- ચિઆંગ કાઈ-શેકના વિશ્વાસુ સૂબા યન્ગ માર્શલને ચિઆંગ વિરૂધ્ધ ઉશ્કેરવા માઓએ વિષ્ટિકાર મોકલ્યા...
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-7
- યન્ગ માર્શલે એક તરફ રશિયા સાથે અને બીજી બાજુ માઓ સાથે વાટાઘાટો શરૂ કરી
- ચિઆંગની સરકાર ઊથલાવવા માઓએ યન્ગ માર્શલને શસ્ત્રો અને પૈસાની ખાતરી આપી
યન્ગ માર્શલ રશિયન પ્રતિનિધિઓને મળવા માટે ગુપ્ત રીતે શાંઘાઈ અને નાનકિંગ (ચીનની રાજધાનીનું જૂનું નામ) ગયા હતા. યન્ગ માર્શલ સ્વભાવે છેલછબીલા, ભારે રોમેન્ટિક હતા અને ભભકાદાર, કિંમતી પોશાક પરિધાન કરવાનો તેમને અદકેરો શોખ હતો. હંમેશા આકર્ષક વસ્ત્રો જ પહેરવાની તેમને જાણે આદત પડી ગઈ હતી પણ રશિયનો સાથેની આ મુલાકાત અત્યંત ગુપ્ત રાખવાની હોવાથી એક સામાન્ય ચાઈનીઝ નાગરિક જેવો પરિવેશ ધારણ કરીને તેઓ ત્યાં પહોંચ્યા હતા.
વર્ષો પછી ૧૯૯૩ માં તેમની ઉંમર ૯૧ વર્ષની થઈ. તે વખતે યન્ગ માર્શલે મોટો ઘટસ્ફોટ કરતા બધાને કહ્યું'તું કે, એ સમયગાળામાં મારા ગુપ્તચર ખાતાના વડા તરીકે તાઈ લિ હતા. હું ગુપ્ત રીતે શાંઘાઈ ગયો હોવાથી ખુદ તેમને પણ ખબર નહોતી પડવા દીધી કે હું ક્યાં જવાનો છું. મારૃં લોકેશન-ઠામઠેકાણું-શોધવા માટે ખુદ મારા ગુપ્તચર વિભાગના વડાએ બહુ પ્રયાસ કર્યા પણ મારૃં ઠામઠેકાણું નહીં મળતા તેમણે વિચાર્યૂં કે મારી ગર્લફ્રેન્ડ સાથે મોજમઝા કરવા હું ક્યાંક અજાણ્યા સ્થળે ગયો હોઈશ, પણ હકીકતમાં તો હું રશિયનો સાથે સોદાબાજી કરવા શાંઘાઈ અને નાનકિંગ ગયો હતો.
રશિયન પ્રતિનિધિઓ સાથેની વાટાઘાટોમાં યન્ગ માર્શલે સ્પષ્ટ કરી દીધું કે ''હું ચાઈનીઝ સામ્યવાદીઓ સાથે જોડાણ કરવા તૈયાર છું અને જાપાનીઓ સામેની નિર્ણાયક લડતમાં પણ ચીની સામ્યવાદીઓને સાથ આપવાની મારી પુરેપુરી તૈયારી છે-એટલે કે જાપાન સાથે યુધ્ધ જાહેર કરવા હું તૈયાર છું- જોકે પાછળથી યન્ગ માર્શલે જાપાન સામે યુધ્ધ નહોતું જાહેર કર્યૂં. જાપાન સામે યુધ્ધ જાહેર કરવાના બદલારૂપે યન્ગ માર્શલે રશિયા પાસે એવી માગણી મુકી કે ચીનના વડાપદેથી ચિઆંગ કાઈ-શેકને હટાવી મને મુકી દેવામાં તમારે મને મદદ કરવી પડશે.'' યન્ગ માર્શલની આ માંગણી સ્ટાલિનને એટલા માટે ગમી ગઈ કે, જાપાન સામે ચીન ખુલ્લેઆમ યુધ્ધ જાહેર કરે તેમાં સ્ટાલિનને ખૂબ રસ હતો. કારણ છેક ૧૯૩૧થી જાપાન ચીનના પ્રદેશોમાં ધીમે ધીમે ઘુસણખોરી કરી; થોડા થોડા પ્રદેશો પર કબજો જમાવી રહ્યું હતું. ચીનનો મન્ચુરિઆ પ્રદેશ હડપ કરી લીધા પછી નવેમ્બર ૧૯૩૫માં જાપાને ઉત્તરીય ચીનના કેટલાક પ્રદેશમાં બીજી કઠપુતળી સરકાર મુકી દીધી હતી.
