Get The App

દવાનું પાર્સલ લઈ વાઈલ્ડ બિલે સ્લેજગાડી દોડાવી મુકી

- અલાસ્કાના એન્કરેજ ટાઉનથી ટ્રેનમાં નિનાના રેલ્વે સ્ટેશને આવેલું

- સારાંશ- વિનોદ ડી. ભટ્ટ

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News

સ્લેજ ડોગની વિરોચિત કહાની- ભાગ-16

- નિનાના ટાઉનમાં એ રાતે ભયંકર ઠંડી હતી, ટેમ્પરેચર હતું માઈનસ 50 ડિગ્રી..!

- માઈનસ 50 ડિગ્રી ઠંડીમાં સ્લેજગાડી હંકારવી એ જાનની બાજીનો ખેલ હતો

દવાનું પાર્સલ લઈ વાઈલ્ડ બિલે સ્લેજગાડી દોડાવી મુકી 1 - image

ટોલોવાનામાં બીજો ડ્રાઇવર સ્લેજગાડી લઇને ઊભો જ હશે, તેને તું દવાના પેકેટસ આપી દે પછી જ તારૂં કામ પુરૂં. સ્લેજગાડીના કોઇપણ ડ્રાયવર માટે આ કામ પડકારરૂપ હતું. પરંતુ વાઇલ્ડ બિલ માટે આ કામ વધારે જોખમી એટલા માટે હતું કે તેની સ્લેજગાડીના ડોગ્સને આવી રીતે સતત દોડવાનો પુરતો અનુભવ નહોતો.

વાઇલ્ડ બિલની સ્લેજગાડીમાં એક 'લીડ' ડોગ સહિત કુલ નવ ડોગ્સની ટીમ હતી. સ્લેજગાડીના લીડર ડોગ બ્લેકીની ઉંમર પાંચ વર્ષની હતી. આખા શરીરે બ્લેક રંગના આ ડોગના માત્ર ગળા પર જ સફેદ રંગની રુવાંટી હતી, જાણે તેના ગળે સફેદ રંગનો પટ્ટો ન બાંધ્યો હોય, એમ લાગતું હતું. લીડ ડોગ સિવાયના બાકીના ૮ ડોગ્સ માત્ર બે વર્ષની ઉંમરના હતા, એ બધા ડોગ્સને વાઇલ્ડ બિલે જ ઉછેરીને તાલીમ આપી તૈયાર કર્યા હતા. આ આઠે આઠ ડોગ્સ ખૂબ સારા અને મજબૂત બાંધાના હતા પણ રિલે રેસ માટેની સ્લેજગાડી માટે આ બધા ડોગ્સ નાના અને બિન અનુભવી ગણાય. રિલે રેસમાં આવા ડોગ્સ ખુદ પોતાના માટે અને સાથેસાથે સ્લેજગાડીના ડ્રાયવર માટે જોખમરૂપ બની શકવાનો મોટો ભય હતો.

અલાસ્કાના ગવર્નરે, સ્લેજ ગાડીની આ રિલે રેસની તમામ વ્યવસ્થા કરી તેના પર સંપૂર્ણ નિગરાની રાખવા માટે પોસ્ટ ખાતાના ઇન્સ્પેક્ટર એડવર્ડ વેટઝલરની નિમણૂંક કરી હતી. તા.૨૬મી જાન્યુઆરીની રાતે એન્કરેજ ટાઉનથી ટ્રેનમાં દવાનો સ્ટોક રવાના કરાયો, તે બીજા દિવસે એટલે કે તા.૨૭ જાન્યુઆરીએ રાતે ૯ વાગે નિનાના સ્ટેશને આવવાનો હતો અને વાઇલ્ડ બિલ તેની સ્લેજ ગાડી લઇને દવાનું આ પાર્સલ લેવા માટે આવ્યો હતો.

એ રાતે નિનાના ટાઉનમાં ટેમ્પરેચર માઇનસ ૫૦ ડિગ્રી જેટલું અતિશય ઠંડુગાર હતું. એટલે ઇન્સ્પેક્ટર એડવર્ડ વેટઝલરે સ્લેજ ગાડીના ડ્રાયવર વાઇલ્ડ બિલને કહ્યું, ભાઇ, અત્યારે ટાઉનનું ટેમ્પરેચર ભયંકર નીચે ઊતરી ગયું છે. માઇનસ ૫૦ ડિગ્રી ટેમ્પરેચરમાં રાત માથે લઇ સ્લેજગાડી હંકારવાનું જોખમ લેવા જેવું નથી. સવાર પડે સૂર્યના આછા-પાતળા પ્રકાશથી થોડો બરફ પીગળશે અને રસ્તો જરાતરા સાફ થશે. વળી રાતના અંધારામાં આગળ ઝાઝું કશું દેખાય નથી, દિવસના અજવાળામાં ગાડી ચલાવવી સરળ પડશે, માટે રાતે ઘેર જઇને સુઇ જા અને સવારે તાજોમાજો થઇને સ્લેજગાડી દોડાવી મુકજે.

