એડવાન્સ્ડ સેમિકન્ડક્ટર્સ ઉત્પાદનની ટેકનોલોજીમાં
- સારાંશ - વિનોદ ડી. ભટ્ટ
- અમેરિકા કરતાં ચીન અને રશિયા ઘણાં પાછળ
- રિચાર્ડ ચાન્ગે ચિપ્સ ક્ષેત્રે ચીનને આગળ લાવવા માટે ચીનમાં અદ્યતન પ્લાન્ટ નાંખ્યો
- પોતાની જરૂરિયાતની ચિપ્સ ઘર આંગણે જ બનાવવા માટે ચીનનો લક્ષ્યાંક
પેરિસથી વ્લાડીમીરની પાછી મોસ્કો બદલી થઇ, પરંતુ મોસ્કો આવ્યા પછી પણ તેણે ફ્રાન્સના એજન્ટને KGB ની ગુપ્ત બાતમી આપવાનું ચાલુ રાખ્યું.
વ્લાડીમીરે KGB ની ડિરેકટોરેટ T ડિવિઝનની ઘણી બધી બાતમીના ડઝનબંધ દસ્તાવેજો મોસ્કો સ્થિત ફ્રેન્ચ એજન્ટને પહોંચાડયા હતા.
KGB ના જાસૂસોએ અમેરિકા અને પશ્ચિમના અન્ય દેશોના ચિપ્સ ઉદ્યોગોમાંથી મેળવેલી મોટાભાગની માહિતી વ્લાડીમીરે ફ્રાન્સના એજન્ટને આપી દેતા પશ્ચિમના દેશોની જાસૂસી સંસ્થાઓના જાસૂસો પણ ચોંકી ઊઠયા કે KGB ના રશિયન જાસૂસોએ પશ્ચિમની ઔદ્યોગિક ટેકનોલોજીની ઢગલાબંધ ગુપ્ત માહિતી રશિયા પહોંચાડી દીધી...!
ફૂટેલી કારતૂસ જેવા રશિયન ખૂફિયા એજન્સીના જાસૂસ વેટ્રોવ પાસેથી ફ્રાન્સની જાસૂસી એજન્સીના એજન્ટને ઘણી માહિતી મળી ગઈ. ફ્રાન્સે આ બધી વિગત અમેરિકા અને પશ્ચિમના અન્ય દેશોને આપી. આથી એ બધા દેશોના ચિપ્સ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો અને ચિપ્સ ઉત્પાદકોએ પોત-પોતાની ફેક્ટરીઓમાં તકેદારી રાખવાની વ્યવસ્થા વધુ કડક બનાવી દીધી.
વર્ષ ૧૯૮૫માં અમેરિકન જાસૂસી એજન્સી CIA ના એજન્ટોને સોવિયેટ માઈક્રોપ્રોસેસર્સનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે સોવિયેટ રશિયાએ અમેરિકન ચિપ્સ ઉત્પાદક કંપનીઓ ઈન્ટેલ અને મોટોરોલાની ચિપ્સની આબેહૂબ નકલ કરીને ચિપ્સ બનાવી હતી. પણ તેમ છતાં અમેરિકાની તુલાનામાં સોવિયેટ રશિયા ચિપ્સ ક્ષેત્રે પાંચ વર્ષ પાછળ રહ્યું હતું.
અમેરિકા અને જાપાન સુક્ષ્મ પ્રકારની ચિપ્સ બનાવવામાં રશિયા કરતા ખૂબ આગળ હતા. રશિયાએ ''ચિપ્સ મેકિંગ'' અને સંશોધન માટે ભલે ઝેલેનોગ્રાડ નામનું એક અલગ જ શહેર ઊભું કર્યૂં, પણ તેમ છતાં રશિયન સંશોધકો અમેરિકા તેમજ જાપાન સાથે કદમ મિલાવી શક્યા નહોતા.