વર્ષોથી ઘુસણખોરી કરતા જાપાને ચીનના કેટલાક પ્રદેશો પર કબ્જો જમાવી દીધો હોવા છતાં ચીનના જનરલ ચિઆંગ કાઇ શેક જાપાન સામે ખુલ્લેઆમ યુધ્ધ જાહેર કરતા નહોતા.
આથી રશિયાના સરમુખત્યાર જોસેફ સ્ટાલિનના મનમાં ચિંતા પેઠી હતી કે હવે જાપાન ઉત્તર તરફ આગળ વધી કદાચ સોવિયેત યુનિયન પર આક્રમણ કરશે.
સ્ટાલિનની રાજકીય રમત એવી હતી કે ચીનનું લશ્કર જાપાની સૈનિકોને ચીનના વિશાળ અંતરિયાળ વિસ્તારોમાં ભીષણ લડાઇમાં એવું તો અટકાવી દે, કે ઉત્તરે રશિયા તરફ ફરકવાના તેના હોશ જ ના રહે. પોતાની આ મેલી મુરાદ પાર પાડવા માટે રશિયા, ચીની પ્રજામાં જાપાન વિરૂધ્ધની લાગણી ભડકાવવા મથામણ કર્યા કરતું હતું, જેથી જાપાન સામે ચીન ખુલ્લેઆમ યુધ્ધ જાહેર કરી દે, જેથી જાપાનને રશિયા તરફ આગળ વધવાનો મોકો જ ના મળે.
બીજીબાજુ ચિઆંગ કાઇ શેકની ઇચ્છા ના તો જાપાનને શરણે જવાની હતી કે ના તો જાપાન સામે ખુલ્લેઆમ યુધ્ધ કરવાની હતી. ચિઆંગના મનમાં એવું ઠસી ગયું હતું કે જાપાન સામે ચીન યુધ્ધમાં જીત મેળવે એવી કોઇ સંભાવના નહોતી. આથી જો જાપાન સામે તેઓ યુધ્ધ જાહેર કરે તો ખુદ ચીન જ પાયમાલ થઇ જશે.
આ પ્રકારની વિકટ સ્થિતિમાં ચિઆંગે વચલો માર્ગ અપનાવ્યો - તેઓ ન તો જાપાનને શરણે ગયા કે ન તો જાપાન સામે ખુલ્લેઆમ યુધ્ધે ચઢ્યા.
ચીન એક બહુ જ વિશાળ દેશ હોવાથી ચિઆંગ આવી વચગાળાની સ્થિતિ જાળવી શક્યા. વળી બીજી તરફ જાપાન બહુ ધીમે ધીમે ચીનમાં ઘુસણખોરી કરતું હોવાથી લાંબો સમય સુધી ચિઆંગ દેશમાં અરાજકતાની સ્થિતિ વચ્ચે પણ ટકી રહેવામાં સફળ રહ્યા.
ચિઆંગ મનોમન કદાચ એવી પણ આશા રાખી બેઠા'તા કે હવે પછીના વર્ષોમાં ચીનના બીજા પ્રદેશોમાં ઘુસણખોરી કરી તેના પર કબ્જો જમાવવાના બદલે જાપાન કદાચ રશિયા તરફ ફંટાઇ તેના પર ચઢાઇ કરી બેસશે. ટૂંકમાં એ એવું ધારતા હતા કે ટાઢા પાણીએ ખસ જતી રહેશે.
