For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લુઈ ઝમ્પેરિનિને વિદાય આપવા આખું ગામ સ્ટેશને ઊમટી પડયું

Updated: Aug 18th, 2021

Article Content Image

- ઓલિમ્પિક માટેની સિલેક્શન ટ્રાયલમાં ભાગ લેવા ન્યૂયોર્ક જતા

- લુઈની રોમાંચક જીવનકથા- ભાગ-6

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ઓલિમ્પિક સિલેક્શન ટ્રાયલમાં ભાગ લેનાર લુઈ સૌથી નાની વયનો દોડવીર

- પડોશીએ લુઈને સૂટકેસ ભેટ આપી, જેના પર લખ્યું'તુંઃ ''ટોરેન્સ ટોર્નાડો''

ઓલિમ્પિક રમતોત્સવના વિશ્લેષકોના મતે બર્લિનની ઓલિમ્પિકમાં લુઇ જ મેદાન મારી જવાનો હતો. લુઈને તો તેની જીતનો આત્મ વિશ્વાસ હતો જ, મોટોભાઇ પીટે પણ છાતી ઠોકીને કહેતો કે વર્ષ ૧૯૩૬ ની ઓલિમ્પિકમાં મારો નાનોભાઇ લુઇ જ જીતવાનો છે.

ઓલિમ્પિકની ટ્રેક રેસમાં વિજય હાંસલ કરવાની નેમ સાથે લુઇએ પ્રેક્ટિસ વધારી દીધી. પીટેએ તેને તાલીમ આપવામાં જરાય કચાશ ન છોડી.

રાત-દિવસ ૧૫૦૦ મીટરની દોડ અને બર્લિનની ઓલિમ્પિકના સ્વપ્નમાં જ લુઇ રચ્યોપચ્યો રહેતો હતો. પણ ઓલિમ્પિકના ત્રણેક મહિના અગાઉ કોણજાણે કેમ પણ તેને નિરાશાજનક વિચાર આવવા માંડયા કે ઓલિમ્પિકમાં તે કદાચ જીત નહીં મેળવી શકે. ટ્રેક રેસની તાલીમમાં રોજે રોજ તેની ઝડપ તો વધતી હતી પણ કર્નિંગહામ જેવા ઉંમરમાં તેનાથી સિનિયર દોડવીરો જેટલો સુધારો તેનામાં થતો નહોતો.

લુઇને એવું લાગતું હતુ કે સિનિયરોની સરખામણીમાં તેના શરીરને તે ઝડપથી કેળવી શકતો નથી. એ પાછળનું કારણ વિચારતા લુઇને લાગ્યું કે મારા સિનિયરોની ઉંમર ૨૫ થી ૨૭ વર્ષની છે, જ્યારે મારી ઉંમર માંડ ૧૮ વર્ષની છે. હું તેમનાથી ઘણો નાનો હોવાથી કદાચ આમ થતું હશે. આવા વિચારના કારણે તે હતોત્સાહ થઇ ગયો.

ઓલિમ્પિકના વિચારોમાં ડૂબેલા લુઇએ એક દિવસ અખબારમાં ૫૦૦૦ મીટરની દોડ સ્પર્ધાના સમાચાર વાંચ્યા. લોસ એન્જેલસના સ્પોર્ટસ સ્ટેડિયમમાં તા.૨૨ મી મે ના રોજ યોજાનારી એ ૫૦૦૦ મીટરની (૩ માઇલ ૧૮૮ યાર્ડસ) ટ્રેક કોમ્પિટિશનનું મુખ્ય આકર્ષણ નોર્મન બ્રાઇટ હતો. ૨૬ વર્ષનો આ સ્કૂલ ટિચર બે માઇલની દોડ સ્પર્ધામાં પહેલા નંબરે  આવ્યો હતો. અગાઉ યોજાયેલી ૫૦૦૦ મીટરની એક દોડ હરિફાઇમાં પણ તેનો બીજો નંબર હતો.  એ હરિફાઇમાં પહેલા નંબરે ઇન્ડિયાના યુનિવર્સિટીનો ૨૩ વર્ષનો ડોન લેસ આવ્યો હતો. કોઇ પણ દોડ સ્પર્ધામાં ડોન લેસ જૂના રેકોર્ડ તોડીને નવા-નવા રેકોર્ડ સર કરતો રહેતો હોવાથી રમત જગતમાં બધા તેને રેકોર્ડ-તોડ મશીન કહેતા હતા. 

