FOLLOW US

મહારાજા પ્રતાપસિંહ રાવ પાસેથી બે લાખ પડાવ્યા..!

Updated: Jul 27th, 2022


- નેશનલ હેરાલ્ડ માટે રફી એહમદ કિડવાઈએ વડોદરાના

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-1

- વી.પી.મેનને મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડ પાસેથી લાખ્ખોની લાંચ લીધી હતી..!

- ફિરોઝ ગાંધીએ હિસાબના ચોપડામાં બે લાખની ખોટી એન્ટ્રી પાડી...

નેશનલ હેરાલ્ડમાં આર્થિક ગેરરીતિના પ્રશ્ને એન્ફોર્સમેન્ટ ડિટેક્ટોરેટ દ્વારા રાહુલ ગાંધી અને તે પછી સોનિયા ગાંધીની પૂછપરછ કરાઈ છે, ત્યારે જવાહરલાલ નહેરૂના વખતમાં પણ નેશનલ હેરાલ્ડના મામલે થયેલા વિવાદ વિષે જાણવું રસપ્રદ થઈ પડશે.

જવાહરલાલ નહેરૂના પર્સનલ સેક્રેટરી એમ.ઓ. મથ્થાઈએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે, વર્ષ ૧૯૫૫ ના અંતમાં ઇન્દિરા પી.એમ. હાઉસમાંની મારી ઓફિસમાં આવ્યા, અને કહ્યું, મારા પિતાએ થોડીવાર પહેલા જ મને કહ્યું કે ફિરોઝ ગાંધી અને અજીત પ્રસાદ જૈન તેમને મળવા આવ્યા હતા. અને આ બન્ને જણે મારા પિતાને એવું કહ્યું કે ગંભીર નાણાંકીય મુશ્કેલીના કારણે અમે નેશનલ હેરાલ્ડ તેમજ એને સંલગ્ન બીજા અખબારો ઉત્તર પ્રદેશ કોંગ્રેસના 'બોસ' સી.બી. ગુપ્તાને આપી દેવાના છે.

ફિરોઝ ગાંધી અને અજીત પ્રસાદ જૈન લખનૌ જવા માટે દિલ્હી સ્ટેશને જવા નીકળી ચૂક્યા છે.

આટલું કહ્યા પછી ઇન્દિરાએ મને સવાલ કર્યો કે આમ થતું અટકાવવા માટે તમે કાંઇ મદદરૂપ થઇ શકો ખરા?

મેં મારા સ્ટાફને દિલ્હી રેલ્વે સ્ટેશને ફોન જોડવાની સૂચના આપીને ઉમેર્યું કે સ્ટેશનના સ્ટાફને કહો કે પ્લેટફોર્મ પરથી ફિરોઝ ગાંધી તેમજ અજીત પ્રસાદ જૈનને ખોળી કાઢી સ્ટેશન માસ્ટરની ઓફિસમાં બોલાવી ફોન પર વાત કરાવે.

(એ જમાનામાં મોબાઇલની શોધ હજી થઇ નહોતી.)

તે પછી ઈન્દિરાએ ફિરોઝ ગાંધી સાથે ફોન પર વાત કરી નેશનલ હેરાલ્ડ અખબાર સી.બી. ગુપ્તાને સોંપી દેવાની વાતમાં આગળ નહીં વધવા કહ્યું.

ઉલ્લેખનીય છે કે એ સમયગાળામાં ફિરોઝ ગાંધી એસોસિએટેડ જર્નલ્સ લિ.ના એમ.ડી હતા અને આ હોદ્દાની રૂએ નેશનલ હેરાલ્ડ પેપર તેમના ચાર્જમાં હતું.

એમ.ઓ. Reminiscences of the Nehru Age (નહેરૂ યુગના સંસ્મરણો) નામના પુસ્તકમાં લખ્યું છે કે ફિરોઝ ગાંધી કોઈ રચનાત્મક ક્ષમતા વગરના માણસ હતા. જો કે તેઓ સંસદસભ્ય હોવાથી સંસદમાં નેતાઓ પર શાબ્દિક પ્રહાર કરવામાં પાવરધા હતા. 

મને યાદ છે કે સ્વાતંત્ર્યની લડત વેળા નહેરૂએ કહ્યું હતું કે નેશનલ હેરાલ્ડને જીવતું રાખવા હું ખુશીથી 'આનંદ ભવન' વેચી દઈશ.

(જવાહરલાલ નહેરૂના પિતા મોતીલાલ નહેરૂએ અલ્હાબાદમાં પરિવારના નિવાસ માટે 'આનંદ ભવન' નામનો વિશાળ બંગલો બંધાવ્યો હતો. વર્ષો સુધી નહેરૂ પરિવારનો નિવાસ આ બંગલામાં રહ્યો હતો. તે પછી ૧૯૭૦માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ બંગલો મ્યુઝિયમ બનાવવા માટે ભારત સરકારને સુપ્રત કરી દીધો હતો.)

એમ.ઓ. મથ્થાઈ લખે છે કે નહેરૂની આ વાત સાંભળીને એસોસિએટેડ જર્નલ્સ લિ.ની આર્થિક સ્થિતિ સુધારવા માટે કાંઈક નક્કર કાર્ય કરવાનું મેં મનોમન નક્કી કર્યું. અને આ કામ માટે હું તે સમયના એટર્ની-જનરલ એમ.સી. સેતલવડને મળ્યો. અને નેશનલ હેરાલ્ડ અખબારની આર્થિક સ્થિતિ સુધારવા એક ટ્રસ્ટની રચના કરવાની મેં તેમની સમક્ષ રજૂઆત કરી 

સેતલવડની ભલામણથી સંસદ  સભ્ય સી.સી. શાહે ટ્રસ્ટ ડીડ બનાવી દીધું. એટર્ની-જનરલ સેતલવડ, સી.સી. શાહને એક બાહોશ સોલિસિટર માનતા હતા.

