રૂઢિચુસ્ત જ્ઞાતિ પંચો મનફાવે તેવા આદેશ ફરમાવે છે..
- પાકિસ્તાનમાં પણ કેટલાક જ્ઞાતિ પંચોની બેફામ જોહુકમી
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-3
- કોઈપણ વાંક ગુના વગરની યુવતી પર બળાત્કાર ગુજારવાનો અમાનુષી આદેશ
- ગમાણમાં યુવતી પર દુષ્કર્મ કરાયું ત્યાં સુધી ગામ લોકો બહાર બેસી રહ્યા..!
શકુરને શિક્ષા કરવા ગામના ચોરે પંચ બેઠું, જેમાં માશ્નોઇ જાતિના લોકોનુ જ વર્ચસ્વ હતુ. પંચ સમક્ષ હાજર થવા શકુરના પિતાને ફરમાન મોકલાવ્યું થોડીવારમાં શકુરના પિતાને બદલે યુવાન વયની બહેન મુખ્તાર ત્યાં હાજર થઇ.
તેણે શકુર વતી પંચની માફી માંગીને તેના નાના ભાઇને છોડી દેવા વિનંતી કરી પરંતુ પંચે સર્વાનુમતે ઠરાવ્યું કે માત્ર માફી માગવાથી કામ નહીં પતે.
તે પછી પંચે મધ્યયુગના જેવો વિચિત્ર ચુકાદો આપ્યો કે શકુર અને તેના પરિવારને પાઠ ભણાવવા તેમજ શકુર ભવિષ્યમાં કોઇના પર બળાત્કાર ગુજારવાની હિંમત ના કરે એટલે તેની બહેન મુખ્તાર પર સામૂહિક બળાત્કાર કરવાની શિક્ષા ફરમાવવામાં આવે છે.
ચાર હટ્ટા કટ્ટા યુવાનો તુરત મુખ્તારને નજીકની ગમાણમાં લઇ ગયા બાદ તેને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી નાંખી.
'કહેવાતા' મરદોએ પછી મુખ્તાર પર પોતાની મરદાની દેખાડી ત્યાં સુધી બહાર પંચ અને તેની આસપાસ ગ્રામજનોનું ટોળું બેસી રહ્યું.!
પેલા નરરાક્ષસો પછી અર્ધનગ્ન હાલતમાં મુખ્તારને ગમાણમાંથી બહાર લાવ્યા. ગભરાતી, મોઢું છુપાવતી, શરમાતી, મુખ્તાર નીચી નજરે ટોળા વચ્ચેથી રસ્તો કરતી ઘરભેગી થઇ ગઇ.
આવા સંજોગોમાં યુવતી માટે એક જ વિકલ્પ બાકી રહે છે - આપઘાત. પરંતુ મુખ્તાર આવું કોઇ પગલું ભરે એ પહેલાં માતા-પિતાએ તેને ખૂબ જ સાંત્વના અને હિંમત આપી. આ દરમિયાન ગામના એક સજ્જન આગેવાને શુક્રવારની નમાઝ વખતે આ અત્યાચારી ઘટનાને ઇસ્લામ વિરોધી ગણાવી જાહેરમાં વખોડી નાંખતા મુખ્તારમાં થોડી હિંમત આવી.
જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ મુખ્તારના મનમાં શરમ, સંકોચ અને ગભરાટની લાગણીનું સ્થાન ગુસ્સાએ લેવા માંડયું. એક દિવસ હિંમત એકઠી કરીને તે પોલીસ સ્ટેશને ગઇ અને પેલા ચાર નરાધમો વિરૂધ્ધ બળાત્કારનો ગુનો નોંધાવી દીધો.
પોલીસે ગુનો નોંધ્યા પછી તો એથીય આશ્ચર્યકારક બીજી ઘટના બની.
પોલીસે બળાત્કારીઓને પકડયા, જે સામાન્યરીતે ત્યાં નથી થતું. પાક.ના તત્કાલીન પ્રમુખ પરવેઝ મુશર્રફને આ આખી ઘટનાની જાણ થતાં તેમણે મુખ્તારને સહાનુભૂતિનો સંદેશો પાઠવી રૂા.૪ લાખ સહાયરૂપે મોકલ્યા.
સરકારી સહાયરૂપે મળેલા આ રૂપિયા મુખ્તારે પોતાના પરિવાર માટે રાખવાના બદલે ગામમાં શાળા બાંધવા માટે દાનમાં આપી દીધા.
'હાફ ધ સ્કાય...' પુસ્તકના અમેરિકન લેખક નિકોલસ પાક.ની આ યુવતી મુખ્તારને મળવા મીરવાલા ગામમાં પણ ગયા હતા. તે વેળા મુખ્તારે તેમને કહ્યું, સરકાર તરફથી મળેલા રૂપિયા મેં મારા ઘર માટે વાપરવાના બદલે શાળા બાંધવા, એટલા માટે આપી દીધા કે જેથી ગામની બધી છોકરીઓને શાળા શિક્ષણનો લાભ મળી શકે. મારા પર બળાત્કારની જે ઘટના બની એના જેવા કલંકિત બનાવ ફરી ન બને તે માટે શિક્ષણનો વ્યાપ વધારવો જરૂરી લાગવાથી મેં બધા રૂપિયા શાળા બાંધવા માટે આપી દીધા છે.
