Get The App

નિદ્રાદેવીનો જય હોઃ 24x7ના આ યુગમાં તમારા પર ઊંઘનું દેવું ચઢવા ના દેશો

Updated: Oct 26th, 2022

GS TEAM

Google News
Google News
નિદ્રાદેવીનો જય હોઃ 24x7ના આ યુગમાં તમારા પર ઊંઘનું દેવું ચઢવા ના દેશો 1 - image


- ભાગદોડના આ કહેવાતા પ્રગતિશીલ જમાનામાં કોઈનેય ઘડીની પણ નવરાશ નથી

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-1

- સરેરાશ કરતાં ઓછી ઊંઘ લેનારને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે

- ઊંઘનું દેવું તમારા માથેથી નહીં ઊતારો તો તમારે તેની કિંમત ચૂકવવી પડશે

ભાગદોડના આ કહેવાતા પ્રગતિશીલ જમાનામાં કોઇનેય, પટાવાળા કે કામવાળી બાઇ સુધ્ધાંને, ઘડીની પણ ફુરસદ નથી. નવરાશના જમાના પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. આજનો ઝડપી યુગ એ હદે ઝડપી થઇ ગયો છે કે લોકોને આજે શાંતિથી ખાવાનોય સમય મળતો નથી, તો પછી સુવાની તો વાત જ શેની કરવાની! કારકિર્દીની દોડમાં, ધંધા-રોજગારમાં પ્રતિસ્પર્ધીને પછાડવાની લ્હાયમાં માણસ રાત પડે શાંતિથી સુઇ પણ નથી શકતો. માણસને રોજની સરેરાશ સાતેક કલાકની ઊંઘ તો જોઇએ જ; પણ એમાં મોટો કાપ મુકીને માણસ કોઇનાથી પાછળ ન પડી જવાય એ માટે દોડતો રહે છે.

યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના નજીબ ટી. આયાસ કહે છે કે આપણે ૨૪ ઠ ૭ના નવા યુગમાં જીવીએ છીએ. અગાઉના સમયમાં આપણને શાંતિથી પૂરતી ગાઢ ઊંઘ  મળતી હતી, એ સ્થિતિ હવે રહી નથી, પણ હવે ધીમે ધીમે બધાને ખ્યાલ આવી રહ્યો છે કે અપૂરતી અને અનિયમિત ઊંઘથી આપણા અમૂલ્ય સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થાય છે.

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઊંઘ અત્યંત આવશ્યક જ નહીં, પરંતુ અનિવાર્ય પણ છે.

ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનના વર્ષ ૨૦૧૧ના એક અંકમાં પ્રકાશિત થયેલા એક લેખમાં ઓછી ઊંઘથી હાર્ટ એટેકનું જોખમ વધતું હોવાનું તારણ દર્શાવ્યું છે. રોજ જે લોકો છ કલાક કરતા ઓછું ઊંઘતા હોય તેમને હાર્ટ એટેકનું જોખમ ૨૦ ટકા જેટલું વધી જાય છે. ઓછી ઊંઘના કારણે ખોરાકની પાચનક્રિયા પર અવળી અસર પડે છે.

અમેરિકાની વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટીના કમ્યૂનિટી મેડિસિન વિભાગના  એસોસિએટ પ્રોફેસર ડો. અનુપ શંકર અને તેમની સંશોધન ટીમે કરેલા અભ્યાસનાં તારણો ચોંકાવનારાં છે. જે લોકો રોજના છ કે સાત કલાકથી ઓછી ઊંઘ લે છે તેમને હૃદયરોગ થવાનું જોખમ વધી જાય છે અને પાંચ કલાક કરતા ઓછી ઊંઘ લેનારાને તો છાતીમાં દુઃખાવાનું અને હાર્ટ એટેકનું જોખમ લગભગ ડબલ થઇ જાય છે.

રોજ છ કે સાત કલાકથી ઓછી ઊંઘ લેનારાને ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની એમ બન્ને પ્રકારની શારીરિક તેમજ માનસિક સમસ્યા ઉદ્ભવે છે. અપૂરતી નિંદ્રાના કારણે વિચારશક્તિ તેમજ યાદ શક્તિ પર વિપરીત અસર પડતી જાય છે એટલું જ નહીં, પણ  માણસની રોગ પ્રતિકારક શક્તિમાં પણ ધીમો ઘટાડો થતો જાય છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ટુ-ડુ લિસ્ટ (આજે કરવાનાં કામોની યાદી)માં લખેલાં સંખ્યાબંધ કામો પૈકીનાં વધુને વધુ કામો પૂરા કરવાની લ્હાયમાં મોડી રાત સુધી કામ કરતા રહેવાની ટેવ તમને કદાચ બીજા કરતાં વહેલા કારકિર્દીની ટોચે લઇ જવામાં બી અપાવશે, પણ રાતે પૂરતી ઊંઘ નહીં લેવાની તમારી કુટેવ તમારી સામે હાર્ટ એટેકનું જોખમ ખડું કરી દે, એટલી ખતરનાક છે. આ વાત તમે જેટલા વહેલા સમજશો, એટલું તમારા માટે ફાયદાકારક છે. 

યુનિવર્સિટી ઓફ વોરિબિક મેડિકલ સ્કૂલના પ્રોફેસર ફ્રાન્સરકો કેપ્યુસીઓ કહે છે, જો તમે રોજ છ  કલાક કરતાં ઓછું ઊંઘતા હોય અને રાતના તમારી સ્લીપ 'ડિસ્ટર્બ' થતી રહેતી હોય તો હૃદયરોગ થવાનું કે હાર્ટ એટેકથી મૃત્યુ થવાનું જોખમ ૪૮ ટકા જેટલું વધી જાય છે.

