For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓપનહેમર શારીરિકરીતે કમજોર થઇ ગયા હતા...

Updated: Feb 22nd, 2023

Article Content Image

- બીજા  વિશ્વયુધ્ધ દરમિયાન અણુબોમ્બના સંશોધનકાર્યની ઘેલછામાં

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- સિગારેટના 5 પેકેટ, દારૂ અને કોફી જ તેમનો રોજનો ખોરાક બની ગયા હતા..

- બીજી બાજુ અમેરિકન નૌકાદળ અને ટોકિયો વચ્ચે 400 માઇલનું અંતર જ બાકી હતું

જેમાં નામાંકિત ભૌતિકશાસ્ત્રીઓ, રસાયણ શાસ્ત્રીઓ અને કેટલાક નોબલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિટન, પૂર્વીય યુરોપ અને અમેરિકાના આ તેજસ્વી વૈજ્ઞાાનિકોને ઓપનહેમરે બેઠકના હેતુનો વિગતે ખ્યાલ આપ્યો. અહીં જે ટોપિક ચર્ચાયો તેની વિશ્વમાં બહુ જ થોડા લોકોને જાણ હતી.

બીજા વિશ્વયુધ્ધના લગભગ આખરી તબક્કાના સમયમાં આ બેઠક યોજાઇ હતી જેમાં વૈજ્ઞાાનિકો બે વિરોધાભાસી અભિપ્રાયમાં વહેંચાઇ ગયા હતા. કેટલાક વૈજ્ઞાાનિકો જાપાન પર અણુબોમ્બ ઝીંકવાની તરફેણમાં હતા તો બાકીના કેટલાક એવુ માનતા હતા કે જાપાન હવે શરણે આવવાની લગભગ તૈયારીમાં છે, એવી સ્થિતિમાં જાપાન પર અણુબોમ્બ નાંખવાનું કૃત્ય નૈતિકરીતે યોગ્ય નથી.

એક વૈજ્ઞાાનિકે કહ્યું કે જાપાન પર અણુબોમ્બ નંખાશે તો સમગ્ર વિશ્વમાં શસ્ત્રદોડ વધી જશે, કહેવાનો મતલબ કે દરેક દેશ એક પછી વધુને વધુ સંહારક શસ્ત્રો બનાવવાની સ્પર્ધા શરૂ કરશે.

જો કે અણુબોમ્બના સંશોધન માટે અમેરિકાએ  લોસ આલામોસમાં એક નવી લેબોરેટરિ શરૂ કરી હોવાની વાત ધીમે ધીમે વૈજ્ઞાાનિકોના વર્તુળમાં વહેતી થઇ ગઇ. આ લેબના ઇન્ચાર્જ તરીકે ઓક્ટોબર,૧૯૪૨ માં ઓપનહેમરની વરણી કરાઇ હતી.

લગભગ સાડા ત્રણ વર્ષમાં અણુબોમ્બ બનાવવાનું સંશોધન કાર્ય પૂર્ણ થવાના આરે આવી ગયું છે અને હવે વાસ્તવમાં અણુબોમ્બના ટેસ્ટિંગનું કાર્ય ઓપનહેમરે શરૂ કર્યું.

અત્યાર સુધી માત્ર થિયરીમાં જ જે શસ્ત્ર હતું, અર્થાત વિનાશક અણુશસ્ત્ર બનાવી શકાય તેવી કેવળ સૈધ્ધાંતિક વાતો જ વૈજ્ઞાાનિકોમાં ચાલતી હતી એ થિયરેટિકલ વાતમાંથી હવે એક એવું વિનાશક શસ્ત્ર વાસ્તવમાં બનવા જઇ રહ્યું હતું., જે શસ્ત્ર વિશ્વના ઇતિહાસના સૌથી મોટા યુધ્ધનો અંત લાવી દે તેવું વિનાશક બનવાનું હતું.

પણ અણુબોમ્બ બનાવવાની ઘેલછામાં એ પોતે શારીરિક અને માનસિકરીતે કમજોર થઇ ગયા હતા. છ ફૂટ ઊંચાઇના ઓપનહેમરનું વજન ઘણું ઊતરી ગયું હતું. તેમના દાંત સડી ગયા હતા, કારણ તેઓ ચેસ્ટરફિંલ્ડ સિગારેટ્સના રોજ પાંચ પેકેટસ પીતા હતા તેમને મરી-મસાલાવાળો ખોરાક બહુ ભાવતો હતો પણ છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ભાગ્યે જ ઝાઝો ખોરાક ખાતા હતા,  આખો દિવસના સંશોધન કાર્ય દરમિયાન તેઓ સિગારેટ ફૂંક્યા કરતા હતા અને સાથે જિન (એક પ્રકારનો રંગ વિહીન દારૂ) કે કોફી જ પીધા કરતા હતા.

પતિની આવી અનિયમિત અને સતત માનસિક તાણ હેઠળની જિન્દગીથી કંટાળીને ઓપનહેમરની પત્ની કિટ્ટી તેના ચાર વર્ષના પુત્ર પીટરને લઇ તેના પિયર રહેવા જતી રહી,  પરંતુ એક વિચિત્ર વાત એ હતી કે કિટ્ટી તેની ચાર મહિનાની દીકરીને સાથે લઇ ગઇ નહોતી...!

પત્નીની ગેરહાજરીમાં ઓપનહેમરને કેટલીક સ્ત્રીઓ સાથે 'રોમેન્ટીક' સંબંધ બંધાયા હતા, જેમાં તેની ૨૧ વર્ષની સેક્રેટરી આન્ને ટી. વિલ્સનનો સમાવેશ પણ થતો હતો.

