Get The App

જર્મન સૈનિકો યહૂદીઓને જાહેરમાં ફટકારતા હતા..

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
જર્મન સૈનિકો યહૂદીઓને જાહેરમાં ફટકારતા હતા.. 1 - image

- વર્ષ 1939માં જર્મનીના પોલેન્ડ પર લશ્કરી આક્રમણ પછી

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-5

- પાટનગર વોર્સોના 100 નિર્દોષ નાગરિકોને જર્મન સૈનિકોએ દેહાંતદંડની શિક્ષા કરી

- યહૂદીઓએ પોતાની બધી મિલ્કત જર્મન સૈનિકોને હવાલે કરી દેવાનો ફતવો

સડેલા મૃતદેહોની દુર્ગંધથી આખા વિસ્તારની હવા પ્રદૂષિત થઈ ગઈ હતી. તોપમારામાં મારા એક સહ કર્મચારીનું પણ મોત નિપજ્યું હતું. એ વાયોલિન વાદકનું માથું પણ ધડથી અલગ થઈ ગયું'તું અને તેના હાથ-પગ ફંગોળાઈને અલગ અલગ દિશામાં પડયા હતા.

આવા વ્યથિત માહોલ વચ્ચે પણ અમારા પિતા સૌથી પહેલા માનસિક રીતે સ્વસ્થ થઈ ગયા. તેઓ કલાકો સુધી ઘરમાં બેઠા બેઠા વાયોલિન વગાડતા રહેતા હતા. ક્યારેક અમે કોઈ ખરાબ ન્યૂઝ આપવા માટે તેમના રૂમમાં જતા ત્યારે શાંતિથી યુધ્ધના સમાચાર સાંભળી 'ઓહ્' નો ઉદ્ગાર કાઢી તેઓ કહેતા, તમે ચિંતા ન કરો. આપણા સાથી દેશોના લશ્કર એકાદ મહિનામાં જ અહીં આવી જશે. આટલો ટૂંકોને ટચ જવાબ આપ્યા પછી પિતાજી ફરી પાછા તેમની સંગીતની દુનિયામાં ખોવાઈ જતા હતા.

પિતાના આ પ્રચંડ આશાવાદના કોઈ અણસાર મળે તેની અમે રાહ જોતા રહ્યા, પણ આવા કોઈ સારા સંકેત બે-ચાર દિવસ દરમિયાન ના મળ્યા. આનાથી ઊલટું વોર્સોમાં જર્મન સૈનિકોએ તેમના વાહનોમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું. માર્ગમાં ખાસ કરીને કોઈ યહૂદી જતો જોવા મળે ત્યારે અચાનક જર્મનની કાર તુરત જ ત્યાં ઊભી રહેતી.

 કારનો દરવાજો ખોલી જર્મન છૂપી પોલીસનો જવાન હાથના ઈશારાથી તેને નજીક બોલાવી બળજબરીથી કારમાં બેસાડી દેતો હતો. જર્મન પોલીસના સકંજામાંથી પાછા ફરેલા યહૂદીઓ તેમની પર ગુજારાયેલા અત્યાચારની પછી બધાને વાત  કરતા હતા.

જર્મન પોલીસો યહૂદીઓને કારમાં બેસાડીને લઈ ગયા બાદ તેમના ગાલે થપ્પડો ઝીંકતા અને પેટ પર તેમજ બરડે લાતો ફટકારતા હતા. પોલીસ જવાનોની બેફામ લાતાલાતી અને મોઢા પર આડેધડ તમાચાથી પેલો યહૂદી અધમૂઓ થઈ જતો હતો.

 આવી ઘટનાઓ વિશે સાંભળી, વોર્સોવાસીઓ, જર્મનો સામે આક્રોશ અને બળાપો ઠાલવવાના બદલે પોલેન્ડને નશીબ ભરોસે છોડી ભાગી ગયેલા સત્તાધિશો અને લશ્કરના અફસરો સામે પોતાનો રોષ ઠાલવતા હતા.

