FOLLOW US

સારા વ્યક્તિ બનો, એ સિવાય બીજું કાંઈ મહત્વનું નથી

Updated: Aug 17th, 2022


- જિંદગીના 90 મા વર્ષે મરણ પથારીએ પડેલા જહોનને બ્રહ્મજ્ઞાાન થયું કે જીવનમાં

- સારાંશ- વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- ધન-સમ્પત્તિ કે સ્ટેટસ સિવાય જીવનમાં બીજી ઘણી બાબતો મહત્વની છે

- આખી જિન્દગી એટલો ઢસરડો ના કરો કે છેલ્લે તમને અફસોસ રહી જાય...

મેં જરા જેટલી હિંમત દાખવી હોત તો મારા પતિ સિવાય મારા દીકરા, દીકરીઓ, પૌત્રો, પૌત્રીઓ બધા જ ખુશ થાત. હું પણ સુખેથી જીવત અને પરિવારજનો પણ શાંતિથી જીવી શકત. હું શા માટે મારા પતિથી આટલી બધી દબાઇ ગઇ? બ્રોની મને કહે, હું શા માટે આટલી દબાઇને જીવી?

મરણ પથારીએ પડેલા બ્રોનીના બીજા એક પેશન્ટ જ્હોનની ઉંમર લગભગ ૯૦ વર્ષ હતી.

એક દિવસ ઢળતી સાંજે સૂર્યોદય સમયે જ્હોન બાલ્કનીમાં ખુરશી પર બેસી સામે ક્ષિતિજમાં અસ્તાચળે પહોંચેલા સૂરજને જોઇ રહ્યો હતો. નજીકની ખુરશીમાં બ્રોની બેઠી હતી.

થોડીવાર પછી તેના તરફ નજર નાંખી જ્હોને વાત શરૂ કરી, હવે મને એવું લાગે છે બ્રોની કે જીવનમાં મારે આટલી સખત મહેનત કરવાની જરૂર નહોતી. મેં કેટલી મોટી મુર્ખામી કરી, આ જીવનમાં..! આખી જિન્દગી મેં બહુ દોડાદોડી કરી, ખૂબ મહેનત કરી અને હવે મરણ પથારીએ હું અહીં એકલો પડયો છું. સૌથી બદતર વાત એ છે મારા સમગ્ર નિવૃત્તિકાળ દરમિયાન હું એકલો જ રહ્યો, મારે એકલા રહેવાની જરૂર નહોતી.

બ્રોની શાંતિથી જ્હોનની જીવનકથા સાંભળતી રહી.

જ્હોન અને માર્ગારેટને પાંચ સંતાનો હતા, જે પૈકી એક દીકરો યુવાન વયે ગુજરી ગયો. બાકીના ચાર મોટા થઇને પોત-પોતાના સંસારમાં ઠીરીઠામ થયા, આજે તેમના ઘેર પણ દીકરા-દીકરીઓ છે.

જ્હોનના ચારે ચાર સંતાનો મોટા થઇનેે અલગ રહેવા ગયા, તે સમયગાળામાં જ પત્ની માર્ગારેટે પતિ જ્હોનને નિવૃત્ત થઇ જવા માટે પ્રેમથી સૂચન કર્યું હતું.

પતિ-પત્ની બન્ને શરીરે તંદુરસ્ત હતા એટલું જ નહીં નિવૃત્ત જીવન ટેસથી વીતાવી શકે એટલા પૈસાય તેમની પાસે હતા.

વહેલી નિવૃત્તિ લઇ મજાથી નિવૃત્ત જીવન વિતાવવાની પત્નીની સલાહ અવગણી જ્હોન તેને કહેતો, ના, ના, નિવૃત્તિમાં આપણને હજી, કદાચ વધારે પૈસાની જરૂર પડે તો..!, એટલે નિવૃત્ત થઇ જવાના બદલે હું કામ ચાલુ રાખુ છું.

