- દક્ષિણ ધ્રુવના વેડેલ સમુદ્રમાં જહાજના આગળના જળ માર્ગમાં
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-6
- 60 થી 70 ફૂટ પહોળી બરફની જાડી ચાદર પણ આગળના જળમાર્ગ પર પથરાઈ હતી..
સલામતી માટે કેપ્ટન ક્યારેક મધદરિયે હિમખંડ સાથે જહાજ લાંગરે છે
રાતના આઠેકના સુમારે અમે એવા દરિયાઇ જળ વિસ્તારમાં આવી ગયા કે જ્યાં જહાજના પ્રોપેલર અથવા રડર (સુકાન)ને ગંભીર નુકસાન થવાની શક્યતા વગર આગળ વધવાનું અશક્ય બની ગયું.
સતત ત્રણ દિવસ સુધી અમે આવા જોખમી જળ માર્ગે આગળ વધતા રહ્યા. તે પછીનો જળ માર્ગ એવો આવ્યો કે જ્યાં બરફના સપાટ ટુકડા કે જેને આપણે બરફની ચાદર પણ કહી શકાય એવી લગભગ ૨૦ મીટર પહોળી ચાદર સમગ્ર જળ માર્ગ પર પથરાયેલી હતી. અમારૃં જહાજ સતત ૨૪ કલાક સુધી આવા જળ માર્ગ પર આગળ વધતું રહ્યું.
આગળના જળ માર્ગ પર ચારે તરફ છેક ક્ષિતિજ સુધી સર્વત્ર બરફના સપાટ ટુકડા પથરાયેલા નજરે પડતા હતા, વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક સાંકડો જળ માર્ગ ખુલ્લો દેખાતો હતો, જેના કારણે એવું લાગતું 'તું કે બધે જ બરફ બરફ વચ્ચે જાણે નાની નાની સાંકડી ગલીઓ ન હોય...!
સામે થોડા બરફના પહાડો પણ જળ માર્ગ અવરોધતા ઊભા હતા, આ હિમખંડો ધીમી ગતિએ પ્રવાહ સાથે તણાતા આગળ ખસતા રહેતા હતા.
રાત્રે ૮ વાગે પવનની આંધી થોડી ઓછી થઇ અને મધરાત પહેલા અમે દક્ષિણ તરફ પાંચેક માઇલનું અંતર કાપી નાંખ્યું હતું. પવનના સૂસવાટા હજી થોડા વધારે ઓછા થાય એની રાહ જોતા અમે જહાજ વચ્ચે ઊભું કરી દીધું.
બીજા દિવસે સવારે અમે આગળ વધ્યા. દક્ષિણ પશ્ચિમે જળ માર્ગ ખુલ્લો હોવાથી કેપ્ટને એ દિશા તરફ જહાજ હંકાર્યૂં. જો કે માર્ગમાં બે ત્રણ વખત જોરદાર ધડાકા સાથે જહાજ હિમખંડ સાથે ભટકાયું હતું.
તારીખ ૧૭મી ડિસેમ્બરે વેડેલ સમુદ્રમાં ફરી જળમાર્ગ જોખમી બન્યો. લગભગ છ મહિના જૂનો બરફ એકઠો થઈને અંદાજે ૬૦ થી ૬૬ ફૂટ પહોળાઈની બરફની ચાદર દરિયા વચ્ચે પથરાઈ ગઈ હતી. આવી લાંબી-પહોળી જાડા બરફની ચાદર વિંધીને અમારા જહાજે આગળ વધવાનું હતું. આટલું ઓછું હોય તેમ વચ્ચે બરફનો એક મોટો પહાડ અમારો માર્ગ અવરોધીને ઊભો હતો.
વેડેલ સમુદ્રમાં વધુ કપરી સ્થિતિ સર્જાવાની સંભાવનાનો સામનો કરવા માટે અમે સૌ તૈયારી કરીને બેઠા હતા.
પરંતુ અમને એટલી તો આશા હતી કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ભલે અમને દરિયાના ખુલ્લા જળ કદાચ નહીં મળે, પણ દરિયાની સપાટી પર કઠણ જામી ગયેલા બરફના થરને બદલે સમુદ્રમાં તરતા છૂટા-છવાયા પોચા બરફની ચાદર પથરાઈ હશે, જેને વિંધીને પાર કરવામાં અમારા જહાજને ઝાઝી તકલીફ નહીં પડે.
જોકે દરિયાઈ માર્ગમાં વચ્ચે વચ્ચે ૫ થી ૬ ફૂટ ઊંચાઈના આઈસ સ્લેબ કે આઈસ બ્લોક્સ અમારો માર્ગ અવરોધતા પડયા હતા. ક્યાંક વળી ૬ થી ૧૦ ફૂટ ઊંચાઈના બરફની બેઉ બાજુએ દીવાલ ચણાઈ હોય અને વચ્ચેના ખુલ્લા જળમાર્ગમાંથી અમારૃં જહાજ પસાર થતું હતું. ક્યારેક વળી દસેક ફૂટ ઊંચાઈના ગુંબજ કે ઘુમ્મટ આકારના બરફ જળમાર્ગ વચ્ચે પડયા હતા. બરફના આ ગુંબજ કેટલીકવાર ચોતરફથી ભારે દરિયાઈ મોજાના કે બરફના અન્ય મોટા ચોસલાના ભારે દબાણ હેઠળ જવાળામુખીની જેમ ફાટતા નજરે પડતા'તા.