''જર્મન સૈનિકોને અમે એવા સીધાદોર કરીશું, અને એટલા ફટકારીશું કે તેમના ગણવેશના બટનો પણ તૂટી ફૂટીને નવરા થઈ જશે,'' એવી શેખી મારનાર પોલેન્ડના ફિલ્ડ માર્શલ ખુદ પોતે પોતાના લશ્કરી ગણવેશના બટનો સલામત રાખી પોલેન્ડ છોડી વિદેશ ભાગી ગયા હતા.

જર્મનોએ અમારી સામેના સશસ્ત્ર યુધ્ધમાં તો વિજય મેળવ્યો પણ રાજકીય જંગમાં તેમના પરાજયની બુનિયાદ તેમણે નાંખી દીધી. ડિસેમ્બર  ૧૯૩૯ માં વોર્સોના ૧૦૦ નિર્દોષ નાગરિકોને અપાયેલી દેહાંતદંડની સજાથી પરિસ્થિતિમાં એક નિર્ણાયક વળાંક આવી ગયો. આ કારમી ઘટનાના થોડાક જ કલાકોમાં જર્મનો અને પોલેન્ડવાસીઓ વચ્ચે ધૃણા અને ધિક્કારની એક મોટી દીવાલ ચણાઈ ગઈ.

સૂચનાનું પાલન નહીં કરનારને મૃત્યુદંડની સજા આપવાના જર્મન આદેશો બહાર પડાયા. એમાં સૌથી ચિંતાજનક આદેશ એ હતો કે યુધ્ધ પહેલાના ભાવ કરતા ઊંચા ભાવે કોઈ બ્રેડ ખરીદતા કે વેચતા નજરે પડશે, તો ત્યાં જ તેને ગોળીથી વીંધી નખાશે.

જર્મનોના આ આદેશની સૌથી વિકટ અસર એ પડી કે દિવસો સુધી વોર્સોવાસીઓએ બ્રેડ ખરીદવાનું જ બંધ કરી દીધું. 

પણ પછી મારો ભાઈ હેનરિક એક દિવસ ખબર લાવ્યો કે બજારમાં બ્રેડ તો વેચાય છે અને લોકો ખરીદી પણ રહ્યા છે. આ બ્રેડ ખરીદનાર કોઈને ક્યારેય જર્મન સૈનિકે ગોળીથી વીંધી નથી નાંખ્યો. હેનરિકની આ ખબર મળ્યા પછી અમે બ્રેડ ખરીદવાનું શરૂ કર્યૂં.

ઊંચા ભાવે બ્રેડ વેચનાર કે ખરીદનારને ઠાર મારવાનો આદેશ જર્મનોએ પાછો ન ખેંચ્યો કે રદ પણ નહોતો કર્યો. જો આ આદેશનો જર્મન સૈનિકોએ સખ્તાઈથી અમલ કર્યો હોત તો પાંચ વર્ષ સુધી પોલેન્ડના જેટલા વિસ્તારો પર જર્મનીનું શાસન રહ્યું, એ સમયગાળા દરમિયાન લાખ્ખો પોલેન્ડવાસીઓને માત્ર આ એક જ ગુનાસર (બ્રેડ ખરીદવાનો ગુનો) દેહાંતદંડની સજા થઈ ચૂકી હોત.

ઘણાં લાંબા સમય પછી અમને ખ્યાલ આવ્યો કે જર્મનોએ જે કોઈ આદેશો બહાર પાડયા તેનો કોઈ અર્થ જ નહોતો... કારણ ખરૃં જોખમ, ખરો ભય તો જર્મન સૈનિકો અણધારી રીતે, અચાનક જ ગમે તે નાગરિકને, ગમે તેવા કાલ્પનિક અથવા ક્ષુલ્લક કારણસર ગમે તે સ્થળે ઢાળી દે, તેનો હતો.

