- ગુડ્સ ટ્રેન યહૂદીઓને લઈ આખરી મંઝિલની દિશામાં આગળ વધી, બીજી બાજુ
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-13
- ખાલીખમ વસાહતમાં હું એકલવાયો આખી રાત કઈ રીતે ગુજારી શકીશ ?
- માર્ગમાં મને મળી ગયેલો એક યહૂદી પોલીસ દયા ખાઈ મને તેની સાથે લઈ ગયો
હું વિચારમાં પડી ગયો.- મારો જીવ બચાવવા અહીંથી ભાગી જવાનું છે ? ક્ષણાર્ધમાં જ મારા મનમાં, માલગાડીના ઢોરડબ્બામાં ખીચોખીચ ભરાયેલા યહૂદીઓનું શું થવાનું છે, તે વિશેનો ઝબકારો થઈ ગયો. મારા માથાના વાળ ઊભા થઈ ગયા. મેં મારી પાછળ નજર નાંખી - એ તરફ ખુલ્લું કમ્પાઉન્ડ, રેલવે લાઈન અને પ્લેટફોર્મ હતું....અને એથીય આગળ વસાહત તરફ જતા ખુલ્લા રસ્તા હતા.
જાતને બચાવવા માટે મનુષ્ય સહિતના બધા પ્રાણીઓમાં જે એક અનિવાર્ય જન્મજાત ભય હોય છે, તેનાથી દોરવાઈને હું કમ્પાઉન્ડના રસ્તા તરફ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો.
થોડે દૂર ગયા પછી મારો ગભરાટ ઓછો થતા હું જરા વાર ઊભો રહ્યો. મારી આસપાસ બિલ્ડિંગો હતા અને ફૂટપાથ પર હું ઊભો હતો, એટલી વારમાં જર્મન છૂપી પોલીસનો જવાન એક યહૂદી પોલીસ સાથે બિલ્ડીંગમાંથી બહાર નીકળ્યો.
જર્મન પોલીસ જવાન ચઢેલા મોઢાવાળો હતો. તેના ચહેરા પર ચોખ્ખો ઘમંડ વર્તાતો હતો. તેની પાછળ આવતા યહૂદી પોલીસ જવાનના ચહેરા પર આછુ સ્મિત હતું. તેણે પ્લેટફોર્મ પર ઊભેલી માલગાડી તરફ આંગળી ચીંધી, તેની સાથેના જર્મન પોલીસ જવાનને કહ્યું, 'જુઓ, આ માલગાડીમાં ખીચોખીચ ભરાયેલા બધા તેમની આખરી મંઝિલ તરફ જઈ રહ્યા છે.
મેં એ તરફ નજર નાંખી. માલગાડીના બધા ડબ્બાના દરવાજા બંધ કરી દેવાયા હતા અને મૂળભૂત રીતે ઢોરની હેરાફેરી માટા વપરાતી આ ગુડ્સ ટ્રેન હજારો યહૂદીઓને લઈ ધીમે ધીમે આગળ વધી રહી હતી.
મેં તુરત જ મારી નજર એ તરફથી હટાવી લીધી. મારાથી મોટેથી એક ધુ્રસકું મુકાઈ ગયું...હું જોરથી રડી પડયો...ગુડ્સ ટ્રેનમાં ઘેટા-બકરાની જેમ પુરાયેલા યહૂદીઓના રડવાના અવાજો મારા કાને અથડાઈ રહ્યા હતા.
હું ઊંધુ ઘાલીને આગળ વધતો ગયો. મને ખુદને ખબર નહોતી કે હું ક્યાં જઈ રહ્યો છું. મારા પરિવારને તેમજ અન્ય યહૂદીઓને લઈ જતી માલગાડી અને ટ્રાન્ઝિટ સેન્ટર હવે દૂર થઈ ગયા હતા. છતાં મારા મનમાંથી તો એ દ્રશ્ય હજી એમ જ જીવંત હતું.
મારા એકેક પગલે હું વધુને વધુ એકલવાયો બની રહ્યો'તો. હવે માલગાડીનો ઘોંઘાટિયો અવાજ આવતો બંધ થઈ ગયો. વોર્સો શહેરથી એ ઘણાં કિલોમીટર દૂર નીકળી ગઈ હતી.
હવે આગળ મારૂું શું થશે ? એનો મને સ્હેજેય અણસાર નહોતો. છેલ્લે અમે જે ફલેટમાં રહેતા હતા ત્યાં પાછા જવાનો હવે કોઈ અર્થ રહ્યો નહોતો, જર્મન પોલીસ તો મને જોતાં ત્યાંને ત્યાં જ ગોળીએથી વિંધી નાંખશે. અથવા તો વસાહતમાંથી ટ્રાન્ઝિટ સેન્ટર લઈ જવામાં ભૂલથી આ માણસ રહી ગયો હશે એમ માની મને ટ્રાન્ઝિટ સેન્ટર પાછો મોકલી આપશે.
હું મુંઝાઈ ગયો. રાત મારે ક્યાં ગુજારવી ? આસપાસની બિલ્ડિંગોના ફલેટોના દરવાજે ક્યાં તો તાળા મારેલા હતા કે કેટલાક ફલેટોના બારણા ખુલ્લા હતા, કારણ બિલ્ડિંગોના બધા રહીશોને ટ્રાન્ઝિટ સેન્ટરમાં લઈ જવાયા હતા.
એટલામાં એક યહૂદી પોલીસ મારી તરફ આવતો દેખાયો. મને હવે કશાનો ડર નહોતો કે મને હવે કોઈની પરવા નહોતી. પણ તેણે જોરથી બૂમ પાડી મને ઊભો રાખ્યો.
