- ચીનમાં એકહથ્થુ શાસન જમાવવાના પ્રયાસમાં આડે આવતા
- સારાંશ - વિનોદ ડી. ભટ્ટ (ભાગ-11)
- પેન્ગને જેલમાં ધકેલતા અગાઉ તેમના પર અતિશય શારીરિક માનસિક ત્રાસ ગુજારાયો
- ચીનમાં ૧૯૬૦માં ભૂખમરાથી એક જ વર્ષમાં ૨.૨૦ કરોડ લોકો મોતના મુખમાં ધકેલાયા
હતાશા સાથે ચીન પાછા ફરેલા પેન્ગે, જેને લશ્કરી બળવા જેવું ગણી શકાય, તેવું એક પગલું લેવાનું વિચાર્યૂં.
તારીખ તેરમી જૂને પેન્ગ રાજધાની પેકિંગ પાછા ફર્યા. (ચીનની રાજધાનીનું આ જૂનું નામ બદલી હવે બેઈજિંગ કરાયું છે.)
પૂર્વીય દેશોની નિષ્ફળ રહેલી મુલાકાતના કારણે હતાશ થયેલા પેન્ગે સ્વદેશ પાછા ફર્યા પછી તુરત તેમના ગાઢ મિત્ર અને માયાળુ પ્રકૃતિના ચીફ ઓફ આર્મી સ્ટાફ હુઆન્ગ-કે-ચેન્ગને કહ્યું, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં અનાજનો પૂરવઠો પહોંચાડવા માટે લશ્કરની કેટલીક ટૂકડીઓને એ વિસ્તારોમાં મોકલી આપો.
જોકે હુઆન્ગને ખ્યાલ આવી ગયો કે ડિફેન્સ મિનિસ્ટર પેન્ગ લશ્કરની ટૂકડીઓ અમુક વિસ્તારોમાં શા માટે મોકલવા ઈચ્છે છે. દુષ્કાળગ્રસ્તો માટે અનાજ પહોંચાડવાનું કારણ તો માત્ર દેખાવ પુરતું બહાનું હતું, લશ્કરી ટૂકડીઓની મુવમેન્ટ કરાવવા પાછળનો પેન્ગનો અસલ આશય ચીફ ઓફ સ્ટાફ પોતે સમજી ગયા હોવાથી લશ્કરી બટાલિયનોની મુવમેન્ટ કરવાના ડિફેન્સ મિનિસ્ટર પેન્ગના ઓર્ડરનો અમલ કરવા સામે તેમણે ખચકાટ/નારાજગી વ્યક્ત કરી હતી.
માઓને ક્યાંકથી પેન્ગની આ હિલચાલની બાતમી મળી જતા પાછળથી તેમણે પેન્ગને ખૂબ કડકાઈથી ખખડાવી નાંખ્યા હતા.
આ ઘટના પછી માઓએ પેન્ગના પ્રશ્નનો ફેંસલો આણી દેવાનો પ્લાન ઘડી કાઢયો. તા. ૨૪મીએ લુશાન નેશનલ પાર્ક વિસ્તારના રિસોર્ટમાં સામ્યવાદી પક્ષની એક કોન્ફરન્સ યોજવાની માઓએ તેમના સેક્રેટરીને સૂચના પાઠવી. આ કોન્ફરન્સ માટે આમંત્રિતોના નામની યાદી પણ સેક્રેટરીને આપી દેવાઈ પણ આ કોન્ફરન્સનો એજન્ડા જાહેર ન કર્યો.
આ કોન્ફરન્સમાં માઓએ ખાસ કરીને પેન્ગ ઉપરાંત લશ્કરના ચીફ ઓફ સ્ટાર હુઆન્ગ કે-ચેન્ગ અને પક્ષના પૂર્વ વડા લો ફુને પક્ષ વિરોધી ચંડાળ ચોકડી કહીને જાહેરમાં અપમાનિત કરી નાંખ્યા હતા.
એ પછી પેન્ગને ઘરમાં જ નજરકેદ હેઠળ રખાયા હતા અને બીજા વિરોધીઓને પણ અલગ અલગ શિક્ષા કરાઈ હતી. વિરોધીઓ સાથે તેમના પરિવારજનોનો પણ સામાજિક બહિષ્કાર કરાયો.
કેટલાક વિરોધીઓને લેબર કોમ્પમાં કાળી મજૂરી કરવા ધકેલી દેવાયા હતા. લુશાનની કોન્ફરન્સ બાદ સંરક્ષણ પ્રધાનપદેથી પેન્ગની હકાલપટ્ટી કરી તેમના સ્થાને લિન બિઆઓને મુકી દેવાયા, જેમણે હોદ્દો સંભાળતાની સાથે જ લશ્કરમાંથી પેન્ગના ગુ્રપના બધાની સામૂહિક બરતરફી કરી દીધી.
પેન્ગને જેલમાં ધકેલતા પહેલા તેમના પર પુષ્કળ શારીરિક અને માનસિક ત્રાસ ગુજારાયો હતો. જેલમાં તેમને તબીબી સવલત પણ નહીં અપાતા તા. ૨૯ નવેમ્બર ૧૯૭૪ ના દિવસે પેન્ગનું જેલમાં જ મૃત્યુ નિપજ્યું હતું.