અમેરિકન મિસાઈલોમાં અદ્યતન માઈક્રોપ્રોસેસર્સ ફિટ કરાયા હોવાથી એ મિસાઈલ તેના નિર્ધારીત ટાર્ગેટ પર ઝીંકાતી હતી. પરંતુ રશિયા પાસે આધુનિક ચિપ્સ નહીં હોવાથી તેની મિસાઈલને ટાર્ગેટ હાંસલ કરવામાં મુશ્કેલી પડતી હતી.
'૮૦ના દાયકાના મધ્યના સમયગાળામાં અમેરિકાની નવી MX મિસાઈલ તેના ચોક્કસ ટાર્ગેટના ૩૬૪ ફૂટના વિસ્તારમાં ત્રાટકતી હતી અને ૫૦ ટકા વખત આમ થતું હતું જ્યારે તેની સરખામણીએ રશિયાની SS-25 મિસાઈલ ટાર્ગેટના ૧૨૦૦ ફૂટના વિસ્તારમાં ત્રાટક્તી હતી...! અમેરિકા-સોવિયેટ રશિયાના વચ્ચે કોલ્ડવોર અર્થાત શીત યુદ્ધના એ સમયગાળામાં લગભગ ૮૦૦ ફિટના આ તફાવતથી હાર-જીતની બાજીમાં મોટો ફરક પડી જતો હોવાનું મિલિટરિ પ્લાનર્સનું કહેવું છે.
ચીન અને રશિયા, એ બન્ને દેશો સેમિકન્ડક્ટર્સ બનાવવાની અને તેના ઉત્પાદનની ટેકનોલોજીમાં અમેરિકા કરતાં ઘણાં પાછળ રહી ગયા છે.
વર્ષ ૧૯૮૫માં ચિપ્સ ક્ષેત્રે પોતે પાછળ હોવાનો પુરો અહેસાસ ચીનને થઈ ગયો હતો, આથી ચીને રાજકીય લક્ષ્યાંક એવો રાખ્યો કે ચીને હવે પોતે પોતાની જરૂરિયાતના સેમિકન્ડક્ટર્સ ઘર આંગણે જ બનાવવા પડશે, વિદેશો પર આધાર રાખવાનું હવે તેને નહીં પોષાય.
ચીનના ''ગુઆન્ગમિન્ગ રિબાઓ'' નામના એક અખબારે વર્ષ ૧૯૮૫માં તેના વાંચકોને એક સચોટ સલાહ આપી કે હવે તમે ''પહેલું મશીન આયાત કરીશું,બીજું આયાત કરીશું અને ત્રીજું મશીન આયાત કરીશું'' એવી ફોર્મ્યુલાને પડતી મુકીને તેના બદલે નવી ફોર્મ્યુલા અપનાવોઃ પહેલું મશીન આયાત કરીશું, બીજું મશીન મેડ ઈન ચાઈના અને ત્રીજું મશીન નિકાસ કરીશું.''
ચીનની સામ્યવાદી પક્ષની વિચારસસરણીમાં ''મેડ ઈન ચાઈના''નું સૂત્ર બરાબરનું ફિટ થઈ કરી દેવાયું હતું પણ તેમ છતાં સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજીમાંચીન એટલું બધું પાછળ રહી ગયું હતું કે, તે સમયના ચીનના વડા માઓ-ત્સે-ડેન્ગએ કરેલી ઘણી મથામણ પણ ચીનને ચિપ્સ ક્ષેત્રે આગળ લાવી શકયા નહોતા.
ચીનની તત્કાલીન સરકારે સેમિકન્ડક્ટર્સ ક્ષેત્રે સંશોધન આગળ વધારવા માટે ઘણાં પ્રોત્સાહન જાહેર કર્યા હતા. પણ સરકારની આ બધી કોશિશો છતાં ચીનમાં સેમિકન્ડક્ટર્સ ક્ષેત્રે ઝાઝી કોઈ પ્રગતિ થઈ શકી નહોતી.
