- વસાહતોમાં યહૂદીઓ પર જર્મન પોલીસોની બેફામ દંડાબાજી
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-9
- એક ભિખારીએ સ્ત્રીના હાથમાંથી સૂપનું ટિન ઝૂંટવવા પ્રયાસ કરતા સૂપ ઢોળાઈ ગયો...
- ભિખારી આડો પડી રસ્તા પરના બરફ પર ઢોળાઈ ગયેલો સૂપ ચાટવા માંડયો
માતાની અમારી પાસે આ પ્રકારની અપેક્ષા હોવા છતાં ડિનર વેળા કોઇ ભૂલથી જર્મન છૂપી પોલીસ-ગેસ્ટાપોના જવાનો દ્વારા ગુજારાતા અત્યાચારની કે યુધ્ધ વિશેની વાતો કાઢે તો તુરત માતા વચ્ચે દરમિયાનગીરી કરતા કહેતી કે પરિસ્થિતિ થાળે પડી જશે, ભગવાન સૌ સારા વાનાં કરશે, આમ કહી અમારી એ વાત પર પૂર્ણવિરામ મુકી દેતી હતી.
શિયાળામાં ખાસ કરીને ડિસેમ્બરમાં ચારેકોર બરફની ચાદર છવાઇ જતી. આવા વાતાવરણમાં ગરીબ યહૂદીઓનો મરો થઇ જતો. તેમને ભીખ મળવાની લગભગ બંધ થઇ જતી એટલે કેટલાક ગરીબ યહૂદીઓ રસ્તે ચાલનારના હાથમાંથી પેકેટ કે થેલી ઝૂંટવી લેતા હતા, એ આશાથી કે પેકેટમાં કદાચ કોઇ ખાવાની ચીજ હશે તો એ દિવસ પુરતો જઠરાગ્નિ શાંત કરી શકાશે...!
હું બેન્ક સ્કવેર વળોટીને આગળ વધી રહ્યો હતો, ત્યારે મારી આગળ એક ગરીબ સ્ત્રી હાથમાં નાનુ ટિન લઇને જતી હતી. આ ટિન પર અખબારનો કાગળ વીંટાળેલો હતો. મારી અને એ સ્ત્રીની વચ્ચે કેડેથી વળી ગયેલો અને ઠંડીમાં થરથરતો એક ગરીબ માણસ ચાલી રહ્યો 'તો.
અચાનક એ વૃધ્ધ ગરીબે સ્ત્રીના હાથમાંનું ટિન ઝૂંટવી લેવા જોરથી ઝાપટ મારી, પણ હાય...રે નશીબ... એ ટિન ન તો પેલી સ્ત્રીના હાથમાં રહ્યું કે ન પેલા ગરીબ વૃધ્ધના હાથમાં ગયું, એ ટિન વૃધ્ધની ઝાપટથી સ્ત્રીના હાથમાંથી નીચે કાદવ-કીચ્ચડમાં જઇ પડયું, અને ટિનમાં ભરેલો ગરમાગરમ સૂપ કાદવમાં રેલાઇ ગયો..
અમે ત્રણ જણ - હું પોતે, એ ગરીબ વૃધ્ધ અને પેલી સ્ત્રી કાદવમાં ઢોળાઇ ગયેલા એ સૂપને જોતા ઊભા જ રહી ગયા. પેલી સ્ત્રી અવાક ચહેરે ઊભી હતી, ગરીબ વૃધ્ધ હતાશ વદને ઊંહકારા ભરતો હતો. હું આશ્ચર્યથી એ બન્નેને જોઇ રહ્યો 'તો, એટલામાં અચાનક જ એ વૃધ્ધ બરફ પર આળોટી પડયો અને કૂતરા-બલાડાની જેમ કાદવ પર ઢોળાયેલો સૂપ જીભથી ચાટવા માંડયો..! અત્યંત હૃદયદ્રાવક એ દ્રશ્ય હતું.. પોતાનો મોંઘો સૂપ ઢોળાઇ જવાથી દુઃખી થયેલી એ સ્ત્રીએ બરફની ચાદર પર લાંબા થઇ સૂપ ચાટતા એ વૃધ્ધના મોઢા પર જોરથી એક લાત ફટકારી...
એપ્રિલના ત્રીજા અઠવાડિયાથી યહૂદી વસાહતમાં એકાએક ભયનો માહોલ છવાઇ ગયો. કોઇને ચોક્કસ કારણ ખબર નહોતી કે વસાહતના રહીશો શા માટે અચાનક ફફડી રહ્યા છે..બપોર પછી વસાહતની બધી દુકાનો ટપોટપ બંધ કરી બધા ઘરમાં ભરાઇ જતા હતા.
તપાસ માટે નજીકના એક કાફેમાં ગયો, પણ એ કાફેનું શટર પણ પાડેલું હતું. આ બધું કેમ થઇ રહ્યું છે, તેની કોઇને કશી જ ખબર નહોતી.
અમે રાતે ૧૧ વાગ્યા સુધી ઘરમાં જાગતા બેસી રહ્યા. બહાર કશી હિલચાલ કે ભાગદોડના કોઇ સંકેત નહોતા. અમને હવે ખાતરી થઇ ગઇ કે માત્ર અફવાના લીધે જ વસાહતમાં ગભરાટ ફેલાયો હતો.
