mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

એક કિ.મી.ના વિસ્તારમાં એકેય માણસ જીવતો બચ્યો નહોતો

Updated: Jun 26th, 2024

એક કિ.મી.ના વિસ્તારમાં એકેય માણસ જીવતો બચ્યો નહોતો 1 - image


- બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના નાગાસાકી શહેર પર એટમબોમ્બ ફેંકાયો, તેના

- સારાંશ

- વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-5

- નાગાસાકીની બે સ્કૂલો પુરેપુરી નાશ પામી, બે સ્કૂલોના 2700 વિદ્યાર્થીઓના મોત

- હિરોસીમાના બોમ્બ કરતાં નાગાસાકીનો એટમબોમ્બ 500 કિલો વધારે વજનનો હતો

એ દરમિયાન મિશન કમાન્ડર એશવર્થે ટિનિઅન ટાપુ પરના વડા મથકે વાયરલેસ સંદેશો પાઠવ્યો, - પ્રાઇમરિ ટાર્ગેટ પર બોમ્બ ફેંકવા ૩ વખત કોશિશ કરી, પણ દર વખતે ધુમાડિયા અને ધુમ્મસિયા વાતાવરણના લીધે ટાર્ગેટ નજર જ નહોતો પડતો..

બોમ્બર પ્લેનમાં પહેલેથી જ ૬૦૦ ગેલન ફ્યૂઅલ ઓછું હતું, તેમાં વળી ટિનિઅન ટાપુ પર મોકલેલા સંદેશાના જવાબની રાહ જોવામાં ૫૦ મિનિટ ખોટી બગડી ગઇ. અને ૫૦ મિનિટ સુધી બળતણ ખોટું વેડફાયું, એ વધારામાં. ''Secondary Target'' પર એટમબોમ્બ ફેંકવાનો જવાબ મળતા જ પાયલોટ સ્વીનીએ બોમ્બર પ્લેન નાગાસાકી તરફ વાળ્યું..

winds of destiny spared kokura. પ્રારબ્ધના પવને કોકુરા શહેરને બચાવી લીધું. જાપાનનું ક્યોટો નામનું શહેર પણ નશીબનું બળીયું હતું, જે બીજા વિશ્વયુધ્ધમાં કોકુરા શહેરની જેમ એટમબોમ્બથી કઈ રીતે બચી ગયું તેની વિગતે વાત આગળ પર કરીશું...અત્યારે તો પાયલોટ સ્વીની નાગાસાકીમાં શું કરે છે, તે જોઇએ..

કોકુરાના આકાશમાંથી પોતાનું બોમ્બર પ્લેન જાપાનીઓથી બચાવીને સ્વીનીએ નાગાસાકીની દિશામાં વાળ્યું તો ખરૃં, પણ ત્યાંય પરિસ્થિતિ સાનુકૂળ નહોતી,  આકાશમાં રૂના ઢગલે ઢગલા જેવા વાદળોના ઢગ ખડકાયેલા હતા, જેના કારણે નાગાસાકીનો ૮૦ ટકા વિસ્તાર દેખાતો જ નહોતો..!

પાયલોટ મૂંઝાઇ ગયો. સમય અને બળતણ બન્ને ખૂટી રહ્યા હતા. જાપાની જવાનો વળતો હુમલો કરે તે પહેલાં જાપાની અવકાશી સરહદની બહાર  નીકળવાનું કેવળ જરૂરી નહીં, પણ અનિવાર્ય હતું.

નાગાસાકીનું આકાશ ગાઢ વાદળાથી છવાઇ ગયેલું હતું. 

સ્વીનીએ બીજા વિશ્વયુધ્ધની કટોકટીભરી આ અતિ જોખમી ઘટના વિશે પાછળથી લખ્યું  'તું કે, અમારી પાસે હવે વહેલી તકે એટમબોમ્બ નાગાસાકી પર ફેંકવા સિવાયનો કોઇ વિકલ્પ બચ્યો નહતો. બોમ્બ ન ફેંકીએ તો જાપાનની ધરતી પર અમારે તાકીદનું ઊતરાણ કરવું પડે અને કાંતો દરિયામાં બોમ્બ ફેંકી દેવો પડે. 