આના જવાબમાં માર્ગારેટ ઠાવકાઇથી પતિને કહેતી કે આપણી પાસે પુરતા પૈસા છે જ, અને કદાચ વધારે પૈસાની જરૂર પડે તો હવે આપણા બે જણ માટે આટલા મોટા વિશાળ ઘરની કોઇ જરૂર નથી. આપણે આ મોટું ઘર વેચીને બે જણ માટે પુરતું થઇ પડે તેવું નાનું ઘર ખરીદીશું. તો આપણી પાસે ઘણા બધા પૈસા બાકી રહેશે.

પંદર વર્ષ સુધી પતિ-પત્ની વચ્ચે આ પ્રકારનો વિવાદ ચાલતો રહ્યો, અને એ દરમિયાન જ્હોને તેની ઓફિસમાં કામ ચાલુ જ રાખ્યું.

માર્ગારેટ, કામ પ્રત્યે પતિનું આ પાગલપન મુંગા મોંએ સહન કરતી રહી.

એક સાંજે માર્ગારેટે આંખમાં આંસુ સાથે પતિ જહોનને વધુ એક વાર વિનંતી કરી કે ઘરમાં એકલા એકલા મને નથી ગમતું. હવે તો તમે તમારી ઓફિસ બંધ કરી ઘેર રહોને...!

જહોને ધ્યાનથી પત્ની તરફ જોયું. આ ઉંમરે પણ તે સ્માર્ટ દેખાતી હતી. જો કે બન્ને જણ હવે વૃધ્ધ થઇ ગયા હતા. જહોન મનોમન વિચારે ચઢી ગયો કે માર્ગારેટ કેટલાય વર્ષોથી મારા નિવૃત્ત થવાની ધીરજથી રાહ જોઇ રહી છે. મારે તેની ધીરજની વધારે કસોટી ના કરવી જોઇએ. માર્ગારેટને હું પહેલી વખત મળ્યો અને જેટલી રૂપાળી દેખાતી હતી એટલી જ રૂપાળી આજે દેખાય છે. પણ જહોનના મનમાં આટલા વર્ષે આજે પહેલી વખત વિચાર આવ્યો કે હવે અમે બે કાંઇ લાંબુ જીવી શકીએ તેમ નથી.

વિચાર વમળમાંથી બહાર આવીને જહોને પત્નીને પ્રેમપૂર્વક કહ્યું, સારૂં, તારી બહુ ઇચ્છા છે તો હવે હું રિટાયર થઇ જઇશ. કામ બંધ કરી દઇશ, પણ...

પતિ આગળ કાંઇ બોલે તે પહેલાં જ માર્ગારેટ ખુશીથી નાચી ઊઠી. તે અતિશય વ્હાલથી પતિને ભેટી પડી. હવે તેની આંખોમાં દુ:ખના નહીં પણ હર્ષાશ્રુ વહેવા માંડયા.

પણ હાય  રે નસીબ..! જહોને વાત આગળ વધારતા કહ્યું,.. પણ.. માર્ગારેટ હવે મને ફક્ત એક વર્ષ જ આપ. આવતા વર્ષથી હું કામ છોડીને આખો દિવસ તારી સાથે જ વીતાવીશ.

માર્ગારેટની ખુશી વરાળ થઇને હવામાં વિલીન થઇ ગઇ. જહોને પત્નીને સાંત્વત આપતા કહ્યું, એક મોટા સોદાની વાત ચાલે છે. એ સોદો પાર પડતા એકાદ વર્ષ જ લાગશે, પછી આગળ મારે કશું જ નથી કરવું.

માર્ગારેટે મનમાં વિચાર્યૂં ૧૫ વર્ષથી જહોન રિટાયર થવાની હું રાહ જોઉં છું, કાંઇ વાંધો નહીં, મારે, હજી એક વર્ષ વધારે રાહ જોવી પડશે.

