લગ્નજીવનમાં ઓનલાઈન બેવફાઈનું નવું દૂષણ
Updated: Sep 21st, 2022
- સોશિયલ નેટવર્કિંગ સાઈટસ અને ડેટિંગ સાઈટસના વધતા વિસ્તરણથી
- સારાંશ- વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-1
- સ્વશિસ્ત કે લક્ષ્મણ રેખા જેવા શબ્દો હવે માત્ર શબ્દકોશ પુરતા મર્યાદિત રહી ગયા છે
- ઓનલાઈન બેવફાઈથી હિન્દુ સંસ્કૃતિની પવિત્ર લગ્ન સંસ્થા પર મોટો કુઠારાઘાત
લગ્નેતર સંબંધો એ કાંઇ નવો વિષય નથી. પરાપૂર્વથી લગ્નેતર સંબંધની સમસ્યા એક યા બીજા સ્વરૂપે સમાજમાં વિસ્તરેલી છે. પરંતુ નોંધપાત્ર હકીકત એ છે કે અગાઉના સમયમાં લગ્નેતર સંબંધોનો અવકાશ મર્યાદિત હતો. સમાજના ચુસ્ત બંધનો, સમાજ શું કહેશે? અને સમાજમાં આબરૂ જવાનો ડર-એ બધા પરિબળોના કારણે લગ્નસંસ્થા અથવા તો લગ્નનું બંધન સરખામણીમાં અકબંધ રહેતું હતું. હરણફાળ વિકસેલી ટેકનોલોજીએ સમાજના બંધનો હચમચાવી નાંખ્યા છે. સામાજિક મર્યાદાઓ ઓળંગતા હવે કોઇને કોઇ જાતનો ડર રહ્યો નથી. સ્વશિસ્ત નામનો શબ્દ હવે લગભગ વિસરાઇ ગયો છે. ખાસ કરીને લગ્નના સંદર્ભમાં સ્વશિસ્ત કે લક્ષ્મણ રેખા જેવા શબ્દો હવે કેવળ શબ્દકોશ પુરતા મર્યાદિત રહીગયા છે.
સામાજિક બંધનો ઢીલા પડવાની શરૂઆત થઇ ત્યારથી લગ્ન સંસ્થાના પાયા થોડા અંશે ડગમગવાની શરૂઆત થઇ ચૂકી હતી. આજના જમાનામાં ઇન્ટરનેટે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. નેટના વ્યાપક વિસ્તરણના કારણે ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિની નીતિમત્તારૂપ પવિત્ર ગણાતી લગ્ન સંસ્થા પર મોટો કુઠારાઘાત લાગ્યો છે.
સરળતાથી અનૈતિક સંબંધો બાંધવા માટે ઇન્ટરનેટે સૌ કોઇ માટે જાણે દરવાજા ખુલ્લા કરી આપ્યા છે. આ ઓન લાઇન ઇન્ફિડેલિટિ (અર્થાત પતિ કે પત્ની સાથેની બેવફાઇ કે બેઇમાની) ની સમસ્યા એટલી તો તીવ્ર ગતિએ ચોતરફ વિસ્તરી રહી છે કે થોડા વર્ષોમાં આ સમસ્યા એક સામાજિક મહાસમસ્યાનું સ્વરૂપ લઇ લેશે.
આટલું ઓછું હોય તેમ કહેવાતા ચશ્મિસ્ટ બુધ્ધિજીવીઓ તો આપણી પ્રાચીન સંસ્કૃતિની શ્રેષ્ઠ એવી લગ્ન સંસ્થાને વ્યક્તિ પરના બિનજરૂરી બંધન ગણાવી લગ્નેતર સંબંધને આવકાર્ય ગણાવી રહ્યા છે.
નેટે સર્જેલી આ મહાસમસ્યાના કારણ અને નિવારણ વિષે સંખ્યાબંધ પુસ્તકો લખાઇ ચૂક્યા છે, જે આ સમસ્યાની ગંભીરતાનો નિર્દેશ પુરો પાડે છે.
ઇન્ટરનેટના અવળા ઉપયોગથી સર્જાતું આ દૂષણ, પશ્ચિમના કહેવાતા વિકસિત દેશોમાં કે જયાં લગ્ન સંસ્થા નામ માત્રની બાકી રહી છે, ત્યાં સમાજમાં નવા નવા પ્રશ્નો સર્જી રહ્યું છે. જીવન સાથી સાથે બેવફાઇ કરવાનું કામ ઇન્ટરનેટે સાવ જ સરળ અને સહજ બનાવી દીધું છે. લગ્નજીવનમાં વિશ્વાસઘાત એ જીવનસાથી માટે ખૂબ જ પીડાદાયક ઘટના બની રહે છે.
ભારતીય પરંપરા મુજબ લગ્ન એક અત્યંત પવિત્ર બંધન છે, એ માત્ર એક નહીં પણ સાત જનમનો અતૂટ સંબંધ છે, પવિત્રતાના સંસ્કારની સુવાસથી મહેંકતો આ સંબંધ છે. લગ્નજીવનને આજીવન ટકાવી રાખતા બે મજબૂત પાયા છે- વિશ્વાસ અને સચ્ચાઇ.
પતિનો પત્ની પર અને પત્નીનો પતિ પરનો ભરોસો જ્યારે તૂટે છે ત્યારે લગ્નજીવનમાં ધરતીકંપ જેવી કારમી ઘટના ઘટે છે, અને તેનાથી સર્જાયેલી મોટી તિરાડથી લગ્નનું પવિત્ર બંધન તૂટવાની અણી પર આવી જાય છે.
