Get The App

બન્ક બેડમાં સુવાની સારી જગ્યા માટે કેદીઓમાં પડાપડી

Updated: Sep 18th, 2024

GS TEAM

Google News
Google News
બન્ક બેડમાં સુવાની સારી જગ્યા માટે કેદીઓમાં પડાપડી 1 - image


- ઓશવિઝના કોન્સન્ટ્રેશન કેમ્પમાં બ્લોક નંબર-૭ના એક મોટા હોલમાં

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-4

- સવારમાં શૌચક્રિયા વેળા પરસ્પર વાતો કરતા 3 કેદીઓને સૈનિકોએ ઠાર માર્યા

- બે દિવસથી ભૂખ્યા યહૂદી કેદીઓને સવારમાં સાવ જ પાણી જેવો પાતળો સૂપ અપાયો

થોડે થોડે અંતરે ચોકિયાત ટાવર ઊભા કરાયા હતા, જેના પર ઊભા ભરી બંદૂકે ઊભેલા સૈનિકો ચારેકોર નજર રાખી રહ્યા હતા, જેથી કોઇ કેદી ક્યાંયથી ભાગવાની કોશિશ ન ફરે. કમ્પાઉન્ડની  ફેન્સિંગમાં થોડી થોડીવારે લાઇટ ઝબૂકતી હતી, મતલબ કે ફેન્સિંગમાંથી સતત વીજ કરન્ટ પસાર થતો હતો, કોઇ કેદી તારની આ વાડ કુદવાની હિંમત કરે તો ત્યાં જ જીવતો બળી મરે...

બધાને બ્લોક નંબર-૭ પાસે ઊભા રખાયા. દરવાજે ઊભેલો અફસર બધાના હાથ પર ટેટૂથી ચિતરેલા નંબર ચોપડામાં નોંધીને વારાફરતી અંદર જવા દેતો હતો.

બ્લોક નં-૭માં અંદર એક મોટો હોલ હતો અને તેની સામેની દીવાલને અડીને ત્રણ-લેવલના બન્ક બેડ હતા. આ મોટા હોલમાં સેંકડો યહૂદીઓને પ્રવેશ આપી દેવાયો હોવાથી, દરેક જણ બન્ક બેન્ડના નીચેના લેવલમાં સુવાની સારી જગ્યા મળે તે માટે પડાપડી ને દોડાદોડી કરવા માંડયા.

લાલ અને એરોન નામના તેના એક જોડીદારને છેક ત્રીજા લેવલના બેન્કમાં જગ્યા મળી, જ્યાં અગાઉથી બે કેદીઓ આવીને બેસી ગયા હતા..! આમ લાલના બન્કમાં કુલ ચાર જણ થઇ ગયા હતા.

બધા યહૂદીઓએ પોત પોતાની જગ્યા મેળવી લીધી, નશીબદાર હતા, તેમને નીચેના લેવલમાં જગ્યા મળી. વળી હટ્ટોકટ્ટો અને આક્રમક યહૂદી પોતે પોતાના બન્કમાં બીજો માત્ર એક કેદી કે વધુમાં વધુ બે કેદીને આવવા દેતો હતો. એટલે લડાયક સ્વભાવવાળા યહૂદીના બન્કમાં કેવળ બે કે ત્રણ જ વ્યક્તિ હોવાથી તેમને સુવા-બેસવાની મોકળાશભરી જગ્યા રહેતી હતી, જ્યારે અન્ય બન્કમાં જ્યાં ચાર-ચાર કે પાંચ-પાંચ જણ હતા, તેમને ખૂબ સંકડાઇને સુવું-બેસવું પડતું હતું.

પોત પોતાના બન્કમાં સાંકડેમોકળે ગોઠવાઇ ગયા પછી બધાને પેટની ભૂખ પજવવા માંડી, એટલે બ્લોકના ચોકિયાતને ઉદ્દેશીને બૂમો પાડી, ''અમને ખાવાનું આપો...''

પણ ચોકિયાતોએ કડકાઇથી સૌને ચુપ કરી દઈને કહ્યું, અત્યારે કશું નહીં મળે, હવે બધા સુઇ જાઓ; જે થાય તે હવે સવારમાં કાંઇક ખાવાનું મળશે.

મળસ્કે આછા અંધારામાં લાલની આંખ ખુલી ગઇ. તેને પેશાબ લાગી હતી. જેમ તેમ કરીને તે બન્કના ત્રીજા લેવલેથી નીચે ઊતરીને બ્લોકના પાછળના ભાગે ગયો.

બ્લોકના દરવાજા પાસે ઊભા રહીને તેણે જોયું તો બહારના ભાગમાં લાંબી ખાઇ ખોદેલી હતી અને તેના પર લાકડાના પાટિયા મુકેલા હતા. કેદીઓ માટેના આ હતા સાવ ગામઠી સ્ટાઇલના દેશી જાજરૂ..

લાલે જોયું તો ત્રણ કેદીઓ પાટિયા પર બેસીને શૌચક્રિયા દરમિયાન હળવા અવાજમાં પરસ્પર વાતો કરી રહ્યા હતા. તેવામાં દૂરથી બે નાઝી સૈનિકોને આવતા તેણે જોયા. તેઓ સિગરેટ પીતા પીતા હસી મજાકની વાત કરતા આવી રહ્યા હતા. બન્નેના ખભે રાઇફલો લટકતી હતી.

આ તરફ લાલને જોરથી પેશાબ લાગી હતી, પણ રાઇફલવાળા સૈનિકોને આ તરફ આવતા જોઇ તે દીવાલને અડીને ઊભો રહી ગયો. તે બહારનું જોઇ શકતો હતો, પણ બહારનાની નજર તેના પર ન પડે એ રીતે લાલ ત્યાં ઊભો ઊભો બહારની હિલચાલ જોતો હતો.