ટ્રસ્ટ ડીડ તૈયાર થઇ ગયા પછી શેરો અને ડિબેન્ચરોના ટ્રાન્સફરનું કામ સૌથી પહેલા કરાવ્યું. જે લોકો પાસે એસોસિએટેડ જર્નલ્સ લિ.ના શેરો - ડિબેન્ચરો હતા તે પૈકીના મોટાભાગના લોકોએ તેમના શેરો ટ્રસ્ટના નામે કરી દીધા.  વધારામાં જેમણે એસોસિએટેડ જર્નલ્સ કંપનીને લોનો આપી હતી તે લોનો પણ ટ્રસ્ટના નામે ફેરવી દીધી.

એ જમાનાના મહાનુભાવો જેમ કે પંડિત ગોવિંદ વલ્લભ પંત, કે.એન. કાત્જુ, શ્રી પ્રકાશ, ભોપાલના નવાબ, ગોન્ડલના મહારાજા, રામ રતન ગુપ્તા વિગેરેએ શેર કે લોનો ટ્રસ્ટના નામે ટ્રાન્સફર કરી દીધી.

એમ.ઓ. મથ્થાઇએ નહેરૂ યુગના તેમના સંસ્મરણોમાં એક ચોંકાવનારી વાતનો ઉલ્લેખ કર્યો છે ઃ ''એ સમયગાળામાં એસોસિએટેડ જર્નલ્સ લિ.ના હિસાબી ચોપડા જોતા મને એક એન્ટ્રી જોવા મળી; ફિરોઝ ગાંધી તરફથી રૂા.૨૦૦,૦૦૦ની લોનની  તે એન્ટ્રી હતી.

આ અંગે વધુ પૂછપરછ કરતા મને જાણવા મળ્યું કે બે લાખની આ લોન ફિરોઝ ગાંધીએ નહોતી આપી; પણ હકીકતમાં વડોદરાના મહારાજા પ્રતાપસિંહ રાવે એસોસિએટેડ જર્નલ્સ લિ.ને બે લાખ રૂપિયાની વ્યાજ વગરની લોન આપી હતી.

વાસ્તવિકતા એ હતી કે States Ministry' દ્વારા વડોદરાના મહારાજા પ્રતાપસિંહરાવ વિરૂધ્ધ કોઈક કાર્યવાહી શરૂ કરાઇ હતી.

(સ્વતંત્ર ભારતના શરૂઆતના વર્ષોમાં કેન્દ્રમાં 'States Ministry'  હતી. આ મંત્રાલયનું કામ રાજા-રજવાડાઓના કેન્દ્ર સરકાર સાથેના સંબંધો અને તેમની સાથેના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું હતું.)

પ્રતાપસિંહરાવ ગાયકવાડ સામે કોઇક કારણસર કાર્યવાહી હાથ ધરાઇ તે સમયગાળામાં કેન્દ્રના મંત્રી રફી એહમદ કિડવાઇ મહારાજા પ્રતાપસિંહરાવ સાથે સંપર્કમાં હતા અને નેશનલ હેરાલ્ડ અખબાર માટે કિડવાઇએ મહારાજાને 'ફોર્સ' કરી પરાણે તેમની પાસેથી બે લાખ રૂપિયા લીધા હતા.

સરદાર વલ્લભભાઇ પટેલને આ વાતની ખબર પડતાં તેમણે તુરત વડાપ્રધાન જવાહરલાલ નહેરૂનું આ બાબતે ધ્યાન દોરતા વડાપ્રધાને તત્કાળ રફી એહમદ કિડવાઇને એક પત્ર પાઠવી નેશનલ હેરાલ્ડ માટે મહારાજા પાસેથી પરાણે લીધેલા બે લાખ રૂપિયા પાછા આપી દેવા તાકીદ કરી હતી. 

જવાહરલાલ નહેરૂના પત્રના જવાબમાં કિડવાઇએ લખ્યું કે મેં એસોસિએટેડ જર્નલ્સ લિ.ના મેનેજિંગ ડિરેકટર ફિરોઝ ગાંધીને આ રૂપિયા મહારાજાને પરત કરી દેવાની સૂચના આપી દીધી છે.

હકીકતમાં કિડવાઇએ ફિરોઝ ગાંધીને આવી કોઇ સૂચના આપી જ નહોતી. વડાપ્રધાનને તેમણે સાવ જ ખોટે ખોટો જવાબ આપ્યો હતો.

કિડવાઇ વિષે બીજી એક ચોંકાવનારી વાત એ છે કે એક બાજુ કિડવાઇ; નેશનલ હેરાલ્ડ માટે મહારાજા પ્રતાપસિંહ રાવ  ગાયકવાડ પાસેથી બે લાખ 'પડાવવા' વાતચીત ચલાવતા હતા. અને બીજી તરફ નહેરૂને તેઓ એવી કાન ભંભેરણી કરતા હતા કે વી.પી. મેનને મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ પાસેથી લાખ્ખો રૂપિયાની લાંચ લીધી છે...!

Gujarat
English
Magazines