પણ છેવટે ભગવાન ચીનની વ્હારે આવ્યા હોય એવી સાનુકૂળ સ્થિતિ આપોઆપ સર્જાઇ. ભગવાન કોઇને મદદ કરવા કાંઇ જાતે ઉપરથી નીચે નથી ઊતરી આવતા; પણ કોઇને કોઇ માણસને નિમિત્ત બનાવી દેતા હોય છે, ઘણાં બધાને ભગવાને મોકલેલા આવા માણસોનો જીવનમાં અનુભવ થઇ ચૂક્યો હોય છે.
ચીનને મદદ કરવા આવેલા એ માણસનું નામ હતું રિચાર્ડ ચાન્ગ.
રિચાર્ડ ચાન્ગનો જન્મ ચીનના જૂના પાટનગર નાનકિંગ નગરમાં થયો હતો. પરંતુ ચીનમાં સામ્યવાદી શાસન આવ્યું ત્યારે ચાન્ગનો પરિવાર ચીનથી ભાગીને તાઇવાનમાં આવી ગયો હતો, ત્યારે ચાન્ગ માંડ એક વર્ષનો હતો.
તાઇવાનમાં યુનિવર્સિટીનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી ચાન્ગ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયો અને પછી ત્યાં સેમિકન્ડકટર્સની કંપની ટેકસાસ ઇન્સ્ટ્ર્મેન્ટસમાં (T.I) નોકરીએ જોડાયો.
T.I. માં ફેબ્રિકેશન ફાઉન્ડ્રિ મશીન ઓપરેટીંગમાં તે એક્સપર્ટ બની ગયો. એટલું જ નહીં T.I.. ની અમેરિકન ફેકટરી ઉપરાંત તેની જાપાન, સિંગાપોર અને ઇટાલીની બ્રાન્ચોમાં પણ તેણે કામ કરી સેમિકન્ડકટર્સ મેન્યૂફેકચરિંગ ક્ષેત્રે ઘણી નિપૂણતા હાંસલ કરી લીધી.
રિચાર્ડ ચાન્ગ ''ભગવાનનો પ્રેમ'' ચીનાઓને વહેંચવા માગતો હતો. એ પોતે ચુસ્ત ક્રિશ્ચિયન હતો. બાઇબલમાં સ્વાભાવિક રીતે જ ક્યાંય સેમિકન્ડકટર્સનો ઉલ્લેખ નથી; પણ ચાન્ગ ''એડવાન્સ્ડ ચિપ મેકિંગ'' ટેકનોલોજી ચીનમાં લઇ જવા માટે અત્યંત આતુર હતો.
ચીનને સેમિકન્ડકટર્સ ક્ષેત્રે આગળ લાવી દેવા માટે કોઇ ''મિશનરિ'' જેવા ઉત્સાહ અને ધગશથી રિચાર્ડ ચાન્ગે ચીનના શાસકોની સાથે મીટિંગો કરવા માંડી.
ચાન્ગનો પ્લાન શાંઘાઇમાં સેમિકન્ડકટર્સ ફાઉન્ડ્રિ ઊભી કરવાનો હતો પણ એ માટે તેને જંગી પ્રમાણમાં સબસિડિની આવશ્યકતા હતી, જે માટે તેણે ચીનના શાસકોના ગળે વાત ઉતારી દીધી.
ચાન્ગની ડિઝાઇન મુજબની સેમિકન્ડકટર્સ ફાઉન્ડ્રિ ચીનમાં ઊભી કરાઇ, અને ચીનની સરકારે તેની વાત એ હદે માની કે કોમ્યુનિસ્ટ ચીની સરકાર તો નાસ્તિક હોવા છતાં તેણે આ ફેકટરીના સંકુલમાં ચર્ચ બાંધવા માટે પણ સહાય કરી...!