એડવર્ડ વેટઝલરની સલાહ પ્રમાણે સવાર સુધી વાઇલ્ડ બિલે રાહ જોવામાં શાણપણ હતું, કારણ ટેમ્પરેચર માઇનસ ૫૦ ડિગ્રીથી પણ થોડું વધુ નીચે ઊતરી રહ્યું હતું. પરંતુ વાઇલ્ડ બિલ જેનું નામ, એ થોડો હાડ થીજાવતી ઠંડીથી ડરીને ઘરમાં ટૂંટિયું વાળીને સુઇ જાય! એ તો ગમે તેવી વિકટ સ્થિતિમાં જાનનું જોખમ લઇને પણ કામ પુરૂં પાડે એવી માટીનો બનેલો માનવી હતો.

એડવર્ડની સલાહ અવગણીને ભયંકર ઠંડીના માહોલમાં અંધારી રાતે જ સ્લેજગાડી લઇને નીકળી જવાનો વાઇલ્ડ બિલે જોખમી નિર્ણય લેવા પાછળનું બીજુ ં પણ એક કારણ હતું.

નેનાના સ્ટેશનથી આગળ જતા તનાના નદીના કોતરના સીધા ચઢાણવાળા રસ્તે ૪૬ જેટલા મૂળ અલાસ્કાવાસીઓના સફેદ ક્રોસ ખોડાયેલા છે. આજથી સાતેક વર્ષ અગાઉ આ વિસ્તારમાં ઇન્ફલ્યૂએન્ઝાની મહામારી ફાટી નીકળી હતી, તેમાં આ ૪૬ જણના મોત નીપજ્યા હતા.

નોમ ટાઉનમાં અત્યારે ડિપ્થેરિયાની મહામારીનું સંક્રમણ ફેલાઇ રહ્યું હતું અને ત્યાં જો વેળાસર દવાનો જથ્થો ના પહોંચાડાય તો આ મહામારી ઘણાં બધાનો ભોગ લઇ લે તેવી જીવલેણ ભીતિ હતી એટલે એડવર્ડ વેટઝલરે રાતના બદલે સવારે નીકળવાની વાઇલ્ડ બિલને સલાહ-સૂચના આપી ત્યારે વાઇલ્ડે તેમને ચોખ્ખાને ચટ્ટ શબ્દોમાં કહી દીધું, ''એડવર્ડ, રાતે નીકળવામાં ભલે જાનનું જોખમ હોય હું તો અત્યારે  જેવું ટ્રેનમાં દવાનું પાર્સલ આવે કે તુરત  રાત્રે જ સ્લેજ ગાડીમાં લઈને મારી સ્લેજ હંકારી જઈશ. લોકો નોમ ટાઉનમાં  મરી રહ્યાં છે, માટે મારાથી સવાર સુધી રાહ નહીં જોવાય, ભલે મારૂં જે  થવાનું હોય તે થશે, પણ હું તો ગાડી આવે કે તુરત નીકળી જવાનો છું, અને મારે ટોલોનાવા સુધી  જવાનું છે, ત્યાં હું દવાનું પાર્સલ પહોંચાડી દઈશ.

એટલામાં જ દૂરથી સ્ટીમ એન્જિનની વ્હીસલ  સંભળાઈ. ઘોર અંધારામાં વાઈલ્ડ   બિલને ટ્રેન તો હજી દેખાતી નહોતી, પણ દૂરથી તે આવતી હોવાના ભણકારા વાગતા હતા.

ટ્રેન પ્લેટફોર્મ પર આવી  ત્યાં સુધીમાં ગણ્યા ગાંઠયા લોકો સ્ટેશન પર આવી ગયા, તેમાં વાઈલ્ડ બિલની પત્ની એન્ના પણ હતી. પતિ  માનવ સેવા માટે આટલું મોટું જોખમ ઉઠાવી સ્લેજ ગાડી હંકારવાનો હતો, તેથી એ પતિને પ્રેમાળ વિદાય આપવા માટે માઈનસ ૫૦ ડિગ્રી ઠંડીમાં પણ સ્ટેશને આવી હતી. ભૂરી આંખો અને ભૂખરા વાળવાળી એન્ના હિંમતવાન અને મજબૂત મનોબળવાળી સ્ત્રી હતી. ભૂતકાળમાં ઘણી વખત સ્લેજ ગાડીમાં પતિને સાથ આપવા તેની સાથે જતી હતી. એન્ના સાથે ટાઉનના બીજા થોડા લોકો પણ  વાઈલ્ડ બિલને વિદાય આપવા સ્ટેશને આવી પહોંચ્યા હતા.