મન સાથે સમાધાન કર્યા વિના કોઇ છૂટકો નથી, એમ વિચારી કમકમને માર્ગારેટે પતિની વાત સ્વીકારી લીધી.

મરણ પથારીએ પડેલા જહોને, યુવાન કેરટેકર બ્રોનીને આટલી વાત કરી એ દરમિયાન સૂર્યાસ્ત થઇ ચૂક્યો હતો. જહોને સાવ ધીમા અવાજે કહ્યું, બ્રોની ધંધામાં વધુ એક મોટો સોદો પાર પાડવાની લ્હાયમાં મેં મારો સ્વાર્થ જોયો, પણ પત્નીની લાગણીની દરકાર ના કરી..

આ વાતને ચારેક મહિના વીતી ગયા, જહોનને કામમાંથી 'રિટાયર' થવાના હજી આઠ મહિના બાકી હતા, તેવામાં અચાનક માર્ગારેટની તબિયત બગડવા માંડી. 

નિવૃત્તિ પછી મોજમજા કરવાના જહોનના પ્લાન પર પાણી ફરી વળવાની શરૂઆત થઇ ગઇ.

પોતાની જીવન કહાની આગળ વધારતા જહોને નર્સ બ્રોનીને કહ્યું, મારા પરિવારે મને ખૂબ હૂંફ આપી છે, મને મારૂં કામ પણ ખૂબ ગમતું હતું. સમાજમાં મારૂં એક 'સ્ટેટસ' હતું પણ હવે એ બધાનો શો અર્થ? જીવનના આખરી દિવસોમાં અત્યારે હું અહીં એકલો છું, આખી જિન્દગી મારો કામ-ધંધો સરસ રીતે ચાલે તે માટે જેમણે મને પુરેપુરો સાથ આપ્યો તે, માર્ગારેટ, મારી વ્હાલી પત્ની માર્ગારેટ અને મારા પરિવારને જેટલો સમય આપવો જોઇએ તેટલો સમય મેં નથી આપ્યો, તેનો હવે મને અફસોસ થયા કરે છે. માર્ગારેટે મને હંમેશા પ્રેમ અને સાથ આપ્યો, પણ મેં એને સમય ના આપ્યો. હું આનંદ અને મજાથી વધારે સારી રીતે જિન્દગી જીવી શક્યો હોત. 

જહોન કામમાંથી નિવૃત્તિ લેવાનો હતો તેનાથી ત્રણેક મહિના પહેલા જ માર્ગારેટે આખરી શ્વાસ લીધા..

ત્યારથી જહોનના મનમાં એક મોટો ખટકો રહી ગયો છે, તેને અફસોસ થઇ રહ્યો છે. એને થાય છે કે જિન્દગીમાં મેં મોટી 'ભૂલ' કરી નાંખી. માર્ગારેટ સાથે મોજથી હરી ફરીને જિન્દગીના છેલ્લા કેટલાક વર્ષો વિતાવવાના બદલે મેં મારા કામને બિનજરૂરી રીતે વધારે મહત્વ આપ્યું...! 

હવે હું ડરી ગયો છું, મને ભય સતાવી રહ્યો છે. અત્યારે હવે હું મરણ પથારીએ પડયો છું ત્યારે મને ખરો અહેસાસ થાય છે કે જીવનમાં એક સારા વ્યક્તિ બનીને રહેવા કરતાં સારૂં બીજું કાંઇ નથી. આપણે સારા દેખાવા માટે માત્ર બાહ્ય ભૌતિક ધન-સમ્પત્તિ પર શા માટે વધારે ભાર મુકીએ છીએ?

જહોન ત્રૂટક ત્રૂટક રીતે તેના મનના વિચારો આ રીતે નર્સ સમક્ષ વ્યક્ત કરતો રહેતો હતો. 

Gujarat
English
Magazines