મને હવે વધારે કેસો મળે તેમાં સ્હેજ પણ રસ નથી..

Updated: Jan 18th, 2023


- ટૂંકા ગાળામાં પ્રચંડ નામના અને નાણાં પ્રાપ્ત કરનાર પાલખીવાલા છેલ્લા વર્ષોમાં કહેતા

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- ભારતીય બંધારણની તવારીખમાં કેટલાક અત્યંત નિર્ણાયક કેસો પાલખીવાલા લડયા હતા

- કેશવાનંદ ભારતી કેસમાં પાલખીવાલા દ્વારા 'દેવત્વ' બોલી રહ્યું હતું...

પ્રેક્ટિસમાં પાલખીવાલાની ઝળહળતી સફળતા એ હકીકત પરથી પુરવાર થાય છે કે હાઇકોર્ટ બારમાં જોડાયાના કેવળ સાત જ વર્ષમાં પાલખીવાલાએ મુંબઇના મરિન ડ્રાઇવ જેવા ભદ્ર વિસ્તારમાં ૫૦૦૦ સ્કવેર ફૂટનો વિશાળ ફલેટ ખરીદ્યો હતો. જીવનના અંતિમ સમય સુધી પાલખીવાલા એ જ ફલેટમાં રહ્યા હતા. ઉદ્યોગપતિ ટાટાએ તેમને બીજો એક વિશાળ ફલેટ આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ પાલખીવાલાએ ટાટાને વિનમ્રતાપૂર્વક ના પાડી દીધી હતી.

માત્ર ગણ્યા ગાંઠયા એડવોકેટસ આટલી ઝડપી પ્રગતિ સાધી શકે છે, તેમાંય નાની પાલખીવાલા જેટલી સફળતા તો દાયકાઓમાં માંડ એકાદ તેજસ્વી એડવોકેટ જ હાંસલ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટના અત્યંત બાહોશ ધારાશાસ્ત્રી સેતલવડ, કે જેમની દેશના પ્રથમ એટર્ની જનરલ તરીકે નિમણૂંક કરાઇ હતી, તેઓ વર્ષ ૧૯૧૧માં બારમાં જોડાયા પણ સાત વર્ષ સુધી એટલે કે વર્ષ ૧૯૧૮ સુધી તેમની પ્રેકિટસ ખાસ જામી નહોતી. તેમની આત્મકથામાં ખુદ સેતલવડે લખ્યું છે કે વર્ષ ૧૯૧૩માં આખા વર્ષની મારી આવક સોનાની એક મહોર જેટલી અર્થાંત રૃા.૧૫ હતી...! જો કે ૧૯૧૮ પછી તેમની પ્રેક્ટિસ જામવા માંડી અને ૧૯૩૦ સુધીમાં તો સેતલવડની પ્રેક્ટિસ ખૂબ વધી ગઇ હતી.

પરંતુ પાલખીવાલાની સફળતાની ઝડપ એટલી તો પ્રચંડ હતી કે જોનારને એ વાસ્તવમાં ચમત્કારિક જ લાગે. જીવનમાં આવેલી તકોનો તેમણે બખૂબીથી ઉપયોગ કરી અત્યંત ટૂંકા સમયગાળામાં તેઓ સફળતાની ટોચ પર પહોંચી ગયા હતા.

પાલખીવાલા તેમની કારકિર્દીમાં એટલી બધી નામના અને એટલા પૈસા કમાયા કે છેલ્લા છેલ્લા વર્ષોમાં તેઓ કહેતા કે ર્શુ, Now, I am interested in causes than in cases. (મને હવે વધારે કેસો મળે તેના કરતાં ચોક્કસ સામાજિક ઉદ્દેશોવાળા કેસોમાં વધારે રસ છે.)

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એચ.આર. ખન્નાએ અત્યંત મહત્વના અને જટિલ કોર્ટ કેસોમાં ધારદાર દલીલો દરમિયાન ચમકતી પાલખીવાલાની તેજસ્વી બુદ્ધિપ્રતિભાથી પ્રભાવિત થઈને લખ્યું છે કે વિશ્વના એકથી દશ ટોચના ધારાશાસ્ત્રીઓની યાદી બનાવવાની હોય તો નિશંકપણે નાની પાલખીવાલાનું નામ આગળના ક્રમે આવે.

ભારતીય બંધારણની તવારીખમાં અત્યંત નિર્ણાયક કહી શકાય એવા કેટલાક મહત્વના કેસો પાલખીવાલા લડયા હતા. નાગરિકોના મૂળભૂત બંધારણીય અધિકારોના રક્ષણમાં પાલખીવાલાનું મહત્વનું યોગદાન રહ્યું છે. બહુમુખી પ્રતિભા ધરાવતા નાની પાલખીવાલાની મુંબઈમાં બજેટ પરની સ્પીચ સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઊમટી  પડતા હતા. પાલખીવાલાની આ સ્પીચ એટલી તો પ્રભાવક હતી કે દર વર્ષે તે સાંભળવા આવતા શહેરીજનોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી. એટલે વર્ષ ૧૯૮૩માં પાલખીવાલાની સ્પીચનું સ્થળ બદલીને મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ કરી દેવાયું હતું કારણ કે મુંબઈમાં બીજું કોઈ આટલું મોટું સ્થળ નહોતું જ્યાં જંગી સંખ્યામાં શ્રોતાઓનો સમાવેશ કરી શકાય..! કેશવાનંદ ભારતી કેસ નાની પાલખીવાલાની ધારાશાસ્ત્રી તરીકેની પ્રેક્ટિસમાં શિરમોર સમો કેસ બની રહ્યો છે. આ શકવર્તી કેસમાં પાલખીવાલાએ તેમની કુશાગ્ર અને તેજસ્વી બુદ્ધિમત્તાથી દલીલો કરી, તે પછી જસ્ટીસ એચ.આર. ખન્નાએ ટિપ્પણ કરી હતી કે ''આ કેસમાં નાની પાલખીવાલા નહોતા બોલતા, તેમના દ્વારા દેવત્વ બોલી રહ્યું હતું..''