વ્હોટસ એપ, ફેસબુક, માય સ્પેસ, લીન્કેડીન જેવી સાઇટ્સ સોશિયલ નેટવર્કિંગ વધારવાની સાથોસાથ લગ્નબાહ્ય સંબંધ વિકસાવવાનો સરળ, સાનુકૂળ અને સલામત માહોલ પુરો પાડે છે. ટૂંકમાં આ કહેવાતી સોશિયલ નેટવર્કિંગ સાઇટ તમારા શાળા કે કોલેજ જીવનની જૂની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે સંપર્ક ચાલુ રાખવાની સુંવાળી તક સર્જી આપે છે.
વાત માત્ર આટલેથી જ નથી અટકતી, નેટ પર ફૂલીફાલેલી ડેટિંગ સાઇટ તો લપસી પડવા માટેનું મોકળું મેદાન તમને પુરૂં પાડે છે.
કેનેડાની એક અત્યંત કુખ્યાત ડેટિંગ વેબસાઇટની ટેગલાઇન છે થ ન્ૈકી ૈજ જર્રિા, લ્લચપી ચહ ચકકચૈિ. એવું કહેવાય છે કે દુનિયામાં ૪૬ દેશોમાં થઇને આ સાઇટના ૩૩૦ લાખ યુઝર્સ છે..!
સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર જૂની કે નવી ગર્લફ્રેન્ડ કે બોય, ફ્રેન્ડ સાથે અંગત વાતોની આપ-લે કરવી અને પરસ્પરના વર્તમાન લગ્ન જીવનની ઇન્ટિમેટ વાતોથી આગળ વધીને પછી આ સંબંધ લક્ષ્મણ રેખા ઓળંગવા સુધી પહોંચી જાય ત્યારે વ્યક્તિને અચાનક ખ્યાલ આવે કે ઓનલાઇન નિર્દોષ વાતોથી શરૂ થયેલો સંબંધનો આ સિલસિલો વિશ્વાસઘાતના વર્તુળ સુધી વિસ્તરી ચૂક્યો છે. જો કે મગજમાંપ્રકાશનો આવો ઝબકારો થાય ત્યાં સુધીમાં એટલું મોડું થઇ ચૂક્યું હોય છે કે એ રસ્તેથી પાછા વળવાનું મુશ્કેલ બને છે. કેટલાક કિસ્સામાં પતિ કે પત્ની જરા વધારે ચકોર કે વધારે ચબરાક હોય તો જીવનસાથી ના ઓનલાઇન પ્રેમાલાપને પુરાવા સાથે પકડી પાડે ત્યારે સુખી લગ્નજીવનમાં ભંગાણની નોબત આવી પડે છે.
માત્ર પશ્ચિમી દેશોમાં જ નહીં, આપણા દેશમાં પણ ઓનલાઇન ઇન્ફિડેલિટિએ સર્જેલી સમસ્યાના પગલે છુટાછેડના કિસ્સા વધી રહ્યા છે.
સોશિયલ નેટવર્કિંગ સાઇટસ કેવળ જૂના મિત્રોને મેળવી આપે છે એટલું જ નહીં, નવા નવા મિત્રો બનાવવા માટેનું આસાન પ્લોટફોર્મ પણ પૂરૂં પાડે છે.
ફેસબુક એકાઉન્ટ ખોલાવનારને ખ્યાલ હશે જ કે શરૂઆતમાં ચાર-છ અઠવાડિયા તો તમે શક્ય એટલા નવા મિત્રો બનાવવાની દોડમાં લાગી જાવ છો, આ સાઇટસ પર પછીના તબક્કે તમે તમારા જૂના ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડની શોધ કરવા માંડો છો. આ બધુ બહુ જ સ્વાભાવિક રીતે આગળ વધે છે. ક્યારેક વળી કોલેજ કાળમાં તમને ગમતા પાત્ર સાથે હલ્લો-હાય કરવાની હિંમત ન કરી હોય એવા પાત્રો ફેસબુક કે માય સ્પેસમાં શોધવાની તમને જિજ્ઞાાસા જાગે છે. આવી સાઇટ્સ પર જૂના પ્રેમી કે પ્રેમિકાને શોધવાની લાલચ ઘણાં રોકી શકતા નથી. અને પછી આ પ્રકારની લાલચ તેમના હાલના સુખી લગ્ન જીવનમાં તણખા વેરવાનું કામ કરી જાય છે.
તમે તમારી પ્રોફેશનલ અને મેરેજ લાઇફ, એમ બન્નેમાં બરાબર સેટ થઇ ગયા હોય એ સમયગાળામાં તમને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર તમારા શાળા જીવન કે કોલેજ કાળના જૂના પ્રિય પાત્રની ભાળ મળી જાય કે પછી કોઇ નવા પાત્ર સાથે ગાઢ દોસ્તી બંધાઇ જાય, એ વેળા જો તમે સાવધાની ના રાખો, આપણી પરંપરા અને ઉચ્ચ સંસ્કારોનું પોત ઢીલું પડતું ના અટકાવો, તો તમારા લગ્નનું પવિત્ર બંધન તૂટી પડવાની અણી પર આવી જાય છે.
શરૂઆતમાં રૂટીન ઇ-મેલ, તેની સાથોસાથ ફેસબુક પર સામાન્ય માહિતીની આપ-લે પછી વાત આગળ વધે છે. એ તબક્કો છે સેકસ્ટ અર્થાત સેકસ્યુઅલ મેસેજનો. ટેકનોલોજીએ બેવફાઇ અને વિશ્વાસઘાત કરવાના નવા સહેલા દ્વાર ખોલી આપ્યા છે.
(ક્રમશઃ)