Get The App

એન્ટાર્કટિકા પર માલિકી હક્ક માટેના હાસ્યાસ્પદ પ્રયાસ

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
એન્ટાર્કટિકા પર માલિકી હક્ક માટેના હાસ્યાસ્પદ પ્રયાસ 1 - image

- વિશ્વનો પાંચમાં નંબરનો સૌથી મોટો ખંડ અને યુરોપ કરતાં 40 ટકા મોટા

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- આર્જેન્ટિના અને ચિલીએ છ વર્ષના ગાળામાં 11 સગર્ભા સ્ત્રીઓને એન્ટાર્કટિકા મોકલી

- એન્ટાર્કટિકાના સંશોધકો પૈકી શેકલટનનું નામ અત્યંત આદરપૂર્વક લેવાય છે

આવા અતિશય ઠંડા પ્રદેશમાં માનવ વસ્તી તો નથી જ, પણ એકેય વૃક્ષ, પ્રાણી, કે બેકટેરિયા જેવા અતિ સુક્ષ્મ જીવાણુઓ પણ નથી.

 દક્ષિણ ધ્રુવ વિશે છેલ્લે એક મજાની વિચિત્ર વાત કર્યા પછી આપણે અર્નેસ્ટ શેકલટનની સાહસયાત્રાની વાત શરૂ કરીશું.

૧૯૭૦ અને '૮૦ ના દાયકા દરમિયાન વિશ્વના ઘણા દેશો એન્ટાર્કટિકામાં પોતાનો પ્રભાવ  વધારવા અને પોતાનો માલિકી હક્ક સ્થાપિત કરવા મથામણ કરતા રહેતા હતા, જેના ભાગરૂપે બરર્ફિલા પ્રદેશમાં પોતાના રાષ્ટ્રધ્વજ રોપવા માટે ઉત્સુક હતા...!

 આ સમયગાળામાં એકાદ-બે દેશો ખાસ કરીને એ જાણવા માટે ઉત્સુક હતા કે જ્યારે કોઈ બાળક દક્ષિણ ખંડમાં જન્મે છે તો શું એ બાળકને દક્ષિણ ધ્રુવ ખંડનું નાગરિકત્વ મળી શકે ખરૃં ...?

એન્ટાર્કટિકા પર પોતાના માલિકી હક્ક પ્રસ્થાપિત કરવાના પ્રયાસ આર્જેન્ટિના અને ચિલી, એમ બે દેશોએ કર્યા હતા.

વર્ષ ૧૯૭૮ થી ૧૯૮૪ દરમિયાનના છ વર્ષમાં આ બે દેશોએ અલગ અલગ સમયે સગર્ભા સ્ત્રીઓને એન્ટાર્કટિકા મોકલી હતી અને ત્યાં જ સગર્ભાઓની પ્રસુતિ કરાવી હતી.

આર્જેન્ટિનાએ લશ્કરના એક કેપ્ટનની સગર્ભા પત્નીને જ્યારે સાતમો મહિનો ચાલતો હતો, ત્યારે તેને એન્ટાર્કટિકા મોકલી હતી. બે મહિના પછી ૭મી જાન્યુઆરી ૧૯૭૮ ના દિવસે કેપ્ટનની પત્નીએ બાળકને જન્મ આપ્યો, જેનું નામ રાખવામાં આવ્યું, એમિલિઓ માર્કોસ પાલ્મા.

એક વર્ષ પછી ચિલી દેશ, આર્જેન્ટિનાથી એક કદમ આગળ વધી ગયો. ચિલીએ તો એક દંપતીને જ ત્યાં મોકલી આપ્યું. આ દંપતીએ એન્ટાર્કટિકા ખંડમાં સંસાર માંડયો અને ૨૧મી નવેમ્બર ૧૯૮૪ ના રોજ બાળકને જન્મ આપ્યો.

