Get The App

નોકરી-ધંધો અને પરિવાર જીવન વચ્ચે સમતુલા

Updated: Aug 24th, 2022

GS TEAM

Google News
Google News
નોકરી-ધંધો અને પરિવાર જીવન વચ્ચે સમતુલા 1 - image


- શ્રેષ્ઠ જીવન જીવવાની ટૂંકી ને ટચ, સચોટ ફોર્મ્યુલા

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-3

- સુખ-સગવડ માટે પૈસા જરૂરી છે, પણ માત્ર પૈસાથી જ સુખ નથી મળતું

- રોજ ઈશ્વર તમને 1 નવા દિવસની ભેટ આપે છે, તેનો ખોટો વેડફાટ ન કરી દો

ભૂતકાળની અને ભવિષ્યની પેઢીઓ, કે જેઓ પોતાની પાસે કેટલું છે, અર્થાત કેટલી ધન-સમ્પત્તિ છે કે સમાજમાં કેટલું સ્ટેટસ છે, તેના આધારે તેમનું પોતાનું મહત્વ આંકે છે, પણ વાસ્તવમાં માણસે પોતે હૃદયથી, દિલથી કેટલો સારો છે, તે આધારે જ પોતાનું મૂલ્યાંકન કરવું જોઇએ; લોકો આ રીતે નથી વિચારતા એ બહુ દુઃખદ વાત છે..

જહોન ઘણો શ્રમિત  થઇ ગયો હતો છતાં તેણે વાત આગળ ચલાવી, 'સુખ-સગવડવાળી જિન્દગીની અપેક્ષા કે ઇચ્છા ના રાખવી જોઇએ એવું કહેવાનો મારો જરાય મતલબ નથી. મારી વાતનો ખોટો અર્થ તું ના કરીશ. મારો કહેવાનો મતલબ એ છે કે  વધુને વધુ સુખ-સગવડો પાછળની આપણી દોડ તેમજ આપણી સિધ્ધિઓ અને આપણી ધન-સમ્પત્તિથી જ આપણું માન વધશે એવી જે ખોટી માન્યતા આપણામાં ઘર કરી ગઇ છે, તેનાથી જીવનમાં ખરેખર જે જરૂરી છે, તે તરફનો  આપણો ઝોક અવરોધાય છે. સાચું કહું તો જીવનમાં આપણે જેને ચાહતા હોઇએ કે આપણા પરિવારજનો જેમને આપણે પ્રેમ કરતા હોઇએ તેમના માટે અને જે કામ કરવામાં આપણને આનંદ આવતો હોય તેના માટે સમય આપવો જોઇએ. જીવનમાં કામ અને પરિવાર (વર્ક એન્ડ ફેમિલિ) વચ્ચે સારી સમતુલા જાળવવી જોઇએ. બ્રોની, તને નથી લાગતું કે જીવનમાં આ વાત જ સાચી છે?

આટલું બોલતા બોલતા તો જહોનની આંખોમાંથી વચ્ચે વચ્ચે આંસુ વહી જતા હતા. અત્યારે જહોન ભલે વૃધ્ધ થઇ ગયા છે; પરંતુ તેનામાં એક નિર્દોષ બાળક હજીય જીવંત છે.

બ્રોની, જીવન વિશે હું તને જે એક વાત કહેવા માંગુ છું તે એ છે કે એવી જિન્દગી ના જીવવી કે પાછળથી આપણને અફસોસ થાય કે આપણે જીવનમાં આટલો બધો ઢસરડો કરવાની જરૂર નહોતી. મને ખબર નહોતી કે ખૂબ મહેનત કરવામાં જિન્દગીનો ખરો સમય વ્યય કરી દેવાથી છેલ્લે પસ્તાવાનો વારો આવશે.

તમારી નોકરી કે તમારા ધંધા, વ્યવસાયને તમે પુરી લગનથી વફાદાર રહો, તેના માટે તમે પુરતો સમય ફાળવો, તેમાં કશું જ ખોટું નથી. પણ નોકરી કે ધંધો જ તમારી જિન્દગી નથી, જીવનમાં નોકરી-ધંધાથી પણ મહત્વની બીજી બાબતો છે.  જીવનમાં સમતુલા જાળવવી જોઇએ. એ જ વસ્તુ મહત્વની છે.

મને આ વાત જીવનના છેલ્લા દિવસોમાં સમજાઇ છે. યુવાનીમાં મને મનોમન થતું હતું કે હું બહુ વધારે પડતી મહેનત કરી રહ્યો છું, પણ છેલ્લે આ માટે મારે પસ્તાવું પડશે એટલી સમજ ત્યારે મારામાં નહોતી.

છેલ્લે હસતા હસતા તેણે કહ્યું, આ જીવનમાંથી વિદાય લેતા છેલ્લે હું એક સારી વાત કહેતો જઉં છું કે 'ડોન્ટ વર્ક ટુ હાર્ડ, ટ્રાય ટુ મેન્ટેન બેલેન્સ, ડોન્ટ મેક વર્ક યોર હોલ (ઉર્રની) લાઇફ.'

ફરી સાજા ન થઇ શકાય તેવા જીવલેણ રોગથી પીડાતા દર્દીઓની, તેમના જીવનના છેલ્લા દિવસોમાં સાર સંભાળ રાખનાર નર્સ બ્રોનીને ખુદને પણ જીવનનાં ઘણાં પાઠ શીખવાના મળ્યા.

