Get The App

ચીની સરકારના વડા ચિઆંગ કાઈ-શેકનું અપહરણ કરાવ્યું

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
ચીની સરકારના વડા ચિઆંગ કાઈ-શેકનું અપહરણ કરાવ્યું 1 - image

- ચીનના શાનકસી પ્રાંતના સૂબા યન્ગ માર્શલની મહત્વાકાંક્ષા મર્યાદા વળોટી જતાં

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-8

- ચિઆંગનું અપહરણ થયાની ઘટનાની ખબર મળતાં જ માઓ ખડખડાટ હસી પડયા..

- રશિયામાં સ્ટાલિનને ન્યૂઝ મળતાં જ તેમણે કડક સૂચના આપી કે ચિઆંગને મુકત કરી દો

ઓકટોબર ૧૯૩૬ ના અંત સુધીમાં યન્ગ માર્શલે ચિઆંગ કાઈ-શેકનું અપહરણ કરવાનો પ્લાન વિચારી લીધો. ચિઆંગ કાઈ-શેકની રાષ્ટ્રવાદી સરકાર ચીનના સામ્યવાદીઓને રશિયા તરફથી રૂબલ (રશિયન ચલણી નોટો) અને શસ્ત્રોનો પુરવઠો ન મળે તે માટે મક્કમ હતી તો બીજી તરફ યન્ગ માર્શલ ચીનના સામ્યવાદીઓને રશિયન સહાયનો પુરવઠો મળે તે માટે ખાનગીમાં તૈયારીઓ કરી રહ્યા હતા.

યન્ગ માર્શલનો પ્લાન સરળ પણ ખતરનાક હતો : રાષ્ટ્રવાદી સરકારના વડા ચિઆંગ કાઈ-શેકનું અપહરણ કરવાનું અને બીજી તરફ ચીની સામ્યવાદીઓને રશિયન સહાય પહોંચાડવાનો માર્ગ ખુલ્લો કરી આપવાનો. આમ કરવાથી રશિયાના સરમુખત્યાર સ્ટાલિન તેમના પર-એટલે કે, યન્ગ માર્શલ પર-ઓળઘોળ થઈને ચીનની રાષ્ટ્રવાદી સરકારના વડા પદે તેમની વરણી કરવામાં પુરેપુરી સહાય કરશે.

આ એક મોટો રાજકીય જુગાર હતો પણ યન્ગ માર્શલ ગેમ્બલર જ હતા...! એક વખત ખુદ તેમણે જ તેમના વિશ્વાસુ સાથીદારોને કહ્યું' તું કે '' સ્રૃ ઁરૈર્નર્જૅરઅ ૈજ યચસમની'' 

માઓને યન્ગ માર્શલના આ પ્લાનની ખબર હતી પણ તેમણે ઈરાદાપૂર્વક આ પ્લાન મોસ્કોથી છુપાવી રાખ્યો હતો. કારણ તેમને ખાતરી હતી કે જો સ્ટાલિનને આ પ્લાનની ખબર પડશે, તો તેઓ ચોક્કસપણે તેનો વિરોધ કરશે. 

સ્ટાલિન માટે યન્ગ માર્શલ કે માઓની તુલનામાં ચિઆંગ કાઈ-શેક વધારે મહત્વના અને ભરોસાપાત્ર હતા.

તા. ૪ ડિસેમ્બરે ચિઆંગનો શિઆન શહેરમાં પ્રોગ્રામ ગોઠવાયો હતો. પોતાના અપહરણના પ્લાનથી તદ્દન અજાણ રાષ્ટ્રીય સરકારના વડા ચિઆંગે પોતાની ખુદની સલામતી માટે વધારાની કોઈ ખાસ વ્યવસ્થા ગોઠવાવી નહોતી.

