For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોઈની લાગણીની વધુ પડતી કાળજી ન રાખો...!

Updated: Feb 21st, 2024

કોઈની લાગણીની વધુ પડતી કાળજી ન રાખો...!

- કાર્યક્ષમરીતે કંપની ચલાવવા માટેનો ઈલોન મસ્કનો અલગ અભિગમ

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-5

- માર્ટિન એબરહાર્ડે ઈલોન મસ્ક વિરૂધ્ધ કોર્ટમાં બદનક્ષીનો કેસ કર્યો હતો

- ટેસ્લાના CEOને મસ્કે કહ્યું, હવે સ્ટિઅરિંગ વ્હિલ પર મારા જ બન્ને હાથ હોવા જોઈએ

માર્કસ કહે છે, મસ્ક સારા માણસ નથી. લોકો સાથેનો તેમનો વ્યવહાર સારો નથી. એક વખત માર્કસે આ મુદ્દે વાત કરતા મસ્કને કહ્યું 'તું કે તમારો સ્વભાવ ખરાબ છે, પણ લોકો તમને મોઢામોઢ સાચું નહીં કહે કારણ તમે લોકોને ગભરાવી મુકો છો, ડરાવી દો છો.

માર્કસને ખબર નહોતી પડતી કે સ્ટાફ સાથે મસ્કના તોછડા અને કડકાઇભર્યા વર્તાવ પાછળનું કારણ તેમનું ''બ્રેઇન વાયરિંગ'' જવાબદાર છે કે બીજું કાંઇ? માર્કસનો કહેવાનો મતલબ એ છે કે મસ્ક સ્ટાફ સાથે જે દાદાગીરીથી વર્તાવ કરે છે તે પાછળ ''એસ્પરગર્સ ડિસોર્ડર'' જવાબદાર છે ખરૃં? કંપની ચલાવવામાં જ્યારે લોકોની કે સ્ટાફની સેન્સિટિવિટિ / સંવેદનશીલતા કરતાં મિશન વધારે અગત્યનું હોય ત્યારે શું આવા પ્રકારનો વર્તાવ લાભકારક નીવડતો હશે? મસ્ક કદાચ આ કેટેગરીમાં આવતા હશે.

માર્કસ કહે છે હું માનું છું કે મસ્કને ખરેખર લોકો સાથે કોઇ ''કોઇ કનેકશન''  જ નથી.   (I think he honestly does not have any connection with people at all).

માર્કસના આ પ્રકારના અભિપ્રાય સામે મસ્કનું કહેવું છે કે લોકો સાથે વધારે પડતા લિબરલ અથવા મિલનસાર રહેવું એ લિડર કે ટોપ એક્ઝિક્યૂટિવ માટે નબળાઇ કે કમજોરી બની રહે છે.

મસ્ક વધુમાં કહે છે કે, માઇકલ માર્કસ ક્યારેય કંપનીમાંથી કોઇની હકાલપટ્ટી કરતા નહોતા.

મસ્કે આ મુદ્દે માર્કસ સાથે વિગતે વાત કરતાં કહ્યું કે, દરેકની સાથે સારા સંબંધ રાખી બધા સાથે મિલનસાર બનીને વર્તાવ રાખવાના અભિગમથી તમારે તમારી સામેની વ્યક્તિની લાગણીઓ / સંવેદનાઓની વધારે પડતી કાળજી રાખવા તરફ ઢળવું પડતું હોય છે. આના કારણે થાય છે એવું કે કંપનીની એકંદર સફળતાની કાળજી રાખવાના બદલે તમે તમારા સપ્લાયરની, તમારા કોઇ સ્ટાફ મેમ્બરની કે સામી વ્યક્તિની સંવેદના અને લાગણીની વધારે પડતી કાળજી રાખ્યા કરો છો.

મસ્કનું લોજિક સાચું અને વ્યવહારૂ એટલા માટે ગણી શકાય કે બધાને ખુશ રાખવાની તમારી મથામણમાં કંપનીની આગેકૂચ તરફનું તમારૃં ધ્યાન ઓછું થઇ જવાથી કંપનીની જેટલી જોઇએ તેટલી અને જેટલી ઝડપે થવી જોઇએ તેટલી ઝડપે પ્રગતિ થઇ ન શકવાથી સરવાળે કંપનીના બધા જ સ્ટાફને નૂકસાની વેઠવાની નોબત આવી પડે છે.

પણ બીજી બાજુ વાસ્તવિકતા એ હતી કે માર્કસ પોતે પણ ઇન્ડસ્ટ્રી સેકટરમાં સારી એવી સિધ્ધી પ્રાપ્ત વ્યક્તિ હતા. તેમને પોતાની સિધ્ધિનું ગૌરવ અને સ્વાભિમાન હોય એ સ્વાભાવિક છે. એટલે મસ્કના વર્તાવને તેઓ સહન ન કરી શક્યા.

તેમનું કહેવું છે કે મસ્ક હું જાણે એક ચાઇલ્ડ / બાળક હોય એ રીતે મારી સાથે વ્યવહાર કરતા હતા પણ હું કાંઇ ચાઇલ્ડ નથી, આઇ એમ નોટ એ ચાઇલ્ડ. હું તેનાથી ઉંમરમાં પણ મોટો છું. મેં પણ ૨૫ બિલિયન ડોલરની કંપની ચલાવી છે.

આવા સંજોગો વચ્ચે ટૂંકા સમયમાં જ માર્કસે ટેસ્લા છોડી દીધી.

