TSMC પર મિસાઈલ ઝીંકે તો વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ થઈ જાય
- તાઈવાન પર કબ્જો જમાવી દેવા માટે ચીન આંધળૂકિયું સાહસ કરીને કદાચ
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-3
- વિશ્વમાં દર વર્ષે એક લાખ કરોડ અર્થાત 100000,000,00,000 ચિપ્સ બને છે..!
- દુનિયાની ગણીગાંઠી આઠ દસ કંપનીઓ પર જ ચિપ્સના ઉત્પાદનનો આધાર છે
દર વર્ષે વિશ્વમાં જે નવી કોમ્પ્યુટિંગ ક્ષમતા (New Computing Power) સર્જાય છે, તેમાં ખાસ્સો ૩૭ ટકા જેટલો હિસ્સો એકલા તાઇવાનનો છે. વિશ્વમાં કુલ જેટલી મેમરી ચિપ્સ બને છે તેના ૪૪ ટકા ચિપ્સ તો માત્ર કોરિયાની બે કંપનીઓ જ બનાવે છે. સૌથી આશ્ચર્યની અને અતિ મહત્વની વાત તો એ છે કે દુનિયામાં અદ્યતન અલ્ટ્રાવાયોલેટ લિથોગ્રાફી મશીનો એક માત્ર ડચ કંપની ASML બનાવે છે. દુનિયામાં બીજી એકેય કંપની હજી સુધી આ મશીનો બનાવી નથી શકતી. આ મશીનો વગર અત્યાધુનિક ચિપ્સ બનાવવાનું કામ અશક્ય છે.
આ બધી વિગતોનો સાર એક જ છે કે દુનિયાની ગણીગાંઠી આઠ-દશ કંપનીઓ પર ચિપ્સના ઉત્પાદનનો આધાર છે, અને ચિપ્સ વગર કાર અને ઇલેકટ્રોનિક્સ ઉપકરણો બની શકે તેમ નથી.
કુદરતે વર્ષ ૨૦૧૯માં કોરોના વાયરસનો કહેર વર્તાવ્યો, તે વખતે દુનિયામાં ચિપ્સની સપ્લાય ચેઇન ખોરવાઇ ગઇ હતી. ચિપ્સની સપ્લાય ચેઇન ખોરવી નાંખતું બીજું કુદરતી પરિબળ છે - ધરતીકંપ.
તાઇવાન ચિપ ઉત્પાદન ક્ષેત્રે દુનિયામાં નંબર વન દેશ છે, પણ તાઇવાન ભૂસ્તરશાસ્ત્રની દ્રષ્ટિએ એવી ''ફોલ્ટ લાઇન'' પર છે, જ્યાં મોટા ભૂકંપની સંભાવના વધારે રહેતી હોય છે. વર્ષ ૧૯૯૯માં તાઇવાનમાં ૭.૩ની તીવ્રતાનો ધરતીકંપ થયો હતો. પરંતુ સદભાગ્યે એ વખતે ચિપ ઉત્પાદનને બહુ ઝાઝી વિપરીત અસર નહોતી થઇ. માત્ર થોડા જ દિવસોમાં ત્યાં ચિપનું ઉત્પાદન રાબેતા મુજબનું થઇ ગયું હતું.
પણ ન કરે નારાયણ ને તાઇવાનમાં જો મોટો ધરતીકંપ થાય તો શું? એ પ્રશ્ન ચિપ ઉત્પાદન અને ચિપના ઉપયોગ સાથે સંકળાયેલા જંગી ઉદ્યોગોના સંચાલકોને સતાવી રહ્યો છે.
દુનિયાની કુલ ચિપ્સના ૧૭ ટકા ચિપ્સ જાપાન બનાવે છે અને જાપાનમાં પણ અવારનવાર નાના-મોટા ભૂકંપો થતા રહે છે.
જો કે ચિપ્સ ઉત્પાદનને લાગે વળગે છે, ત્યાં સુધી હાલના તબક્કે આ મોટા ધરતીકંપોની શક્યતા કરતાં મહાસત્તાઓ વચ્ચેના ઘર્ષણની શક્યતાનું જોખમ બહું મોટું છે.