આ બે ધુરંધર દોડવીરો લોસ એન્જેલસની ૫૦૦૦ મીટરની દોડ કોમ્પિટિશનમાં ભાગ લેવાના હતા, અને આવતા વર્ષે જર્મનીના પાટનગર બર્લિનમાં યોજાનારી ઓલિમ્પિકની ૫૦૦૦ મીટરની દોડ સ્પર્ધામાં અમેરિકા જે ત્રણ દોડવીરોને મોકલશે, તેમાં પણ આ બેના નામ તો લગભગ નક્કી થઇ જ ચૂકેલા છે. જોવાનું માત્ર એટલું જ બાકી રહે છે કે ઓલિમ્પિકમાં અમેરિકા તેના તરફથી ત્રીજા કયા દોડવીરને મોકલશે. 

પીટેએ નાનાભાઇ લુઇને સલાહ આપી કે અમેરિકા તરફથી ઓલિમ્પિકમાં જવા માટે તારે જો સિલેકટ થવું હોય તો લોસ એન્જેલસમાં યોજાનારી ૫૦૦૦ મીટરની દોડમાં તારે ભાગ લેવા જવું જ જોઇએ. એ દોડમાં જો તું નોર્મન બ્રાઇટની બરોબરી કરીશ તો ઓલિમ્પિક માટે સિલેકટ થવાના તારા ચાન્સ વધી જશે. 

પીટેની સલાહ તો સારી, વ્યાજબી અને વ્યવહારૂ હતી પણ લુઇ માટે આ સ્પર્ધામાં ભાગ લેવાનું જરા અઘરૂં એટલા માટે હતું કે અત્યાર સુધી તેણે ફક્ત ૧૫૦૦  મીટર કે તેથી થોડું આગળ વધીને ૧ માઇલની દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ૫૦૦૦ મીટરની દોડ એટલે કે અત્યાર સુધીની દોડ સ્પર્ધાની સરખામણીમાં ત્રણ ગણી કરતાં વધારે લાંબી દોડમાં દોડવાનો આ સવાલ હતો. 

એક માઇલની દોડ સ્પર્ધામાં માત્ર ચાર રાઉન્ડ હોય છે, પરંતુ ૧૨ રાઉન્ડ દોડે ત્યારે ૫૦૦૦ મીટરની દોડ પુરી થાય છે...! ૫૦૦૦ મીટરની દોડ સ્પર્ધામાં બધા ૨૦ વર્ષ કે તેથી વધારે ઉમરના યુવાનો જ ભાગ લેતા હોય છે, જ્યારે લુઇ હજી માંડ ૧૮ વર્ષનો હતો. 

લોસ  એન્જેલસની દોડ હરિફાઇને હવે માત્ર બે જ અઠવાડિયા બાકી હતા. તા.૨૨મી મેએ લોસ એન્જેલસની દોડ સ્પર્ધા પછી જુલાઇમાં ઓલિમ્પિક ટ્રાયલની કોમ્પિટિશનમાં તેણે ભાગ  લેવાનો હતો. 

મોટાભાઈ પીટે અને બીજા ફ્રેન્ડસની સલાહ માની લુઈએ ૫૦૦૦ મીટરની દોડ સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી શરૂ કરી...