શિયાળાના ચાર મહિનાની બેહદ ઠંડીના સમયગાળામાં બરફના ચોસલાઓ એકમેક સાથે થીજીને જોડાઈ જવાથી કદમાં વિશાળ બનતા જાય છે, અને લંબાઈ-પહોળાઈમાં વધારે જાડા પણ બની જાય છે. દરિયાઈ મોજાની વારંવારની થપાટોના પગલે બરફના લાંબા, પહોળા ચોસલા પર સળ પણ પડી જાય છે અર્થાત તે વાટાદાર બને છે કે તેના પર લહેરિયા જેવી ડિઝાઈન પણ ક્યારેક બની જતી હોય છે.
આમાં પછી થાય છે એવું કે બરફના આ હિમખંડ કે મોટા ચોસલા ક્યારેક મોજાની થપાટોથી ઘસડાઈને વેડેલ સમુદ્રના પશ્ચિમ કાંઠે પહોંચે છે અને વર્ષોથી આવું ચાલતું હોવાથી એ કાંઠાથી દરિયામાં લગભગ ૧૫૦ કે ૨૦૦ માઈલ સુધી બરફના ચોસલા, મોટા હિમખંડો અને લાંબી પહોળી હિમશિલાઓ જોવા મળે છે.
શેકલટનનું કહેવું છે કે વેડેલ સમુદ્રમાં ઠેર ઠેર પથરાયેલા બરફની આ પ્રકારની વાત વિસ્તૃત રીતે લખવા પાછળનો મારો આશય એટલો જ છે કે વેડેલ સમુદ્રમાં સેંકડો માઈલ અમે કેવા કેવા પ્રકારના બરફના અવરોધો પાર કરીને પસાર થયા તેની વાચકને સુપેરે જાણ થાય.
બીજો એક મહત્વનો મુદ્દો એ છે કે દરિયામાં જ્યારે સુસવાટાભેર પવન ફૂંકાય અથવા હળવો વંટોળ ફૂંકાય ત્યારે અમારા જહાજને આગળ વધવામાં મુશ્કેલી નડતી હતી. તે વખતે માત્ર બે ફૂટની જાડાઈનો બરફ વિંધીને જહાજ આગળ વધતું'તું, પણ તેથી વધારે જાડાઈના બરફના ચોસલા કાપીને આગળ જળમાર્ગ ખુલ્લો કરવાનું જહાજ માટે મોટી તકલીફવાળુ બની જતું હતું.
તારીખ ૧૯મી ડિસેમ્બરે વળી પાછો હવામાનમાં મોટો પલ્ટો આવ્યો. ઉત્તર તરફથી જોરદાર ફૂંકાતા પવનની સાથોસાથ ધુમ્મસ અને બરફના ચોસલા પણ ઢસડાઈ આવ્યા. બે કલાક તો અમારૃં જહાજ ભારે પવનની ઝીંક ઝીલતું આગળ વધતું રહ્યું, પણ પછી આગળના જળમાર્ગ પર બરફની જાડી ચાદર પથરાઈ ગઈ હોવાથી જહાજ માટે આગળ વધવું અશક્ય થઈ પડયું.
એક બાજુ સુસવાટાભેર ફૂંકાતો પવન અને બીજીબાજુ દરિયાઈ જળમાં ચોતરફ મોટા હિમખંડો હોવાથી જહાજને આગળ લઈ જવાનું કેપ્ટન માટે અઘરૃં થઈ પડયું.
જ્યાં બરફની ચાદરો જળમાર્ગ પર છવાઈ ગઈ હતી ત્યાંથી પસાર થવાનું પણ મુશ્કેલભર્યૂં એટલા માટે હતું કે ભારે પવનના કારણે બરફની ચાદરો વેગીલી ગતિએ આમતેમ ઢસડાયા કરતી હોવાથી થોડીવાર માટે જળમાર્ગ ખુલ્લો થઈ જતો અને પછી ઝડપભેર ત્યાં બરફની ચાદર ઢસડાઈ આવીને જળમાર્ગમાં અવરોધ ઊભો કરી દેતી હતી, જેના કારણે જહાજને આમ લઈ જવું કે તેમ લઈ જવું તે નિશ્ચિત કરવાનું કેપ્ટન માટે મુશ્કેલ થઈ પડતું હતું. ઘડીકમાં જળમાર્ગ ખુલ્લો થાય અને ઘડીકમાં પાછો બરફીલા અવરોધના કારણે એ જ જળમાર્ગ બંધ થઈ જતો હોવાથી આગળ વધવાનું કામ કપરૃં થઈ ગયું હતું.
બપોરના સુમારે અમે જોયું તો છેલ્લા ૨૪ કલાકમાં અમે દક્ષિણપૂર્વીય એટલે કે અગ્નિદિશામાં છ માઈલનો પ્રવાસ જ ખેડી શક્યા હતા.
તારીખ ૨૬ અને ૨૭ ડિસેમ્બર-એમ સળંગ બે દિવસ સુધી હવામાન ખૂબ જ ખરાબ રહ્યું. મધદરિયે બરફના તરતા જંગી ટુકડા સાથે વહાણ લાંગરેલું રહ્યું. ખાસ કરીને ધ્રુવીય પ્રદેશના સમુદ્રમાં જહાજને આ રીતે બરફની વિશાળ ચાદર કે બરફના મોટા ચોસલા સાથે લાંગરી રખાય છે. સમુદ્ર જળમાં ખૂબ ખરાબ હવામાન સામે ઝીંક ઝીલવા માટે જહાજના કેપ્ટન આ રીતે મધદરિયે જહાજને લાંગરે છે.