ચિઆંગ કાઇ-શેકની નજીકમાં તેમના અંગત સ્ટાફના જ સંખ્યાબંધ કમાન્ડો સલામતી માટે ગોઠવાયા હતા પરંતુ જ્યાં ચિઆંગનો ઊતારો હતો; તે બિલ્ડિંગના પ્રવેશદ્વાર અને તેની ચોતરફ યન્ગ માર્શલના સૈનિકો ચિઆંગની સલામતી માટે ગોઠવી દેવાયા હતા, પણ આ તમામ ગાર્ડસ યન્ગ માર્શલને વફાદાર હતા, નહીં કે ચિઆંગ કાઇ શેકને.

વધારામાં યન્ગ માર્શલે ચીનના શાનકસી પ્રાંતની રાજધાની શિઆન શહેરના બહારના વિસ્તારમાં જ્યાં ચિઆંગ કાઇ શેકનો ઊતારો હતો, તે આખા બિલ્ડિંગનો અને ખાસ કરીને ચિઆંગના બેડરૂમની પણ ખાનગીરીતે પોતાના વિશ્વાસુઓ દ્વારા તપાસ અને સર્વે કરાવી લીધો હતો.

તા.૧૨ ડિસેમ્બરે ચિઆંગનું અપહરણ કરાયું હતું.

રોજ સવારમાં કસરત કરવાનો ચિઆંગનો ચુસ્ત નિયમ હતો. કસરત કર્યા પછી ચિઆંગ વસ્ત્રો બદલી રહ્યા હતા, તે દરમિયાન અચાનક તેમણે ફાયરિંગનો અવાજ સાંભળ્યો. 

યન્ગ માર્શલને વફાદાર જૂથના લગભગ ૪૦૦ સૈનિકોએ, ચિઆંગ કાઇ શેકનો જે બિલ્ડિંગમાં નિવાસ હતો, તેના પર હુમલો કર્યો હતો. ચિઆંગના વફાદાર ગાર્ડસે પ્રતિકાર કર્યો,  જે દરમિયાન તેમની સલામતીના વડા સહિત ઘણાં ગાર્ડસ મોતના મુખમાં ધકેલાઇ ગયા.

ચિઆંગ પોતે સચેત થઇ ગયા અને ચાલાકીથી બિલ્ડિંગના પાછળના ભાગમાં આવેલા ડુંગરાળ વિસ્તાર તરફ ભાગી છૂટયા. યન્ગ માર્શલના વિશ્વાસુ સૈનિકોએ કલાકો સુધી ચોતરફ ચિઆંગની શોધખોળ કરતા છેવટે તેઓ બે ભેખડો વચ્ચેના પોલાણમાંથી મળી આવ્યા. - તે વખતે તેમના પગમાં જૂતા પણ નહોતા; વસ્ત્રોમાં ખાલી  નાઇટ ડ્રેસ પહેરેલો હતો અને તેમના આખા શરીરે ધૂળ ધૂળ જામી ગઇ હતી. તેમને પીઠ પાછળ થોડી ઇજા પણ પહોંચેલી હતી.

યન્ગ માર્શલના સૈનિકોએ ચિઆંગના બિલ્ડિંગ પર ફાયરિંગ શરૂ કર્યૂં, તેના થોડા કલાકો પહેલા યન્ગ માર્શલે માઓને મેસેજ મોકલ્યો હતો કે, ટૂંક સમયમાં જ પ્લાન પ્રમાણે હું આગળ વધવાનો છું. માઓના સેક્રેટરીએ યન્ગ માર્શલનો મેસેજ આપતા જ મરક મરક હસતા માઓએ, બધાને કહ્યું હવે બધા આરામથી સુઇ જાવ, સવારમાં એક સારા સમાચાર મળવાના છે.

સવારે સામ્યવાદી પક્ષના વડા મથકે ચિઆંગના અપહરણની ખબર ફેલાતા જ ઘણાં બધા હર્ષઘેલા નેતાઓ અને કાર્યકરો માઓ પાસે દોડી આવ્યા. એક નેતાએ આ વખતની યાદ તાજી કરતા પાછળથી કહ્યું 'તું કે ચિઆંગના અપહરણના ન્યૂઝથી માઓ ગાંડાની જેમ ખડખડાટ હસી પડયા હતા.

