Get The App

દક્ષિણ ધ્રુવમાં આખો શિયાળો અંધારપટ છવાયેલો રહે છે..

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
દક્ષિણ ધ્રુવમાં આખો શિયાળો અંધારપટ છવાયેલો રહે છે.. 1 - image

- શિયાળાના આગમન અગાઉથી બપોરે બે વાગે સૂર્યાસ્ત થવા માંડે છે

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-11

- મોટા હિમખંડો તૂટવાના અવાજો સાંભળીને અમે બધા જહાજના ડેક પર આવી ગયા

- પ્રચંડ દરિયાઈ મોજા અને બરફના ડુંગર અથડાવાથી જહાજ ડૂબવા જેવું થઈ ગયું

આ વિસ્તારમાં પાણીની ઊંડાઈ ૩૬૩૬ ફુટ જેટલી હતી. છ દિવસ પછી ઊંડાઈ ઘટીને ૨૫૧૪ ફુટ થઈ ગઈ. એનો અર્થ એ થયો કે અમારૃં જહાજ ધીમે ધીમે ખસતું જતું હતું. હવે જહાજના આગળના ભાગમાં જળમાર્ગ થોડો ખુલતો જતો હોવાનું દેખાયું.

સ્લેજ ગાડીના ડ્રાઈવરો કૂતરાઓને તાલીમ આપતા રહેતા હતા. દરિયામાં પથરાયેલી બરફની મહાકાય પાટો પર સ્લેજ ગાડીમાં બેસીને ડ્રાઈવરો દૂર સુધી જતા હતા. પરંતુ ઘણી વખત દિવસો સુધી માઈનસ ટેમ્પરેચર રહેતું હોવાથી આ રીતે ખુલ્લા બરફમાં સ્લેજ ગાડીઓ પર દૂર સુધી જવાનું અને ડોગને તાલીમ આપવાનું કામ અતિશય મુશ્કેલ બની જતું હતું. આના બદલે સ્લેજ ગાડીના ડ્રાઈવરો ગાડીના ડોગ્સને દોડાવતા અને પોતે પણ તેમની સાથે દોડતા હતા.

 બીજી તરફ દરિયાના જળમાંથી વનસ્પતિ, અન્ય નાના જળચર પ્રાણીઓ અને દરિયાના તળીયેથી પથ્થર, માટી, કાંકરા કે અન્ય ભૂસ્તરીય નમૂના લેવાનું કામ વૈજ્ઞાાનિકો કરતા રહેતા હતા. તેમણે તા. ૨૩મીએ ૨ ફુટનું ડ્રેજ મશીન અને લગભગ ૩૯૦૦ ફુટ લાંબો વાયર દરિયામાં ઉતારી દરિયાના તળીયેથી આ બધા નમૂના મેળવ્યા હતા.

દરિયાની નીચેની સપાટી પરથી ડ્રેજ દ્વારા જે કાંપ, માટી અને નાના જીવજંતુ કે વનસ્પતિના નમૂના લાવ્યા તે અલગ કરવાનું કામ એટલા માટે મુશ્કેલ બની ગયું કે છેક ભોંયતળીયેથી ઉપર આવતા સુધીમાં તો માટીવાળો કાંપ ઠરીને ઠીકરૃં થઈ ગયો હોવાથી નાના જળચર પ્રાણી, વનસ્પતિ બધું એક સાથે જામ થઈ ગયું'તું.