ચિલી દેશના લોકોને તો લાગ્યું કે એન્ટાર્કટિકા પર આપણા દેશનો દાવો આર્જેન્ટિના કરતા વધારે મજબૂત બની ગયો કારણ ચિલીના પતિ-પત્ની એન્ટાર્કટિકા પ્રદેશમાં જ રહ્યા અને પત્ની ત્યાં સગર્ભા બનીને ત્યાં જ બાળકને જન્મ આપ્યો છે...!

આ રીતે આર્જેન્ટિના અને ચિલીએ વારાફરતી પોતાને ત્યાંની કેટલીક સગર્ભા સ્ત્રીઓને દક્ષિણ ધ્રુવના પ્રદેશમાં મોકલવા માંડી, અને છ વર્ષના સમયગાળામાં આ બે દેશોના મળીને કુલ ૧૧ બાળકો એન્ટાર્કટિકામાં જન્મ્યા.

વધારે આશ્ચર્યની હકીકત તો એ છે કે એન્ટાર્કટિકાના પ્રદેશમાં મેડિકલ સવલત નહિવત છે અને ભયંકર ઠંડી હોવા છતાં આ ૧૧ બાળકો જીવતા રહ્યા છે.

પણ એ પછીની વિવાદાસ્પદ વાત એ છે કે તમે આજે પ્રશ્ન પૂછો કે એન્ટાર્કટિકા ખંડની માલિકી કોની છે? તમે આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ચિલી, ફ્રાન્સ, ન્યુઝિલેન્ડ નોર્વે અને યુ.કે.ને પુછો તો એ દેશો કહેશે માલિકી અમારી છે, પણ તમે વિશ્વના બીજા દેશોને પૂછો તો તેઓ કહે છે કે એન્ટાર્કટિકા પર કોઈની માલિકી નથી.

છેવટે આજની સ્થિતિ એ છે કે એન્ટાર્કટિકા ખંડ પર એક પણ દેશની માલિકી નથી.

તા. ૧ ડિસેમ્બર ૧૯૫૯ ના દિવસે થયેલી ''The Antarctic Treaty '' મુજબ લગભગ ૫૦ દેશોના ગુ્રપ દ્વારા હાલ એન્ટાર્કટિકાનું સંચાલન થાય છે. આ વિસ્તારમાં વૈજ્ઞાાનિક સંશોધન માટે તેમજ ટૂરિઝમ માટે જ મંજૂરી અપાય છે. 

આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની લશ્કરી પ્રવૃત્તિ કે ખાણ-ખનિજ માટે ખોદકામની મંજૂરી નથી અપાતી.

એન્ટાર્કટિકા પાંચમો સૌથી મોટો ખંડ છે. યુરોપ કરતાં તે ૪૦ ટકા મોટો છે. ૧,૪૨,૦૦,૦૦૦ ચોરસ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા આ સમગ્ર ખંડમાં બરફની ચાદર છવાયેલી છે. અગાઉ જોયું તેમ એન્ટાર્કટિકા  ''ice Sheet '' ની સરેરાશ જાડાઈ ૧.૯ કિ.મી. જેટલી છે.

પૃથ્વી પરના એક અલગ પ્રકારના  ખંડની ખાસિયતો અને અવનવી લાક્ષણિકતાઓ જાણી-સમજી લીધા પછી હવે આપણે મૂળ વિષય પર આવીએ--બ્રિટિશ સાહસવીર અર્નેસ્ટ શેકલટનની સાહસકથા.

એન્ટાર્કટિકાના સંશોધકો પૈકી અર્નેસ્ટ શેકલટનનું (૧૮૭૪-૧૯૨૨) નામ સૌથી મોટું છે. અને અત્યંત આદરપૂર્વક લેવાય છે.

દક્ષિણ ધ્રુવ સર કરનાર કેપ્ટન સ્કોટ (૧૯૦૧-૧૯૦૩) ની સાહસિક ટીમના શેકલટન એક સભ્ય હતા અને તે પછી ૧૯૦૭ માં શેકલટન પોતાની બીજી ટીમ સાથે ફરી સાઉથ પોલની સાહસયાત્રાએ નીકળ્યા હતા. જે બદલ બ્રિટિશ સરકારે તેમને નાઈટહુડના ખિતાબથી નવાજ્યા હતા.

