- બીજા વિશ્વયુદ્ધના શરૂઆતના સમયગાળા દરમિયાન
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-1
- ગંદકીથી સબડતી વસાહતમાં ભૂખમરો અને રોગચાળામાં હજારો યહૂદીઓનાં મોત
- યહૂદી પિયાનોવાદક સ્પિલમેન સદ્ભાગ્યે બચી ગયાની રસપ્રદ તાજુબીની વાત...
આ ઘટના છે બીજા વિશ્વયુધ્ધના સમયગાળાની, જ્યારે હિટલરના નાઝી લશ્કરે પડોશના પોલેન્ડ પર તા.૧, સપ્ટેમ્બર, ૧૯૩૯ ના રોજ આક્રમણ કર્યું. હિટલરે યહૂદીઓ પર અમાનુષી ત્રાસ ગુજારી બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન લગભગ ૬૦ લાખ યહૂદીઓને યમદ્વાર ધકેલી દીધા હતા, એ માટે જર્મનીના આ આપખુદ શાસકે ખાસ કોન્સન્ટ્રેશન કેમ્પ ઊભા કર્યા હતા. વૈશ્વિક ઈતિહાસમાં 'હોલોકાસ્ટ' તરીકે ઓળખાતો આ મહાસંહાર કાળા અક્ષરે લખાઈ ચૂક્યો છે.
બીજા વિશ્વયુધ્ધમાં કોન્સન્ટ્રેશન કેમ્પ અને એટમબોમ્બના મહાસંહાર વચ્ચે ક્યાંક ક્યાંક માનવતાની જ્યોત જલતી રહી હોવાના સુખદ આશ્ચર્યરૂપ કિસ્સા પણ ઈતિહાસના પાને નોંધાયા છે.
આ દર્દભરી વાત છે, પોલેન્ડના વોર્સો શહેરમાં રહેતા એક યહૂદી પિયાનો વાદકની. નામ એનું લાડીસ્લ સ્પિલમેન. તે અત્યંત કુશળ પિયાનોવાદક હતા. ૧૯૩૯માં જર્મનીના સરમુખત્યાર હિટલરે એક સપ્ટેમ્બર ૧૯૩૯માં પોલેન્ડના પાટનગર વોર્સો પર આક્રમણ કર્યું, અને તે સાથે જ બીજા વિશ્વયુધ્ધનો પલીતો ચંપાઈ ગયો.
જર્મનીના નાઝી સૈનિકો અને હિટલરની છૂપી પોલીસ-ગેસ્ટાપોના સૈનિકોનો આખા વોર્સો શહેરમાં પહેરો ગોઠવી દેવાયો હતો.
વોર્સો શહેરના યહૂદીઓને એક જ વિસ્તારમાં ધકેલી દઈ તેમના માટે અલગ વસાહત ઊભી કરાઈ હતી. નાના વિસ્તારમાં મોટી સંખ્યામાં યહૂદીઓને રહેવાની નાઝી સૈનિકોએ ફરજ પાડી હતી. યહૂદી વસ્તીથી ઊભરાતી આ વસાહતમાં લોકો ભૂખમરાથી અને રોગચાળાથી પીડાતા હતા. ગેસ્ટાપો પોલીસ જવાનો યહૂદીઓ પાસે જનમટીપના જેલના કેદીઓ પાસે કરાવાય તેવી કાળી મજૂરી કરાવતા હતા. અને છેવટે તેમને ગેસ ચેમ્બરમાં ધકેલી દેવા માટે કોન્સન્ટ્રેશન કેમ્પોમાં લઈ જવાતા હતા.
વોર્સોની લગભગ ત્રણથી ચાર લાખ યહૂદીઓની વસાહત ફરતે દીવાલ ચણી દેવાઈ હતી, અને વસાહતમાંથી કોઈ યહૂદી ભાગી ન જાય તે માટે નાઝી સૈનિકો અને હિટલરની છૂપી પોલીસ-ગેસ્ટાપોના જવાનો ચોવીસેય કલાક પેટ્રોલિંગ કરતા રહેતા હતા.
યુધ્ધના આ સમયગાળા દરમિયાન મેંે (પિયાનોવાદક લાડીસ્લ સ્પિલમેન) મારી કારકીર્દિ વોર્સો શહેરની યહૂદી વસાહતના મધ્ય વિસ્તારમાં આવેલી નોવોલિપ્કી સ્ટ્રીટના કેફે નોવોઝસ્નામાં શરૂ કરી હતી.
નવેમ્બરમાં ૧૯૪૦માંજર્મન સત્તાધિશોએ વોર્સોની આ યહૂદી વસાહતનાં દ્વાર બંધ કરી દીધાં, તે પહેલા અગાઉથી જ જે કોઈ ઘરવખરી વેચી દઈ શકાય એવી હતી એ બધી ઘરવખરી અમે વેચી નાંખી હતી.
આઘાતની વાત એ છે કે મારા માટે ખૂબ જ કિમતી એવો પારો પિયાનો પણ વેચી દીધો.
મેં ગમે તેમ કરી મહામહેનતે બીજી નોકરી શોધી કાઢી. મારી નોકરી બપોરથી રાત સુધીની હતી. યહૂદી વસાહતને જર્મનોએ ચોતરફથી સીલ કરી દીધી હતી. અમારી ગીચ વસાહતમાં લગભગ ત્રણથી ચાર લાખ યહૂદીઓ ગંદકીમાં સબડતી હાલતમાં રહેતા હતા.
