ઝમ્પેરિનિના માથે દોડવાનું ભૂત સવાર થઈ ગયું'તું
- દોડ સ્પર્ધામાં ભાગ લેવાનો શરૂઆતમાં ભારે અણગમો ધરાવતા
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- લુઈની રોમાંચક જીવનકથા-ભાગ-3
- પહેલી વખતની ટ્રેક રેસમાં છેલ્લા નંબરે આવેલા લુઈની બધાએ મશ્કરી ઉડાવી હતી
- આખી ગ્રીષ્મ ઋતુમાં લુઈએ રોજ દોડવા સિવાય બીજું કાંઈ જ કર્યૂં નહોતું
૧૬ વર્ષના પીટેની આવી બોલ્ડ રજૂઆત પ્રિન્સિપાલના મનને સ્પર્શી ગઇ. તેમણે લુઇને કરેલી શિક્ષા તત્કાળ પાછી ખેંચી લીધી.
આ ઘટના વર્ષ ૧૯૩૨ ની છે. પ્રિન્સીપાલે શિક્ષાનો હુક્મ રદ કરવાથી લુઇ માટે હવે આંતર સ્કૂલ રમતોત્સવમાં ભાગ લેવાના દ્વાર ખુલી ગયા પણ ત્યારે પીટે કે લુઇ, બન્નેમાંથી એકેયને કલ્પના સુધ્ધા નહોતી કે ભવિષ્યમાં આ તોફાની બારકસ જેવો છોકરો છેક ઓલિમ્પિક રમતોત્સવ સુધી પહોંચીને મા-બાપનું, ગામનું અને દેશનું નામ ઉજાળશે.
મોટોભાઇ પીટે નાનાભાઇ લુઇને દોડ સ્પર્ધામાં આગળ જોવા ઇચ્છતો હતો. લુઇ નવમા ધોરણમાં આવ્યો ત્યારે ઇન્ટરકલાસ દોડ સ્પર્ધા માટે સ્પર્ધકો તૈયાર કરવાનું કામ છોકરીઓની એક ટીમને સોંપાયું હતું. આશ્ચર્યની વાત એ હતી કે તે વખતે નવમા ધોરણમાં માત્ર ચાર જ બોયઝ હતા. સીલેકશન ટીમની છોકરીઓએ નવમા ધોરણના ચાર છોકરાઓ જોયા, તેમાં એકમાત્ર લુઇ જ તેમને દોડમાં ભાગ લે તેવો લાગ્યો.
લુઇને દોડમાં ભાગ લેવામાં ખાસ રસ નહોતો પણ છોકરીઓના મનામણા આગળ તે ઝુકી ગયો અને ૬૬૦ યાર્ડની રેસમાં ભાગ લેવાની તેણે તૈયારી દેખાડી.
સ્પર્ધાના દિવસે લુઇ ખુલ્લા પગે ટ્રેક પર આવીને ઊભો થઇ ગયો. દોડ સ્ટાર્ટ થવાની વ્હિસલ (સિસોટી) વાગતા જ બધા દોડવીરોએ દોડ શરૂ કરી. લુઇ પણ દોડયો, પણ તેને પાછળ રાખી બીજા છોકરાઓ ઘણાં આગળ નીકળી ગયા. દોડમાં છેલ્લા નંબરે રહી ગયેલા લુઇને જોઇ છોકરા-છોકરીઓએ હાહા...હીહી કરવા માંડી.
દોડીને હાંફી ગયેલો લુઇ આ ઠઠ્ઠામશ્કરી જોઇ; ટ્રેક પરથી બહાર નીકળીને રમતોત્સવ જોવા આવેલા દર્શકોને બેસવા માટેના સ્ટેન્ડમાં જઇને ખૂણામાં બેસી ગયો.
લુઇને આ રીતે બેસી ગયેલો જોઇ કોચ બબડયો, આવા છોકરા શા માટે દોડમાં ભાગ લેતા હશે...? જો કે કોચે આવી કોમેન્ટ કરી ત્યારે લુઇનો મોટોભાઇ પીટે નજીકમાં જ ઊભો હતો. કોચનો બબડાટ એ સાંભળી ગયો, એટલે તેણે કોચને પરખાવ્યું, એ છોકરો મારો નાનોભાઇ છે...!
પણ તે દિવસથી પીટેએ મનોમન ગાંઠ વાળી લીધી કે હવે તો હું લુઇને દોડવીર બનાવીને જ ઝંપીશ. પછી તો પીટેએ તેને રોજ દોડવાની ટ્રેનિંગ આપવા માંડી.
લુઇને બીજી ટ્રેક સ્પર્ધામાં ભાગ લેવા માટે પીટેએ પરાણે તૈયાર કર્યો. પીટેએ આપેલી ટ્રેનિંગ જો કે રંગ લાવી. પહેલી દોડ સ્પર્ધામાં સાવ જ છેલ્લા નંબરે રહી ગયેલો લુઇ આ વખતે ત્રીજા નંબરે આવ્યો.
આમ છતાં લુઇને દોડ સ્પર્ધામાં ભાગ લેવાનો ભારે અણગમો હતો. ટ્રેક રનિંગને તે ધિક્કારતો હતો. પણ બીજી વખતની સ્પર્ધામાં એ ત્રીજો નંબર આવ્યો તે વખતે છોકરા-છોકરીઓએ તેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો તેથી તે મનોમન ખૂબ પોરસાયો. લુઇના આત્મગૌરવમાં વધારો થતા તેને હવે દોડ સ્પર્ધામાં જીત મેળવવાની તાલાવેલી લાગી.
