200 અણુ બોમ્બ ફેંકીએ તો USSRનો વિનાશ થઈ જાય..
- વર્ષ 1960માં યોજાયેલી ગુપ્ત બેઠકમાં હાજર રહેલા અમેરિકી લશ્કરના ટોચના અફસરોના મતે
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-6
- અણુ બોમ્બની ગુપ્ત માહિતી USSRને લીક કરી દેનાર વૈજ્ઞાનિકને 14 વર્ષની જેલ
- સોવિયેત યુનિયને વર્ષ 1949માં અણુ બોમ્બ ક્ષેત્રે અમેરિકાની મોનોપોલિ તોડી
હવે ઘીબનચજજૈકૈીગ થયેલા દસ્તાવેજો અર્થાત એવા દસ્તાવેજો કે જેને ગુપ્ત રાખવાની મુદત પુરી થયા પછી સરકાર તેને નાગરિકો માટે ખુલ્લા મુકે છે, તેવા દસ્તાવેજોમાં લખેલી એક વાત બહુ ચોંકાવનારી છેઃ- ''ચર્ચા-વિચારણાના અંતે અમેરિકી લશ્કરના ટોચના વ્યૂહાત્મક પ્લાનરો વચ્ચે એવી સંમતિ સધાઈ હતી કે સમગ્ર રશિયન સામ્રાજ્યનો વિનાશ કરવા માટે ૨૦૦ એટમ બોમ્બ પુરતા થઈ પડશે.''
અણુશસ્ત્ર બનાવવામાં તે વખતે અમેરિકાની મોનોપોલિ, એકાધિકાર હતો પણ ક્યારેકને ક્યારેક તેની ઈજારાશાહીનો અંત તો આવવાનો જ હતો. વર્ષ ૧૯૪૯ ની ગ્રીષ્મ ઋતુમાં આ અનિવાર્ય સ્થિતિ સર્જાઈ ગઈ.
ઓગસ્ટ ૨૯, ૧૯૪૯ ના દિવસે સોવિયેત યુનિયને તેનો સૌ પ્રથમ અણુ ધડાકો કર્યો. ચાર વર્ષ પહેલા એટલે કે ઓગસ્ટ ૧૯૪૫ માં અમેરિકાએ જાપાનના નાગાસાકી શહેર પર જે એટમબોમ્બ ફેંકીને વિનાશ કર્યો હતો, લગભગ એવા જ પ્રકારના એટમબોમ્બનો રશિયાએ ટેસ્ટ-વિસ્ફોટ કરી અમેરિકાને ચોંકાવી દીધું હતું.
સોવિયેત યુનિયને આટલા ટૂંકા સમયગાળામાં એટમબોમ્બ બનાવવાનું સંશોધન કઈ રીતે પરિપૂર્ણ કર્યૂં ? જવાબ એ છે કે સોવિયેત યુનિયને તેની વૈજ્ઞાનિક લેબ.માં અણુશસ્ત્ર સંશોધનની મહેનત કે માથાકૂટ નથી કરી. પરંતુ તેણે અમેરિકાની લોસ આલામોસ લેબ.માંથી અણુબોમ્બ બનાવવાનો વૈજ્ઞાનિક પ્લાન ચોરી લીધો હતો...!
અમેરિકાએ અણુબોમ્બ બનાવવા માટે મેનહટ્ટન પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં જ કલાઉસ ફૂચ્સ નામના એક વૈજ્ઞાનિકે એટમબોમ્બ સંશોધનની તમામ વિગતોના કાગળો ચોરી સોવિયેત યુનિયનને આપી દીધા હતા. જર્મનીમાં જન્મેલા અને બ્રિટનમાં અભ્યાસ કરનાર કલાઉસ ફૂચ્સ તેજસ્વી ભૌતિકશાસ્ત્રી હતા. અમેરિકી અણુશસ્ત્ર લેબ.માં વૈજ્ઞાનિક સંશોધન કરવાની સાથોસાથ તેઓ રશિયન સામ્યવાદી સરકાર વતી જાસૂસ તરીકેનું પણ કામ કરતા હતા. તેમણે યુરેનિયમ એનરિચમેન્ટ ટેકનિક, તેમજ પ્લુટોનિયમ બોમ્બ અને હાઈડ્રોજન બોમ્બ બનાવવાની પ્રાથમિક માહિતી પણ રશિયનોને પહોંચાડી હતી.
