Get The App

હવે, તું તારા પરિવારજનોને ફરી ક્યારેય નહીં જોઈ શકે..

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
હવે, તું તારા પરિવારજનોને ફરી ક્યારેય નહીં જોઈ શકે.. 1 - image

- ચોક વિસ્તારમાં મને મજૂરી કામ કરતો જોઈ, મારા જૂના મિત્રે નજીક આવીને કહ્યું,

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-14

- મને આ દુ:ખદ વાસ્તવિકતાની જાણ હતી, પણ હું મીઠી ભ્રમણામાં હતો કે જર્મનો હવે આવું નહીં કરે 

- વોર્સો શહેર પર રશિયન હવાઈ હુમલા શરૂ થતા અમે યહૂદીઓ ખુશ થયા

જોકે વચ્ચે ઘણો બધો સમય મારા શ્રમજીવી સાથીદારો નજીકના ચોક વિસ્તારમાં જઈ કેટલીક ચીજવસ્તુઓ ખરીદી લાવતા હતા. કઈ કઈ વસ્તુઓ અહીંથી ખરીદ્યા પછી ચોરીછૂપીથી વસાહતમાં લઈ જવી અને ત્યાં એ વસ્તુઓ વધારે ભાવથી વેચીને કઈ રીતે નફો કમાવો તેની વાતો એ બધા કર્યા કરતા હતા.

હું તો માત્ર મારો જીવન નિર્વાહ ચાલતો રહે એટલી જરૂરી ચીજો જ ખરીદતો હતો. હું આખો દિવસ મારા પરિવારના બીજા સભ્યો વિશે વિચારતો રહેતો હતો : એ લોકો બધા અત્યારે ક્યાં હશે ? મારા મા-બાપ, ભાઈ-બહેનોને કયા કેમ્પમાં લઈ જવાયા હશે ? ત્યાં એ લોકો પર બહુ ત્રાસ તો નહીંં ગુજારાતો હોય ને ? એવા બધા સવાલો મારા મનમાં સતત સળવળ્યા કરતા હતા.

હું જ્યાં દીવાલ તોડવાનું કામ કરતો હતો ત્યાંથી એક દિવસ મારો એક જૂનો મિત્ર પસાર થતો હતો, મને જોઈ એ ખુશ થયો. તન્દેઝ બ્લુમેન્ટલ નામનો એ મિત્ર મૂળે યહૂદી હતો, પણ દેખાવમાં તે 'આર્યન' જેવો દેખાતો હોવાથી જોનાર એને પોલેન્ડવાસી કે જર્મન  જ માની લેતા હતા. જેથી આ મિત્ર વસાહતમાં રહેવાના બદલે વોર્સોના અન્ય વિસ્તારમાં રહેતો હતો. 

મને જોઈ પહેલા તો એને આનંદ થયો પણ મારી આ દશા જોઈે તે દુ:ખી પણ થયો. તેણે મને થોડા પૈસા આપ્યા અને બીજી વધારે મદદ કરવાની ખાતરી આપી. જરા નજીક આવી મારા કાનમાં તેણે કહ્યું, કાલે એક સ્ત્રી તારી પાસે આવશે અને જો તક મળશે તો કોઈની નજરે ન ચઢે એ રીતે તને એવી જગ્યાએ લઈ જશે, ત્યાં તુ છૂપી રીતે, સંતાઈને રહી શકીશ.

બીજે દિવસે મિત્રના કહ્યા મુજબ એક સ્ત્રી મારી પાસે આવી તો ખરી, પરંતુ કમનસીબે તે માઠા ખબર લઈને આવી કે એ છૂપી જગ્યાએ કે જ્યાં મારે રહેવાનું હતું ત્યાંના લોકો યહૂદીને નહીં રહેવા દે.

એક દિવસ અચાનક મને વોર્સો ઓર્કેસ્ટ્રાનો વડો સંગીતકાર જેન વોરેકોવ્સ્કી  મળ્યો. એ ચોક વિસ્તારમાંથી પસાર થતો હતો. ત્યાં એની નજર મારા પર પડી. મને એટલે કે મૂળે પિયાનો વાદક, એવા મને આ રીતે મજૂરની જેમ દીવાલ તોડવાનું કામ કરતો જોઈ એ દ્રવી ઊઠયો.

તે મને ભેટી પડયો અને મારો પરિવાર કેમ છે ? એવો સવાલ પૂછયો. મેં કહ્યું કે મારા કુટુમ્બના બીજા સભ્યોને તો વોર્સોની વસાહતમાંથી માલગાડીના ડબ્બામાં બેસાડી બીજા કેમ્પમાં લઈ જવાયા છે, ત્યારે તેની આંખોમાં સહાનુભૂતિનો ભાવ છલકાયો. દુ:ખી સ્વરે મને તે કાંઈક કહેવા ગયો, પણ અચાનક તે કાંઈક કહેતા અટકી ગયો.

હું સમજી ગયો, એટલે ગભરાઈને મેં સામેથી જ તેને સવાલ કર્યો, 'તારા માનવા મુજબ એ લોકોનું ત્યાં શું થયું હશે ?'

તેણે હળવેથી મારો હાથ તેના હાથમાં લીધો, પછી અત્યંત ધીમા સ્વરે બોલ્યો, સ્પિલમેન, એ જાણવું તારા હિતમાં છે, જેથી તું પોતે વધારે સાવચેત રહી શકે.

વધારે આગળ કાંઈ બોલતા એ થોડો ખચકાયો, પછી મારી વધુ નજીક આવી કાનમાં ગણગણ્યો, તું તારા પરિવારના સભ્યોને ફરી ક્યારેય નહીં જોઈ શકે .'