પ્રો. કેપ્યુસીઓ કહે છે કે મોડી રાત સુધી જાગીને કામો પૂરાં કરવા અને પછી વહેલી સવારે ઊઠીને કામ પર જવાનો વધતો ટ્રેન્ડ વાસ્તવમાં આપણા આરોગ્ય સામે ટીક ટીક થતા ટાઇમ બોમ્બ સમાન છે. આ પ્રકારની મોડર્ન લાઇફસ્ટાઇલમાં તમારે સત્વરે ફેરફાર કરી દેવાની જરૂર છે.

ઊંઘ વિશે સંશોધન કરતા વિજ્ઞાાનીઓએ એક સરસ મજાની વાત શોધી કાઢી છે.

દાખલા તરીકે, તમને અચાનક પૈસાની જરૂર પડી, પણ તમારી પાસે બેન્કમાં પણ પૈસા નથી એટલે તમે તમારા ફ્રેન્ડ પાસે જરૂર જેટલા રૂપિયા  ઉછીના લો અથવા તો બેન્કમાંથી તત્કાળ લોન કે ઓવરડ્રાફટ લો.

આ રૂપિયા તમે ભલે મિત્ર પાસેથી ઉછીના લીધા કે બેન્કમાંથી લોન લીધી, પણ એ રૂપિયા તમારે આજે નહીં તો કાલે ચૂકવવાના તો છે જ. તમારા માથેથી મિત્રનું કે બેન્કનું ઋણ ઊતાર્યા સિવાય તમારી પાસે બીજો કોઇ વિકલ્પ રહે જ નહીં.

આવું જ કાંઇક ગણિત ઊંઘનું છે.

તમારા માથે કામનો બોજો વધી ગયો કે તમે એક સાથે બહુ બધાં કામ હાથ પર લઇ લો, એટલે તમને સમયની ખેંચ તો પડવાની જ. હવે કુદરતની લીલા જુઓ કે સમય તો ક્યાંય વેચાતો મળતો નથી કે તમે બજારમાં જઇ આઠ-દસ કલાક ખરીદી લાવીને તમારો દિવસ ૨૪ના બદલે ૩૨ કે ૩૪ કલાકનો કરી નાંખો!

મુકેશ અંબાણી હોય કે અમિતાભ બચ્ચન, નરેન્દ્ર મોદી હોય કે જો બાઇડન, દરેકને કુદરતે એક સરખા રોજના ૨૪ કલાકની જ ભેટ આપેલી છે, કોઇ વીઆઇપી માટે કલાક વધારે નહીં ને કોઇ સામાન્ય પટાવાળા માટે કલાક ઓછો પણ નહીં.

બજારમાં જઇને કોઇ માણસ જોઇતા કલાક ખરીદી શકતો નથી, તો પછી તમે શું રસ્તો કાઢશો? આવા સંજોગોમાં તમે કામ કરવાની તમારી ઝડપ વધારી દેશો કે પછી ટીવી જોવાના કે હરવાફરવાના તમારા સમયમાં કાપ મુકશો અને છતાંય જો કામના ભારણને નહીં પહોંચી વળાય તો તમે તમારી ઊંઘમાં કાપ મુકશો. તમે રાતના ઉજાગરા ખેંચશો, પણ આમ કરવા જતા તમારી સામે એક નવી સમસ્યા ખડી થશે.

તમે તમારી રોજિંદી ઊંઘમાં કાપ મુકીને, ઉજાગરા વેઠીને કામ કરશો એટલે તમારા માથે ઊંઘનું દેવું ચઢતું જશે. જેને વૈજ્ઞાાનિકો ઊંઘ ખાધ - સ્લીપ ડેટ (જીનીીૅ ઘીમા) કહે છે.

જેમ પૈસાનું દેવું  સવેળા ચુકવી દેવા તમારા મિત્ર કે બેન્કના મેનેજર તમને અવારનવાર ટકોર કરતા રહે છે, તેમ ઊંઘનું આ દેવું શક્ય તેટલી વહેલી તકે ચુકવી દેવા માટે તમારૂં મગજ, તમારૂં શરીર અને તમારૂં મન તમારી સમક્ષ વારંવાર માગણી મુક્યા કરશે અને તમારે ઊંઘનું એ દેવું, પુરતું ઊંઘીને, શરીરને જરૂર પુરતો આરામ આપીને ચૂકવવું જ પડે, જો તમે ઊંઘનું દેવું સમયસર ન ચૂકવો તો તમારે બીજી રીતે એની કિંમત ચુકવવાની તૈયારી રાખવી પડે.

ઊંઘમાં વધારે પડતો કાપ મુકશો તો તમારી કાર્યદક્ષતા ઘટતી જશે, તમારૂં ચિત્ત એકાગ્રતાથી કોઇ કામ નહીં કરી શકે. તમારૂં મગજ ભારે ભારે લાગ્યા કરશે, તમને આખો દિવસ સુસ્તી લાગ્યા કરશે, બગાસાં આવશે, કોઇ કામમાં તમારૂં ચિત્ત નહીં ચોંટે અને કોઇ અગત્યના કામનો નિર્ણય લેવામાં તમે ગફલત કરી નાખશો. તમારા સ્વભાવમાં ઉગ્રતા કે ચીડિયાપણું આવી જશે. 

(ક્રમશઃ)

Tags :