માત્ર યહૂદીઓને લાગુ પડે એવા કેટલાક હુકમો પણ જર્મનો અવારનવાર બહાર પાડતા રહેતા હતા. એક આદેશ તેમના ઘરમાં ૨૦૦૦ ઝોટીથી (પોલેન્ડના ચલણ-કરન્સીનું નામ) વધારે રાખી નહીં શકે. જો કોઈ યહૂદી પરિવાર પાસે ૨૦૦૦ ઝોટીથી વધારે ચલણ હોય કે ઘરમાં મોંઘી ચીજ-વસ્તુઓ હોય તો એ બધું તેમણે બેન્કમાં જમા કરાવી દેવું. વધારામાં જે કોઈ યહૂદી પાસે જમીન કે મકાન/બંગલો/ફલેટ હોય તો એ જર્મનોને હવાલે કરી દેવાનો પણ આદેશ જાહેર કરાયો હતો.

 સ્વાભાવિક છે કે કોઈ યહૂદી સામે ચઢીને દુશ્મન જર્મનોને પોતાની મિલ્કત સુપ્રત કરી દે એટલા નાદાન કે અણસમજુ નહોતા. બીજા બધા યહૂદીઓની જેમ અમે પણ અમારી પાસેની રોકડ અને અન્ય કિંમતી ચીજ-વસ્તુઓ જર્મનોને આપી દેવાના બદલે સંતાડીને મુકી રાખવાનું વિચાર્યૂં-જોકે અમારી પાસે મારા પિતાની સોનાની ઘડિયાળ અને સોનાની ચેન તેમજ ૫૦૦૦ ઝોટીથી વધારે બીજી કોઈ સમ્પતિ નહોતી.

અમારી પાસેની આ સમ્પત્તિને ક્યાં સંતાડવી તે વિશે ઘરના સભ્યો વચ્ચે ચર્ચા ચાલી. મારા પિતાને પહેલા વિશ્વયુધ્ધ વખતનો અનુભવ હતો એટલે તે વખતે એમણે જે રીતે કરન્સી અને કિંમતી ચીજો સંતાડી હતી તે રીતે જ આ વખતે પણ સંતાડી દેવાનો પિતાજીએ રસ્તો દેખાડયો-ડાઈનિંગ ટેબલના ચાર પાયામાંથી કોઈ એક પાયામાં મોટું કાણું પાડી તેમાં કરન્સી અને ગોલ્ડવોચ તેમજ ગોલ્ડન ચેઈન સંતાડી દેવાનું પિતાજીનું સૂચન હતું.

 હેનરિકે કટાક્ષમાં સવાલ કર્યો, ધારો કે જર્મનો આખેઆખું ડાઈનિંગ ટેબલ જ ઉપાડી જાય તો શું ? 

'મૂર્ખા,' મારા પિતાએ હેનરિકને જવાબમાં કહ્યું, ''આ જૂના જમાના વખતના ટેબલને એ લોકો શું કામ લઈ જાય...?''

બહુ લાંબી ચર્ચા-વિચારણાના અંતે અમે નક્કી કર્યૂં કે સોનાની કાંડા ઘડિયાળ કબાટની નીચે, પિતાના વાયોલિનના ફિન્ગર બોર્ડની નીચે ગોલ્ડ ચેન તેમજ ૫૦૦૦ ની કરન્સી નોટો બારીની બારસાખમાં મોટા કાણાં પાડી તેમાં સંતાડી દેવાની.

 આ બધા સમયગાળામાં યુધ્ધ મોરચેથી અલગ અલગ અને ક્યારેક વળી પરસ્પર વિરોધી ખબરો આવ્યા કરતી હતી. આમાં કયા સમાચાર સાચા અને કયા ખોટા માનવા, તે નક્કી કરવાનું મૂશ્કેલ હતું. 

(ક્રમશઃ)