રાત શાંતિથી પસાર થઇ ગઇ. સવારે મારા પિતા વહેલા ઊઠીને વસાહતમાં આંટો મારવા ગયા. થોડી મિનિટોમાં જ એ પાછા આવ્યા ત્યારે તેમનો ચહેરો પડી ગયેલો લાગતો હતો. મોઢા પર ગભરાટનો ભાવ હતો. બહાર ગયા ત્યારે એમને એવી ખબર મળતી હતી કે મોડી રાતે જર્મન સૈનિકો વસાહતના ઘણાં બિલ્ડિંગોમાં ઘુસી ગયા 'તા અને તેમાંથી ૭૦ જેટલા પુરૂષોને ખેંચીને વસાહતની વચ્ચે લઇ જઇ ગોળીઓ મારી મોતને ઘાટ ઊતારી દીધા હતા. મારા પિતાએ કહ્યું, હજી એ બધાના મૃતદેહો ત્યાં જ પડયા છે. કોઇએ તે લઇ જવાની દરકાર નથી કરી.
આનો અર્થ શું થયો? એ ૭૦ જણનો શું વાંક હતો? જર્મનોએ તેમને પાછલી રાતે ચૂપચાપ કેમ મારી નાંખ્યા? આ બધા સવાલોના કોઇ ચોક્કસ જવાબ અમને મળતા ન હોતા. અમે ખૂબ જ ગભરાઇ ગયા. જર્મનો પર અમને ભારોભાર ગુસ્સો ચઢ્યો.
બપોર સુધી કોઇ જ નવી ખબર ન આવી. બપોર બાદ સૂમસામ સ્ટ્રીટસમાં કોઇ પોસ્ટરો ચોંટાડી ગયું; જર્મન સત્તાધિશોએ પોસ્ટરમાં જાહેર જનતા જોગ માહિતી આપતા લખ્યું 'તું કે, 'શહેરના આ વિસ્તારમાંથી ''અનિચ્છનીય તત્વો'' નો ખાત્મો બોલાવવાની અમને ફરજ પડી છે; પણ આનાથી વફાદાર નાગરિકોએ ડરવાની કોઇ જરૂર નથી. દુકાનો અને કાફે તાબડતોબ અગાઉની જેમ ખોલી નાંખો અને પૂર્વવત રાબેતા મુજબનું જીવન શરૂ કરી દો, તમારે કોઇ જાતનો ડર રાખવાની જરૂર નથી.'
એ પછીનો મે મહિનો શાંતિપૂર્ણ રીતે પસાર થઈ ગયો. વસાહતમાં જે કાંઈ ગણ્યાગાંઠયા થોડા નાનકડા બગીચા હતા તેમાં વિવિધ ફૂલો ખીલી ઊઠયા. પણ પછીના મહિનાથી જર્મનોને ફરી અમે એટલે કે યહૂદીઓ યાદ આવ્યા.
આ વખતે તેમની વ્યૂહરચના અલગ હતી. જર્મનો કદાચ અમારા પર અત્યાચાર ગુજારીને કંટળ્યા હશે એટલે તેમણે એ કામ ખુદ યહૂદી પોલીસ અને યહૂદી લેબર બ્યૂરોને સોંપી દીધું.
અમને યહૂદીઓને અંદરોઅંદર લડાવી મારવા માટે જર્મનો ઉસ્તાદીપૂર્વકની ચાલ ચાલ્યા. અમારા સમાજના સમૃધ્ધ પરિવારોના યુવાનોને જર્મનોએ પોલીસમાં ભરતી કરી દીધા, તે પૈકી ઘણાં બધા તો અમારા પરિચિતોના છોકરા હતા.
પણ હવે તેમનાથી ભયભીત થવાની નોબત આવી પહોંચી હતી. ગઈકાલ સુધી અમે જેમની સાથે બેસીને ગામ ગપાટા હાંકતા હતા, જેની સાથે હાથ મિલાવતા હતા અને જેઓ ખૂબ સારા માણસો હતા તેઓ રાતોરાત ધિક્કારપાત્ર વ્યક્તિઓ બની ગયા. બીજી રીતે કહીએ તો હવે તેઓ બધા જર્મનીના ગેસ્ટાપો પોલીસો જેવા બની ગયા...
જર્મનોએ અમારા સમાજના જે યુવાનોની પોલીસમાં ભરતી કરી અને તેમને પોલીસ ગણવેશ તેમજ કાંટા જેવા ખીલા જડેલી લાઠીઓ તેમના હાથમાં આપી તે જ સમયના અરસામાં એ યુવાનોના સ્વભાવમાં પરિવર્તન આવી ગયું.
હવે તેઓ જર્મન ગેસ્ટાપો અફસરો અને જવાનો સાથે ગાઢ સંપર્કમાં રહેવા લાગ્યા અને તેમની સાથે વસાહતના રસ્તા તેમજ ગલીઓમાં પેટ્રોલિંગમાં જોડાઈ ગયા.
આટલું ઓછું હોય તેમ જર્મન ગેસ્ટાપો યહૂદીઓ પર જે અત્યાચાર ગુજારતા હતા તેમની બરોબરી કરવા અથવા તો ત્રાસ કરવાની હોડમાં જર્મનોથી આગળ નીકળી જવાની કોશિશમાં અમારી પરના અત્યાચારો તેમણે વધારી દીધા.
હિટલરની છૂપી પોલીસ ગણાતી ગેસ્ટાપોના જવાનો જેટલી ચાલાકી અને ચતુરાઈપૂર્વક યહૂદી વસાહતોના રસ્તાઓ અને ગલીઓમાં બાજ નજર રાખતા હતા, એટલી જ ઉસ્તાદીધી આ યહૂદી પોલીસો કડકાઈપૂર્વક પેટ્રોલિંગ કરતા હતા. પોલીસ ગણવેશમાં સજ્જ આ યહૂદી જવાનો, જર્મન પોલીસોની જેમ જ મોટા ઘાંટા પાડી અમને ધમકાવતા હતા અને કેટલાકને તો દંડાથી કચકચાવીને ફટકારતા પણ હતા.