અગાઉ દુનિયામાં બે મહાસત્તાઓ હતી- એક લોકશાહી દેશ અમેરિકા અને બીજો શક્તિશાળી દેશ હતો- સામ્યવાદી સોવિયત યુનિયન અથવા USSR. (યુનિયન ઓફ સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિક્સ) સોવિયેત યુનિયન પર ત્યારે એકમાત્ર સામ્યવાદી પક્ષનું એકચક્રી શાસન હતું.
સોવિયેત યુનિયનનું અસ્તિત્વ ૧૯૨૨ થી ૧૯૯૧ સુધી રહ્યું તે દરમિયાન બે મહાસત્તાઓ-અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે શીત યુધ્ધ (Cold War) ચાલ્યા કરતું હતું.
આ USSR. ખૂબ વિશાળ દેશ હતો, જેનો કેટલોક ભાગ યુરોપમાં અને કેટલોક ભાગ એશિયા સુધી વિસ્તરેલો હતો. સામ્યવાદ વિચારધારા પરના આ દેશનો ઉદ્દેશ વર્ગવિહીન સમાજની સ્થાપના કરી આંતરરાષ્ટ્રીય સ્તરે સમાજવાદ ક્રાંતિ કરવાનો હતો.
પણ વર્ષ ૧૯૯૧ માં આંતરિક રાજકીય અને આર્થિક પડકારોના પગલે સોવિયત યુનિયનનું વિસર્જન થયું અને તેમાંથી જુદા જુદા ૧૫ દેશોનું નિર્માણ થયું-- જે પૈકીના બે દેશો- એક રશિયા અને બીજો દેશ યુક્રેન છેલ્લા ત્રણ વર્ષથી એકબીજા સાથે ભીષણ યુધ્ધ લડી રહ્યા છે.
સોવિયેત યુનિયન એક મહાસત્તા હતી. પરંતુ તેના વિસર્જન પછી અલગ પડેલા રશિયાની તાકાત મહાસત્તા જેટલી નથી રહી.
પણ આ પુસ્તકમાં વર્ષ ૧૯૬૦ ના દાયકાની વાત છે, એટલે તેમાં અગાઉની મહાસત્તા USSR- સોવિયેત યુનિયન વિશેની વાત લખાઈ છે. આજની રાજકીય-આર્થિક પરિસ્થિતિ તદ્દન જુદી છે.
સામ્યવાદી સોવિયેત યુનિયનને અણુબોમ્બ બનાવવાની ગુપ્ત માહિતી લીક કરી દેનાર વૈજ્ઞાનિક કલાઉસ ફૂચ્સ સામે જાસૂસીનો આરોપ મુકાયો હતો. આ વૈજ્ઞાનિકે પોતે અણુબોમ્બની અત્યંત મહત્વની માહિતી સોવિયેત યુનિયનને પહોંચાડી હોવાનો એકરાર કરતા તેમને ૧૪ વર્ષની જેલની સજા થઇ હતી.
૯ વર્ષ સુધી બ્રિટનમાં જેલવાસ ભોગવ્યા પછી ૧૯૫૯માં તેમને પેરોલ પર છોડવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટયા બાદ તેઓ ઇસ્ટ જર્મની જતા રહ્યા અને પછી ત્યાં તેમણે વૈજ્ઞાનિક સંશોધનો ચાલુ રાખ્યા હતા.