તે પછી પીટેએ લુઇને વધારે કડકાઇથી ટ્રેનિંગ આપવા માંડી. રોજ તે લુઇને દોડવા લઇ જતો. લુઇ આગળ દોડે અને પીટે તેની પાછળ સાયકલ દોડાવે. લુઇ જરા જેટલો ધીમો પડે તે વેળા સાયકલ પર બેઠા બેઠા પીટે તેને પાછળથી લાકડી ફટકારતો હતો.
લુઇ દોડી દોડીને છેવટે થાકીને બેસી પડતો, પણ પીટેએ તો નાનાભાઇ લુઇને દોડવીર બનાવવાની મનમાં ગાંઠ વાળી હતી; તે બેસી ગયેલા લુઇને ઊભો કરી આગળ દોડવા ફરજ પાડતો હતો.
કડક કોચની જેમ પીટેએ લુઇને દોડની એટલી બધી તાલિમ આપી કે લુઇ શાળા કક્ષાની દોડ સ્પર્ધાઓમાં ઇનામ જીતવા માંડયો. છેલ્લે ઇન્ટરસિટિ દોડ સ્પર્ધામાં પણ તેણે ભાગ લીધો, જેમાં તે પાંચમા નંબરે આવ્યો. ટોરન્સ ગામના આ છોકરાએ ગામનું નામ આખા પ્રાંતમાં ગાજતું કરી દીધું.
વર્ષ ૧૯૩૨ ની આખી ગ્રીષ્મ ઋતુ દરમિયાન લુઇએ ચોટલી બાંધીને રોજ કચકચાવીને દોડવા સિવાય બીજું કાંઇ જ કર્યું નહોતું. હવે તેના માથે જાણે દોડવાનું ભૂત સવાર થઇ ગયું 'તું.
વાત જાણે એમ હતી કે લુઇના એક મિત્રએ તેને સધર્ન કેલિફોર્નિયાની મરૂભૂમિ જેવા વિસ્તારમાં આવેલા તેના ઘેર રહેવા બોલાવ્યો હતો. ફ્રેન્ડનું આમંત્રણ સ્વીકારી લુઇ એને ત્યાં બે-ત્રણ મહિના રહેવા ગયો. રોજ સવારે સૂર્યોદય થતાં જ લુઇ ખુલ્લા મેદાનમાં દોડવા નીકળી પડતો હતો. ઘણીવાર તે પર્વતીય વિસ્તારમાં ઝડપથી ટેકરીઓ ચઢીને પછી બીજી તરફના ઢોળાવવાળા રસ્તે તેજ ગતિએ ઊતરીને દોડવાનું શરૂ કરતો હતો.
રોજ સવારે તેનો આ જ નિત્યક્રમ બની ગયો હતો. એ કોઇ ચોક્કસ આશયથી કે કાંઇક પામવા માટે દોડતો નહોતો. પણ દોડવાની તેને જાણે અંદરથી પ્રબળ ઝંખના થઇ ગઇ હતી અને એટલે જ તે દોડતો હતો. સવાર પડેને તેનું શરીર દોડવા માટે થનગની ઊઠતું હતું.
હવે દોડવાનો તેને લગીરેય કંટાળો નહોતો આવતો. દોડવાથી તેને થાક પણ લાગતો નહોતો. ઊલ્ટું દોડવાથી તેને મનોમન એક પ્રકારની પરમ શાંતિ અને પ્રફુલ્લિતતા મહેસૂસ થતી હતી. લુઇને ગજબનું ગાંડપણ ઉપડયું હતું દોડવાનું.
તેણે દારૂ અને સિંગરેટ પીવાનું હવે સદંતર બંધ કરી દીધું. ફેફસા મજબૂત કરવા અને તેની ક્ષમતા વધારવા માટે પબ્લિક સ્વિમિંગ પુલમાં જઇને તે કલાકો સુધી તર્યા કરતો. ઘણીવાર તે અન્ડરવોટર તરતો. વધુમાં વધુ તે ૩ મિનિટને ૪૫ સેકન્ડ સુધી અન્ડરવોટર રહેતો હતો. લાંબો સમય તેને પાણીમાં આ રીતે જોઇને કોઇક વળી તે ડૂબી રહ્યો હોવાનું ધારી, તેને બચાવવા માટે પુલમાં કુદી પડતા'તા.
ઝમ્પેરિનિનો બળવાખોર સ્વભાવ. ક્યારનોય ગાયબ થઇ ગયો'તો. તોફાન- મસ્તી પણ હવે અદ્રશ્ય થઇ ગયા'તા. મિત્ર વર્તુળમાં, પડોશમાં કે સ્કૂલમાં તેના ઉત્પાત પર હવે મોટું પૂર્ણ વિરામ મૂકાઇ ગયું હતું.
લુઇને તેની નજર સમક્ષ હવે સતત ગ્લેન કનિંગહામ દેખાતો હતો. કનિંગહામ તેનો રોલ મોડલ એટલે કે તેની પ્રેરણામૂર્તિ બની ગયો હતો. વર્ષ ૧૯૩૦ ના દશકામાં કર્નિંગહામ ઝડપી દોડવીર તરીકે અમેરિકામાં ખૂબ જ પ્રખ્યાત થઇ ગયો હતો.
અત્યારે જેમ ક્રિકેટર કે ફૂટબોલ પ્લેયરના નામો ઘરેઘરે જાણીતા છે, તેમ ત્રીસીના એ દાયકામાં અમેરિકામાં ટ્રેક રનરના નામ ઘેરઘેર જાણીતા હતા, તેમાં ગ્લેન કનિંગહામનું નામ મોખરે હતું.
(ક્રમશ:)