લોસ એન્જેલસના સ્પોર્ટસ સ્ટેડિયમમાં ૧૦,૦૦૦ પ્રેક્ષકો તેજીલા તોખાર જેવા દોડવીરોને તેજ ગતિએ દોડતા જોવા માટે ઊમટી પડયા હતા. 

ટ્રેક પર બ્રાઇટ અને લુઇ એકબીજાને પરાસ્ત કરવા શરીરનું સમસ્ત જોર લગાવીને દોડતા હતા. ઘડીકમાં બ્રાઇટ તો બીજી ક્ષણે લુઇ આગળ નીકળી જતો હતો. બન્ને દોડવીરો દોડતા નહોતા, જાણે હવામાં ઉડતા હોય તેવું દર્શકોને લાગતું 'તું. બેમાંથી એકેયના પગ એકાદ ક્ષણથી વધારે વાર જમીન પર ટકતા જ નહોતા. દર્શકો સ્ટેડિયમમાં  બેસવાને બદલે ઊભા થઇને ચીચીયારો પાડી દોડવીરોને તેમની ઝડપ હજીય વધારવા માટે પ્રોત્સાહિત કરતા હતા. 

કટોકટની આ રેસમાં સ્હેજ માટે લુઇ; બ્રાઇટની પાછળ રહી ગયો, પણ ૫૦૦૦ મીટરની દોડ સૌથી વધુ ઝડપે દોડનાર દોડવીરો તરીકે અમેરિકામાં બ્રાઇટ અને લુઇ એમ બન્નેનું નામ જાણીતું થઇ ગયું. આ દોડ સ્પર્ધા પછી લુઇમાં હિંમતનો પુનઃસંચાર થયો અને ઓલિમ્પિકમાં દોડવા માટે ફરી એકવાર તેના મનમાં આશા-ઉમંગનું મોજું ફરી વળ્યું. તે પછી તેરમી જૂને લુઇએ બીજી એક ૫૦૦૦ મીટરની રેસમાં ભાગ લીધો. પણ પ્રેકિટસ દરમિયાન તેના પગના અંગૂઠામાં થયેલી ઇજાના કારણે તે રેસમાં બરાબર દોડી ના શક્યો. આ રેસમાં પણ ૨૬ વર્ષનો નોર્મન બ્રાઇટ તેને ૪ યાર્ડ જેટલો પાછળ રાખીને ફિનિશ લાઇન ક્રોસ કરી ગયો.  પણ લુઇ નામોશીમાંથી એટલા માટે બચી ગયો કે ભલે આ રેસમાં તે પહેલા કે બીજા નંબરે નહોતો આવ્યો, તેનો ત્રીજો નંબર હોવાથી ઓલિમ્પિક સિલેકશન ટ્રાયલમાં ભાગ લેવા માટે તેને આમંત્રિત કરાયો હતો. 

ત્રીજી જુલાઇ, ૧૯૩૬ની રાતે ટોરેન્સના ગ્રામજનો સ્ટેશન પર લુઇને વિદાય આપવા ઊમટી પડયા. ઓલિમ્પિક માટેની સિલેકશન ટ્રાયલમાં ભાગ લેવા લુઇ ન્યૂયોર્ક જઇ રહ્યો હતો. પોતાના ગામનો છોકરો ઓલિમ્પિક રમતોત્સવ માટે સિલેકટ થાય તેવી શુભેચ્છા સૌ તેને આપી રહ્યા હતા. ગામ લોકોએ ન્યૂયોર્કમાં રહેવા-જમવા અને ફરવા માટે લુઇને ઘણાં બધા ડોલર ભેટમાં આપ્યા. લુઇનો પડોશી નવા કપડાં, શેવિંગ કિટ અને અન્ય સામગ્રી ભરેલી સૂટકેસ લુઇને ભેટ આપવા માટે લઇ આવ્યો 

હતો. સૂટકેસ પર ''ટોરેન્સ ટોર્નાડો'' લખેલું હતું. 

Gujarat