ઇસ્ટ જર્મનીમાં એક નામાંકિત વૈજ્ઞાનિક તરીકે તેમને ઘણાં એવોર્ડસ મેળવ્યા હતા. તેઓ ત્યાં સામ્યવાદી પક્ષના સભ્ય પણ બની ગયા હતા.
હવે મૂળ વાત પર પાછા આવીએ.
સોવિયેત યુનિયને અણુબોમ્બ બનાવતા અગાઉ ટેસ્ટ-વિસ્ફોટ કર્યા પછી વધારે ને વધારે અણુબોમ્બ શક્ય તેટલી વધારે ઝડપે બનાવી દેવા માટે અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે રીતસરની અણુશસ્ત્ર દોડ ચાલુ થઇ હતી.
નોંધપાત્ર હકીકત એ છે કે વર્ષ ૧૯૪૯માં અમેરિકા પાસે ૧૭૦ એટમબોમ્બ હતા પરંતુ વર્ષ ૧૯૫૦ સુધીમાં તો અમેરિકાએ અણુશસ્ત્ર બનાવવાની ઝડપ અત્યંત તેજ કરી દઇને બીજા ૧૨૯ અણુ શસ્ત્રોનું ઉત્પાદન કરતા તેના શસ્ત્ર ભંડારમાં અણુબોમ્બની સંખ્યા ખાસ્સી વધીને ૨૯૯ થઇ ગઇ હતી. આ સમયે સોવિયેત યુનિયન પાસે ગણીને ફક્ત પાંચ જ અણુબોમ્બ હતા.
પછીના વર્ષે એટલે કે વર્ષ ૧૯૫૧માં અમેરિકાના શસ્ત્રાગારમાં અણુશસ્ત્રોની સંખ્યા ઝડપથી વધીને ૪૩૮ ઉપર પહોંચી ગઇ હતી.
અને એ પછીના કેવળ એક જ વર્ષમાં ૧૯૫૨માં અમેરિકાનો અણુ શસ્ત્રભંડાર ૮૪૧ જેટલા અણુશસ્ત્રોથી ભરાઇ ગયો હતો.
અણુશસ્ત્રોની સંખ્યા વધારવા માટેની દોડમાં સોવિયેત યુનિયને પણ પાછું વળીને જોયું નથી. અણુ બોમ્બ બનાવવામાં અમેરિકાથી આગળ વધી જવા સોવિયેત યુનિયને અણુશસ્ત્ર ઉત્પાદનની ઝડપ અતિ વેગીલી કરી દેતા માત્ર ત્રણ જ વર્ષમાં સોવિયેત યુનિયનના શસ્ત્રભંડારમાં એટમ બોમ્બની સંખ્યા એકથી વધીને સીધી ૫૦ ઉપર પહોંચી ગઇ હતી.
આટલા બધા અણુશસ્ત્રો બનાવ્યા પછી પણ આ બન્ને દેશોને ધરવ ના થયો. અમેરિકા અને સોવિયેત યુનિયન પાસે કેટલા અણુબોમ્બ છે, તેની વાત પછી કરીએ, પહેલા તો એનાથીય ચોંકાવનારી વાત એ કરવાની છે કે અણુબોમ્બની અતિ રાક્ષસી જંગી તાકાત અને દુશ્મન દેશના નાગરિકોને મોટા પાયે સામૂહિક રીતે મારી નાંખવાની તેની ક્ષમતા જબરદસ્ત હતી અને છે, પણ તેના પછી જે નવા શસ્ત્ર સંશોધન થવાના છે તેની આગળ તો અણુબોમ્બનીય કોઇ વિસાત નથી રહી.
અમેરિકાના અને સોવિયેત યુનિયનના, એમ બન્ને દેશોના શસ્ત્ર-ડિઝાઇનરોએ અણુશસ્ત્રોને પણ ટક્કર મારે તેવા શસ્ત્રો બનાવવાની યોજનાઓ ઘડી હતી.
(ક્રમશઃ)