નજીક આવતા જ તેણે આશ્ચર્યથી મારી તરફ જોઈ સવાલ કર્યો, ઢળતી સાંજે તું અહીં શું કરે છે ?
એ નજીક આવતા જ તેને જોઈ હું ચોંક્યો. એ તો મારો સગો થતો હતો, પણ અમારે તેની સાથે કોઈ ઝાઝો સંબંધ એટલા માટે નહોતો કે એ સારા કેરેકટરનો નહોતો. અમે બને ત્યાં સુધી તેને મળવાનું ટાળતા હતા.
મારા મનમાં તેના વિશેના આ બધા વિચાર સળવળી ઊઠયા. મારી સામે તે પોલીસ ગણવેશમાં ટટ્ટાર ઊભો હતો. હું કઈ રીતે અહીં આવ્યો અને બીજીબાજુ મારા મા-બાપ ભાઈ અને બહેનો માલગાડીમાં બેસી ગયા...એ આખી વાત કહેવાની મેં શરૂઆત કરી ત્યાં તો એ આખી વાત સમજી ગયો હોય તેમ મારી નજીક આવ્યો અને મારો હાથ પોતાના હાથમાં લઈ હળવેથી બોલ્યો, કાંઈ વાંધો નહીં, જે થયું તે થયું. ક્યારેક તો આવું થવાનું જ હતું, જેટલું જલ્દી થઈ ગયું એટલું સારૃં. કાંઈ નહીં હવે તું ચિંતા ન કરીશ. અમે બધા રહીએ છીએ ત્યાં તું મારી સાથે ચાલ.
હું સંમત થઈ ગયો. મારી પાસે આમેય સંમત થવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નહોતો. મેં પહેલી રાત આ મારા સગા સાથે વીતાવી.
સવારે તૈયાર થઈ હું યહૂદી કાઉન્સિલના નવા ચેરમેનના પુત્ર મેકઝીસ્લા લીચેનબોમને મળવા ગયો. વસાહતના કાફેમાં હું વાયોલિન વગાડવા જતો તે વખતથી હું મેકઝીસ્લાને સારી રીતે ઓળખ તો હતો.
સ્વાભાવિક છે કે એ મને ઓળખી ગયો. મને એક સરસ સૂચન કરતાં તેણે કહ્યું, યહૂદીઓનું નિકંદન કાઢવા માટેના જર્મન કમાન્ડો માટેનો એક કેસીનો વસાહતમાં છે. તું ત્યાં વાયોલિન વાદન માટે જા. આખો દિવસ યહૂદીઓને યમદ્વારે પહોંચાડવાની નાપાક કપરી કામગીરી કરીને થાકેલા કમાન્ડો, જર્મન છૂપી પોલીસના જવાનો, ગેસ્ટાપોના અફસરો, સાંજ ઢળતા ત્યાં રિલેકસ થવા આવતા હોય છે. યહૂદી વેઈટરો અને અન્ય સ્ટાફ તેમની તહેનાતમાં રહે છે, જોકે એ બધાને વહેલા કે મોડા છેલ્લે આ જર્મનો પતાવી જ દેવાના છે.
મને કેસીનોમાં વાયોલિન વાદક તરીકે જવાનીે મેકઝીસ્લાની ઓફર મેં ના સ્વીકારી. તેને એ ન સમજાયું કે તેની આ ઓફર નહીં સ્વીકારવા પાછળનું મારૃં કારણ શું છે. તેને જરા ખોટું તો લાગ્યું પણ મારી સાથે બીજી ઝાઝી વાત કર્યા વગર તેણે, મોટી વસાહત ફરતે ચણાયેલી લાંબી-પહોળી કમ્પાઉન્ડ વોલ જમીનદોસ્ત કરી દેવાની કામગીરીમાં જોતરાયેલા કામદારોની ટૂકડીમાં મારૃં નામ લખાવી દીધું.
બીજે દિવસે તારીખ ૨૦મી ઓગસ્ટની સવારે અમે બધા શ્રમજીવીઓ ચાર-ચારની હરોળમાં કામના સ્થળે જવા નીકળ્યા. અમારી ટૂકડીની આગળ યહૂદી મુકાદ્દમ (ફોરમેન) ચાલતો હતો અને તેનીય આગળ ભરી બંદૂકે જર્મન પોલીસના બે જવાનો ચાલતા હતા.
અમને મોટી યહૂદી વસાહતની એક કમ્પાઉન્ડ વોલ તોડવાની કામગીરી સોંપાઈ. અમે શક્ય તેટલી ધીમી ગતિએ દીવાલ તોડવાનું કામ કરતા હતા, જેથી આ કામગીરી વધારે દિવસ ચાલે. મુકાદ્દમ ખાસ કાંઈ બોલતો નહોતો. જર્મન પોલીસો પણ અમારી સાથે ઝાઝી માથાકૂટ કરતા નહોતા કે નહોતા અમને ફટકારતા. એ લોકો અમારાથી થોેડે દૂર ઊભા ઊભા અંદરોઅંદર વાતો કરતા રહેતા હતા. અમારી બાજુ તેમની નજર સુધ્ધા નહોતી પડતી.
કમ્પાઉન્ડ વોલ તોડવાની કામગીરી ભારે કંટાળાજનક અને નીરસ લાગતી હતી. અમે વહેલી સવારે વસાહતમાંથી કામ માટે નીકળી જતા હતા અને સાંજના પાંચ સુધી દીવાલ તોડવાનું કામ કરતા હતા.
(ક્રમશઃ)