આવી ડામાડોળ અને અનિશ્ચિત પરિસ્થિતિ વચ્ચે યન્ગ માર્શલની ઓફર સ્ટાલિનને ગમી ગઇ, પણ મૂળમાં ખામી એ હતી કે સ્ટાલિનને યન્ગ માર્શલ પર જરાય વિશ્વાસ નહોતો. બીજું કે જાપાન સામેના યુધ્ધ દરમિયાન આખા ચીનને એકતાંતણે રાખી શકે એટલી ક્ષમતા યન્ગ માર્શલમાં હોય તેવું પણ સ્ટાલિન માનતા નહોતા. આવા સંજોગોમાં જાપાન સામેના સંઘર્ષમાં ચીનની પીછેહટ થાય તો પછી જાપાનની નજર સોવિયેત યુનિયન તરફ પડે અને જાપાન તેના પર આક્રમણ કરે તેવી સંભાવના ઓર વધી જાય.
પણ સ્ટાલિન ખૂબ વિચક્ષણ હતા. તેમણે યન્ગ માર્શલની ઓફર મોઢામોઢ ના નકારી કાઢી. રશિયનોએ એવી છાપ ઊભી કરી કે તેઓ યન્ગ માર્શલની ઓફર વિશે વિચારણા કરી રહ્યા છે; જેથી વચગાળાના આ સમયમાં યન્ગ માર્શલ ચીનના સામ્યવાદીઓને મદદ કરતા રહે.
રશિયાના રાજદ્વારી પ્રતિનિધિઓએ યન્ગ માર્શલને સૂચન કર્યૂં કે તમે ચીનના સામ્યવાદી પક્ષ સાથે ગુપ્ત રીતે સીધો સંપર્ક ચાલુ કરો. ચીની સામ્યવાદી પક્ષના પ્રતિનિધિ અને યન્ગ માર્શલ વચ્ચે સૌ પહેલી વાટાઘાટો ૨૦ જાન્યુઆરી ૧૯૩૬ના રોજ શરૂ થઇ.
આ તરફ રશિયનો યન્ગ માર્શલની સામે ગાજર લટકાવી તેને આકર્ષી રહ્યા હતા, પરંતુ બીજીબાજુ માઓ -ત્સે-તુન્ગ, ચીનની સરકારના વડાપદેથી ચિઆંગ કાઈ શેકને ગબડાવી દેવા ઈચ્છતા હતા, આથી યન્ગ માર્શલને તેઓ આગળ ધપાવવા માંગતા હતા. જે માટે યન્ગ માર્શલ સાથે તેઓ ખરેખર જોડાણ કરવા આતુર હતા.
માઓ માટે અત્યારના સંજોગો બધી રીતે સાનુકૂળ હતા (૧) યન્ગ માર્શલ સોવિયેત યુનિયનના સહારે હતા, (૨) ચીનનો સામ્યવાદી પક્ષ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો, અને (૩) પોતે એટલે કે માઓ ચીનના રાજસિંહાસન પાછળની સત્તા બની રહે તેવા સંજોગો સર્જાવાની સંભાવના હતી.
માઓએ તેમના વિષ્ટિકાર લિ કે-નોન્ગને સૂચના આપી કે ચિઆન્ગ કાઈ-શેક વિરોધી એક જોડાણ કે ગઠબંધન ઊભું કરવા તમે યન્ગ માર્શલને ઓફર મોકલો અને તેના બદલામાં ચિઆન્ગ કાઈ-શેકને હટાવી દઈ નવી રાષ્ટ્રીય સરકારના વડા તરીકે તેમને એટલે કે યન્ગ માર્શલને મુકવા માટેનું મારા વતી વચન આપજો. વિષ્ટિકારને વધુમાં એવું કહેવાયું કે આ પ્રકારની ઓફરને મોસ્કો તરફથી મંજૂરી મળી હોવાનો ઈશારો કરી દેજો અને વધારામાં એમ પણ કહેજો કે સરકારને ઊથલાવવા માટે ફંડ અથવા તો શસ્ત્રોની બધી જ વ્યવસ્થા થઈ જશે, તેની તમે લગીરેય ચિંતા ન રાખતા.
(ક્રમશઃ)


