીને આગળ વધવાનું જહાજ માટે મુશ્કેલ બની ગયું તેમાં વળી પ્રચંડ વંટોળ શરૂ થતા હિમખંડો કાપીને પ્રવાસ આગળ વધારવાનું કામ વધારે કઠિન અને જોખમી બન્યું. 

હું હવે આગળ કોઈ ટાપુ દેખાય તે જોવા આતુર હતો કારણ કે ઘણાં દિવસોથી સ્લેજ ગાડીના કૂતરાઓ કંટાળ્યા હોવાનું લાગતું'તું. જહાજની ટૂંકી જગ્યામાં પડયા પડયા કૂતરા ત્રાસી ગયા હતા એટલે હવે આગળ કોઈ ટાપુ દેખાય તો ત્યાંકૂતરાઓ થોડા છૂટથી ફરી શકે, એવી મારી ગણત્રી હતી. 

દિવસ દરમિયાન અમે બરફની લગભગ ૨૦૦ જેટલી હિમશિલાઓ પસાર કરી.

ત્રીજી જાન્યુઆરીના પરોઢિયે લગભગ બે વાગ્યાના સુમારે ચોખ્ખા જળમાર્ગની બરોબર વચ્ચોવચ બરફનો એક જંગી પહાડ આવી ગયો. આ વિશાળકાય બરફ વિંધીને આગળ વધવાનું લગભગ અશક્ય બની ગયું. પૂર્વ દિશામાંથી હળવો વંટોળ શરૂ થયો અને સાથોસાથ બરફ વર્ષા પણ થવા માંડી. ધુમ્મસભર્યા વાતાવરણમાં આગળનું કશું દેખાતું નહોતું.

આગળના જંગી બરફિલા પહાડની ઊંચાઈ અંદાજે ૧૨૦ ફુટની હોવાથી આગળની દિશામાંથી ફૂંકાતો પવન અવરોધાઈ જતો હતો. જેથી અમારૂં જહાજ હાલક-ડોલક થતું અટકી ગયું'તું. 

સવારના સાત વાગ્યે અમારૂં જહાજ આગળ વધી શક્યું. જોકે જહાજની ગતિ ખૂબ ધીમી હતી. કારણ આગળનો જળમાર્ગ સાવ ખુલ્લો નહોતો. બરફની બહુ જાડી નહીં એવી ચાદર, બરફના નાના-મોટા ચોસલા અને હિમશિલાઓ અમારો આગળનો માર્ગ અવરોધતા રહેતા હતા.

 ત્રીજીની મધરાત સુધીમાં અમે દક્ષિણ તરફ ૧૧ માઈલનો પ્રવાસ ખેડી ચૂક્યા હતા પણ વળી પાછા બરફના હિમખંડો અમારો જળમાર્ગ રોકીને ઊભા હતા. વચ્ચેથી ક્યાંય માર્ગ કરીને જહાજથી આગળ વધી શકાય તેમ નહોતું. 

ચોથીએ સવારે ૧૦ વાગ્યે અમે જોયું તો છેલ્લા લગભગ ૫૦ કલાકથી અમે ૨૦ ચોરસ માઈલના જળ વિસ્તારમાં આમથી તેમ આંટા માર્યા કરતા હતા. અમે દક્ષિણ, અગ્નિ કે નૈઋત્ય દિશામાં ખુલ્લો જળ માર્ગ મળે તે માટે મથામણ કરતા રહેતા હતા. પરંતુ અમને એ દિશાઓમાં ખુલ્લો, સરળ જળમાર્ગ ના જ મળ્યો, તેના બદલે ઉત્તર,ઈશાન કે વાયવ્ય તરફના જળ માર્ગ થોડા ખુલ્લા દેખાયા. કુદરત અમને દક્ષિણ ધુ્રવ જવાના બદલે જાણે પાછા વળવાનો નિર્દેશ ન કરતી હોય...! પણ પાછા નહીં જ વળવાનો અમારો સંકલ્પ હતો.

 બપોરના સુમારે પશ્ચિમમાં અમને થોડો ખુલ્લો જળમાર્ગ દેખાતા અમે એ દિશામાં વળ્યા અને ઢળતી બપોરના ચાર વાગ્યે તો દક્ષિણ અને નૈઋત્ય તરફ અમને વધારે ખુલ્લો જળમાર્ગ મળી ગયો.

 અમે શક્ય તેટલી વધારે ઝડપે આગળ વધતા રહ્યા. મધરાતના સુમારે પણ સૂરજદાદાનો પ્રકાશ રેલાઈ રહ્યો હતો. તેથી બીજા દિવસે બપોર સુધી અમારૂં જહાજ આગળને આગળ માર્ગ કાપતું રહ્યું. 

અમારૂં જહાજ લગભગ ૬૨ માઈલનો જળમાર્ગ કાપી ચૂક્યું હતું. બપોરના ત્રણેક વાગ્યે નૈઋત્ય તેમજ પશ્ચિમ-વાયવ્ય તરફનો જળમાર્ગ બરફથી પુરેપુરો અવરોધાઈ ગયો'તો.

તા. ૬ જાન્યુઆરીએ ખુલ્લા જળમાર્ગની શોધમાં આમથી તેમ આંટા મારી જહાજના બળતણનો (કોલસાનો)  ખોટો બગાડ કરવાના બદલે અમે હિમશિલા સાથે લંગર નાંખીને જહાજ ખડું કરી દીધું. 

(ક્રમશઃ)