માઓની '' Great Leap Forward'' નામની એક આર્થિક અને સામાજિક ઝુંબેશના કારણે પડેલા ભીષણ દુષ્કાળમાં કરોડો ચીની નાગરિકોનો ભોગ લેવાયો હતો. પરંતુ તેમાંય અતિશય આઘાતજનક હકીકત એ હતી કે પાંચેક વર્ષ ચાલેલી માઓની એ ઝુંબેશ દરમિયાન વર્ષ ૧૯૬૦ માં ૨.૨૦ કરોડ લોકો ભૂખમરામાં માર્યા ગયા હતા.
વિશ્વ આખાના ઈતિહાસમાં એક જ વર્ષમાં કોઈ દેશમાં આટલા બધા લોકો માર્યા ગયા હોવાનું ક્યાંય નોંધાયું નથી.
'Great Leap Forward' ઝુંબેશથી પક્ષમાં પણ માઓ વિરૂધ્ધ આંતરિક વિરોધનો ચરૂ ઊકળતો થયો હતો. માઓની આ ઝુંબેશના કારણે ચીનમાં માનવ સર્જિત દુષ્કાળ પડયો હતો. જેમાં કરોડો ચીની નાગરિકોના મોત નિપજ્યા હતા.
આવા સંજોગો વચ્ચે સપ્ટેમ્બર ૧૯૬૧ માં સામ્યવાદી કોંગ્રેસની બેઠકનું આયોજન કરાયું હતું. પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના માર્શલ અને ચીનના એક અગ્રણી રાજકારણી લિન બિયાઓની ડાયરીના એક લખાણ મુજબ માઓને તે સમયે સૌથી મોટી ચિંતા પક્ષની કોંગ્રેસ બેઠકમાં તેમને (એટલે કે માઓને પોતાને) બહુમતી મળશે કે કેમ ? તેની હતી.
અગાઉની કોંગ્રેસ સપ્ટેમ્બર ૧૯૫૬ માં યોજાઈ હતી. દર પાંચ વર્ષે પક્ષની બેઠક યોજવાનો નિયમ હોવાથી હવે સપ્ટેમ્બર ૧૯૬૧ આવી જતા ફરી કોંગ્રેસની બેઠકમાં માઓએ બહુમતી મેળવવી જરૂરી હતી. બહુમતી ન મળે તો માઓએ પક્ષનું ચેરમેનપદ ગુમાવવું પડે એટલે માઓને મોટી ચિંતા પક્ષનો સર્વોચ્ચ હોદ્દો કઈ રીતે જાળવી રાખવો તેની હતી.
અધિકારીઓ ખાનગીમાં ચેરમેન માઓ વિરૂધ્ધમાં ગુસપુસ કર્યા કરતા હતા. તે પૈકીની એક કોમેન્ટ એવી હતી કે અત્યારે જે થઈ રહ્યું છે.(ભૂખમરાની સ્થિતિ) તેવી સ્થિતિ ભૂતકાળમાં થઈ હોત તો એ જ વખતે શાસકે રાજીનામું આપવાની ફરજ પડી હોત. એક વખત માઓની દીકરી તેની માતાની કબરની સાફસફાઈ કરવા ગઈ તે વખતે કેટલાક લોકો અંદરોઅંદરની વાતચીતમાં માઓની ભયંકર ટીકા કરી શ્રાપ આપતા તેણે સાંભળ્યા... ઘેર આવી દીકરીએ પિતા માઓને આ આખી ઘટનાની વાત કરી હતી.
૧૯૫૯ થી ઘરમાં નજરકેદ હેઠળ રખાયેલા પૂર્વ સંરક્ષણ મંત્રી પેન્ગને ઓકટોબર ૧૯૬૧ માં તેમના વતનના વિસ્તારમાં જવાની મંજૂરી અપાઈ.
ગામેગામથી આવેલા સામાન્ય ગ્રામજનોએ તો ઉમળકાભેર પેન્ગનું સ્વાગત કર્યૂં જ, પણ સાથોસાથ એ વિસ્તારના અધિકારીઓ પણ પેન્ગને આવકારવા ઊભા રહી ગયા'તા.
સૌથી વધારે આશ્ચર્યની વાત તો એ છે કે માઓ જેવા ધરખમ નેતાની વિરૂધ્ધમાં બોલવાની હિંમત કરનાર પેન્ગને તેમની નીડરતા અને નિર્ભયતા બદલ શાબાશી આપવા માટે તેમના જૂના પારિવારિક ઘરમાં આવનારાઓ પૈકી કેટલાક અર્ધ ભૂખ્યા લોકો તો ૧૦૦ કિ.મી. દૂરથી ચાલતા આવ્યા હતા. !
પેન્ગે લાંબો સમય આ બધા સાથે વાતો કરી હતી.
સમગ્ર ચીનમાં આ સમયગાળા દરમિયાન માઓ માટે સમય સારો નહોતો. આવા સંજોગો વચ્ચે જોે સપ્ટેમ્બર ૧૯૬૧ માં સામ્યવાદી પક્ષની નેશનલ કોંગ્રેસની બેઠક યોજાઈ હોત તો બહુમતી સભ્યોએ માઓની વિરૂધ્ધમાં મતદાન કરી તેમને પદચ્યૂત કરી દીધા હોત.
માઓના એક ખાસ ટેકેદાર ગણાતા ઝાંન્ગ ચુન-કવીઓએ વર્ષો બાદ લખ્યું હતું કે નવમી નેશનલ કોંગ્રેસ જો ૧૯૬૧ માં યોજાઈ હોત તો માઓના સ્થાને લિઅુ શાઓ-ચી પક્ષના ચેરમેન બની ગયા હોત.