બન્ને દેશો - ચીન અને અમેરિકા આજે દુનિયાના અન્ય દેશો પર પોતાની જમાદારી બની રહે, તે માટે મરણિયા બન્યા છે, અને આ કારણે જ એ બન્ને દેશો વિશ્વની કોમ્પ્યુટિંગ ક્ષમતા પર પોતાનો કન્ટ્રોલ જમાવી રાખવા તીવ્રતાથી ઝઝૂમી રહ્યા છે.
ભવિષ્યની કોમ્પ્યુટિંગ ક્ષમતાનો આધાર એક નાનકડા ટાપુ-તાઇવાન પર અવલંબે છે, એક તરફ ચીન તાઇવાનને પોતાનો જ એક પ્રાંત ગણાવી તેને પોતાના કબ્જા હેઠળ લાવવા ઇચ્છે છે, તો બીજી તરફ અમેરિકા તાઇવાનને સ્વતંત્ર રાખવા માટે દ્રઢ નિશ્ચય કરીને બેઠું છે, અને જરૂર પડે તો ચીન સામે બળપ્રયોગ કે શસ્ત્ર પ્રયોગ કરવાની પણ નોબત આવી પડવાની શક્યતા સ્હેજેય નકારી ન શકાય.
અમેરિકા, ચીન અને તાઇવાનના ચિપ ઉદ્યોગો વચ્ચે પરસ્પરના સંબંધો અત્યંત અટપટા છે.
દુનિયાભરની ગણીગાંઠી જે કંપનીઓ ચિપ્સ બનાવે છે, તે બધુ મળીને દર વર્ષે ૧ લાખ કરોડ એટલે કે ૧૦૦૦૦૦,૦૦૦,૦૦,૦૦૦ ચિપ્સનું ઉત્પાદન કરે છે....!
ચિપ્સની એકાદ-બે કંપનીમાં ઉત્પાદન ખોરવાઇ જાય તો દુનિયાભરમાં ચિપ્સની અછત સર્જાવાની સંભાવના સર્જાઇ જાય.
તાઇવાન ટાપુને મેઇનલેન્ડ ચીન સાથે ભેળવી દેવા માટે એટલે કે તાઇવાનને પોતાના શાસન હેઠળ લાવવા માટે જરૂર પડે તો ચીન તાઇવાન પર આક્રપણ કરતાં પણ ખચકાય નહીં એવી ચીનની રાજકીય વ્યૂહરચના છે. પણ ચીન આવું આક્રમક પગલું એકદમ ભરી બેસે એવી શક્યતા એટલા માટે નથી કે ચીન જો તાઇવાન પર લશ્કરી આક્રમણ કરે તો સેમિકન્ડકટર્સ (ચિપ્સ)ની અછતથી આખું વૈશ્વિક અર્થતંત્ર ગંભીર રીતે ડામાડોળ થઇ જાય.
તાઇવાનમાં અતિ આધુનિક ચિપ્સ બનાવતી TSMC ફેક્ટરી પર ચીન એકાદ મિસાઇલ પણ ઝીંકી દે તો વૈશ્વિક અર્થતંત્રને અબજો ડોલરનું નૂકસાન વેઠવાની નોબત આવી પડે, કારણ TSMCમાં ચિપ્સનું ઉત્પાદન ઠપ થઇ જવાથી દુનિયાભરમાં સ્માર્ટફોન્સ અને મોટરકારોનું ઉત્પાદન થોડા સમય માટે ઠપ થઇ જાય, તે ઉપરાંત ડેટા સેન્ટર્સ તેમજ ટેલિકોમ નેટવર્ક્સ પર પણ તેની ગંભીર વિપરીત અસર પડે, વધારામાં રોજબરોજની જરૂરિયાતના માઇક્રોવેવ, ઓવન, ફ્રિજ, ડેસ્કટોપ કોમ્પ્યુટર્સ, લેપટોપ્સ, આઇપેડ, વોશિંગ મશીન્સ વિગેરેનું ઉત્પાદન પણ બંધ થવાની સ્થિતિ સર્જાય.