આવી પરિસ્થિતિ વચ્ચે પણ ઓપનહેમરે અણુબોમ્બ બનાવવાનું સંશોધન પુરૂ કર્યુ અને હવે તેના ટેસ્ટિંગ માટેની તૈયારી શરૂ કરાઇ હતી.

ઓપનહેમર પૂર્વના દેશોની આધ્યાત્મિક ફિલોસોફીમાં માનતા હોવાથી તેમણે બનાવેલા અણુબોમ્બનું સાંકેતિક નામ 'ટ્રિનિટિ' (TRINITY) આપ્યું હતું. (હિન્દુ ધર્મમાં ટ્રિનિટિ એટલે ભ્રહ્મા (ભ્રમાંડના સર્જક)  વિષ્ણુ (પાલનકર્તા) અને શંકર (સંહારક).

તેઓ કયારેક કયારેક ભગવદ્ ગીતાના શ્લોકો પણ તેમની વાતચીતમાં ટાંકતા હતા. આમ ઓપનહેમરનું જીવન વિરોધાભાસોથી ભરેલું હતું. એકબાજુ દારૂ-સિગારેટ પીવાના તેમજ લગ્નેતરા રોમેન્ટિક સંબંધ રાખવામાં કોઇ છોછ નહીં રાખવાનો, તો બીજી તરફ ભારતીય ધર્મશાસ્ત્રો અને ભ્રહ્મા, વિષ્ણુ, શંકરમાં આસ્થા રાખવાની. આનાથી મોટો કયો વિરોધાભાસ ઓપનહેમરના જીવનમાં હોઇ શકે...?

અણુ બોમ્બના સર્જક ઓપન હેમરના લગ્નેતર સંબંધોની વાત બહુ લાંબી છે. ઓફિસ ઓફ સ્ટ્રેટેજિક સર્વિસીસમાં સાયકોલોજિષ્ટ તરીકે નોકરી કરતી રૂથ ટોલમેન નામની પરિણીત સ્ત્રી સાથે પણ ઓપન હેમરને ગાઢ સંબંધ બંધાયા હતા. આ સ્ત્રી ઓપનહેમરથી ઉમ્મરમાં ૧૦ વર્ષ મોટી હતી. બીજું વિશ્વયુધ્ધ પુરૂ થયા પછી પણ ઘણાં વર્ષો સુધી ઓપનહેમરનું પ્રેમપ્રકરણ તેની સાથે ચાલુ રહ્યું હતું. 

રૂથ ટેલમેનનો પતિ ઓપનહેમરની અણુ બોમ્બ સંશોધનની લેબ.માં જ કામ કરતો હતો, તેથી પત્ની રૂથની બેવફાઇની તેને બહુ જલ્દી જાણ થઇ ગઇ હતી. રૂથના પતિ રિચાર્ડનું  વર્ષ ૧૯૪૮માં  હાર્ટએટેકથી મૃત્યુ નિપજ્યું ત્યારે લેબ.માં એવી ગુસપુસ ચાલી હતી કે ઓપનહેમર સાથે તેની પત્ની રૂથના લફરાના આઘાતમાં જ રિચાર્ડનું હાટફેલ થયું છે.

હવે ઓપનહેમરના એટમ બોમ્બની મૂળ વાત પર આવીએ. લોસ આલામોસ ખાતે એટમબોમ્બનું સંશોધન કાર્ય પૂર્ણતાને આરે આવી ગયું હતું. તેના ટેસ્ટિંગ માટેની હવે તૈયારીઓ થઇ રહી હતી તેથી ઓપનહેમરને બીજી કોઇ વાતમાં સ્હેજ પણ રસ નહોતો રહ્યો, તેની પાસે અન્ય કોઇપણ વાત માટે ટાઇમ પણ નહોતો રહ્યો.

લેબોરેટરિની નજીકમાં જ વિશાળ રણપ્રદેશ હતો. મુખ્ય પ્રદેશથી આ રણ ખાસ્સુ દૂર હતું વળી આ પ્રદેશ નિર્જન હોવાથી અણુબોમ્બના ટેસ્ટિંગના કારણે કોઇ જાનહાનિ થવાની સંભાવના પણ નહોતી.

રોબર્ટ ઓપનહેમરે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ફિઝિક્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને તે પછી જર્મનીની યુનિવર્સિટીમાંથી ડોકટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 

લોસ આલામોસની અણુબોમ્બ લેબ.થી ૫૦૦૦ માઇલ દૂર અને જાપાનના પાટનગર ટોકિયોથી ફક્ત ૪૦૦ માઇલ દૂર, અમેરિકન નૌકાદળના સૈનિકોને તેમનો દેશ અણુબોમ્બ બનાવી રહ્યાની ગંધ સુધ્ધા નહોતી.જાપાનના ટાપુ ઓકિનાવા માટેના જંગને પાંચ અઠવાડિયા પુરા થઇ ચૂક્યા હતા તેવામાં તેમને ખબર મળ્યા કે ''જર્મનો શરણે'' આવી ગયા છે.

પણ જેમણે જેમણે આ ખબર સાંભળી તેમનો એક જ જવાબ હતો. જર્મનો શરણે  આવી ગયા, પણ તેથી શું? એડોલ્ફ હિટલર તો મરી ચૂક્યો છે. પણ અહીં અમેરિકન સૈનિકો તેમના અસ્તિત્વ માટે ઝઝુમી રહ્યા છે. જર્મન સરમુખત્યારે છ વર્ષ પહેલા શરૂ કરેલી વિશ્વવ્યાપી લડાઇ વિશ્વના આ ખૂણામાં તો હજી ચાલુ જ છે. 

Gujarat