મૃત્યુના દિવસો ગણતા એ દર્દીઓ પૈકીના મોટા ભાગના દર્દીઓનો છેલ્લે છેલ્લે અફસોસ એ હતો કે જીવનમાં તમે કેટલું કમાયા તેનું છેલ્લા દિવસોમાં ખાસ કોઇ જ મહત્વ નથી રહેતું. તેમની પાસે કેટલી સાધન-સમ્પતિ કે કેટલી જમીન- જાયદાદ છે, અથવા તો લોકો તેમના વિશે શું વિચારતા હશે. એવી બધી બાબતો હવે તેમના વિચારના કેન્દ્રમાંથી બહાર નીકળી ગઇ હોય છે.

જીવનના આખરી પડાવમાં હવે તેમના વિચાર વર્તુળમાં રહી રહીને કેવળ બે જ વાત ઘુમરાયા કરે છે ઃ તેમના પરિવારજનો, કે મિત્રો-સહ કાર્યકરોને તેઓ કેટલા અંશે સુખી કરી શકયા, અને બીજી વાત એ કે તેમને ગમતી પ્રવૃત્તિઓમાં તેઓ જીવન દરમિયાન કેટલો સમય ફાળવી શકયા.

દરેકના જીવનમાં સમય તો પળેપળે વીતતો જ જાય છે. આજથી તમે નક્કી કરો કે તમારે હવે પછીનું જીવન કઇ રીતે જીવવું છે. સભાનપણે અને અત્યંત ધ્યાનપૂર્વક તમે વિચારો કે આજથી તમારે તમારા જીવનમાં કેવો બદલાવ લાવવો છે, જેથી અંતકાળે એવો અફસોસ ન રહી જાય કે, જીવનમાં ધાર્યો એવો બદલાવ હું લાવ્યો હોત તો વધારે સારૂ થાત.

આપણે પૃથ્વી પર કેટલા દિવસના કે કેટલા વર્ષોના મહેમાન છીએ તે વિશે આ ધરતી પરના કોઇને પણ જાણ નથી હોતી. વળી એ વાતની પણ કોઇને આગોતરી માહિતી નથી કે આપણે જેને ચાહીએ છીએ, તેવા આપણા સ્નેહીજન પણ અહીં કેટલા વખતના મહેમાન છે. માટે જ છેલ્લે આપણને કોઇ વાતનો પસ્તાવો ન રહી જાય કે મેં આમ કર્યૂં હોત તો આજે મારે છેલ્લા દિવસોમાં પસ્તાવાનો વારો ન આવત.

તમે પ્રમાણિકપણે તમારા વિચારો વ્યક્ત કરો, તે પછી પણ તમારા સ્નેહીજન તરફથી કોઇ સાનુકૂળ પ્રતિભાવ તમને ન મળે તો એનો અર્થ એવો નથી કે સ્નેહીજને તમારી વાત નથી ગણકારી કે એવું ન વિચારો કે આના કરતાં તો મેં મારા વિચારો વ્યક્ત ન કર્યા હોત તો સારૂં.

જીવનમાં સ્નેહીજન સાથે ક્યારેક કોઇક કારણસર અંટસ પડી ગઇ હોય કે મનદુઃખ થયું હોય તો પણ સતત માયાળુ વર્તાવ અને વ્યવહારમાં હંમેશા નિખાલસતા રાખશો તો કડવાશ ભર્યા સંબંધમાં જરૂરથી બદલાવ / પરિવર્તન આવશે, તે નિશ્ચિત છે.

રોજ આનંદિત રહેવાનું કે રોજ 'હેપ્પી' માઇન્ડસેટ રાખવાનું કદાચ શક્ય ના બને, પણ આપણી વિચારસરણીનો ઝોક સદાય પ્રફુલ્લિત રહેવા તરફનો રાખવાનું અશક્ય કે મુશ્કેલ નથી.

ઘણાં લોકો મનોમન કોઇને કોઇ વાતે દુઃખી થતા રહેતા હોય છે. આવી વ્યક્તિએ ખાસ યાદ રાખવું જોઇએ કે મન જ સુખ-દુઃખનું કારણ છે. એટલે મનને આપણે આનંદિત વિચારો તરફ પણ વાળી શકીએ છીએ. દુઃખ વચ્ચે પણ કોઇક સારી વાતનો વિચાર આપણા મનમાં ખુશીની હળવી લહેર લહેરાવી શકે છે.

દુનિયાનો કોઇ માણસ એવો નહીં હોય કે જીવનમાં જેણે ક્યારેય દુઃખનો, હતાશાનો કે નિષ્ફળતાનો અનુભવ ના કર્યો હોય, જીવનની ઘટમાળમાં સુખ-દુઃખની ધૂપ-છાંવ ચાલતી જ રહેતી હોય છે. મહત્વ આપણે જીવન કઇરીતે જીવીએ છીએ છે, તેનું છે. દુઃખ-દર્દ વચ્ચે પણ હસતા રહેવાની કળા શીખી લો, તો જ તમે જિન્દગીને માણી શકશો. તમારી જાતને તમે સતત દોષિત માન્યા કરશો કે કાયમ તમે અપરાધ ભાવ મહેસૂસ કરતા રહેશો તો જીવનમાં તમે ક્યારેય ખુશ નહીં રહી શકો.

તમારી જિન્દગી તમારી પોતાની છે. બીજા કોઇની નથી. તમે જે રીતે જિન્દગી જીવો છો તેમાંથી તમને જો થોડો પણ આનંદ ન મળતો હોય અને એવા જીવનમાં સુધારો કરવા માટે તમે જો કાંઇ ના કરતા હોય તો કુદરત તમને રોજ એક નવા દિવસની ભેટ આપતા રહે છે તેનો તમે વેડફાટ કરી રહ્યા છે.

Tags :