કાયદાનું શિક્ષણ મેળવતા તેજસ્વી વિદ્યાર્થીઓએ કેશવાનંદ ભારતી કેસનો ખાસ અભ્યાસ કરવો જોઇએ. આ કેસમાં નાની પાલખીવાલાની અત્યંત તર્કબધ્ધ અને બંધારણના હાર્દને ઉજાગર કરતી ઊંડાણ પૂર્વકની સીધી સોંસરવી દલીલોના અંતે સુપ્રીમ કોર્ટે શકવર્તી ચુકાદો આપ્યો હતો.

ઘણાં બધા કારણોસર આ કેસનું મહત્વ ખૂબ છે, જે પૈકીનો મહત્વનો એક મુદ્દો એ છે કે સુપ્રીમ કોર્ટે આ કેસના હિયરિંગ માટે અત્યાર સુધીમાં ન હોય તેવી સુપ્રીમ કોર્ટના ૧૩ જજોની બેન્ચની રચના કરી હતી, સુપ્રીમ કોર્ટની તવારીખમાં આજ સુધીની એ સૌથી ''લાર્જેસ્ટ બેન્ચ'' રચાઇ હતી.

   એ  લાર્જેસ્ટ બેન્ચમાં જસ્ટીસ વાય.વી. ચંદ્રચૂડ પણ હતા, જેઓ પાછળથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બઢતી પામ્યા હતા, તેમણે લાંબા સમય સુધી-૭ વર્ષ ૪ મહિના- ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવી હતી અને મહત્વનો બીજો મુદ્દો એ છે કે તેમના સુપુત્ર ધનંજય વાય. ચંદ્રચુડ આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસપદે છે.

વાય.વી. ચંદ્રચુડ ૧૬ મા ચીફ જસ્ટિસ હતા અને તેમના હોનહાર સુપુત્ર ધનંજય વાય. ચંદ્રચુડ આજે ૫૦મા ચીફ જસ્ટિસ છે.

કેશવાનંદ ભારતી વિરૃધ્ધ કેરાલા સ્ટેટ કેસનો ટૂંકસાર નીચે મુજબ છે.

અગાઉ ગોલકનાથ વિરૃધ્ધ પંજાબ (સ્ટેટ)ના કેસમાં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું હતું કે મૂળભૂત અધિકારો જેમાં સમાવિષ્ટ કરાયા છે, તે બંધારણના પાર્ટ ત્રીજામાં કોઇ સુધારા કરવાની સંસદને સત્તા નથી, કારણ કે નાગરિકોના મૂળભૂળ અધિકારો અનુલ્લંઘનીય (અતિપવિત્ર, અબાધ્ય) અને અમીટ કે વજ્રલેપ જેવા (કાયમી ચિરંજીવ) છે.

સ્વાભાવિક છે કે શાસકો કોર્ટના આવા ચુકાદા પચાવી શકતા નથી એટલે ગોલકનાથ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા એ શક્વર્તી ચુકાદો ઉલટાવી દેવા સંસદે બંધારણમાં શ્રેણીબધ્ધ સુધારાઓ કરવા માડયા.

વર્ષ ૧૯૭૧ માં સંસદે બંધારણમાં ૨૪ મો સુધારો કર્યો કે બંધારણના ત્રીજા ભાગ સહિત બંધારણમાં કોઇપણ સુધારો કરવાની સંસદને સત્તા છે. અને બંધારણ સુધારા ખરડાને (Constitutional Amendment Bill) મંજૂરી આપવાનું રાષ્ટ્રપતિ માટે ફરજિયાત બનાવી દેવાયું.

તે પછી વર્ષ ૧૯૭૨માં ૨૫મો બંધારણ સુધારા એક્ટ ઘડાયો, જેમાં બંધારણની કલમ- ૧૯(૧) અને ૩૧ માં આલેખાયેલ રાઇટ ટુ પ્રોપર્ટી પર કાપ મુકી દેવાયો.

જાહેર હેતુ માટે કોઇપણ ખાનગી પ્રોપર્ટી લઇ લેવાની તેમજ એ પ્રોપર્ટીનું વળતર નક્કી કરવાની સત્તા કોર્ટને નહીં પણ સંસદને આપવાની એ એક્ટમાં જોગવાઇ કરાઇ હતી.

સંસદે કેરેલા લેન્ડ રિફોર્મ્સ એમેન્ડમેન્ટ એક્ટ ૧૯૬૯ અને કેરાલા લેન્ડ રિંફોર્મ્સ એમેન્ડમેન્ટ એક્ટ ૧૯૭૧ નો બંધારણના નવમાં પરિશિષ્ટમાં સમાવેશ કરી દીધો હતો.

(ક્રમશઃ)

    Sports

    RECENT NEWS