અમારૃં જહાજ ધીમે ધીમે અવાસ્તવિક કે માયાવી વિશ્વ તરફ ખસતું જતું હતું. જહાજ નીચેની બરફની ચાદર કે બરફની પાતળી પાટો એવી હતી કે ગમે ત્યારે એ ખુલ્લી થઈ જતી હોવાથી જળમાર્ગ ખુલ્લો થતો જતો હતો. મહિનાના અંતે અમે દરિયાની ઊંડાઈ માપી તો એ ૧૫૩૬ ફુટ હતી. અગાઉના કરતા આ જળ વિસ્તારમાં ઊંડાઈ ઘણી ઓછી હતી. મતલબ કે અગાઉ દરિયાઈ જળ જે ૩૬૩૬ ફુટ જેટલું ઊંડું હતું, તે પછી અમારૃં જહાજ ૩૯ માઈલ જેટલું ખસતા ખસતા એવા જળ વિસ્તારમાં આવી ગયું જ્યાં ઊંડાઈ અડધા કરતાંય ઓછી થઈને ૧૫૩૬ ફૂટ જેટલી થઈ ગઈ હતી. આનો અર્થ એ કે અમે જેમ જેમ ઉત્તર તરફ, કાંતો ઉત્તર પૂર્વ કે ઉત્તર દક્ષિણે ખસતા ગયા તેમ તેમ દરિયાની ઊંડાઈ ઘટતી ગઈ, દરિયો સરખામણીમાં છીછરો થતો ગયો. 

અમારૃં જહાજ નક્કર બરફમાં થીજીને અટકી ગયું તે તારીખ ૧૯ જાન્યુઆરીથી તા. ૩૧ માર્ચ દરમિયાનના ૭૧ દિવસોમાં 'Endurance' જહાજ ૯૫ માઈલ ઉત્તર તરફ ખસી ગયું હતું. પરંતુ જહાજ આસપાસના આઈસ્બર્ગ (Icebergs)- બરફના પહાડોની તુલનાત્મક પોઝીશન્સમાં ખાસ કોઈ ફેરફાર નહોતો થયો.

 શિયાળાના ઠંડાગાર બરફીલા હાથની મજબૂત પક્કડ હવે જહાજની આસપાસ વર્તાતી હતી. એપ્રિલની શરૂઆતના દિવસોમાં ઉત્તર પૂર્વીય અતિશય ઠંડાગાર ઝંઝાવાતના લીધે જહાજની ચોમેર બરફ વધારેને વધારે નક્કર બની ગયો હતો.

 જહાજ જેમ જેમ ઉત્તર પશ્ચિમ તરફ ઢસડાય, તેમ તેમ દરિયો છીછરો બનતો જતો હતો. તા. ૨જી એપ્રિલે દરિયાઈ જળની ઊંડાઈ ૧૫૭૨ ફુટ હતી. ચાર અઠવાડિયા પછી ફરી ઊંડાઈ માપી તો એમાં ૫૪૦ ફુટનો ઘટાડો થઈ એ સ્થળે ઊંડાઈ માત્ર ૧૦૩૨ ફુટ થઈ ગઈ હતી. આના પરથી અમને ખ્યાલ આવી ગયો કે અમે હવે કિનારા તરફ કે ભૂમિ તરફ આગળ વધી રહ્યા છે. 

ત્રીજી એપ્રિલની રાતે પૂર્વ તરફ અમે બરફના મોટા હિમખંડો એકમેક સાથે ભટકાતા હોવાના અવાજ સાંભળ્યા. અને સવારે અમે જોયું તો તૂટેલા હિમખંડોમાંથી છૂટા પડેલા તાજા બરફના ૮ થી ૧૦ ફુટ જેટલા ઢગલા આમ તેમ સર્વત્ર પથરાયેલા દેખાતા હતા. ભવિષ્યમાં ઊભા થનારા જોખમની આ સાંકેતિક અશુભ નિશાની હતી.

તા.૪થીએ હિમના ચોસલાઓ દરિયાઈ પ્રવાહમાં આમતેમ ઢસડાતા હોવાના કારણે પરસ્પર ઘસાતા હોવાથી તેમના ઘસાવાનો કિચૂડ કિચૂડ અવાજ પણ સંભળાયો, જેના કારણે અમારૃં જહાજ થોડું હાલક ડોલક પણ થયું.

ફરી તા. ૯મીએ જહાજની ચોતરફ બરફના મોટા મોટા ચોસલા કે બરફની પાટો પથરાઈ જતા ચારેબાજુએથી જહાજ પર દબાણ વધી ગયું.