નાઝી સૈનિકોના કબજા હેઠળના યુરોપીયન વિસ્તારોમાં યહૂદીઓની જેટલી પણ અલગ વસાહતો હતી, તેમાં વોર્સોની અમારી વસાહત સૌથી મોટી અને સૌથી વધારે વસ્તીવાળી હતી.
મારા ઘરમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ હું હોવાથી મારે નોકરીએ ગયા સિવાય છૂટકો નહોતો. યહૂદી વસાહતમાં ચીજ-વસ્તુઓની સતત અછત રહેતી હોવાથી દાણચોરોનો ધંધો વધી ગયો હતો. દાણચોરી કરવા માટેનો તેમનો શ્રેષ્ઠ સમય બપોરનો હતો.
સવારના સુમારે તેમના ખિસ્સા ભરવાના કૃત્યો કરીને થાકેલી પોલીસ બપોરના સમયે સુસ્ત થઈને બેસી રહેતી હોવાથી દાણચોરોને મોકળું મેદાન મળી જતું હતું.
કોઈક દિવસ પોલીસ તંત્ર સફાળું જાગીને રેડ પાડવા દોડતું થયું હોય તેવા વખતે ક્યાંક ગોળીબારના કે હેન્ડ ગ્રેનેડના ધડાકા સંભળાતા જ દાણચોરોમાં ભાગદોડ મચી જતી હતી. દાણચોરીની ચીજ-વસ્તુઓ ખરીદવા પોત-પોતાના ફલેટમાંથી બહાર નીકળેલા યહૂદી સ્ત્રી-પુરૂષો આ ધડાકા-ભડાકા સાંભળી ડરના માર્યા દોડાદોડ કરી મુકીને પાછા ફલેટમાં ભરાઈ જતાં હતાં.
હું જ્યાં પિયાનો વગાડવા જતો હતો તે કાફે નોવોઝેસ્નામાં મોટાભાગે ધનિક ગ્રાહકો જ આવતા હતા. કાફેના પ્રવેશદ્વાર પાસે મોટા દંડૂકા સાથે તગડો ચોકીદાર ઊભો રખાયો હતો, જે લાકડી ઉગામી ભિખારીઓને ભગાડતો હતો.
કાફેમાં આવતી સ્ત્રીઓ મોંઘાં મોંઘાં ઝાકઝમાળ વસ્ત્રો પરિધાન કરીને આવતી હતી. સોનાના અને હીરાજડિત આભૂષણો પહેરીને કાફેમાં આવતી સ્ત્રીઓ અને પુરૂષોથી કાફેની શોભા ઓર વધી જતી હતી.
આ ધનાઢયો ભિખારીઓને એક પૈસોય નહોતા આપતા. તેઓ બધા એવો ફાંકો લઈને ફરતા કે આ ભિખારીઓને ભીખ ન જ આપવી જોઈએ, તેનાથી તેઓ આળસુ બની જાય છે, અમે જે રીતે મહેનત કરીને પૈસા કમાઈએ છીએ તેમ એ લોકોએ કમાવું જોઈએ. તેમને જો કમાતા ન આવડે તો એમા તેમનો ખુદનો જ વાંક છે.
કાફેમાં આ લોકો તેમાં ધંધાની અને નફાની જ વાતો કર્યા કરતા હતા, મારા મ્યુઝિકમાં તેઓ સ્હેજેય રસ નહોતા દાખવતા. એક વખત એક ગ્રાહકે વેઈટર દ્વારા મને કહેવડાવ્યુ કે, ભાઈ, તારો પિયાનો વગાડવાનું થોડીવાર માટે બંધ કર...!
સદ્ભાગ્યે, હું લાંબો સમય એ કાફેમાં ન ટક્યો. સિએન્ના સ્ટ્રીટના બીજા એક કાફેમા મને નોકરી મળી ગઈ. અગાઉના કાફેમાં સંગીતની ગતાગમ કે સંગીતમાં રસ વિનાના ધનાઢય ગ્રાહકો આવતા હતા. જ્યારે આ કાફેમાં સંગીતપ્રેમીઓ અને બુધ્ધિજીવી યહૂદીઓ આવતા હતા, એટલે આ કાફેમાં મને પિયાનો વગાડવાની મજા આવતી હતી.
આ કાફેથી જ એક સારા સંગીતકાર તરીકેની મારી ખ્યાતિ ફેલાઈ અને અન્ય ઘણા સારા સંગીતકારો તેમજ કલાકારો સાથે મારા સંબંધો બંધાયા.
ચારેક મહિના બાદ આ કાફે છોડીને હું લેસ્નો સ્ટ્રિટ પરના સ્તુકા (આર્ટ) નામના બીજા કાફેમાં જોડાયો. યહૂદી વસાહતનો આ સૌથી મોટામાં મોટો કાફે હતો, અને ઘણા સારા કલાકારો આ કાફેમાં આવતા હતા. આ કાફેમાં સરસ કોન્સર્ટ રૂમ પણ હતો. અહીં મેરીઆ આઈસનસ્ટેડ નામની એક ખ્યાતનામ ગાયિકા પણ આવતી હતી.
કોયલના ટહૂકા જેવા સુમધુર સ્વરે ગાતી આ ગાયિકાની જર્મનોએ હત્યા ન કરી હોત તો આજે તેના લાખ્ખો ચાહકો હોત.
(ક્રમશઃ)