મુખ્તારની સલામતી માટે પાકિસ્તાની સરકારે તેના ઘર પાસે પોલીસનો પહેરો પણ બેસાડયો હતો. પરંતુ તે પછી થોડો વખત બાદ સરકારનું વલણ બદલાયું હતું.
આ વિશે મુખ્તારે હિંમતભેર નિકોલસને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સરકાર હવે મને ભૂલી ગઇ છે. સરકારે મારી નિશાળને વધારે સહાય કરવાનું વચન આપ્યું હતું પણ પછી કોઇ સહાય કરી નથી.
છોકરીઓ માટેની મુખ્તાર માઇ સ્કૂલમાં નાની છોકરીઓ સાથે મોટી ઉંમરની મુખ્તાર પોતે પણ ભણવા જતી હતી.
મુખ્તાર સાથેની મુલાકાત બાદ નિકોલસે ન્યૂયોર્ક ટાઇમ્સની તેમની કોલમમાં મુખ્તાર વિશે લખેલો લેખ વાંચીને વાચકો તરફથી સહાયનો ધોધ વરસ્યો હતો. લગભગ ૨.૧૫ કરોડ રૂપિયા દાનરૂપે મુખ્તારની શાળાને મળ્યા હતા.
પણ પાકિસ્તાનમાં આના ઊલટા પ્રત્યાઘાત પડયા. મુખ્તારને સરકારની હેરાનગતિ વધી ગઇ. પાક. પ્રમુખ મુશર્રફે શરૂઆતમાં તો મુખ્તારની હિંમતને બીરદાવી, તેને આર્થિક સહાય પણ કરી, પરંતુ પાકિસ્તાનમાં બનતા બળાત્કારના અત્યાચારી કિસ્સા વિદેશોમાં બહુ ચગે એ સ્વાભાવિક રીતે જ મુશર્રફને પસંદ ન પડે, કારણ એનાથી પાક. સરકારની વિદેશોમાં બદનામી વધતી રહે.
સ્ત્રીઓ અને કિશોરીઓ પર દુષ્કર્મના કિસ્સાઓ, સરકારની નિષ્ફળતાના પુરાવા છે, એ પ્રકારના, મુખ્તાર નિવેદનો કરતી હોવાથી મુશર્રફ ઓર અકળાયા.
ગુપ્તચર અધિકારીઓએ મુખ્તારને ચૂપ રહેવા ખાનગી રીતે તાકીદ કરી, પરંતુ મુખ્તારે અધિકારીઓની આ ચેતવણી સ્હેજેય ગણકારી નહીં, એટલે સરકારે એને વળતા ફટકારૂપે મુખ્તારના બળાત્કારીઓને જેલમાંથી છોડી મુક્યા..!
મુખ્તાર ચોધાર આંસુએ રડી પડી. એ રાતે નિકોલસને અમેરિકા ફોન કરી મુખ્તારે રડતા રડતા કહ્યું, મને હવે અહીં જાનનો ખતરો લાગે છે.
જો કે આવી વિકટ સ્થિતિમાં પણ મુખ્તારે હિંમત ન ગુમાવી; અને સ્ત્રીઓ પર અત્યાચારના બનાવો વિરૂધ્ધ જોરદાર ઝુંબેશમાં જરા પણ પાછી ન પડી.
અમેરિકામાં સ્ત્રીઓ વિશેના સેમિનારમાં હાજર રહી વક્તવ્ય આપવાના તેના નિર્ધારમાં મુખ્તાર અડગ રહી. પણ પાક. સરકારે તેને ઘરમાં જ અટકાયતમાં રાખી. ગુપ્તચર અધિકારીઓ તેને બળજબરીથી કારમાં નાંખીને ઇસ્લામાબાદ લઇ ગયા. અમેરિકા સુધી આ ખબર પહોંચતા ત્યાં તેનો ભારે વિરોધ થયો. તે વખતના અમેરિકાના વિદેશ પ્રધાન કોન્ડોલિસાએ પાકિસ્તાની વિદેશ પ્રધાન પર ભારે દબાણ કરતા ઇસ્લામાબાદમાં મુખ્તારને મુક્ત કરી દેવાઇ. મુશર્રફે, મુર્ખામીભર્યા પગલાથી વિદેશોમાં મુખ્તારની ખ્યાતિ ઓર વધારી દીધી.
પાકિસ્તાનના નાનકડા ધૂળીયા ગામડાની અશિક્ષિત છોકરી મુખ્તાર, ગેંગ રેપનો ભોગ બન્યા પછી ભાંગી પડવાના બદલે બેવડા જુસ્સાથી ઝઝૂમતી રહી અને સરકારની આકરી હેરાનગતિ વચ્ચે પણ મક્કમ મનોબળથી લડતી રહી ને ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારો વિરૂધ્ધ જબરદસ્ત જાગૃતિ લાવી દીધી.
ઉલ્લેખનીય છે કે આપણા દેશમાં પણ આદિવાસી વિસ્તારના કેટલાક જ્ઞાતિ પંચમાં અને પંજાબમાં ખાપ પંચાયતના કેટલાક ચુકાદા પણ આજના પ્રગતિશીલ અને શિક્ષિત સમાજમાં ટીકાપાત્ર બને તેવા હોય છે.
(સંપૂર્ણ)