સવારના ૧૧ વાગ્યા હતા. સ્વીનીએ બોમ્બર પ્લેનની ઊંચાઇ ઘટાડવા માંડી, વચ્ચે વચ્ચે વાદળોમાં ગેપના લીધે શહેરની ઉત્તરે આવેલા બિલ્ડિંગો દેખાવા લાગ્યા, અને આ તકનો લાભ લઇ બોમ્બાર્ડિંઅર કેપ્ટન બેહાને એટમબોમ્બ ઝીંકી દીધો..

૧૧.૦૨ વાગે નાગાસાકી શહેરથી ૧૬૫૦ ફૂટની ઊંચાઈએ 'ફેટ મેન' સાંકેતિક નામવાળો એટમબોમ્બ ફાટયો, એક અંદાજ મુજબ ૪૦,૦૦૦ થી ૭૫,૦૦૦ જેટલા શહેરીજનો ગણત્રીની સેકન્ડસમાં જ મોતને ભેટયા. અડધું અડધ શહેર નાશ પામ્યું.

પાછળથી સ્વીનીના કહેવા મુજબ, હિરોસીમાના એટમબોમ્બ કરતાં  નાગાસાકી પર ફેંકાયેલા એટમબોમ્બનો ઝબકારો ઘણો વધારે પડતો હતો. વળી હિરોસીમા પર બોમ્બ ફેંકાયા પછીના જર્કની સરખામણીમાં આ વેળા જર્ક વધારે લાગ્યો હતો. (ખાસ નોંધપાત્ર વાત એ છે કે હિરોસીમા પર યુરેનિયમ બોમ્બ ફેંકાયો હતો. જ્યારે નાગાસાકી પર ઝીંકેલો બોમ્બ પ્લુટોનિયમ બોમ્બ હતો અને પહેલા બોમ્બ કરતાં અંદાજે ૫૦૦ કિલો વધારે વજનનો હતો.)

બોમ્બર પ્લેનમાં બ્રિટનના નિરીક્ષક તરીકે બ્રિટીશ વડાપ્રધાને મોકલેલો ગુ્રપ કેપ્ટન લિઓનાર્ડ ચેશાયર પણ હતો. લિઓનાર્ડ  પોતે બ્રિટનનો અત્યંત કુશળ પાયલોટ હતો. 

એટમબોમ્બ ફેંકાયાની ઘટના જોઇ લિઓનાર્ડ ચેશાયરે ''શક્તિશાળી'' હોવાની લાગણી અનુભવી હતી. તે પછી તુરત તેણે  એવું મહેસૂસ કર્યૂં કે, ''જાણે યુધ્ધનો અંત આવી ગયો....આ એક એવું શસ્ત્ર છે, જેનો તમે સામનો જ ના કરી શકો...''

સહ પાયલોટ કેપ્ટન ચાર્લ્સ આલ્બરીએ, બોમ્બાર્ડિઅર કેપ્ટન બેહાનને કહ્યું, 'well done, captain, તેં આંખના પલકારામાં હજારો જાપાનીઓને મોતના મુખમાં ધકેલી દીધા.' સહ-પાયલોટની આ કમેન્ટ સામે કેપ્ટન બેહાને કેવળ ચુપકીદી જ સેવી. 

બોમ્બર પ્લેનમાંથી ટિનિઅન ટાપુ પર રેડિઓ મેસેજ મોકલાયો,  નાગાસાકી પર બોમ્બ ફેંકી દેવાયો, દેખીતીરીતે સામે પક્ષેથી કોઇ આક્રમણ નથી કરાયું, પરિણામ, ટેકનિકલી સફળ છે.