પ્લેટફોર્મ પર ટ્રેન પુરેપુરી ઊભી રહે તે પહેલા જ ચાલુ ગાડીએ કન્ડકટર ફ્રેન્ક નાઈટ દવાનું ૨૦ પાઉન્ડનું પેકેટ લઈને ઉતરી પડયો અને વાઈલ્ડ બિલ ઊભો હતો ત્યાં દોડતો આવી પહોંચ્યો.

કન્ડકટર ફ્રેન્કના હાથમાંથી ઉતાવળે પાર્સલ લઈને વાઈલ્ડ બિલ  પ્લેટફોર્મ બહાર ઊભી રાખેલી સ્લેજ ગાડી પાસે જઈને દવાનું એ પાર્સલ સ્લેજગાડીમાં વ્યવસ્થિત મૂકીને મજબૂત દોરીથી બાંધી દીધું, જેથી તેજ ગતિએ દોડતી સ્લેજ ગાડીમાંથી માર્ગમાં ક્યાંક એ પડી ન જાય.

અડધે રસ્તે ક્યાંક અકસ્માત થાય કે બીજા કોઈ ' ઈમર્જન્સિ' સંજોગો સર્જાય તો ઉપયોગમાં આવે તેવી જરૂરી સામગ્રી પણ વાઈલ્ડ બિલે ચેક કરીને સ્લેજ ગાડીમાં બરાબર ગોઠવીને મુકી અને ગાડીમાંથી ક્યાંક  નીચે ન પડી ન જાય તે માટે તેને પણ દોરીથી ફિટ બાંધી દીધી.

અલાસ્કામાં સ્લેજગાડીના ડ્રાયવરો આવી વિકટ સંજોગો વચ્ચે મુસાફરી શરૂ કરતા પહેલાં કેટલીક ખાસ જરૂરી ચીજવસ્તુઓ  ગાડીમાં મુકવાનું ભુલતા નથી. કુહાડી, ગરમ  ધાબળો, ચપ્પુ, રેશન કિટ એટલે કે ખાવા- પીવાની ખાદ્યસામગ્રીની કિટ, માર્ગમાં જરૂર પડે  તંબુ ઊભો કરવા તાડપત્રી, દીવાસળીની પેટી, કેરોસીન, કપુર વિગેરે...

ઝડપથી બધી સામગ્રી ચેક કર્યા પછી વાઈલ્ડ બિલે સ્ટેશનેથી સ્લેજ ગાડી  તનાના નદી તરફના રસ્તે હંકારી મુકી. જોતજોતામાં નદી કંઠાના રસ્તે આગળ વધીને વાઈલ્ડ બિલની સ્લેજ ગાડી ટાઉન બહારના અત્યંત ઠંડીવાળા ખુલ્લા અને  અંધારિયા રસ્તા પર તેજગતિએ દોડી રહી હતી.

નેનાના ટાઉનના સ્ટેશનની બહાર વાઈલ્ડ  બિલને વિદાય આપવા માટે ઘણાં બધાં નગરજનો આવીને ઊભા હતા. આટલા વર્ષો દરમિયાન સ્લેજગાડી લઈને અનેકવાર તે નીકળ્યો હતો,  પરંતુ તેને  વળાવવા માટે આટલા બધા લોકો તેની સ્લેજ ગાડી પાસે એકઠા થયા હોય તેવો આ સૌ પહેલો બનાવ હતો. જો કે આજના જેવા અસાધારણ સંજોગો  પણ  તેની જિન્દગીમાં આ પહેલી જ વખત ઊભા થયા હતા.

પરંતુ વાઈલ્ડ બિલ પાસે અત્યારે આવું બધું વિચારવાનો સમય નહોતો. તેણે તો પુરી તાકાત વાપરીને અત્યાર સુધી ક્યારેય ન દોડાવી હોય એટલી તેજ ગતિએ સ્લેજ ગાડી દોડાવીને રેકોર્ડ  ટાઈમમાં દવાનું પાર્સલ ટોલોવાના ટાઉન પહોંચાડવાનું હતુ.  વાઈલ્ડ બિલે તેનું બધું જ ધ્યાન સ્લેજગાડી દોડાવવા તરફ જ કેન્દ્રિત કર્યૂં.

Tags :