પેલા બે સૈનિકોએ સિગારેટ ફૂંકીને પછી એકસાથે ઠૂંઠા હવામાં ઉછાળી દૂર ફેંક્યા.. તેવામાં તેમની નજર શૌચક્રિયા વખતે વાતો કરતા ત્રણ કેદીઓ પર પડી. બન્નેએ એ ત્રણેય સામે રાઇફલ તાકી અને ધડાધડ ફાયરિંગ કરતા ત્રણેય કેદીઓ શૌચ માટે ખોદેલી ખાઇમાં ગબડીને કાયમ માટે શાંત થઇ ગયા...!

લાલ તો આ દ્રશ્ય જોઇ ગભરાટનો માર્યો હેબતાઇ ગયો. થોડીવાર ત્યાં દીવાલને ચીપકીને સૂનમૂન ઊભો રહ્યો. સૈનિકો દૂર જતા રહ્યા પછી ઉતાવળે બહાર જઇ પેશાબ કરીને દોડતો પાછો પોતાના બન્કરમાં આવીને સૂઇ ગયો.

સવારે સૈનિકોની વ્હિસલોના અવાજથી અને બહારના ભાગમાં કૂતરાઓના જોરશોરથી ભસવાના અવાજથી બધા કેદીઓ સફાળા જાગી ગયા. સૈનિકોએ ફરમાન કર્યૂં ઃ બધા બહાર આવી જાવ.

સૈનિકોએ વારાફરતી કેદી નંબર બોલી બધાની હાજરી પુર્યા બાદ સૂચના આપવા માંડી ઃ તમને સવારે લંચ અપાશે અને સાંજ ઢળતા ડિનર આપવામાં આવશે. - જો સાંજ સુધી તમે જીવતા હશો તો...સવારના લંચ પછી અમે કહીએ ત્યાં સુધી તમારે કામ કરવું પડશે. આ કેમ્પમાં હજી ઘણું કન્સ્ટ્રકશન કરવાનું બાકી છે, તમારે અમે કહીએ તે સાઇટ પર આખો દિવસ કામ કરવાનું છે. હજી બીજા ઘણાં લોકોને કામ માટે અહીં લાવવાની કામગીરી ચાલી રહી છે.

એવામાં સંખ્યાબંધ વાસણોનો ખખડાટ કેદીઓને સંભળાયો. બધાએ નજર દોડાવી તો કેટલાક લોકો ત્રણ-ચાર મોટા તપેલા અને ટિનના નાના-મોટા ડબ્બા, તપેલા લઇને આવી રહ્યા હતા. બધા કેદીઓને ખ્યાલ આવી ગયો કે સવારનો નાસ્તો આવી રહ્યો છે.

 કેટલાક કેદીઓ નાસ્તો લઇ આવી રહેલા લોકોને મદદ કરવાના આશયથી એ તરફ આગળ વધ્યા, ત્યાં જ 'SS' ના અફસરનો ઘાંટો સંભળાયો ઃ જો કોઇ પણ કેદી પોતાની જગ્યાએથી સ્હેજ પણ આગળ વધ્યો તો તેને ત્યાં જ ઠાર મરાશે.

રાઇફલ ઊંચી કરી અફસરે આગળ ચલાવ્યું, કોઇને જરા સરખોય ચાન્સ નહીં અપાય. 

આટલી ચેતવણી ઉચ્ચારીને અફસરે ત્યાંથી ચાલતી પકડી તે પછી જે કેદીએ અગાઉ બીજા કેદીઓની હાજરી પુરી હતી તે બોલ્યો,  સાહેબ જે કાંઇ કહી ગયા તે તમે બધાએ સાંભળ્યું ને...? હું અહીં તમારા બધાનો બોસ છું. તમે બધા અહીં બે લાઇન કરીને ઊભા રહો, એટલે તમને દરેકને વારાફરતી નાસ્તો અપાશે. જો કોઇ કશી પણ ગરબડ કરશે કે બિનજરૂરી ફરિયાદ કરશે તો તેણે ગંભીર પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે.

ઘણાને જર્મન ભાષામાં પેલા 'બોસે' શું કહ્યું તેની સમજ નહીં પડતા અંદરોઅંદર એકબીજાને પૂછવા માંડયા કે પેલાએ આપણને શું સૂચના આપી ?

લાઇનમાં ઊભેલા લાલનો નંબર આવ્યો, એટલે તેને ટિનનો એક વાડકો અપાયો, તેમાં બ્રાઉન રંગનું પ્રવાહી હતું. એ નહોતી ચા, કે નહોતી કોફી કે નહોતો સૂપ. વાડકાના પ્રવાહીની ગંધ લાલ પારખી ન શક્યો. પણ તેની ગંધ ખાસ પસંદ પડે તેવી નહોતી.

તેણે વિચાર્યૂં કે નાસ્તામાં મળેલું આ પ્રવાહી, જો એ ધીમે ધીમે પીશે તો કદાચ તેને ઓકાટી (ઊલટી) થઇ જશે, એટલે આંખો બંધ કરી ને એક ઝાટકે વાડકામાંનું પ્રવાહી ગટગટાવી ગયો..

પણ બીજા કેદીઓ આટલી સરળતાથી, કે આટલી ઝડપથી વાડકો પી ન શક્યા.

લાલની બાજુમાં ઊભેલા એરોને તેનો વાડકો ઊંચો કરી કહ્યું, મારા વાડકાના પ્રવાહીમાં બટાકાનો એક કટકો પણ છે...!

(ક્રમશઃ)

Tags :