આટલું કહી તે ઝડપથી મોંઢું ફેરવી બીજી દિશામાં ચાલવા માંડયો. થોડા ડગલા ચાલ્યા બાદ તેણે પાછા આવી ફરી મને ગળે લગાડયો. પણ હું તેના જેટલા મજબૂત મનોબળનો નહોતો-કારણ હું તો પહેલેથી જ જાણતો હતો કે,અહીંની નાની વસાહતોમાંથી યહૂદીઓને પુનર્વસનના બહાને બીજા કેમ્પોમાં લઈ જવાના છે, જ્યાં અહીંના કરતાં વધારે સારી વ્યવસ્થા છે, -- જર્મનો દ્વારા આવી સારી વાતો ફેલાવાઈ હતી તે તદ્દન જૂઠાણું છે. મને એ પણ ખબર હતી કે અહીંથી બીજા સારા કેમ્પના નામે યહૂદીઓને બીજા અજાણ્યા સ્થળે લઈ જઈ જર્મનો તેમને મારી જ નાંખવાના છે.

છતાં વસાહતમાંના બીજા યહૂદીઓની જેમ હું પણ એવી મીઠી ભ્રમણામાં રહેતો'તો કે ના,ના, આ વખતે તો જર્મનો જે કહે છે કે અહીંના યહૂદીઓને સારા કેમ્પમાં લઈ જવાના છે, એે વાત સાચી જ હશે.

મારા પરિવાર વિશે વિચારતા હું આવું સારૃં સારૃં જ વિચારતો કે એ લોકો જ્યાં હશે ત્યાં સારી સ્થિતિમાં જ હશે. અને ભવિષ્યમાં કોઈક દિવસ અમારા બધાનું પુનર્મિલન થશે જ.

હું મહા મહેનતે આવું સારૃં વિચારીને મીઠી ભ્રમણામાં જીવતો હતો. પરંતુ મારા સંગીતકાર મિત્ર જેન વોરેકોવ્સ્કીએ મારો આ ભ્રમ ચકનાચૂર કરી નાંખ્યો. પણ બહુ લાંબા સમય બાદ મને એ બ્રહ્મજ્ઞાાન થયું કે એણે મારા પરિવારના સભ્યોના મોત વિશે વાત કરી, એ સારૂ જ કર્યૂં, કારણ એ દુ:ખદ હકીકત જાણ્યા બાદ ખૂબ મુશ્કેલીના નિર્ણાયક સમયગાળામાં મારી જાતને બચાવવાની મારામાં એક નવી ઊર્જા મને મળી ગઈ.

એ પછીના થોડા દિવસો, મારૃં જીવન એકદમ યંત્રવત બની ગયું-સવારે ઊઠવું, શૂન્યમનસ્ક તૈયાર થવું, આખો દિવસ યંત્રવત કામ પર જવું અને સાંજ પડે જ્યાં હું રહેતો હતો એ ફર્નિચરના ગોડાઉનમાં આવી રાતે લાકડાના પાટિયા પર સુઈ જવું--આ મારી યાંત્રિક દિનચર્યા બની ગઈ હતી.

 મારા માતા,પિતા, બહેનો હેલિના અને રેગિના તેમજ ભાઈ હેનરિક મોતના મુખમાં ધકેલાઈ ગયા હોવાની વાતને મારે હવે વાસ્તવિક હકીકતરૂપે સ્વીકારી લેવી જ પડશે.

વોર્સો શહેર પર હવે રશિયન હવાઈ દળના હુમલા શરૂ થયા હતા. આવા સમયે બધા લોકો હવાઈ હુમલાથી બચવા માટે બન્કરોમાં જઈ આશરો લેતા હતા. રશિયન હુમલાથી એક તરફ જર્મનોે ગુસ્સામાં ચિંતિત  અને વ્યાકુળ થઈ ગયા'તા. જ્યારે બીજી બાજુ યહૂદીઓ ગેલમાં આવી ગયા હતા. જોકે યહૂદીઓ મનોમન જ આનંદ માણતા હતા, તેઓ તેમનો હર્ષોલ્લાસ જાહેરમાં વ્યક્ત કરી નહોતા શકતા. જ્યારે જ્યારે ખબર મળતી કે રશિયન વિમાનોએ બોમ્બમારો કર્યો છે, ત્યારે અમને ખૂબ ખુશી મહેસૂસ થતી. રશિયન યુધ્ધ વિમાનોની ઘરેરાટીમાં અમને અમારી તરફ આવી રહેલી સહાયનો જાણે મીઠો રણકાર અને જર્મનોના પરાજયનું રણશિંગું સંભળાતું હતું. વિદેશોની, ખાસ કરીને રશિયાની સહાય જ અમને બચાવી શકે તેમ હતી.

રશિયન યુધ્ધ વિમાનોના બોમ્બમારા વખતે બધા લોકો બચવા માટે બન્કર તરફ દોડતા હતા,--કેવળ હું જ છુપાવા માટે બન્કરમાં નહોતો જતો, કારણ હું જીવું કે મરૃં, તેનાથી મને કોઈ ફરક પડતો નહોતો, મારા માટે જીવન કે મરણ--બંને હવે એક સમાન હતા.

દીવાલ તોડવાનું મજૂરી કામ જેમ જેમ આગળ વધતું ગયું, તેમ અમારી સ્થિતિ વધારે ખરાબ થતી ગઈ. અમારા કામ દરમિયાન ચોકી પહેરો રાખતા પોલીસો હવે કડક થઈ ગયા'તા. અમારા પર જડબેસલાક ચોકી પહેરા માટે હવે લિથુએનિઅન્સ પોલીસો મુકાયા હતા.

(ક્રમશ:)