શેકલટનનું નેશનલ હિરો તરીકે બહુમાન પણ કરાયું હતું.

શેકલટનને દેશ-વિદેશના મળીને કુલ ૧૫ એવોર્ડસ મળ્યા હતા. લંડનના વિખ્યાત ''Auction House '' માં આ ૧૫ એવોર્ડસનું ઓકટોબર ૮, ૨૦૧૫ ના દિવસે ઓકશન યોજાયું હતું. જેમાં ૧૫ એવોર્ડના કુલ મળીને ૫,૮૫,૦૦૦ પાઉન્ડ-સ્ટર્લિંગ મળ્યા હતા. આજે ૧ પાઉન્ડ સ્ટર્લિંગનો વિનિમય દર રૃા. ૧૨૫.૯૦ ગણતા શેકલટનના એવોર્ડસની હરાજીમાંથી કુલ રૃા. ૭,૩૬,૫૧,૫૦૦ મળ્યા.

શેકલટને સાઉથ પોલની સામુહિક સાહસયાત્રા માટે ખાસ બે જહાજો તૈયાર કરાવડાવ્યા હતા. (૧) ટ્રાન્સકોન્ટિનેન્ટલ પાર્ટી, જે બેડેલ સી તરફ જવાની હતી, તેમના માટે  Endurance-  એન્ડયુરન્સ નામનું જહાજ હતું.

ધ્રુવીય પ્રદેશના સંશોધકોની એક સમિતિના સુપરવિઝન હેઠળ આ સાહસયાત્રા માટે 'એન્ડયુરન્સ' નામનું ખાસ જહાજ બનાવવામાં આવ્યું હતું. વેડેલ સી તરફના દરિયાઈ પ્રવાસે આ પહેલાં કોઈએ જવાનું સાહસ નહોતું કર્યૂં.

વેડેલ સીમાં નવથી દશ નોટિકલ માઈલની ઝડપ આપી શકે તેવા ખાસ પ્રકારના ટ્રિપલ એક્સપાન્શન એન્જિનો, એન્ડયુરન્સ જહાજમાં ફિટ કરાયા હતા. કોલસાની વરાળથી ચાલે તેવા આ એન્જિનો હતા. નોર્વેના જહાજવાડામાં આ જહાજની રચના કરાઈ હતી.

એ જમાનામાં નોર્વેના જહાજવાડામાં 'Endurance' જહાજ બનાવવામાં શેકલટનને ૧૪૦૦૦ પાઉન્ડ સ્ટર્લિંગનો ખર્ચો થયો હતો. આજે ૧૪૦૦૦ પાઉન્ડ સ્ટર્લિંગ ભલે નાની રકમ લાગે પરંતુ આજથી લગભગ ૧૧૨ વર્ષ પહેલાં આટલા બધા પાઉન્ડ એ ખૂબ મોટી રકમ ગણાતી હતી.

શેકલટને દક્ષિણ ધ્રુવ માટેની તૈયારી તો છ-આઠ મહિનાથી શરૂ કરી દીધી હતી. પરંતુ આ જોખમી સાહસયાત્રા માટે જરૂરી એવું ભંડોળ પુરૃં પાડવાની જ્યાંથી ખાતરી મળી હતી, તે ભંડોળ તેમને પહેલી જાન્યુઆરી ૧૯૧૪ના દિવસે મળી જતા શેકલટને એ દિવસે પોતાની સાહસયાત્રાની જાહેરાત કરી હતી.

દક્ષિણ ધ્રુવની સૂચિત સાહસયાત્રાની વાત જાણીને રોમાંચિત થઈ ઊઠેલા સેંકડો લોકોએ સાઉથ પોલના એ અવનવા ખંડમાં પગરણ માંડવાના જુસ્સાથી જોડાવા માટે અરજીઓનો ધોધ વહાવી દીધો.

(ક્રમશઃ)