ચિઆંગના અપહરણ પછી માઓનો  પિશાચી પ્લાન, વહેલી તકે ચિઆંગને મોતના મુખમાં ધકેલાએલા જોવાનો હતો. ચિઆંગને પુરા કરી દેવાય તો સત્તાસ્થાને મોટો શૂન્યાવકાશ સર્જાય- અને આમ થાય તો પછી રશિયાએ ચીનના મામલે દરમિયાનગીરી કરવાની સારી તક ઊભી થાય, અને રશિયા ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીને એટલે વાસ્તવમાં તો પોતાને (એટલે કે માઓને) સત્તારૂઢ કરવામાં રશિયાની પુરેપુરી સહાય મળી જશે.

ચિઆંગના અપહરણની ઘટના પછી મોસ્કોને પાઠવેલા સૌ પ્રથમ તાર સંદેશામાં માઓએ ચીનના મામલે ગંભીરપણે દરમિયાનગીરી કરવા સ્ટાલિનને ભારપૂર્વક વિનંતી કરી હતી. સંદેશામાં કાળજીપૂર્વક શબ્દોનો ઉપયોગ કરતા માઓએ ચિઆંગની હત્યા કરવા માટે તેમની મંજૂરી માંગી હતી. પણ સીધી રીતે આમ લખવાના બદલે માઓએ લખ્યું : ચીનનો સામ્યવાદી પક્ષ ઇચ્છે છે કે, નાનકિંગ (ચીનના પાટનગરનું જૂનું નામ) ચિઆંગ કાઇ શેકને સરકારના વડાપદેથી ડિસમિસ કરી દે અને તેમની વિરૂધ્ધ ખટલો ચલાવવા ચિઆંગને ચાઇનીઝ પ્રજાને સોંપી દેવો જોઇએ.

ચિઆંગને મૃત્યુદંડ આપવાનું સીધેસીધું કહેવાના બદલે માઓએ સૌમ્ય ભાષામાં લખ્યું કે ચિઆંગને ન્યાય તોળવા લોક અદાલતમાં ખડા કરી દેવા જોઇએ.

મોસ્કો મોકલેલા તાર સંદેશાનો કોઇ જવાબ આવે તે પહેલાં મોસ્કોને ખબર ના પડે એ રીતે પડદા પાછળ માઓએ ચિઆંગની હત્યા કરી દેવા માટેના પેંતરા ગોઠવવા માંડયા.

બીજી તરફ રશિયાના સરમુખત્યાર સ્ટાલિન ચિઆંગને બચાવવા માટે સક્રિય થઇ ગયા.

સ્ટાલિનને એ વાતની ચિંતા હતી કે ચિઆંગના અપહરણની ઘટનાથી ચીનમાં એવી વાત ફેલાઈ રહી હતી કે આ ઘટના પાછળ ચીની સામ્યવાદી પક્ષનો હાથ છે અને ચિઆંગને કશું પણ થાય તો ચીનની પ્રજાનો ગુસ્સો સામ્યવાદી પક્ષ પરથી આગળ વધી સોવિયેત યુનિયન તરફ જાય, પરિણામે ચીનની સરકાર જાપાન સાથે સમાધાન કરી એ બન્નેે દેશો સોવિયેત યુનિયન પર આક્રમણ કરે.

આવી ચિંતાથી ઘેરાયેલા સ્ટાલિને ચીન ખાતેના રશિયન પ્રતિનિધિને કડક સૂચના આપી હતી કે ચિઆંગને કાંઈ જ ન થવું જોઈએ, અને અપહરણકારો તેમને સત્વરે મુક્ત કરી દે તે માટે તમામ પ્રયાસો તમે શરૂ કરી દો.