ફેરચાઇલ્ડ સેમિકન્ડકટર કંપનીના મેન્યુફેકચરિંગ ઓપરેશન્સના હેડ અને તે પછી નેશનલ સેમિકન્ડકટરના ભ.ઈ.ર્ં. ચાર્લિ સ્પોર્ક બહુ જ આખાબોલા સ્પષ્ટ વકતા છે. તેમણે કહ્યું છે કે ચિપ ઇન્ડસ્ટ્રી કલ્પી પણ ન શકાય એટલી હદે સ્પર્ધાત્મક સેકટર છે અને તેમનો આ મુદ્દો ચોખ્ખો ને ચટ્ટ વધુ સ્પષ્ટ કરતા કહે છે કે, પ્રતિસ્પર્ધીને પછાડી નાંખો, તેમની સામે જંગ છેડો અને હરિફ કંપનીને ખતમ કરી નાંખો..
અમેરિકામાં ચિપ્સ ઉત્પાદક કંપનીઓના સંચાલકોના આત્મગૌરવ, સ્વાભિમાન અને સાથોસાથ અભિમાન વચ્ચેનો ટકરાવ ચરમસીમાએ પહોંચી જતા ઘણી વખત વ્યક્તિગત કક્ષાએ ઘર્ષણ ઉતરી જાય છે. તેમાં વળી પેટન્ટનો વિવાદ અને ચિપ્સ ઉત્પાદક કંપનીઓના સંચાલકોના અબજો ડોલર જે દાવ પર લાગ્યા હોય તેના કારણે સ્પર્ધા વધુ કટ્ટર બની જાય છે.
સ્પોર્ક વધુમાં કહે છે, બધુ જ દાવ પર લાગેલું હોય છે - નોકરીઓ, સમૃધ્ધિ-સંપત્તિ, વારસો અને સ્વાભિમાન..
વી આર એટ વોર વીથ જાપાન, અમે જાપાન સાથે યુધ્ધમાં છે, આ યુધ્ધ કાંઇ મશીનગન્સ દારૂગોળાથી, કે હવાઇ હુમલા કરીને નથી લડાતું. આ તો ટેકનોલોજી, ઉત્પાદકતા અને ક્વોલિટિનું અર્થતંત્રનું યુધ્ધ છે.
સ્પોર્ક અને જેરી સેન્ડર્સ (એડવાન્સ્ડ માઇક્રો ડિવાઇસિસ - AMD ના સ્થાપક અને C.E.O.) કહે છે કે જાપાનની ચિપ્સ કંપનીઓને તેમની સરકાર તરફથી મળતી સબસિડિ અને ઘરઆંગણાના પ્રોટેકટેડ માર્કેટસના કારણે ઘણો લાભ થાય છે. જાપાની કંપનીઓ તેમની ચિપ્સ અમેરિકામાં વેચી શકે છે, પણ સિલિકોન વેલિની (અમેરિકાની) કંપનીઓને જાપાનના બજારમાં ચિપ્સ વેચવા ઘણો સંઘર્ષ કરવો પડે છે. વર્ષ ૧૯૭૪ સુધી તો જાપાને અમેરિકાની કંપનીઓ જાપાનમાં કેટલી ચિપ્સ વેચી શકે તેનો અમૂક ચોક્કસ ક્વોટા જ નક્કી રાખ્યો હતો, તેનાથી વધારે ચિપ્સ અમેરિકન કંપનીઓ જાપાનમાં વેચી શકે નહીં. હવે મઝાની વાત જુઓ કે જાપાને ૧૯૭૪ પછી ચિપ્સના ક્વોટાનો પ્રતિબંધ ઉઠાવી લીધો તે પછી પણ જાપાનની કંપનીઓ અમેરિકન કંપનીઓ પાસેથી બહુ ઓછા પ્રમાણમાં ચિપ્સ ખરીદતી હતી. આની સામે હકીકત એ હતી કે વિશ્વમાં ઉત્પાદન થતા કુલ સેમિકન્ડકટર્સમાંથી ચોથા ભાગના એટલે કે ૨૫ ટકા જેટલો મોટો હિસ્સો જાપાનમાં વપરાતો હતો.
જાપાનમાં સેમિકન્ડકટર્સનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતી કંપનીઓ પૈકીની NTT નામની કંપની પોતાની જરૂરિયાતની બધી ચિપ્સ માત્ર જાપાનની કંપનીઓ પાસેથી જ ખરીદે છે.
(ક્રમશઃ)