 જહાજના પાછળના ભાગમાં બરફનો ૧૧ ફુટ જેટલો ઢગલો ખડકાઈ ગયો. મને લાગ્યું કે દક્ષિણ ધ્રુવની અમારી સાહસયાત્રામાં તકલીફ પડવાની કદાચ શરૂઆત થઈ ચૂકી છે.

તારીખ ૧૪ એપ્રિલે દૂર અમને અતિશય મોટા બરફનો પહાડ નજરે પડયો. ઉત્તર પશ્ચિમની ક્ષિતિજ તરફ દેખાતા આ જંગી હિમ ડુંગરનું તળિયું છેક સમુદ્રના ભોંયતળિયે ખૂંપેલું લાગ્યું, કારણ દરિયાઈ પ્રવાહમાં ઢસડાતા બરફની પાટો અને બરફના ચોસલાઓ વચ્ચે પણ તે ડુંગર અડીખમ ઊભો હતો.

 સવારે ૧૧ વાગ્યાના સુમારે અમે દરિયાઈ જળની ઊંડાઈ માપી તો ૧૧૮૨ ફુટ હતી અને સમુદ્રના તળિયે નક્કર ખડક અને પથ્થરો હતા.

 તા. ૧લી મેએ અમે સૂરજદાદાને ગુડબાય કરી દીધા. હવે ધીમે ધીમે શિયાળાનો અંધારપટ છવાઈ જવાનો હતો. બપોરે બે વાગે તો સૂર્યાસ્ત થવા માંડયો હતો હવે અમને ક્યારેક ક્યારેક નોર્ધન લાઈટસ દેખાઈ જતી હતી. 

ધ્રુવીય પ્રદેશમાં શિયાળાના સમયગાળા દરમિયાન સૂર્ય લગભગ અદ્રશ્ય થઈ જવાથી વાતાવરણ અંધકારમય, ઉદાસીન કે ગમગીન ભાસતું હતું. ત્રણ કે ચાર મહિના સુધી સતત અંધકારમય વાતાવરણના લીધે માણસને સતત માનસિક અને શારીરિક થકાન મહેસૂસ થયા કરે છે.

 પણ 'Endurance' જહાજના અમે બધા એમ કાંઈ ગમગીન થઈએ એવા નહોતા. અમે ટોળટપ્પા કરીને અમારો મુડ જાળવી રાખતા હતા. રોજ સાંજે અમે સંગીત પાર્ટી રાખીને આનંદપ્રમોદ કરતા રહેતા હતા.

પણ આવું કેટલા દિવસ ચાલે ? અમે ચિંતામાં હતા કે કિનારો ક્યારે આવશે ? ભવિષ્ય ભાખવું કંઈ સરળ નહોતું.

વેડેલ સમુદ્રના પશ્ચિમ કાંઠે જહાજ લાંગરી શકાય એવા કેટલાક સ્થાનો હતા. પરંતુ ત્યાં સુધી અમે ક્યારે પહોંચી શકીએ, તેનું કોઈ ઠેકાણું નહોતું. હવે સમય જ કહી શકશે.

 તારીખ બીજી મેએ ટેમ્પરેચર માઈનસ ૫ ડિગ્રી ફેરનહિટ હતું. આકાશમાં વાદળો છવાયેલા હતા. 

જેમ તેમ કરીને મે, જૂન, જુલાઈ અને ઓગષ્ટ મહિનો પસાર થયો. તા. ૩૧મી ઓગસ્ટે અમે ગણતરી માંડી તો પશ્ચિમમાં નજીકમાં નજીક ભૂમિ પ્રદેશથી અમે ૨૫૦ માઈલ દૂરી પર હતા અને સપ્ટેમ્બરના શરૂઆતના દિવસની વહેલી સવારે એકબાજુ બરફના મોટા હિમખંડો તૂટવાના અવાજો સાંભળીને તેમજ બીજીબાજુ જહાજ ઘણું હાલકડોલક થવાથી અમે બધા ડેક પર આવી ગયા.  

(ક્રમશઃ)