નાગાસાકીના આકાશમાં બોમ્બર વિમાન હતું, તે સમયે પ્લેનમાં ૩૦૦ ગેલન ફ્યૂઅલ હતું અને પાયલોટે નાગાસાકીથી ટિનિઅન ટાપુ સુધી પહોંચવાનું હતું. સફળતાપૂર્વક મિશન પાર પાડીને બોમ્બર વિમાન ટિનિઅન ટાપુ પર આવતા જ બોમ્બર ટીમનું હાર્દિક સ્વાગત કરાયું.

ટાપુના સેકન્ડ-ઇન-કમાન્ડ ફેરેલે અમેરિકા મેજર જનરલ ગ્રોવ્સને સંદેશો મોકલાવ્યો ઃ આપણા માણસો બહુ કઠિન કામ સફળતાથી પાર પાડીને આવી ગયા છે. એશવર્થ અને સ્વીની ખૂબ સ્ટેમિનાવાળા અને લોખંડી હૃદયના અફસરો છે. કમજોર અફસરો આ કામ ન કરી શક્યા હોત. 

નાગાસાકીના સ્થાનિક સમય મુજબ 'Fat Man' સવારે ૧૧.૦૨ મિનિટે શહેરના મોટા ચર્ચથી થોડા અંતરે ફૂટયો હતો. હિરોસીમાના બોમ્બની સરખામણીએ બેવડા ફોર્સથી આ બોમ્બ ફૂટયો હતો. 

બોમ્બ ફાટયો તેની આસપાસની હોસ્પિટલો, દેવળો અને સ્કૂલો ક્ષણભરમાં નાશ પામી. બે-પાંચ સેકન્ડમાં જ ૪૦,૦૦૦ થી ૭૫,૦૦૦ કરતાંય વધારે લોકોનો ભોગ લેવાઇ ગયો હતો. ચર્ચની કેટલીક સાધ્વીઓ બોમ્બ ધડાકાના ફોર્સથી હવામાં ઉછળીને બહારના ગ્રાઉન્ડમાં પડતા જ બોમ્બથી ફેલાયેલી આગમાં સ્વાહા થઇ ગઇ હતી.

નજીકની એક આખીને આખી સ્કૂલ બોમ્બ ધડાકામાં જાણે અદ્રશ્ય જ થઇ ગઇ..

જ્યાં બોમ્બ ફાટયો, તેના એક કિલોમીટરના વિસ્તારના રસ્તાઓ પર, મેદાનોમાં કે બિલ્ડિંગોમાં  એક પણ માણસ જીવતો બચ્યો નહોતો. 

નજીકની શિરોયામા નેશનલ એલિમેન્ટ્રી સ્કૂલનું ત્રણ માળનું બિલ્ડિંગ એટમબોમ્બના પ્રચંડ ધડાકાથી પુરેપુરૃં હચમચી ગયું. પ્લેગ્રાઉન્ડમાં વર્ષો જૂનું એક ઘટાદાર વૃક્ષ તૂટીને એટમબોમ્બની ભયાનક ગરમીમાં ખાખ થઇ ગયું. સ્કૂલના ૧૫૦૦માંથી ૧૪૦૦ છોકરા-છોકરીઓ એટમબોમ્બની બેહદ ગરમીમાં ભૂંજાઇ ગયા. સ્કૂલના ગ્રાઉન્ડ નજીકની મિત્શુબીસી ફેકટરીના ૧૦૫ મજૂરોનો પણ ભોગ લેવાઇ ગયો.

નજીકની બીજી યામાઝારો સ્કૂલના ૧૫૮૧ વિદ્યાર્થીઓમાંથી ૧૩૦૦ વિદ્યાર્થીઓ પણ મોતના મુખમાં ધકેલાઇ ગયા. નજીકમાં રહેતા ૩૨ શિક્ષકો પૈકીના ૨૮ શિક્ષકો પણ  રામશરણ થઇ ગયા.

(ક્રમશઃ)

Gujarat