ટેસ્લા છોડયા પછી જો કે માર્કસે એક વાતનો સ્વીકાર કર્યો હતો કે મેન્યૂફેકચરિંગના તમામ પાસાઓ પર પોતાનો જ કન્ટ્રોલ હોવો જોઇએ, એ પ્રકારના અભિગમના ફાયદાઓના મુદ્દે મસ્ક સાચા પુરવાર થયા છે.

માર્કસ પછી મસ્કે ટેસ્લાના CEO તરીકે એક 'ટફ' CEO ની વરણી કરી. ઇઝરાયલના પૂર્વ પેરાટ્રુપ ઓફિસર ઝીવ દ્રોરીનું સેમિકન્ડકટર ઇન્ડસ્ટ્રીમાં સફળ નામ હતું. પણ ઝીવની અન્ય તમામ લાયકાત અને સિધ્ધિઓ છતાં તેમનું એક નકારાત્મક પાસું એ હતું કે તેમને કાર ઇન્ડસ્ટ્રીનો કોઇ જ અનુભવ કે જાણકારી નહોતી.

થોડા મહિનામાં જ ટેસ્લાના સિનિયર એક્ઝિક્યૂટિવ્સ નવા CEO ઝીવથી કંટાળી ગયા, તેમની સાથે કામ કરવાનું નહીં ફાવવા પાછળનું કારણ ઝીવને કાર ઇન્ડસ્ટ્રીનું ખાસ કોઇ નોલેજ જ નહોતું. એટલે કંપનીના સિનિયરોએ ઉચ્ચ કક્ષાએ આ પ્રશ્ને રજૂઆત કરી અને ટેસ્લાના એક બોર્ડ મેમ્બર ઇરા એરેન્પ્રેઇસે મસ્કને સ્ટાફની આ મૂંઝવણ અને મુશ્કેલીથી વાકેફ કરી ઝીવને CEO પદેથી રવાના કરીને તેઓ પોતે જ એટલે કે મસ્ક પોતે જ CEO બને એ વાત સફળતાપૂર્વક મસ્કના ગળે ઉતારી દીધી.

મસ્કે, ઝીવ દ્દોરીને બોલાવ્યા. અત્યંત ડિપ્લોમેટિક અને વ્યવહાર કુશળરીતે, ચતુરાઇથી કહ્યું, મને લાગે છે કે સ્ટિઅરિંગ વ્હિલ પર હવે મારા જ બન્ને હાથ હોવા જોઇએ. આપણે બન્ને એકસાથે ડ્રાઇવિંગ કરીએ એવું મને નહીં અનુકૂળ આવે. 

મસ્કનું કહેવાનું શાનમાં સમજી ગયેલા ઝીવ દ્દોરીએ ગૌરવપૂર્વક ટેસ્લાનું CEO પદ છોડી દીધું અને તે પછી વર્ષ ૨૦૦૮ના ઓકટોબરમાં મસ્ક ટેસ્લાના સત્તાવાર CEO બની ગયા. (અત્યાર સુધી તેઓ ટેસ્લાના સત્તાવાર CEO ની પાછળ બેસી Back Seat Driving કરતા રહ્યા હતા..!) હવે તેમણે પુરેપુરૃં સ્ટિઅરિંગ વ્હિલ પોતાના હાથમાં લઇ લીધું હતું.

૨૦૦૭-૨૦૦૮ના એક વર્ષના સમયગાળામાં ટેસ્લાના ત્રણ CEO બદલાઇ ગયા અને તે પછી મસ્કે પોતાના હાથમાં ટેસ્લાનો બધો કારોબાર સંભાળી લીધો.

બીજી એક નોંધપાત્ર હકીકત એ છે કે ટેસ્લાના મૂળ પાંચ સ્થાપકો પૈકીના માર્ટિન એબરહાર્ડ અને માર્ક ટાર્પેનિંગે જાન્યુઆરી ૨૦૦૮માં ટેસ્લા સંપૂર્ણપણે છોડી દીધી. તે પછીના નવ મહિને મસ્ક ટેસ્લાના CEO બન્યા અને તેમણે કંપનીના કુલ સ્ટાફના ૨૫ ટકા સ્ટાફની છટણી કરી દીધી...!

જો કે આ બધા પરિવર્તનો પછી વિવાદવંટોળ પણ શરૂ થયો હતો. ટેસ્લા કંપની છોડનાર એબરહાર્ડ અને ટાર્પેનિંગે અમે સ્થાપના કરેલી ટેસ્લા કંપની છોડવા માટે અમને ફરજ પડાઇ હોવાના આક્ષેપ પણ કર્યા હતા.

આ પ્રકારના આક્ષેપોથીય વધારે ગંભીર વાત એ છે કે, તા.૨૯મે, ૨૦૦૯ના દિવસે માર્ટિન એબરહાર્ડે, ઈલોન મસ્ક વિરૂધ્ધ કેલિફોર્નિયાની સાન માટેઓ કાઉન્ટિ, સુપીરિઅર કોર્ટમાં માનહાનિનો/ બદનક્ષીનો દાવો દાખલ કર્યો હતો. મસ્ક સામેના આ કોર્ટ કેસમાં એબરહાર્ડે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ''મસ્કે જ ટેસ્લાની ''ફાઈનાન્સિયલ હેલ્થ'' બગાડી નાંખી છે. વધારામાં મસ્કે અખબારો, અને ટીવી ચેનલોમાં મારા વિરૂધ્ધ રીતસરની ઝુંબેશ ચલાવેલી, જેનાથી મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. તેમણે પેપરોમાં મારી સામે ગમે તેવી કોમેન્ટસ પણ કરી હતી.''

(ક્રમશઃ)

Gujarat